You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિમિષા પ્રિયા : એ લોકો, જે ભારતીય નર્સને મોતની સજામાંથી બચાવવા મથે છે
- લેેખક, સિરાજ
- પદ, બીબીસી તામિલ
યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાના મામલામાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને મળેલી મૃત્યુદંડની સજાને હાલ સ્થગિત કરી દેવાઈ છે. તેમને 16 જુલાઈના રોજ સજા થવાની હતી, પરંતુ અંતિમ સમયે તે ટાળી દેવાઈ અને હાલ તેની નવી તારીખ અંગે કશું નથી જણાવાયું.
આ જાહેરાતથી નિમિષા પ્રિયાનાં માતા પ્રેમાકુમારી, સામાજિક કાર્યકરો અને 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશલ ઍક્શન કાઉન્સિલ'ના સભ્યોને મોટી રાહત મળી છે.
આ લોકો નિમિષા પ્રિયાને મૃત્યુદંડથી બચાવવાના પ્રયાસમાં લાગેલા છે. સાથે જ તેઓ મહદી પરિવાર પાસેથી માફી હાસલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે નિમિષાને મળેલી મૃત્યુદંડની સજા માત્ર સ્થગિત કરાઈ છે, તેને પલટાવી નથી દેવાઈ.
બીબીસી તામિલે એ લોકો સાથે વાત કરી જેમણે નિમિષાને બચાવવાના અભિયાનમાં શરૂઆતથી માંડીને અત્યાર સુધી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
સૅમ્યુઅલ જેરોમ
તામિલનાડુના મૂળ નિવાસી સૅમ્યુઅલ જેરોમ ઘણાં વર્ષોથી પોતાના પરિવાર સાથે યમનમાં રહે છે. યમનમાં એક ખાનગી કંપનીમાં એવિયેશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા જેરોમે જ નિમિષા પ્રિયા મામલાને મીડિયામાં ચમકાવ્યો હતો.
યમનમાં નિમિષાના પરિવાર તરફથી આ કેસ લડવાની પાવર ઑફ ઍટર્ની તેમની પાસે છે.
બીબીસ તામિલ સાથે વાત કરતાં સૅમ્યુઅલ જેરોમે કહ્યું, "વર્ષ 2017માં મહદીની હત્યા બાદ, નિમિષાના પાસપૉર્ટની તસવીર અને મહદીના મૃતદેહની તસવીર વૉટ્સઍપ પર પ્રસારિત થવા લાગી. યમનમાં નિમિષાની મદદ કરવાની શંકામાં કેટલાક ભારતીયોની ધરપકડ પણ કરાઈ."
તેમણે કહ્યું, "હું ત્યારે પૂર્વ આફ્રિકાના દેશ જિબૂતીમાં હતો. યમનના સના પહોંચ્યા બાદ મેં નિમિષા મામલાની તપાસ શરૂ કરી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે વર્ષ 2017માં નિમિષા પ્રિયાની આ મામલામાં ધરપકડ કરાઈ હતી, ત્યારે યમનમાં ગૃહયુદ્ધને કારણે ભારતીય દૂતાવાસ ચાલુ નહોતું.
સૅમ્યુઅલ કહે છે કે, "નિમિષાની ધરપકડ બાદ એક યમની કાર્યકર્તાએ મને ફોન કર્યો અને કહ્યું કે જો તમે આ મામલામાં ભારત સરકારનો સંપર્ક નહીં કરો, તો નિમિષાને નિષ્પક્ષ ન્યાય નહીં મળે. એ બાદ મેં તરત ભારતીય વિદેશમંત્રી વીકે સિંહનો સંપર્ક સાધ્યો અને મદદ માગી."
સૅમ્યુઅલ કહે છે કે, "એ બાદ, વીકે સિંહએ પૂર્વ આફ્રિકન દેશ જિબૂતીસ્થિત ભારતીય દૂતાવાસના માધ્યમથી યમનને એક પત્ર મોકલ્યો. અમે એ પત્ર લઈને હૂતી વિદેશ મંત્રાલયને સોંપી દીધો. એ બાદથી જ નિમિષાના મામલામાં યોગ્ય ન્યાયિક તપાસ થઈ."
નિમિષાના પરિવારે સૅમ્યુઅલને યમનના શરિયત કાયદા પ્રમાણે મહદી પરિવાર સાથે ક્ષમાદાન માટે વાતચીત કરવા માટે અધિકૃત કર્યા છે.
સૅમ્યુઅલ કહે છે કે, "મેં નિમિષા સાથે પહેલી વાર 2018માં વાત કરી હતી. મેં માત્ર તેમનો પક્ષ જાણવાના ઇરાદે જ નહીં, પરંતુ કોઈ ભારતીય વિદેશી ધરતી પર પોતાનો જીવ ન ગુમાવે એ કારણે પણ મેં વાત કરી. તેમણે મને 14 પાનાંનો એક પત્ર લખ્યો, જેમાં સમગ્ર ઘટનાની વિગતો હતી. મેં એ આધારે જ મીડિયા સાથે વાત કરી."
સૅમ્યુઅલે નિમિષાની મૃત્યુદંડની સજાને અંતિમ ઘડીએ કોઈ પણ તારીખ આપ્યા વગર જ ટાળી દેવાયાની વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મહદી પરિવાર સાથે વાતચીત માટે વધુ સમય અપાયો છે.
તેમણે કહ્યું, "આપણે મહદી પરિવારના તર્કને પણ સમજવો પડશે. એમાં કોઈ બેમત નથી કે નિમિષાને સજા થઈ ચૂકી છે, પરંતુ અમે માત્ર એટલા માટે કોશિશ કરી રહ્યા છીએ કે શરિયત કાયદામાં એક રસ્તો છે. પણ તેઓ (મહદી પરિવાર) હજુ પણ ક્ષમાદાન કરવામાં રસ નથી ધરાવતા. જોકે અમે વાતચીત ચાલુ રાખી છે."
નિમિષાનાં માતા પ્રેમાકુમારી ગત વર્ષે એપ્રિલ માસમાં ભારત સરકાર પાસેથી ખાસ મંજૂરી મેળવીને યમન ગયાં હતાં, સૅમ્યુઅલ જેરમના પરિવાર સાથે જ યમનમાં રહે છે.
'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલનું અભિયાન'
વકીલ અને 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ'નાં ઉપાધ્યક્ષ દીપા જોસેફ કહે છે કે, "વર્ષ 2019માં મેં એક અખબારમાં આ મામલા વિશે વાંચ્યું. હું તેને અવગણી ન શકી."
"મેં વિચાર્યું કે એક એવા દેશમાં ફસાયેલી ભારતીય મહિલા માટે કેવી સ્થિતિ હશે, જ્યાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. મારો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે તેમને યમનમાં યોગ્ય કાનૂની સહાય મળે."
તેમણે આગળ કહ્યું, "હું વર્ષ 2020માં નિમિષાના પરિવારને મળી. નિમિષાનાં માતા વિધવા હતાં. તેઓ એર્નાકુલમાં ખાતે ઘરકામ કરતાં હતાં. તેમણે પલક્કડમાં પોતાની એકમાત્ર સંપત્તિ વેચીને યમનની જેલમાં બંધ પોતાની દીકરીના કાયદાકીય ખર્ચ માટે પૈસા મોકલ્યા. તેમના મજબૂત ઇરાદા જોઈને નિમિષાની મદદ માટે ઑક્ટોબર 2020માં સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ કાઉન્સિલનું ગઠન કરાયું."
'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ'એ નિમિષાને બચાવવા માટે દાન મારફતે પૈસા ભેગા કર્યા છે. આ સંગઠનની મદદથી નિમિષાનાં માતા પ્રેમાકુમારીએ ભારત સરકાર પાસેથી ખાસ મજૂરી મેળવી અને એપ્રિલ 2024માં યમન પહોંચી ગયાં.
એ વર્ષ સંગઠને મહદી પરિવાર સાથે વાતચીતની વ્યવસ્થા કરવા માટે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા નિયુક્ત યમની વકીલના ખાતામાં બે ભાગમાં 40 હજાર ડૉલર જમા કરાવ્યા.
સેવ નિમિષા પ્રિયા કાઉન્સિલના સભ્ય બાબુ જૉન કહે છે કે, "અમે મહદી પરિવારને આના માટે 8.5 કરોડ રૂપિયા (લગભગ દસ લાખ અમેરિકન ડૉલર) જેટલી 'બ્લડ મની'ની રકમ આપવા તૈયાર છીએ, પરંતુ મહદી પરિવારે બ્લડ મની સંદર્ભે કોઈ શરત નથી મૂકી. તેઓ નિમિષાને માફ કરવામાં કોઈ રસ નથી ધરાવતા."
વર્ષ 2002થી 2015 સુધી યમનાં એક ક્રૂડઑઇલ કંપનીમાં પ્રોજકેટ મૅનેજર તરીકે કામ કરનાર બાબુ જૉન હવે કેરળમાં રહે છે. તેઓ કહે છે કે તેઓ નિમિષાના ગુનાને યોગ્ય નથી ઠેરવતા.
"અમે મૃત્યુ પામેલા તલાલને દોષિત નથી ઠેરવી રહ્યા, પરંતુ પલક્કડના એક નાના ગામનાં રહેવાસી નિમિષા પોતાના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવાના આશય સાથે યમન ગયાં હતાં. તેણે ત્યાં એક 'ક્લિનિક' શરૂ કરવા માટે લાખો રૂપિયાનું દેવું કર્યું હતું."
બાબુ જૉન કહે છે કે, "આવી સ્થિતિમાં તો તેણે મહદીને મારવાના ઇરાદાથી આવું ન કર્યું હોત. અમે નિમિષાનાં માતા અને તેની દીકરીનું દર્દ સમજીએ છીએ. તેથી અમે દરેક શક્ય કોશિશ કરી રહ્યા છીએ."
કેરળના પલક્કડના એક નિવૃત્ત સ્કૂલ પ્રિન્સિપાલ અને 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ'ના સભ્ય મૂસા કહે છે કે, "મેં થોડાં વર્ષો સુધી અબુ ધાબીમાં શિક્ષક તરીકે કામ કર્યું છે. હું જાણું છું કે જ્યાં કોઈ રાજકીય સ્થિરતા નથી એવા યમન જેવા દેશમાં હત્યાના મામલામાં ફસાવવું એ કેવું હોય છે. તેથી અમે કાઉન્સિલના માધ્યમથી નિમિષાને જરૂરી મદદ પૂરી પાડી છે."
'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ' તરફથી 10 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ હતી. જેમાં ભારત સરકારને કૉન્સુલર કાર્યવાહી થકી નિમિષા પ્રિયાને છોડાવવાનો આદેશ આપવાની માગ કરાઈ હતી.
આ અરજી દાખલ કરનારા વકીલ સુભાષચંદ્રન પણ નિમિષાને બચાવવાના અભિયાનમાં જોડાયેલા છે.
સુભાષચંદ્રન કહે છે કે, "યમની ન્યાયતંત્ર નિમિષાને ક્ષમાદાન મેળવવાની તક આપી રહ્યું છે. તેથી અમે આના માટે કોશિશ કરી રહ્યા છીએ. નિમિષા પહેલાં જ ઘણાં વર્ષ જેલમાં વિતાવી ચૂક્યાં છે."
શેખ અબ્દુલ મલિક અલ નેહાયા અને અબ્દુલ્લા આમિર
યમનમાં ઘણાં આદિવાસી સમૂહો છે, જેમનો યમનના રાજકારણ પર ઊંડો પ્રભાવ છે. હકીકતમાં તો તલાલ અબ્દો મહદી 'અલ-ઓસાબ' નામક આદિવાસી સમૂહ સાથે સંકળાયેલા છે.
નિમિષા પ્રિયાના મામલામાં મહદી પરિવાર પાસેથી માફી મેળવવાનું કામ સરળ નથી, કારણ કે ન તો નિમિષાનો પરિવાર અને ન સૅમ્યુઅલ જેરોમ તેમની સાથે સીધી વાતચીત કરી શકે છે. આ કામ કેટલાક આદિવાસી નેતાઓ મારફતે જ થઈ શકે છે.
સૅમ્યુઅલ જેરોમને મહદી પરિવાર સાથે વાતચીતમાં મદદ કરનાર પ્રમુખ લોકો પૈકી એક શેખ અબ્દુલ મલિક અલ-નેહાયા છે. તેઓ અલ-ઓસાબ સમૂહના શેખ છે. યમનમાં 'શેખ'ને એક જાતીય સમૂહના નેતા માનવામાં આવે છે.
બીબીસી તામિલ સાથે વાત કરતાં શેખ અબ્દુલ મલિક અલ-નેહાયાએ કહ્યું, "હું મહદીની હત્યા પહેલાંથી નિમિષા અને મહદી બંનેનો જાણતો હતો. તેઓ બંને સાથે મળીને એક ક્લિનિક ચલાવતાં હતાં, જે શરૂ કરવામાં મેં મદદ કરી હતી. હું એ બંનેના પરિવારોને પણ જાણતો હતો."
તેમણે કહ્યું, "હું એ વિશે વાત નથી કરવા માગતો કે નિમિષાએ આ હત્યા કેમ અને કેવી રીતે કરી. તેને કોર્ટે સજા સુણાવી દીધી છે. હવે સૅમ્યુઅલ જેરોમ શરિયત કાયદા પ્રમાણે માફી મેળવવાની કોશિશ કરી રહ્યો છે. હું જે કરી શકું છું, એ કરી રહ્યો છું."
અબ્દુલ મલિકે એવું પણ કહ્યું, "વર્ષ 2023માં એક વાર મેં જેલમાં નિમિષા સાથે વાત કરી અને તેણે પૂછ્યું કે શું 'મહદી' પરિવાર તેને માફ કરી દેશે, તો મેં કહ્યું કે હું મારી ભરપૂર કોશિશ કરી રહ્યો છું."
આવી રીતે, અબ્દુલ્લા આમિર એક યમની વકીલ છે, જેમને ભારત સરકારે વર્ષ 2020માં નિમિષાનો કેસ લડવા માટે નીમ્યા હતા. તેઓ પણ યમની એક જનજાતિથી છે.
મહદી હત્યાકાંડમાં યમનના પાટનગર સનાની એક સ્થાનિક કોર્ટે વર્ષ 2020માં નિમિષાને મૃત્યુની સજા સંભળાવી હતી. એ બાદ જ અબ્દુલ્લા આમિરને આ મામલામાં નિયુક્ત કરાયા હતા.
તેમણે સનાની કોર્ટના નિર્ણય વિરુદ્ધ યમનના સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ દાખલ કરી. જોકે, નવેમ્બર 2023માં આ અપીલ ખારિજ કરી દેવાઈ અને મૃત્યુદંડની સજા યથાવત્ રખાઈ.
અબ્દુલ્લા આમિરે એવું પણ સુનિશ્ચિત કર્યું કે નિમિષાને 'માફી'ની તક મળે.
તેઓ મહદી પરિવાર સાથે વાતચીતને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
વર્ષ 2018માં સૅમ્યુઅલના માધ્યમથી નિમિષાનો મામલો સમાચારોમાં આવ્યા બાદ વકીલ કેએલ બાલચંદ્રન કેરળ એનઆરઆઇ કમિશન સામે નિમિષા તરફથી રજૂ થયા અને તેમના મામલા વિશે જણાવ્યું.
બાલચંદ્રને કહ્યું, "આ મામલાની શરૂઆતમાં નિમિષાને યોગ્ય કાનૂની સહાય ન મળી, જેના પરિણામે, તેઓ પોતાનો પક્ષ ન મૂકી શક્યાં. તેઓ ત્યાંની ભાષા જાણતાં ન હોવા છતાં તેમણે એ બધા દસ્તાવેજો પર સહી કરી દીધી, જે તેમને બતાવવામાં આવ્યા હતા."
નિમિષા પ્રિયાને મોતની સજા કેમ સંભળાવાઈ છે?
કેરળના પલક્કડનાં રહેવાસી નિમિષા પ્રિયા વર્ષ 2008માં એક નર્સ તરીકે કામ કરવા માટે યમન ગયાં હતાં.
ત્યાં ઘણી હૉસ્પિટલોમાં કામ કર્યા બાદ તેઓ વર્ષ 2011માં કેરળ પરત ફર્યાં અને ટૉમી થૉમસ સાથે તેમનાં લગ્ન થયાં. બંનેની એક દીકરી છે, જે હાલ કેરળમાં રહે છે.
વર્ષ 2015માં નિમિષાએ યમની નાગરિક તલાલ અબ્દો મહદી સાથે મળીને એક મેડિકલ ક્લિનિક શરૂ કર્યું હતું.
વર્ષ 2017માં મહદીનો મૃતદેહ એક પાણીની ટાંકીમાં મળી આવ્યો.
તેના એક માસ બાદ નિમિષાની યમન-સાઉદી અરેબિયાની સરહદેથી ધરપકડ થઈ.
નિમિષા પર આરોપ લાગ્યા કે તેમણે ઊંઘની દવાનો વધારે પડતો ડોઝ આપીને મહદીની હત્યાન કરી અને તેમના મૃતદેહને સંતાડવાનો પ્રયાસ કર્યો.
નિમિષાના વકીલે દલીલ કરી કે મહદીએ નિમિષાનું શારીરિક ઉત્પીડન કર્યું હતું. તેમણે તેમની બધી રકમ છીનવી લીધી હતી, તેમનો પાસપૉર્ટ જપ્ત કરી લીધો હતો અને બંદૂકથી તેમને ધમકાવ્યાં હતાં.
તલાલ અબ્દો મહદીના ભાઈ અબ્દેલ ફતેહે બીબીસી સમક્ષ આ દાવાનું ખંડન કર્યું.
વર્ષ 2020માં સનાની એક કોર્ટે નિમિષાને મૃત્યુદંડની સજા સંભળાવી. 2023માં યમનની સર્વોચ્ચ અદાલતે આ સજા યથાવત્ રાખી. નિમિષા પ્રિયા હાલ સના કેન્દ્રીય કારાગારમાં બંધ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન