પાકિસ્તાની ભિખારીઓની ટોળીઓથી સાઉદી અરેબિયા કેમ પરેશાન છે?

બે પુરુષ અને બે મહિલાની એક ટોળકી આ મહિનાની પાંચમી તારીખે ઉમરાના બહાને ભીખ માગવાના ઇરાદે સાઉદી અરેબિયા જવા માટે લાહોરના અલ્લામા ઇકબાલ ઍરપૉર્ટ પર પહોંચી હતી.

પાકિસ્તાની પંજાબના કસૂર જિલ્લાના ભિખારીઓની આ ‘સંગઠીત ટોળકી’માં નસરીન બીબી, તેમના કાકા અસલમ, કાકી પરવીન અને ભાઈ આરિફ સામેલ હતાં.

એ ચારેય સુંદર સપનાં લઈને ઍરપૉર્ટ પરના ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ)ના ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યાં હતાં.

નસરીન બીબી આ અગાઉ 16 વખત, જ્યારે પરવીન નવ વખત ઉમરા કે ઝિયારત કરવાના બહાને ભીખ માગવા સાઉદી અરેબિયા, ઈરાન અને ઇરાક ગયાં હતાં.

જોકે, અસલમ અને આરિફ પહેલીવાર સાઉદી અરેબિયા જઈ રહ્યા હતા, પરંતુ ભૂતકાળમાં ઝિયારતને બહાને ભીખ માગવા તેઓ ઘણીવાર ઈરાન અને ઇરાકનો પ્રવાસ કરી ચૂક્યા છે.

એફઆઈએ ઇમિગ્રેશન કાઉન્ટર પરના અધિકારીઓએ એ ચારેયની પૂછપરછ કર્યા બાદ તેમને વિમાનમાં ચડતાં રોક્યા હતાં અને તેમની સામે ‘ટ્રાફિકિંગ ઇનપર્સન ઍક્ટ, 2018’ હેઠળ કેસ નોંધ્યો હતો તથા તેમની ધરપકડ કરી હતી.

એફઆઈએની પૂછપરછ દરમિયાન ચારેયે કબૂલાત કરી હતી કે તેઓ ઉમરાના બહાને સાઉદી અરેબિયા જઈ રહ્યાં હતાં, પરંતુ તેમનો અસલી ઇરાદો ત્યાં જઈને ભીખ માગવાનો હતો.

બીબીસી પાસે ઉપલબ્ધ એફઆઈઆરની નકલમાં જણાવ્યા મુજબ, આ ચારેય પહેલાં પણ ભીખ માગવા માટે સાઉદી અરેબિયા, ઈરાન અને ઇરાક ગયાં હતાં.

એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર, આરોપીઓ અને તેમના એજન્ટ જહાંઝેબ વચ્ચે મોબાઇલ મૅસેજ મારફત થયેલી વાતચીતમાં પણ આ ટોળકી ભીખ માગવા વિદેશ જતી હોવાના પુરાવા છે. તેમના મોબાઇલ ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

નસરીન બીબી અને પરવીનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે, જ્યારે મોહમ્મદ અસલમ તથા આરિફ વધુ પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં છે.

નસરીન બીબીને નવમી ઑક્ટોબરે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યાં ત્યારે બીબીસીએ તેમની સાથે વાત કરી હતી. નસરીન બીબીએ કહ્યું હતું, “અમારી ધરપકડ કરવાથી સમસ્યા ઉકલી જશે? શું આ દેશમાં લોકો ભૂખથી મરતા નથી? શું રોજગાર મેળવવાનો અધિકાર ન હોવો જોઈએ?”

સાઉદીમાં ભીખ માગવાથી પાકિસ્તાનની બદનામી નથી થતી?

આ પ્રકારની ધરપકડથી આવું કામ અટકવાનું નથી, એમ જણાવતાં નસરીન બીબીએ કહ્યું હતું, “અમને ગરીબોને તો આસાનીથી પકડી લીધા, પણ કોઈ શક્તિશાળીને અહીં ક્યારેય પકડવામાં આવ્યા છે?”

શું દેશ બહાર ભીખ માગવા જવાથી પાકિસ્તાનની બદનામી નથી થતી, એવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું, “પહેલે કૌન સે ઝંડે લગે હૈં?”

યાદ રહે કે ઓવરસીઝ પાકિસ્તાની મંત્રાલયના સેક્રેટરી ઝુલ્ફિકાર હૈદરે સેનેટની સ્થાયી સમિતિને તાજેતરમાં જ જણાવ્યું હતું કે વિદેશોમાં પકડી પાડવામાં આવેલા ભિખારીઓ પૈકીના 90 ટકા પાકિસ્તાનના છે.

આ દાવા સંબંધે બીબીસીની તપાસમાં જાણવા મળ્યું હતું કે પાકિસ્તાનમાંના એજન્ટો ભિખારીઓ કે જરૂરતમંદ લોકોને ભીખ માગવા માટે યોજનાબદ્ધ રીતે મધ્ય-પૂર્વના દેશો અને ખાસ કરીને સાઉદી અરેબિયા, ઈરાન અને ઇરાક મોકલે છે. આ લોકો ભીખ માગીને જે નાણાં એકઠા કરે તેમાં એજન્ટોનો હિસ્સો પણ હોય છે.

સાઉદી અરેબિયા સરકારે આ મામલે પાકિસ્તાની સરકારને તાજેતરમાં ઔપચારિક ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સમસ્યાના નિવારણનો આદેશ પણ આપ્યો હતો. તેના અનુસંધાને નસરીન બીબી અને તેમના પરિવારની ધરપકડ થઈ છે.

પાકિસ્તાનની સંઘીય તપાસ એજન્સી એફઆઈએના જણાવ્યા અનુસાર, પાછલા દિવસોમાં મુલતાન અને સિયાલકોટમાંથી પણ આવી કેટલીક ટોળકીની ધરપકડ કરવામાં આવી છે, જેઓ લોકોને ઉમરાના બહાને સાઉદી અરેબિયા લઈ જાય છે.

અત્યાર સુધીમાં આવા 37 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પહેલીવાર જતા હતા સાઉદી અરેબિયા

નસરીન બીબીના કાકા અસલમ અને ભાઈ આરિફે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ ઉમરા કરવાના બહાને ભીખ માગવા પહેલીવાર સાઉદી અરેબિયા જઈ રહ્યા હતા. માજિદ અલીનું કહેવું છે કે તેમનો આખો પરિવાર ભીખ માગે છે અને આ કામ તેઓ પેઢીઓથી કરી રહ્યા છે.

તેમણે વીઝા અને ટિકિટની વ્યવસ્થા માટે એજન્ટને પ્રતિ વ્યક્તિ રૂ. 2.30 લાખ આપ્યા હતા. એ બધાએ સાઉદી અરેબિયામાં લગભગ 20 દિવસ રહેવાનું હતું, એમ તેમણે જણાવ્યું હતું.

માજિદ અલીએ કહ્યું હતું, “હું પહેલાં વાંદરાનો વેશ ધારણ કરીને શેરીઓમાં ભીખ માગતો હતો, પરંતુ પછી ભીખ માગવા ઈરાન અને ઇરાક પણ ગયો હતો.”

આરિફના જણાવ્યા મુજબ, ઈરાન અને ઇરાકમાં ખર્ચ કાઢતાં એક ટ્રિપથી વ્યક્તિદીઠ રૂ. 20થી 30 હજાર રૂપિયાની કમાણી થતી હતી.

તેણે કહ્યું હતું, “ઈરાન, ઇરાક અને સાઉદી અરેબિયા જઈને ક્યારેક મૂંગી વ્યક્તિ બનીને તો ક્યારેક હાથથી ભોજન કરવાનો સંકેત આપીને હું ભીખ માગતો હતો. આ રીતે ઝિયારતની સફર પણ થતી હતી અને કમાણી પણ થતી હતી.”

જોકે, એફઆઈએના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એફઆઈએના એન્ટી હ્યુમન સર્કલના ડેપ્યુટી ડિરેક્ટર મુહમ્મદ રિયાઝ ખાનની દેખરેખ હેઠળ એવા લોકો સામે પણ તપાસ કરવામાં આવી રહી છે, જેઓ સાઉદી અરેબિયામાં ભીખ માગવા જતા લોકોને રહેવાની તથા બીજી સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

વિદેશમાં ભીખ માગવી તે સંગઠિત અપરાધનો હિસ્સો

મોહમ્મદ રિયાઝ ખાને બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે “વિદેશમાં જઈને ભીખ માગવાનું કામ એક સંગઠિત અપરાધ થઈ ચૂક્યું છે અને તેમાં પાકિસ્તાન ઉપરાંત બીજા દેશોની ટોળકીઓ પણ સામેલ હોવાનું અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે.”

તેમના કહેવા મુજબ, આ કેસમાં ચારેય આરોપીઓ અને એજન્ટ વચ્ચે એવું નક્કી થયું હતું કે કમાણીનો અરધો હિસ્સો એજન્ટને મળશે. એજન્ટે તેમના પ્રવાસ માટે જરૂરી દસ્તાવેજોની વ્યવસ્થા કરી હતી એટલું જ નહીં, પરંતુ સાઉદી અરેબિયામાં તેમના રહેવાની તથા અન્ય જરૂરિયાતની વ્યવસ્થા પણ કરી હતી.

અહીં રૂપિયા મળે છે, સાઉદી અરેબિયામાં રિયાલમાં ભીખ મળે છે.

સોશિયલ મીડિયા પર ફેસબૂક પેજ ચલાવતા એક એજન્ટે તેની ઓળખ જાહેર ન કરવાની શરતે, ઉમરાના બહાને સાઉદી અરેબિયા જતા લોકો વિશે બીબીસી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, “અહીં રૂપિયા મળે છે, જ્યારે સાઉદી અરેબિયામાં રિયાલમાં ભીખ મળે છે. જમીન-આસમાનનો ફરક હોય છે.”

તેમણે જણાવ્યું હતું કે તેઓ અહીંના લોકોને મજૂરી તથા ઉમરાના બહાને સાઉદી અરેબિયા લઈ જાઉં છું. ક્યારેય 16 તો ક્યારેય 25 લોકો હોય છે. તેઓ લગભગ પાંચ મહિનાથી આ કામ કરે છે.

આ માણસ પણ, પાકિસ્તાનમાં કામ કરતા અનેક બીજા એજન્ટોની માફક ફેસબૂક તથા વૉટ્સઍપ મારફત પોતાનું કામ કરે છે. તે લોકોને વૉટ્સઍપ મારફત તમામ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

તેની રીત એવી હોય છે કે પાકિસ્તાનના ઘણા લોકો મજૂરી કામ કરવાના હેતુથી આ એજન્ટોનો સંપર્ક કરે છે અને જે લોકો કોઈ કામ માટે ન જતા હોય તેમને ભીખ માગવાનું સૂચન એજન્ટ કરે છે.

એજન્ટના જણાવ્યા મુજબ, પાકિસ્તાનથી દરેક વ્યક્તિ મજૂરી માટે બહાર જતી નથી. તેથી તેમને અલગ રીતે રજૂઆત કરવી પડે છે.

તેમણે કહ્યું હતું, “મહિલાઓ અને બાળકોને પણ આ સમૂહનો હિસ્સો બનાવવા પડે છે. જેથી ઉમરા કે ઝિયારત માટે આસાનીથી વિઝા મેળવી શકાય અને તેમને મક્કા અને મસ્જિદ-એ-નબવી સામે બેસાડી શકાય.”

પાકિસ્તાની ભિખારીઓ વિશે કેવી રીતે ખબર પડી?

આ મહત્ત્વપૂર્ણ મુદ્દે સાઉદી અરેબિયા સરકારે પાકિસ્તાન સરકાર સાથે શેર કરેલા સત્તાવાર દસ્તાવેજો પણ બીબીસીએ મેળવ્યા છે.

બીબીસી પાસેના સત્તાવાર દસ્તાવેજો મુજબ, સાઉદી અરેબિયામાં ભીખ માગવા, વેશ્યાવૃત્તિ, માદક પદાર્થોની દાણચોરી અને બનાવટી દસ્તાવેજો જેવા ગુનાઓની વધતી સંખ્યામાં પાકિસ્તાનીઓની સંડોવણી બાબતે સાઉદી સરકારે 2023ની છઠ્ઠી જૂને પાકિસ્તાની વડાપ્રધાનના કાર્યલયને લેખિત સૂચના આપી હતી.

બીબીસીને જાણવા મળેલી વિગત મુજબ, સાઉદી અરેબિયાની ઔપચારિક ફરિયાદ પછી વડાપ્રધાનની ઓફિસે ગૃહ મંત્રાલય તથા એફઆઈએ સહિતની સંબંધિત સંસ્થાઓને આદેશ આપ્યા હતા. એ પછી એફઆઈએએ સાઉદી અરેબિયા સહિતના મધ્ય-પૂર્વના અન્ય દેશોમાં જતા પાકિસ્તાનીઓનું તમામ ઍરપૉર્ટ્સ પર પ્રોફાઇલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

ઓવરસીઝ પાકિસ્તાની મંત્રાલયના સેક્રેટરી ઝુલ્ફિકાર હૈદરે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે તેમને સાઉદી અરેબિયા, ઈરાન અને ઇરાક તરફથી માહિતી આપવામાં આવી હતી. પછી એ જાણકારી રિપોર્ટ સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું, “એ પછી એફઆઈએને સક્રિય કરવી પડી હતી. તમે બધા જાણો છો તેમ એફઆઈએ હાલ માનવ તસ્કરી રોકવા માટે સક્રિય છે અને એ બાબતે જે માહિતી મળે છે તે જાહેર કરવામાં આવે છે.”

સામાનમાંથી ભીખ માગવાના કટોરા પણ મળ્યા

એફઆઈએના ડેપ્યુટી ડિરેક્ટર ખ્વાજા હમ્માદ-ઉલ-રહેમાને બીબીસીને જણાવ્યું હતું કે સેનેટની સ્થાયી સમિતિમાં ઓવરસીઝ મંત્રાલયના સેક્રેટરીના ખુલાસા બાદ પ્રવાસીઓનું પ્રોફાઇલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ખ્વાજા હમ્માદ-ઉલ-રહમાને બીબીસીને કહ્યું હતું, “પ્રોફાઇલિંગનો હેતુ પ્રવાસીઓ માટે જરૂરી નિયમો અને તેમના પ્રવાસના કારણની તપાસ કરવાનો છે. કોઈ પ્રવાસી ઉમરા માટે સાઉદી અરેબિયા જવા ઇચ્છતો હોય તો તેની આર્થિક સ્થિતિ એ યાત્રા કરવા લાયક છે કે કેમ તે તપાસવાનો છે.”

પ્રોફાઇલિંગની પ્રક્રિયા દરમિયાન હોટલ બુકિંગ, રિટર્ન ટિકીટ અને પ્રવાસી પાસેની રોકડના આધારે પણ એ જાણી શકાય કે તેનો હેતુ યાત્રા કરવાનો છે કે તે બીજા કોઈ કારણસર ત્યાં જઈ રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં યુરોપ અને બીજા દેશોની યાત્રા કરતા પ્રવાસીઓનું પ્રોફાઇલિંગ માનવ તસ્કરી રોકવા માટે કરવામાં આવતું હતું, પરંતુ ફરિયાદોને કારણે ઍરપૉર્ટ પર પ્રોફાઇલિંગનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું, પરંતુ સાઉદી અરેબિયા જતા ભિખારીઓ સંબંધી ફરિયાદને પગલે તે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.

આ વર્ષની 29 સપ્ટેમ્બરે સાઉદી અરેબિયા જવાના ઇરાદા સાથે મહિલાઓ સહિતની 16 લોકોની એક ટોળકી મુલતાન ઍરપૉર્ટ પર પહોંચી ત્યારે એફઆઈએને પ્રોફાઇલિંગની મદદથી પહેલી મોટી સફળતા મળી હતી.

નવા દિશાનિર્દેશ મુજબ ઇમિગ્રેશન અધિકારીઓએ એ લોકોને સંદિગ્ધ ગણીને અન્ય પ્રવાસીઓથી અલગ કર્યા હતા અને તેમને પૂછપરછ કરી હતી. ખ્વાજા હમ્માદ-ઉલ-રહમાનના કહેવા મુજબ, “પ્રારંભિક તપાસમાં તેમનું પ્રોફાઇલિંગ કરવામાં આવ્યું ત્યારે એ બધા ભિખારી હોવાની ખબર પડી હતી.”

તેમની પાસે હોટલ બુકિંગ નહોતું, પૈસા નહોતા અને તેઓ ઉમરાના હેતુસર સાઉદી અરેબિયા જઈ શકે તેવી તેમની આર્થિક સ્થિતિ પણ ન હતી. તેમના સામાનની તલાશી લેવામાં આવી ત્યારે તેમાંથી ભીખ માગવાના કટોરા પણ મળી આવ્યા હતા.

ખ્વાજા હમ્મામ-ઉલ-રહમાનના કહેવા મુજબ, “નૂરુ નામના એજન્ટે ભીખ માગવાના હેતુસર સાઉદી અરેબિયા જઈ રહેલા આ બધા લોકોને મદદ કરવાની હતી, એવું તપાસમાં જાણવા મળ્યું હતું. તેમની વચ્ચે થયેલા સોદા મુજબ, ભિખારીઓએ રોજ ભીખનો હિસાબ આપવાનો હતો અને કમાણીના અડઘા હિસ્સાનો ભાગ પણ રોજ આપવાનો હતો.”

ઍરપૉર્ટ પરથી પકડાયેલા લોકો શું કહે છે?

મુલતાન ઍરપૉર્ટ પરથી પકડી પાડવામાં આવેલા લોકોમાં લોધરાનના રહેવાસી શકીલનો પણ સમાવેશ થાય છે. તેઓ તેમના બન્ને પત્ની સાથે સાઉદી અરેબિયા જતા હતા.

મુલતાનની સ્થાનિક અદાલત બહાર બીબીસી સાથે વાત કરતાં શકીલે જણાવ્યુ હતું કે તેઓ મોટરસાયકલ પર ફેરી કરીને ચાદર વેચવાનો ધંધો કરે છે.

તેમના જણાવ્યા અનુસાર, ઉમરા માટે સાઉદી અરેબિયા જવાની ખબર તેમને તેમની સાથે જ ફેરી કરતા એક દોસ્ત મારફતે પડી હતી.

મોહમ્મદ ઇમરાનના જણાવ્યા મુજબ, ત્રણ લાખ રૂપિયામાં ત્રણ લોકોનો સોદો થયો હતો. વિઝા અને ટિકીટ વગેરે માટે એજન્ટ સાથે મુલાકાત એ દોસ્તે જ કરાવી આપી હતી.

મુલતાન ઍરપૉર્ટ પર પ્રારંભિક તબક્કામાં લાહોર કૅન્ટના ઇસ્માઇલ ટાઉનની રહેવાસી ચાર મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમના વિરુદ્ધ આગળ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી અને તેમને મુક્ત કરવામાં આવી હતી.

તેમાં શકીલા બીબી, તેમની ભાણેજ અને એક દીકરીનો સમાવેશ થાય છે. આ ટોળકીમાં લાહોરના કુલ સાત નજીકનાં સંબંધી પણ સામેલ હતા. એ સાતેય 27 સપ્ટેમ્બરે લાહોર બસ સ્ટેશનથી બસમાં બેસીને મુલતાન પહોંચ્યા હતા.

બીબીસીએ લાહોરના ઇસ્માઇલ ટાઉનની મુલાકાત લીધી હતી. તૂટેલી ગલીમાં આવેલા એક માળના ઘરમાં શકીલા બીબી એક ખાટલા પર બેઠાં હતાં. સાથે તેમની ભાણેજ અને દીકરી પણ હતાં.

બીબીસી સાથેની વાતચીતમાં શકીલા બીબીએ દાવો કર્યો હતો કે તેઓ ભીખ માગવાના હેતુસર નહીં, પરંતુ ઉમરા માટે સાઉદી અરેબિયા જઈ રહ્યાં હતાં. ભીખ માગવાનો કટોરો તેમના સામાનમાંથી નહીં, પરંતુ બીજી મહિલાઓના સામાનમાંથી મળ્યો હતો.

શકીલા બીબીના જણાવ્યા મુજબ, તેમના પતિ અને ત્રણ દીકરી બાદામી બાગની શાકભાજી માર્કેટમાં છાબડી વેચવાનો ધંધો કરે છે. બહુ મુશ્કેલીથી પૈસા એકઠા કર્યા બાદ તેમણે ઉમરા માટે જવાનું નક્કી કર્યું હતું.

તેમણે કહ્યું હતું, “બોર્ડિંગ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા અને અમારો સામાન પણ ચાલ્યો ગયો હતો, પરંતુ એફઆઈએના કર્મચારીઓએ અમને અચાનક રોકી લીધા હતા. અમે ઇમિગ્રેશન કરાવતા હતા ત્યારે એફઆઈએએ કેટલાક લોકોને અટકાવ્યા હતા અને એ પછી અમારો વારો આવ્યો હતો.”

તમારા પતિ કે દીકરાઓ ઉમરા માટે સાથે કેમ નથી, એવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે શકીલા બીબીએ જણાવ્યું હતું કે પરિવારની મહિલાઓ ઉમરા પર જાય એવી પતિ અને દીકરાઓની ઇચ્છા હતી.

બીજી તરફ ઇસ્માઇલ ટાઉનના એક દુકાનદારે પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રહેતા પુરુષો તથા મહિલાઓ લાહોરના વિવિધ વિસ્તારોમાં ભીખ માગવા માટે જાય છે.