બાળલગ્ન અપરાધ છે તો બાળપણમાં થયેલાં લગ્ન ગુનો કેમ નહીં?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય બાળવિવાહ કાયદા અંતર્ગત ભારતમાં બાળવિવાહને કાયદેસર માન્યતા હાંસલ નથી.

જો આપ બાળ વિવાહ કરાવવાની પ્રક્રિયામાં સામેલ થાઓ છો તો આપને સજા થઈ શક છે. બાળપણમાં લગ્નના બંધનમાં બંધનારા લોકો વયસ્ક થઈને પોતાનાં લગ્ન ખારિજ કરાવી શકે છે અને તે માટે તેમણે પોતાના જિલ્લા ન્યાયાલયમાં અરજી કરવાની હોય છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ બાળવિવાહ રોકવા માટે કાયદામાં સશોધન કર્યું છે. ઘણાં સ્તરો પર અધિકારીઓને તહેનાત કરાયા છે જેથી બાળવિવાહ રોકી શકાય અને લોકોને તેમાંથી બહાર કાઢી શકાય.

પરંતુ તેમ છતા એક 28 વર્ષીય મહિલાએ પોતાના લગ્ન ખારિજ કરાવવા માટે દિલ્હી હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યાં છે.

આ મહિલાએ કોર્ટ સમક્ષ એવી માગણી કરી છે કે દિલ્હીમાં બાળવિવાહને અવૈધ જાહેર કરવામાં આવે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે દિલ્હી સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

પરંતુ પ્રશ્ન એ થાય છે કે જ્યારે કાયદેસર રીતે ભારતમાં બાળવિવાહને માન્યતા જ નથી તો હાઈકોર્ટ આ મહિલાની અરજી કેમ સાંભળી રહી છે.

વિચિત્ર સ્થિતિ

સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનિસેફ પ્રમાણે, 18 વર્ષની ઉંમરથી નાનાં બાળકોનાં લગ્ન કરાવવાં એ માનવાધિકારના ઉલ્લંઘનની શ્રેણીમાં આવે છે. પરંતુ તેમ છતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ પ્રથા ચાલુ છે.

યુનિસેફ પ્રમાણે, ભારતમાં દર વર્ષે લગભગ 15 લાખ છોકરીઓનાં લગ્ન 18 વર્ષની ઉંમર પહેલાં થઈ જાય છે.

દિલ્હી હાઈકોર્ટમાં અરજી આપનાર મહિલા પણ આવી જ તમામ છોકરીઓમાં સામેલ છે. આ મહિલાના લગ્ન વર્ષ 2010માં ત્યારે થયાં હતાં જ્યારે તેઓ સગીર હતાં.

મહિલા તરફથી કોર્ટમાં હાજર રહેનાર વરિષ્ઠ વકીલ તનવીર અહમદ જણાવે છે, “આ યુવતીના લગ્ન 16 વર્ષની ઉંમરમાં બળજબરીપૂર્વક થયાં હતાં. તે સમયે તેમના વૈવાહિક જીવનની શરૂઆત નહોતી થઈ. પરંતુ હવે તેમની પર દબાણ કરાઈ રહ્યું છે કે તેઓ પોતાના લગ્ન જીવનમાં પાછાં ફરે.”

આ 28 વર્ષીય યુવતીએ કોર્ટને આગ્રહ કર્યો છે કે તેમના બાળલગ્ન ખારિજ કરવામાં આવે. પરંતુ બાળવિવાહ કાયદા પ્રમાણે, હવે આ વિવાહ ખારિજ નથી થઈ શકતા.

તનવીર અહમદ તેનું કારણ જણાવતાં કહે છે, “બાળલગ્નનો કાયદો એ કેન્દ્રીય કાયદો છે. પરંતુ તેને શેડ્યૂલ સીમાં સામેલ કરી શકાય છે. આ કારણે રાજ્ય આ કાયદામાં સંશોધન કરી શકે છે.”

પરંતુ આ કાયદાની દુવિધા એ છે કે એક રીતે આ તટસ્થ કાયદો છે જે સમાજના દરેક વર્ગ અને ધર્મ પર લાગુ થાય છે. આ કાયદો બાળલગ્નને એક અપરાધિક કૃત્યની શ્રેણીમાં લાવે છે. પરંતુ આ કાયદામની એક વાતે તેને મજાકનો વિષય બનાવી દે છે.

કારણ કે આ જ કાયદો એક રીતે બાળલગ્નની સ્વીકાર્યતા પણ આપે છે, જ્યારે તે એ વાતની જાહેરાત કરે છે કે બાળલગ્નથી બચી શકાયું હોત.

કાયદા અંતર્ગત બાળવિવાહ કરનારાં મહિલા-પુરુષમાંથી કોઈ એક પોતાનાં લગ્ન ખારિજ કરાવવા માટે 18 વર્ષની ઉંમર પાર કર્યાની તિથિ બાદ બે વર્ષની અંદરહ જિલ્લા ન્યાયાલયમાં અરજી આપવાની હોય છે.

તનવીર અહમદ માને છે કે જ્યારે સરકાર બાળલગ્નને અનૈતિક અને અપરાધિક કૃત્ય માને છે તો આવાં લગ્નોને ખારિજ કરાવવાની જવાબદારી 18 વર્ષનાં બાળકો પર કેમ નાખવામાં આવે છે.

તેઓ કહે છે, “જ્યારે તમે એક કાયદા અંતર્ગત બાળવિવાહને અપરાધિક કૃત્ય ગણાવો છો અને આવું એ આધારે કરવામાં આવ્યું છે કે બાળલગ્ન અનૈતિક છે, ગેરકાયદેસર છે અને એક બાળકના મૂળભૂત હકોનું ઉલ્લંઘન છે."

"પરંતુ આ કાયદામાં આપ બાળલગ્નનું કાયદેસરપણું સ્વીકારો છો. આપ બાળવિવાહનો ભોગ બનનાર બાળક પર જવાબદારી નાખો છે કે 18 વર્ષની ઉંમર પાર કરતાં જ તે કોર્ટની શરણે જાય. ત્યારબાદ એક લાંબી કાયદાકીય લડત લડે જ્યારે તેણે પોતાની કારકિર્દી તરફ ધ્યાન આપવાનું હતું.”

વરિષ્ઠ વકીલ તનવીર અહમદ અને તેમનાં ક્લાઇંટે દિલ્હી સરકારથી આ કાયદામાં સંશોધન કરવાની માગ કરી છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ માગ ઉઠવાનું કારણ શું છે?

સરળ શબ્દોમાં કહીએ તો જો બે લોકોનાં લગ્ન ઓછી ઉંમરમાં થાય છે તો લગ્ન અસ્વીકાર કરનાર વ્યક્તિએ 20 વર્ષની ઉંમર સીમા પાર કર્યા પહેલાં કોર્ટ જઈને પોતાનાં લગ્ન રદ કરાવવા માટે અરજી કરવી પડશે.

આ એક એવી શરત છે જે બાળ લગ્નને ગેરકાયદે જાહેર કરવાની પ્રક્રિયાને અત્યંત મુશ્કેલ બનાવી દે છે.

કારણ કે ભારતના જે ભાગોમાં બાળવિવાહ ઘણાં પ્રચલિત છે ત્યાં 18 વર્ષની ઉંમર પાર કર્યા બાદ પણ યુવાનો માટે પોતાના પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન તોડવા માટે કોર્ટ જવું મુશ્કેલ થઈ જાય છે.

આટલું જ નહીં, આવા મામલાઓમાં બીજા પક્ષની તરફથી લગ્નને જાળવી રાખવા માટે કેસ લડવામાં આવે છે જેનાથી આ પ્રક્રિયા વધુ મુશ્કેલ બની જાય છે.

બાળલગ્નને અટકાવવા માટે વર્ષોથી કામ કરી રહેલાં કાર્યકર્તા કૃતિ ભારતી આ શરતને બાળલગ્ન કાયદાની એક મોટી ખામી માને છે.

ભારતી કહે છે, “બાળલગ્નને કાયદેસર રીતે અવૈધ જાહેર કરવાની માગ વાજબી છે. જો આ માગ સ્વીકાર થઈ જાય છે તો શોષિત પક્ષને કોર્ટ-કચેરીના આંટાફેરા નહીં કરવા પડે. તેમના લગ્ન ઘરે બેઠા જ રદબાતલ થઈ જશે.”

પરંતુ જો સામાજિક પાસાંની વાત કરીએ તો ભલે તમારા લગ્ન કાયદેસર રીતે અવૈધ હોય. પરંતુ સમાજમાં આ સિદ્ધ કરવા માટે તમારી પાસે એક કાનૂની દસ્તાવેજ હોવો જોઈએ.

તેઓ કહે છે કે માની લો કે કાયદેસર રીતે તમારા લગ્ન અવૈધ પણ હોય. આપ એ માનતા રહેશો કે તમારા લગ્ન અવૈધ છે. પરંતુ તમારા ઘરના લોકો નહીં માને, તમારા સંબંધીઓ નહીં માને. તમારો સમાજ આ વાત નહીં સ્વીકારે અને તમને પોલીસ પાસેથી સુરક્ષા નહીં મળે.

તેઓ કહે છે, “આવી પરિસ્થિતિમાં મને લાગે છે કે લગ્ન ખારિજ કરવાની પ્રક્રિયા સહજ અને સરળ હોવી જોઈએ. આ પ્રક્રિયા એવી હોવી જોઈએ જેવી કે આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા હોય છે જેમાં આપ પોતાની જાણકારી આપો છો અને પછી આધાર કાર્ડ આપના સરનામા પર આવી જાય છે.”

કૃતિ ભારતી પ્રમાણે, દિલ્હી હાઈકોર્ટ જનાર છોકરીએ સાચું જ કહ્યું છે કે કોર્ટ જવું અત્યંત મુશ્કેલ હોય છે અને કોર્ટ ગયા પછીનું દબાણ પણ ખૂબ મોટું હોય છે. પરિવારથી માંડીને સબંધીઓનું દબાણ હોય છે.

તેઓ કહે છે, "અમારી પાસે જે છોકરીઓ પોતાના લગ્ન અવૈધ જાહેર કરવા માટે આવે છે તેઓ અત્યંત નાની હોય છે. તેમના માટે આ તમામ વસ્તુઓ સહન કરવી મુશ્કેલ હોય છે. તેમના માટે બધાના વિરોધનો સામનો કરવું ખૂબ મુશ્કેલી ભર્યું હોય છે. કારણ કે તમે આ પગલું બધાની ઉપરવટ જઈને ઉઠાવો છો."

"આવી પરિસ્થિતિમાં સમસ્યા તો છે પરંતુ સમાધાનને લઈને ઊંડો વિચાર કરવાની જરૂરિયાત છે. કારણ કે તમને એક દસ્તાવેજની જરૂરિયાત હશે જે આપને કાયદેસર આધાર આપી શકે.”

પરંતુ આ પ્રથમ મામલો નથી જ્યારે કાયદેસર રીતે બાળલગ્નને ગેરકાયદે ગણવાની માગ ઊઠી હોય. સુપ્રીમ કોર્ટ ભારતનાં તમામ રાજ્યોને અપીલ કરી ચૂકી છે કે આ મામલામાં કર્ણાટક મૉડલ અપનાવવું જોઈએ.

કર્ણાટક મૉડલ કેમ લાગુ નથી થતું?

કર્ણાટક સરકારે વર્ષ 2017 એક કાયદો પસાર કર્યો હતો જે અંતર્ગત કર્ણાટકમાં થનારાં બાળલગ્નો શરૂઆતથી જ ગેરકાયદે જાહેર કરી દેવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા માને છે કે આ એક કાયદાકીય સમસ્યા હોવાની સાથે સામાજિક સમસ્યા પણ છે.

તેઓ કહે છે, “વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મદન લોકુરે તમામ રાજ્યોને અપીલ કરી હતી કે તેઓ બાળલગ્નના મામલામાં કર્ણાટક મૉડલ અનુસરે. કર્ણાટક મૉડલ અંતર્ગત, રાજ્ય સરકારો પોતાના કાયદામાં ફેરફાર કરીને બાળલગ્નને શરૂઆતથી જ ગેરકાયદે જાહેર કરી શકે છે.”

વિરાગ ગુપ્તા માને છે કે આ એક મોટી સમસ્યાનું અંગ છે જેના નિદાન માટે સમાજથી માંડીને કાયદાના સ્તરે ઘણા ફેરફારોની આવશ્યકતા છે.

ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યોમાં વર્ષ 2030 સુધી બાળલગ્ન ખતમ કરવાનો પડકાર ઝીલ્યો છે. પરંતુ ભારત સરકાર પર આ લક્ષ્ય પ્રત્યે ઉદાસીન રહેવાના આરોપ લાગતા રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો