પાકિસ્તાનના ‘માનવતસ્કરો’ હજારો લોકોને ગેરકાયદેસર રીતે યુરોપમાં કઈ રીતે ઘુસાડે છે?

    • લેેખક, રેહા કંસારા, સામરા ફાતિમા અને જાસ્મીન ડાયર
    • પદ, બીબીસી ન્યૂઝ

ક્વેટાના એક માનવતસ્કર લોકોને ગેરકાયદેસર રીતે પાકિસ્તાનથી બહાર મોકલવાની વ્યવસ્થા કરે છે.

આ માનવ તસ્કરે બીબીસીના એક અંડરકવર રિપોર્ટરને પોતાનું બિઝનેસ મૉડલ સમજાવ્યું.

તેમનું કહેવું છે કે 25 લાખ પાકિસ્તાની રૂપિયા (નવ હજાર ડૉલર)માં તેઓ એક વ્યક્તિને લગભગ ત્રણ અઠવાડિયાંમાં ‘સુરક્ષિત અને સ્વસ્થ’ યુરોપ પહોંચાડી શકે છે.

તેમનું કહેવું હતું કે આમ કરવા ઇચ્છુક વ્યક્તિએ પગપાળા જ ઈરાનમાં દાખલ થવું પડશે. ત્યાંથી સડક માર્ગે તુર્કી અને તે બાદ ઇટાલી. આ માનવતસ્કર આશ્વાસન આપી રહ્યા હોય એ રીતે આ વાત કહી રહ્યા હતા.

યુરોપ જવા ઇચ્છુક વ્યક્તિ માટે તેઓ કહે છે કે, “તેણે પોતાની પાસે નાસ્તો રાખવો જોઈએ. તેની પાસે સારી ગુણવત્તાવાળાં પગરખાં હોવાં જોઈએ. બે-ત્રણ જોડી કપડાં હોવાં જોઈએ. બસ આટલું જ. એ ક્વેટાથી પાણી ખરીદી શકે છે. એ ક્વેટા પહોંચીને ફોન કરશે અને અમારો એક માણસ ત્યાં પહોંચીને તેને રિસીવ કરશે.”

આઝમ નામના આ માનવતસ્કરનો દાવો છે કે દરરોજ સેંકડો મુસાફરો પાકિસ્તાનની સીમા ઓળંગીને ઈરાનમાં પ્રવેશે છે. એ બીબીસી રિપોર્ટર માટે જોખમોનું ઓછું મૂલ્યાંકન કરીને રજૂઆત કરે છે.

આ અંડરકવર રિપોર્ટર એક એવી વ્યક્તિ સ્વરૂપે તેમને મળ્યો, જે પોતાના ભાઈને યુકે મોકલવા માગે છે.

પાકિસ્તાન કેમ છોડી રહ્યા છે લોકો?

પાકિસ્તાનમાં મોંઘવારીમાં વધારો અને પાકિસ્તાની રૂપિયાના મૂલ્યમાં પડતીના કારણે ઘણા લોકો દેશ છોડીને વિદેશ જવા માગી રહ્યા છે. પાકિસ્તાની અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે વર્ષ 2023 પહેલાં છ માસમાં લગભગ 13 હજાર લોકોએ લીબિયા કે ઇજિપ્ત જવા માટે પાકિસ્તાન છોડ્યું છે.

તેમજ વર્ષ 2022માં આવા લોકોની સંખ્યા લગભગ સાત હજાર હતી.

આવા લોકો અવારનવાર જે મુસાફરી ખેડે છે, એ ખતરનાક હોય છે. આ વર્ષે જૂન માસમાં ગ્રીસના કાંઠે માછલી પકડતી નાની હોડી ડૂબી જતાં સેંકડો મુસાફરોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. અનુમાન પ્રમાણે આ હોડીમાં ઓછામાં ઓછા 350 પાકિસ્તાની સવાર હતા.

આઝમ જણાવે છે કે, “જો એ રસ્તામાં પકડાઈ જાય તો પણ એ પરત પોતાના ઘરે જ પહોંચશે. કોઈ તેનું અપહરણ નહીં કરે અને તેના બદલે પૈસાની માગ નહીં કરે.”

પરંતુ લીબિયાના રસ્તે મુસાફરીનો પ્રયત્ન કરનાર મુસાફરો માટે મિલિશિયા અને ક્રિમિનલ ગૅંગના કબજામાં પહોંચી જવાનો ખતરો હોય છે. જે પાકિસ્તાની વ્યક્તિ સાથે અમે વાત કરી, તેમણે ઇટાલીની મુસાફરી માટે માનવતસ્કરોનો આશરો લીધો હતો. તેમણે જણાવ્યું કે તેમનું અપહરણ કરાયું હતું અને તેઓ લીબિયામાં ત્રણ મહિના સુધી કેદમાં રહ્યા હતા. સઈદ (બદલેલ નામ)એ જણાવ્યું કે તેમના પરિવારે અઢી હજાર ડૉલર ચૂકવ્યા બાદ જ તેમને છોડાયા.

તેમણે જણાવ્યું કે યુરોપ જવાની કોશિશ દરમિયાન લીબિયામાં તેમનું અપહરણ કરાયું હતું.

માનવતસ્કરો ક્યાં પ્રચાર કરે છે?

પાકિસ્તાનના ઘણા માનવતસ્કર ફેસબુક અને ટિકટૉક જેવાં મુખ્ય પ્રવાહનાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના ઍકાઉન્ટ પર હજારો ફૉલોઅર્સ છે.

બીબીસી માનવતસ્કરીને પ્રોત્સાહન આપતાં આ સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર મે માસથી નજર રાખી રહ્યું છે. આ દરમિયાન અમને જાણવા મળ્યું કે માનવતસ્કર ડાયરેક્ટ મૅસેજ (ડીએમ) અને વ્હૉટ્સઍપના માધ્યમ વડે ખાનગી રીતે મુસાફરી અને ચુકવણીની વ્યવસ્થા કરે છે.

આ ગેરકાયદેસર કારોબારને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ‘ડંકી’ અને ‘ગેમ’ જેવા શબ્દોનો ઉપયોગ કરાય છે. ‘ડંકી’નો ઉપયોગ હોડીથી રસ્તો પૂરો કરવા અને ‘ગેમ’નો ઉપયોગ અમુક વ્યક્તિ સફળતાપૂર્વક પહોંચી જાય એ સંદર્ભે કરાય છે.

યુરોપના અમુક દેશમાં પહોંચવા માટે પાકિસ્તાનમાં ત્રણ રસ્તા પ્રચલિત છે, તુર્કી, ઈરાન અને લીબિયા. આ જ માર્ગોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરાય છે.

ગ્રીસમાં થયેલી હોડી દુર્ઘટના બાદ અમે જે તસ્કરો પર નજર રાખી, તેઓ હવે તસ્કરીની મનપસંદ રીત સ્વરૂપે ‘ટૅક્સી ગેમ’ને પ્રોત્સાહન આપી રહ્યા છે. તે પૂર્વ યુરોપથી પસાર થતો એક નાનો રસ્તો છે.

તસ્કરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુસાફરોનાં સમૂહોના જંગલમાં સંતાવાના અને મિની વાનમાં જતા વીડિયો પોસ્ટ કરાય છે. આ પોસ્ટ પર એજન્ટોનાં નામ અને મોબાઇલ ફોન નંબર અંકિત હોય છે. વૉટ્સઍપ પર, ગ્રાહક અને એજન્ટ સેંકડો સભ્યો સાથે આગામી ‘ગેમ’ વિશે મૅસેજનાં આદાન-પ્રદાન કરે છે.

આઝમ ‘ટૅક્સી ગેમ્સ’માં કુશળ છે. તેમનો દાવો છે કે ‘ટૅક્સી ગેમ’ સમુદ્રી માર્ગો કરતાં વધુ સુરક્ષિત છે. પરંતુ સડક માર્ગનાય અલગ ખતરા છે.

સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી યુએનએચસીઆરનું કહેવું છે કે ઠંડીમાં ઓછા તાપમાનને કારણે મુસાફરો પગપાળા સરહદ પાર કરવાનો પ્રયાસ કરે છે, માર્ગ અકસ્માતનોય ખતરો હોય છે, તેનું પરિણામ હોય છે મૃત્યુ.

અમે જે અન્ય પાંચ માનવ તસ્કરો સાથે વાત કરી, તેમણે પણ ‘ટૅક્સી રૂટ’ની સિફારસ કરી. તે પૈકી એકે કહ્યું કે તેઓ એક હજાર પાઉન્ડના ખર્ચે ગમે એ વ્યક્તિને ફ્રાન્સથી યુકે લઈ જઈ શકે છે.

ફરિયાદ બાદ મેટાએ હઠાવ્યાં પેજ

અમે આ તમામ પુરાવા મેટાને આપ્યા છે. મેટા જ ફેસબુક, વૉટ્સઍપ અને ટિકટૉકનું માલિક છે. અમે તેમને કહ્યું છે કે તેમના પ્લૅટફૉર્મનો ઉપયોગ ગેરકાયદેસર રીતે તસ્કરીને પ્રોત્સાહન આપવા માટે કરાઈ રહ્યો છે.

મેટાએ અમારા દ્વારા ચિહ્નિત ફેસબુક સમૂહ અને પેજની તમામ લિંકો હઠાવી દીધી, પરંતુ તેમની સાથે સંકળાયેલી પ્રોફાઇલ ન હઠાવી. તેણે વૉટ્સઍપ ગ્રૂપ પણ ન હઠાવ્યું કારણ કે તેની ઍન્ડ-ટુ-ઍન્ડ નીતિ ગુપ્તતાનું રક્ષણ કરે છે અને મૉડરેશનની મંજૂરી નથી આપતી.

ટિકટૉકે એ એકાઉન્ટની લિંક હઠાવી દીધી જે અંગે અમે તેમને ચેતવ્યા હતા. તેમાં કહેવાયું હતું કે કંપની માનવતસ્કરીને પ્રોત્સાહન આપતી સામગ્રી પ્રત્યે ઝીરો-ટૉલરન્સ ધરાવે છે. તેણે પોતાની નીતિઓનું ઉલ્લંઘન કરનારાં ખાતાં અને સામગ્રી હઠાવી દીધાં.

સઈદ શાની રાહ જોઈ રહ્યા છે?

સઈદ હાલ ઇટાલીમાં છે. પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં રહેતા સઈદે લગભગ એક વર્ષ પહેલાં પોતાનું શહેર છોડી દીધું હતું. તેમના વિસ્તારમાં રોજગારીની સંભાવના નહોતી.

આ સાથે જ ભારત પ્રશાસિત કાશ્મીર સાથે જોડાયેલી સીમા પર ઘર્ષણ પણ થતા રહેતા. તેમનું ઘર ભારત-પાકિસ્તાન વચ્ચેની વાસ્તવિક લાઇન ઑફ કન્ટ્રોલ પાસે છે. તેઓ પાછલા દસ માસથી ઇટાલીમાં છે.

તેઓ કહે છે કે યુરોપ આવવા માટે ઑનલાઇન જોયેલા એક ટિકટૉક વીડિયો અને પોતાના મિત્રથી પ્રભાવિત થયા હતા, તેમનો મિત્ર તેમના અમુક મહિના પહેલાં જ પાકિસ્તાન છોડી ગયો હતો.

તેઓ કહે છે કે, “મેં સાંભળ્યું હતું કે અહીં આવવું અત્યંત સરળ છે અને તેમાં લગભગ 20 દિવસનો સમય લાગે છે. પરંતુ એ બધું જૂઠું હતું. મને આ પ્રવાસમાં સાત માસ કરતાં વધુ સમય લાગ્યો.”

સઈદે ઇટાલીમાં શરણ મેળવવા માટે અરજી કરી છે. તેઓ પોતાની અરજી અંગે નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. તેઓ કહે છે કે હવે તેમને ‘ગેરકાયદેસર રસ્તો’ પસંદ કરવાના પોતાના નિર્ણયનો પસ્તાવો છે. તેઓ આને ‘મૃત્યુની મુસાફરી’ ગણાવે છે. તેઓ નિયમિતપણે ઇટાલીમાં પોતાના નવા જીવનના વીડિયો ટિકટૉક પર પોસ્ટ કરતા રહે છે.

અમારા અંડરકવર રિપોર્ટરોએ પ્રથમ વખત માનવતસ્કર સાથે સંપર્ક કર્યાનાં બે અઠવાડિયાં બાદ ફરી વાર તેમનો સંપર્ક કર્યો. આ વખત તેમને કહેવાયું કે તેની વાત બીબીસીના પત્રકારો સાથે થઈ રહી છે. જ્યારે અમે આઝમને એ ગેરકાયદેસર રસ્તાના ખતરા વિશે જણાવ્યું, જેને તે પ્રોત્સાહિત કરી રહ્યા છે, આ સાંભળતાં ફોન ડિસકનેક્ટ કરી દેવાયો.