નિમિષા પ્રિયા : ભારતીય નર્સને મોતની સજામાંથી બચાવવા ભારત યમનમાં શું કરી રહ્યું છે?

યમનમાં કેરળનાં નર્સ નિમિષા પ્રિયાને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા અંગે ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત સરકાર યમનની રાજધાની સનામાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે.

વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે આ નિમિષાના કેસમાં આ પ્રદેશમાં મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવતા દેશોનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે.

'ધ હિંદુ' અખબારના અહેવાલ પ્રમાણે ભારતે સનામાં હૂતી વહીવટીતંત્ર ઉપરાંત સાઉદી અરેબિયા, ઈરાન અને નજીકના બીજા દેશોનો પણ સંપર્ક કર્યો છે જે હુતીઓ પર પ્રભાવ ધરાવતા હોય.

રણધીર જયસ્વાલે કહ્યું કે, "આ એક સંવેદનશીલ મામલો છે. ભારત સરકાર તેમાં દરેક પ્રકારની મદદ પૂરી પાડી રહી છે. અમે કાયદાકીય મદદ કરી છે અને આ પરિવારને મદદ કરવા માટે એક વકીલની પણ નિમણૂક કરી છે. આ મામલાને ઉકેલવા અમે સ્થાનિક પ્રશાસન અને પરિવાર સાથે સતત સંપર્કમાં છીએ. નિમિષાના પરિવારને વધુ સમય મળે તે માટે અમે પણ કોશિશ કરી છે."

જોકે, આરબ જગતના મીડિયાનું કહેવું છે કે યમનમાં ભારતની ડિપ્લોમેટિક હાજરી બહુ મજબૂત નથી. તેના કારણે પણ સમસ્યા થઈ રહી છે.

આ દરમિયાન તલાલ અબ્દો મહદીના ભાઈ અબ્દુલ ફતહ મહદીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે તેના વલણમાં કોઈ ફેરફાર નથી. એક અરબી વેબસાઇટ પ્રમાણે ફેસબુક પોસ્ટ પર મૃતકના ભાઈએ લખ્યું છે કે અપરાધીને કોઈ પણ ભોગે સજા મળવી જોઈએ.

નિમિષાનો જીવ બચાવવા માટેની ભારતની મુશ્કેલી

યુએઈની ન્યૂઝ વેબસાઇટ ગલ્ફ ન્યૂઝના અહેવાલ પ્રમાણે નિમિષા પ્રિયાના મામલે ભારત સામે સૌથી મોટો પડકાર એ છે કે યમનામાં ભારતની ડિપ્લોમેટિક હાજરી બહુ ઓછી છે. ભારતે હુતિઓના શાસનને માન્યતા નથી આપી.

ભારત પાસે હસ્તક્ષેપ માટે બહુ ઓછા વિકલ્પો છે. કબીલાઈ અને ધાર્મિક નેતાઓ મારફત ભારત નિમિષાનો જીવ બચાવવા કોશિશ કરે છે. છેલ્લી ઘડીએ ભારતના ગ્રેન્ડ મુફ્તી દ્વારા કોશિશ કરવામાં આવી જેના કારણે ફાંસીનો દિવસ મોકૂફ રહ્યો છે, પરંતુ હજુ જોખમ દૂર નથી થયું.

16 જુલાઈએ નિમિષા પ્રિયાને મોતની સજા આપવાની તારીખ નિશ્ચિત હતી, પરંતુ છેલ્લી ઘડીએ સજા મોકૂફ રહી હતી.

નિમિષા પ્રિયાને બચાવવાના અભિયાનમાં લાગેલી 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલે' મંગળવારે જણાવ્યું કે સોમવાર, 14 જુલાઈએ કેરળના પ્રભાવશાળી મુસ્લિમ ધર્મગુરુ ગણાતા ગ્રેન્ડ મુફ્તી એપી અબુબકર મુસલિયારે 'યમનના કેટલાક શેખો' સાથે નિમિષા પ્રિયા મામલે વાત કરી હતી.

આ વાતચીત પછી 16 જુલાઈએ મોતની સજા ટળી ગઈ હતી.

2017માં પોતાના એક બિઝનેસ પાર્ટનરની હત્યાના મામલે યમનની સ્થાનિક કોર્ટે નિમિષા પ્રિયાને 2020માં મોતની સજા સંભળાવી હતી.

નિમિષા પ્રિયાના બિઝનેસ પાર્ટનર યમનના નાગરિક તલાલ અબ્દો મહદી હતા. નિમિષા અબ્દોની સાથએ યમનની રાજધાની સનામાં એક ક્લિનિક ચલાવતાં હતાં. અબ્દોના મૃતદેહના ટુકડા પાણીની ટાંકીમાંથી મળ્યા હતા.

અરબી ન્યૂઝ વેબસાઇટ અલ-યમન-અલ-ગાદે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે યમનના શરિયા કાનૂન પ્રમાણે નિમિષાના પરિવારજનોએ મૃતકના પરિવારને બ્લડ મની તરીકે 10 લાખ ડૉલર ઑફર કર્યા હતા, પરંતુ કોઈ સમજૂતી થઈ શકી નથી.

ભારતીય નર્સ નિમિષા માટે હજુ જોખમ

અલ-યમન-અલ-ગાદ મુજબ નિમિષાને બચાવવામાં કેટલાય ધાર્મિક સ્કૉલર પણ સામેલ થયા છે. તેમાં યમનના સૂફી શેખ હબીબ ઉમર બિન હાફિઝનો પણ સમાવેશ થાય છે.

ભારત સરકાર ડિપ્લોમેટિક સ્તરે પ્રયાસ કરે છે, પરંતુ હુતીઓ સાથે સારા સંબંધ ન હોવાના કારણે સફળતા નથી મળતી. નિમિષા પ્રિયાનો કેસ હવે કોઈ સામાન્ય અપરાધનો કેસ નથી. તેમાં કાનૂન, પરંપરા, રાજનીતિ અને ધર્મ બધું સામેલ થયું છે.

અરેબિક ન્યૂઝ વેબસાઈટ અલ-કુદ્સે પોતાના રિપોર્ટમાં તલાલ અબ્દો મહદીના ભાઈ અબ્દુલ ફતેહ મહદીની ફેસબૂક પોસ્ટનો ઉલ્લેખ કર્યો છે.

બુધવારની પોસ્ટમાં તેમણે લખ્યું છે, "મધ્યસ્થી અને વાતચીતમાં કંઈ નવું નથી. વર્ષોથી આ મામલે મધ્યસ્થીના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે. આમ છતાં અમારા વલણમાં કોઈ ફેરફાર નથી થયો. અમારી માગણીઓ સ્પષ્ટ છે. અપરાધીને સજા મળવી જોઈએ. અમને તેના સિવાય બીજું કંઈ નથી જોઈતું."

"કમનસીબે સજા ટાળવામાં આવી છે, જેની અમને આશા ન હતી. અદાલત જાણે છે કે અમે કોઈ પણ પ્રકારના સમાધાનનો ઇનકાર કર્યો છે. જ્યાં સુધી મોતની સજા ન મળે ત્યાં સુધી પ્રયાસો જારી રહેશે. અમે કોઈ દબાણ હેઠળ ઝૂકવાના નથી. હત્યાનો સોદો ન થઈ શકે. ન્યાય મળવામાં ભલે વિલંબ થાય પણ અમે કોઈ સમાધાન નહીં કરીએ."

નિમિષા પ્રિયા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ

નિમિષા પ્રિયા મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. નિમિષા પ્રિયાનાં પક્ષે વકીલ તરીકે રજૂ થયેલા સુભાષ ચંદ્રન કેઆરએ સુનાવણી અંગે મીડિયાને માહિતી આપી હતી.

તેમણે કહ્યું, "ઍટર્ની જનરલે જસ્ટિસ વિક્રમનાથ સમક્ષ કેસ રજૂ કર્યો હતો. નિમિષા પ્રિયાની મોતની સજા હાલમાં મોકૂફ રાખવામાં આવી છે, જેને જોતાં ઍટર્ની જનરલે ત્રણ અઠવાડિયાંનો સમય માગ્યો છે."

તેમણે જણાવ્યું હતું, "અરજદારો વતી મેં સુપ્રીમ કોર્ટમાં અરજ કરી હતી કે વાટાઘાટ માટે એક પ્રતિનિધિમંડળને યમન મોકલવામાં આવે, જેમાં અરજદાર સંગઠન, તેમનું પ્રતિનિધિમંડળ તથા કાંથાપુરમના પ્રતિનિધિ ધર્મુગુરૂ એપી અબૂબકર મુસલિયાર સામેલ હોય. 'બ્લડ મની' ચૂકવવા સંબંધે જે કોઈ વાટાઘાટ થઈ રહી છે, તેનું નેતૃત્વ મુસલિયાર કરી રહ્યા છે."

વકીલ સુભાષ ચંદ્રન કેઆરએ જણાવ્યું હતું, "કોર્ટે આજે અમારી દલીલનો સ્વીકાર કર્યો છે તથા યુનિયનને નિર્દેશ આપ્યો છે કે તેઓ અમારી વિનંતી ઉપર વિચાર કરવા માટે ભારત સરકારનો સંપર્ક સાધે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન