પાકિસ્તાનનો એ પ્રદેશ જ્યાં માતાપિતા ગુજરાન ચલાવવા પોતાની દીકરીઓ વેચે છે

    • લેેખક, સહર બલોચ
    • પદ, બીબીસી સંવાદદાતા

“ગત વર્ષે પૂર સમયે મારાં પત્નીનું ઑપરેશન થવાનું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે બાળકને નુકસાન થશે અથવા મારા પત્નીનો જીવ જશે. મેં કમિશન પર સાડા ત્રણ લાખ રૂપિયાનું કરજ લીધું અને સત્વરે જ ઑપરેશન કરાવી દીધું. કરજ આપનારાઓએ વ્યાજ સાથે રૂપિયા પાછા માગ્યા. સાડા ત્રણ લાખના બદલે મારે પાંચ લાખ ચૂકવવાના હતા. મને કંઈ જ સમજાયું નહીં તો મેં મારી 10 વર્ષની દીકરી એક કિલોમીટર દૂર રહેતા પાડોશીને વેચી દીધી.”

આ કહાણી બલૂચિસ્તાનના ચોકી જમાલી વિસ્તારના એક મજૂરે ત્યારે સંભળાવી જ્યારે પૂર આવ્યાના એક વર્ષ પછી હું આ વિસ્તારમાં ગઈ હતી.

ગયા વર્ષે પૂર દરમ્યાન હું બલૂચિસ્તાનના કેટલાય વિસ્તારોમાં ગઈ હતી ત્યારે મેં જોયું હતું કે અહીં કેટલાય વિસ્તાર બરબાદ થઈ ગયા હતા. તેમાં ચોકી જમાલી વિસ્તાર પણ હતો.

બલૂચિસ્તાનના દૂરના જાફરાબાદ જિલ્લાનો ભાગ હોવા છતાં આ એક એવો વિસ્તાર છે જે ઉપેક્ષાનો શિકાર છે.

સામાન્ય રીતે અધિકારીઓ અહીં આવતા નથી, પણ 2022ના પૂર બાદ સરકારી સંસ્થાઓએ ચોકી જમાલી અને અન્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. જે પછી ઘણાં સત્યો સામે આવ્યાં હતાં.

2022માં આ વિસ્તારમાં આવેલા પૂરને કારણે કેટલાય પરિવારો પાયમાલ થઈ ગયા હોવાની હકીકત મને અહીં પહોંચીને જાણવા મળી. આ પરિવારો મજબૂરીમાં તેમની દીકરીઓને વેચી રહ્યા છે.

ચોકી જમાલી સિંધ અને બલૂચિસ્તાનની સીમા પર છે અને અહીં આશરે 50,000 લોકો રહે છે. તેઓ મોટા ભાગે ખેતીવાડી અને રોજમદાર તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે.

2022માં પૂર આવ્યા પછીની સ્થિતિ વિશે વાત કરતા પૂર્વ પર્યાવરણ મંત્રી શેરી રહેમાને બીબીસીને જણાવ્યું કે પૂરને કારણે આશરે 32 લાખ પરિવાર બેઘર થઈ ગયા છે. સૌથી વધારે નુકસાન સિંધ અને બલૂચિસ્તાન રાજ્યોમાં થયું છે.

સ્થાનિકો મુજબ આ અગાઉ આવું પૂર 1976માં આવ્યું હતું. આ પછી 2010માં અને પછી 2022માં આવું પૂર જોયું.

ચોકી જમાલીની સ્થિતિ પૂર પછી ખૂબ જ ખરાબ છે. એટલી હદે કે લોકો નાની ઉંમરની બાળકીઓને વેચી રહ્યા છે.

મજબૂરી કરજનું વિષચક્ર બની ગઈ છે

બાળકીઓને વેચવા પાછળની મજબૂરીનું કારણ સમજાવતા શાળાના એક શિક્ષકે જણાવ્યું કે પૂર પછી ખેડૂતો વ્યાજ પર રૂપિયા લેતા રહ્યા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વધતું રહ્યું. પછી કરજ ન ચૂકવી શકાતા તેઓ તેમની નાની ઉંમરની દીકરીઓને 40થી 60 વર્ષની ઉંમરના પુરુષોને વેચવી પડી.

અધિકારીઓ મુજબ 2022ના પૂર પછીની પાયમાલીને કારણે અગાઉ કરતા આ પ્રકારની ઘટનાઓ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે.

અહીં હું એક મજૂરને મળી જેમણે કહ્યું કે તેમની એક દિવસની કમાણી માત્ર 500 (ભારતના આશરે 145 રૂપિયા) રૂપિયા છે.

તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમણે તેમની 10 વર્ષની દીકરીને એક 40 વર્ષના પુરુષને વેચવી પડી.

તેઓ બોલ્યા, “હું મજબૂર હતો. મારી પત્નીનું ઑપરેશન થવાનું હતું. બાળક તો ના બચી શક્યું પણ પત્ની બચી ગઈ. આ વાત પૂર આવ્યાના કેટલાક દિવસો પછીની છે. જ્યારે એક પછી એક બધા જ રસ્તા બંધ થઈ ગયા. કોઈ હૉસ્પિટલ કે કોઈ ઇમરજન્સી સેવા સુધી પહોંચવાનો કોઈ માર્ગ ન હતો. જો રસ્તો હોય તો પણ ત્યાં સુધી પહોંચવાના રૂપિયા નહોતા.”

તેમણે જણાવ્યું, “જે કરજ લીધું છે તે કેવી રીતે ચૂકવું? મેં એ સમયે મારી દીકરીને સમજાવી કે તારે આ જ વ્યક્તિ સાથે લગ્ન કરવા પડશે, કારણ કે તેના બદલામાં અમને રૂપિયા મળશે. માતાની સારવાર થશે અને તેની દવાઓ પણ લઈ શકાશે.”

જે મજૂરાના ઘરોની મેં મુલાકાત લીધી તેમના ઘરે એક ટંકનું ભોજન પણ ન હતું. ખાલી વાસણો તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે હાલ એટલો લોટ પણ નથી કે તેનાથી એક ટંકનું ભોજન બનાવી શકાય.

“અમે અઠવાડિયામાં ત્રણ દિવસ જમી શકીએ અને બાકીના ચાર દિવસ ભૂખ્યાં રહેવું પડે છે.”

તેણીએ જણાવ્યું કે આ સમયે તેમની પુત્રી તેમના ઘરે છે, કારણ કે "તેના પતિ કોઈ વિવાદનું સમાધાન કરવા શહેર ગયા છે અને દરમિયાન તે તેમની પુત્રીને શાળાએ જવા દે છે."

"પરંતુ હું કહી શકતો નથી કે અહીંથી ગયા પછી તેના પતિ તેને શાળાએ જવા દેશે કે નહીં."

'3થી 5 લાખ રૂપિયામાં દીકરીને વેચી દેવાય છે'

મોટા ભાગની છોકરીઓ માટે ત્રણથી પાંચ લાખ રૂપિયા વસૂલવામાં આવે છે. આ રકમથી ખેડૂતો અને મજૂરો તેમની લોન ચૂકવે છે. સારવાર માટે કરાચી જાય છે અથવા તેમના પુત્રના શિક્ષણમાં તે રૂપિયાનો ઉપયોગ કરે છે.

જ્યારે મેં પૂછ્યું ત્યારે એક પિતાએ કહ્યું, "અમે દીકરીઓને માત્ર એટલે વેચીએ છીએ કે તેમને ભવિષ્યમાં બાળકો જન્માવાનાં છે. અમે છોકરાઓ વેચતા નથી, કારણ કે એનાથી કંઈ મળતું નથી."

એ જ રીતે કેટલાક લોકોએ તેમના ઘરમાં દીકરીઓ ન હોવાનું કહીને તેમના ઘરના દરવાજા ખોલ્યા ન હતા. તેથી તેઓ પૂર પછી બચી ગયેલી વરવખરી વેચીને અથવા જમીનમાલિકની જમીન પર કામ કરીને લોનની ચુકવણી કરી રહ્યા છે.

આ લોન પણ બે પ્રકારની હોય છે. એક તો જ્યાં મજૂરો ખેતી માટે લોન લે છે અને તેમને ઓછા વેતન પર કામ કરવું પડે છે. આ ઉપરાંત પૂર પછી નાશ પામેલી જમીનનું કરજ પણ ચૂકવવું પડે છે.

બીજી લોન સારવાર અને ઘર ખર્ચને પહોંચી વળવા લેવાય છે. આ બંને સ્થિતિમાં સગીર વયની છોકરીઓને વેચીને લોનની રકમ ચૂકવાઈ રહી છે.

એક સ્થાનિક શિક્ષકે કહ્યું કે ઘણી ઘટનાઓમાં સગીર વયની છોકરીને બેથી ત્રણ વખત વેચવામાં આવે છે. જ્યારે છોકરી 'એડજસ્ટ' થઈ શકતી નથી ત્યારે આવું થાય છે.

ઘણી વખત છોકરીઓ વેચાઈ જવાના સમાચાર સાંભળીને ઘરેથી ભાગી જાય છે. જો તેમની બહેનો હોય તો તેમના ભાગી જવાથી તેમની નાની બહેનોમાંથી કોઈ એકનાં લગ્ન કરાવી દેવાય છે. આમ આવા કિસ્સામાં કિંમત તો આખરે નાની બાળકીઓને જ ચૂકવવી પડે છે.

શિક્ષકે જણાવ્યું કે જે જમીન પર ખેડૂતો કામ કરે છે તે જમીન માલિકો કોઈ પણ સમયે સગીર છોકરીઓ પર વ્યભિચારનો આરોપ લગાવી શકે છે અને બદનામ થવાના ડરથી માતા-પિતા ઉતાવળમાં તેમની સગીર છોકરીઓનાં લગ્ન કરાવી દે છે.

ક્લાઈમેટ બ્રાઈડ અને ક્લાઈમેટ ચેન્જ

આ સ્થિતિમાંથી પસાર થતી છોકરીઓને 'ક્લાઈમેટ બ્રાઈડ્સ' કહેવાય છે.

બલૂચિસ્તાનમાં ક્લાઈમેટ ચેન્જ પર કામ કરતી સંસ્થા 'મદાદ કૉમ્યુનિટી'એ હાલમાં જ આ રાજ્ય વિશે જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ અને પૂરના કારણે ખેતીમાં કમાણી કરવી ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે.

આયોજક મરિયમ જમાલીએ જણાવ્યું હતું કે, "બલૂચિસ્તાનના મધ્યમવર્ગ સહિત મોટા ભાગના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ગરીબ ખેડૂતો પાસે કોઈ વિકલ્પ જ નથી. ભારે ગરમીને કારણે દુકાળ અને પૂરની આગાહી કરાઈ છે."

તેમણે કહ્યું કે જે ખેડૂતો ખેતી કરે છે, જેઓ માત્ર ખેતપેદાશો પર નિર્ભર છે, તેમના માટે હવે જમીનમાંથી કમાણી કરવી મુશ્કેલ બની ગઈ છે, કારણ કે દરેક ઋતુમાં ઊપજ ઘટી રહી છે અને ઉપરથી અનાજ નહીં હોવાને કારણે તેઓ કરજ લઈને ખર્ચો ચલાવે છે.

મરિયમે જણાવ્યું કે ઓછી આવકના કારણે ચોકી જમાલી ગામમાં લોકો છોકરીઓ વેચીને ગુજરાન ચલાવે છે.

સગીર વયનાં લગ્નમાં 13 ટકાનો વધારો

આ વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે અહીં પહેલાં પણ વહેલાં લગ્નો થતાં આવ્યાં છે.

કુદરતી આફતો સમયે કામ કરનારી રાજ્યની સંસ્થા પ્રાંતીય ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીએ ઑગસ્ટ 2022માં બલૂચિસ્તાનના 14 જિલ્લાનો સર્વે કર્યો હતો.

સર્વે મુજબ સગીર વયનાં લગ્નને કારણે છોકરીઓના વેચાણના બનાવો 13 ટકા વધ્યા છે.

મેં ચોકી જમાલીની એક શાળાની પણ મુલાકાત લીધી. આ શાળાની મુખ્ય શિક્ષિકા સાદિયાએ જણાવ્યું કે જ્યારે નાની છોકરીઓનાં લગ્ન થઈ જાય છે ત્યારે તેઓ તેમના પર આચરાતી હિંસા બાબતે જણાવતી હોય છે.

સાદિયા કહે છે, "શિક્ષણથી અમુક અંશે ફરક પડ્યો છે પરંતુ માતા-પિતા હજુ પણ તેમની છોકરીઓને વેચવાનું બંધ કરી રહ્યાં નથી."

આ શાળાથી થોડે દૂર ચોકી જમાલીનું આરોગ્ય કેન્દ્ર છે. અહીં લેડી હેલ્થ વર્કર શહઝાદીએ જણાવ્યું કે દર બીજા દિવસે પ્રૅગનન્સી દરમિયાન મોતનો એક કેસ સામે આવે છે.

લેડી હેલ્થ વર્કર શહઝાદી કહે છે કે કેટલાક કિસ્સાઓમાં છોકરીઓ પીડાથી રડે છે. તો કેટલીક ત્યાં જ મરી જાય છે. "અમે હજી પણ અમારો અવાજ ઉઠાવીએ છીએ, કારણ કે અમે કંઈક કહી શકીએ છીએ પરંતુ તે છોકરીઓની માતાઓ આ બાબતે કંઈ કહી શકતાં નથી, કારણ કે ઘરના પુરુષો છોકરીઓને વેચવાનો નિર્ણય લે છે."

તેણે જણાવ્યું કે હાલમાં જ એક માતા તેની 16 વર્ષની પુત્રી સાથે તેમની પાસે આવ્યાં હતાં.

"બાળકીની માતાએ જણાવ્યું કે પૂર પછી વધતી ગરીબીને કારણે તેમણે તેમની 16 વર્ષની દીકરીનાં લગ્ન 40 વર્ષના વ્યક્તિ સાથે કરાવ્યાં."

ગર્ભાવસ્થા દરમિયાન મૃત્યુ

ડૉકટરોના જણાવ્યા અનુસાર સગર્ભાવસ્થા દરમિયાન યુવાન છોકરીઓના મૃત્યુના મોટા ભાગના કેસ સિંધ અને બલૂચિસ્તાનના વિસ્તારોમાં છે. ઉપરાંત નાની ઉંમરની છોકરીઓમાં ભગંદર, ગર્ભધારણમાં મુશ્કેલી અને પેશાબની નળીમાંથી રક્તસ્રાવ વગેરે પણ જોવા મળે છે.

કરાચીના વતની ડૉ. સજ્જાદે બીબીસીને જણાવ્યું કે UNFPA સાથે કામ કરતી વખતે તેમને સમજાયું કે આ બે રાજ્યોમાં સગીર વયનાં લગ્નો થઈ રહ્યાં છે અને 2022ના પૂર પછી આમાં વધારો થયો છે.

"મેં એવા કિસ્સાઓ પણ જોયા છે જેમાં નાની છોકરીઓ ગર્ભાવસ્થા દરમિયાન પોતાનો જીવ ગુમાવે છે. માતા-પિતા તેમની ઉંમર છુપાવે છે પરંતુ છોકરીઓની ઉંમરનો અંદાજ તેમના કાંડા પરથી લગાવી શકાય છે."

"અમે ઘણા સમયથી જાણીએ છીએ કે તે વિસ્તારોમાં આવું થઈ રહ્યું છે પરંતુ 2022ના પૂર પછી છોકરીઓના વેચાણની ઘટનાઓ વધી છે."

હવે સવાલ એ છે કે અધિકારીઓ બધું જાણતા હોવા છતાં આ લગ્નો કેમ અટકાવી શકતા નથી?

મહિલા આયોગના અધ્યક્ષ ફૌઝિયા શાહીને કહ્યું કે બલૂચિસ્તાનમાં સગીર વયની છોકરીઓનાં લગ્નની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

"અમે બધા આંકડા તો આપી શકતા નથી, કારણ કે અમારી પાસે લગ્નની નોંધણી કરવાની કોઈ રીત નથી પરંતુ તેમાં કોઈ શંકા નથી કે સગીર વયે થતાં લગ્નો વધ્યાં છે."

ફૌઝિયા શાહીને કહ્યું કે બાળલગ્ન રોકવા માટે કોઈ અસરકારક કાયદો નથી.

"હવે આ લગ્નો ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે જે એક ચિંતાજનક બાબત હતી. તો અમે બાળલગ્ન પ્રતિબંધ બિલ પસાર કરવાનો પ્રયાસ કર્યો. જે ઘણા દાયકાઓથી બલૂચિસ્તાનની દરેક વિધાનસભામાં રજૂ કરાય છે તેને પાસ કરાવવાનો પ્રયાસ કરાય છે, પણ અફસોસ એ છે કે તેને સંસદમાં રજૂ નથી કરાતું. અમે હજુ પણ પ્રયાસ કરી રહ્યા છીએ."

આ લગ્નો અને સગીર વયની છોકરીઓના વેચાણનું કારણ ભલે ગમે તે આપવામાં આવે પરંતુ હકીકત એ છે કે બલૂચિસ્તાનનાં બાળકીઓ પૂરના કારણે થયેલા નુકસાનની કિંમત ચૂકવી રહી છે.