'જો હું શૌચાલયની માંગ કરીશ તો તેઓ મને નોકરીમાંથી કાઢી મૂકશે', મહિલા શ્રમિકોની દુર્દશા

    • લેેખક, શતાલી શેડમાકે અને આશય યેદગે
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હી દિલ વાલો કી....ભારતની રાજધાની દિલ્હી વિશે આ વાક્ય આપણે વારંવાર સાંભળીએ છીએ.

આ શહેર ફક્ત તેના ઐતિહાસિક સ્મારકો અને ઊંચી ઇમારતો માટે જ નહીં, પરંતુ હજારો લોકો માટે પણ જાણીતું છે જેઓ કામની શોધમાં અહીં આવે છે અને 'વાઇબ્રન્ટ દિલ્હી' શહેરનો એક ભાગ બની જાય છે.

આવી અસંખ્ય વ્યક્તિઓના રોજીંદા પ્રયત્નો એ શહેરનું ચાલકબળ છે. જેમના કારણે દિલ્હી ખરેખર રહેવા યોગ્ય બને છે.

રાજધાનીની 'સુંદરતા' વિશ્વને મંત્રમુગ્ધ કરે છે પરંતુ જેમ જેમ તેનું નિર્માણ થાય છે તેમ તેમ શ્રમિકોનો પરસેવો વહેતો હોય છે. ખાસ કરીને એવાં પુરુષો અને સ્ત્રીઓ જેઓ હજારો માઇલ દૂરથી આજીવિકા માટે તેમના વતન ત્યજીને અહીં આવે છે.

આ શ્રમિકોમાં ખાસ કરીને મહિલા બાંધકામ કામદારો ઘણીવાર શૌચાલય, સ્વચ્છ પીવાનું પાણી અને મૂળભૂત આરોગ્ય જેવી પાયાની સુવિધાનો અભાવ અનુભવે છે. આ તેમના રોજિંદા જીવનની કઠોર વાસ્તવિકતા છે.

'હું પેશાબ કરવા ના જવું પડે એ માટે પાણી પીવાનું ટાળું છું'

દેવિકાકુમારી (નામ બદલ્યું છે) કામની શોધમાં તેમના પતિ સાથે ઉત્તર પ્રદેશથી દિલ્હી આવ્યાં હતાં અને ત્યારથી અહીં જ છે.

હાલમાં તેમનો પરિવાર ઉત્તર પશ્ચિમ દિલ્હીના બાવાનામાં ભાડાના રૂમમાં રહે છે. થોડાં વર્ષો પહેલાં તેમના પતિનો કામ પર અકસ્માત થયો હતો અને ત્યારથી ઘરની બધી જવાબદારીઓ તેમના ખભા પર આવી ગઈ હતી.

તેઓ કહે છે, "હું 8 વર્ષથી દૈનિક શ્રમિક તરીકે કામ કરી રહી છું. મેં મોટી ઇમારતો, રસ્તાઓ, ગટરો, ફ્લાયઓવર બનાવવામાં કામ કર્યું છે. પરંતુ આમાંથી જુજ જગ્યાએ જ શૌચાલયની સુવિધા હતી."

તેમના મત પ્રમાણે, "કામ કરતી વખતે પેશાબ કરવા જવું એ એક મોટી મુશ્કેલી હોય છે. નજીકમાં ક્યાંય શૌચાલયો હોતાં નથી. તેથી હું પેશાબને રોકવા માટે પાણી પીવાનું જ ટાળું છું. પરસેવાથી શરીરમાં પાણી ઓછું થાય છે અને તેથી મને વારંવાર પેશાબ કરવાની જરૂર નથી લાગતી. પરંતુ આમ કરવાથી બળતરા અને પેટમાં ખેંચ અનુભવાય છે."

"માસિકસ્રાવનો સમય વધુ ખરાબ હોય છે. હું સરળતાથી કાપડ બદલી શકતી નથી. તેથી હું માસિકસ્રાવ દરમિયાન જાડી ચાદર જેવાં કાપડાંનો ઉપયોગ કરું છું અને ઘરે પહોંચ્યા પછી જ તેને બદલું છું. પરંતુ કલાકો સુધી આવું કાપડ પહેરી રાખવાથી બળતરા થાય છે. ક્યારેક ભીનાશને કારણે ફોલ્લીઓ અને ખંજવાળ પણ આવે છે. આ બધું ખૂબ જ અસહ્ય બની જાય છે."

દેવિકાકુમારીની જેમ ઘણી સ્ત્રીઓ વિવિધ બાંધકામ સ્થળો પર કામ કરે છે. ઘણી સ્ત્રીઓને ડર છે કે જો તેઓ આ બાબતો વિશે કૉન્ટ્રૅક્ટરને ફરિયાદ કરશે તો તેઓ તેમની નોકરી ગુમાવશે. તેથી જ તેઓએ તેમનાં નામો જાહેર કરવાનો ઇન્કાર કર્યો.

બિહારની 34 વર્ષીય રોશની (નામ બદલ્યું છે)એ કહ્યું, "કામ સવારે 9 વાગ્યે શરૂ થાય છે અને સાંજે 5:30 વાગ્યા સુધી ચાલે છે. બપોરના 1 વાગ્યે જમવાનો વિરામ હોય છે. અમને ફક્ત એક કલાકનો વિરામ મળે છે. આસપાસ જો શૌચાલય ન હોય તો અમારે એકાંત હોય એવી જગ્યા શોધવી પડે છે. જો ના મળે તો અમે તેને રોકી રાખીએ છીએ."

દેવિકાકુમારી અને રોશની બંનેને એક-એક બાળક છે. તેમણે કહ્યું કે તેમની ડિલિવરી સી-સેક્શન દ્વારા કરવામાં આવી હતી. બાળજન્મ પછી દેવિકાકુમારીને ગર્ભાશયમાં ફોલ્લો થયો. સારવાર દરમિયાન તેમને વારંવાર પેશાબ કરવાની જરૂર પડતી હતી અને હજુ પણ એમ થાય છે. પરંતુ તેઓ કહે છે કે કામ પર વારંવાર પેશાબ કરવા જવું શક્ય નથી.

જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ જાહેર શૌચાલયનો ઉપયોગ કેમ નથી કરતા, ત્યારે રોશનીએ જવાબ આપ્યો કે, "તેઓ એક વારનાં 10 રૂપિયા લે છે. મોટાભાગે તે સ્વચ્છ હોતાં નથી. જો હું દિવસમાં બે કે ત્રણ વાર જાઉં તો તે 20–30 રૂપિયા થાય છે. 300 રૂપિયાનાં દૈનિક કમાણીમાંથી 30 રૂપિયાનો ખર્ચ કરવો એ મોટી વાત કહેવાય. હું પિરિયડ્સ દરમિયાન કાપડનો જ ઉપયોગ કરું છું કારણ કે સૅનિટરી પૅડ 40 રૂપિયાનું હોય છે. જો હું આ રીતે પૈસા બચાવું તો હું ઘર માટે બીજું કંઈક ખરીદી શકું છું."

ઇન્ટરનૅશનલ જર્નલ ઑફ મલ્ટિડિસિપ્લિનરી રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ બાંધકામ ક્ષેત્રે કામ કરતી મહિલાઓ મોટી સંખ્યામાં પેશાબની (UTI) સમસ્યાથી પીડાય છે. સર્વે કરાયેલી મહિલાઓમાં 95.5% મહિલાઓ UTI થી પીડીત હતી. ઘણી મહિલાઓને તાવ અને શરીરમાં દુ:ખાવો રહેતો હતો.

મુંબઈની સૈફી હૉસ્પિટલના યુરૉલૉજિસ્ટ ડૉ. મંગેશ પાટીલ કહે છે, "જ્યારે સ્ત્રીઓ લાંબા સમય સુધી પેશાબ રોકી રાખે છે, ત્યારે તે મૂત્રાશયમાં એકઠું થાય છે. જેનાથી આ ગંભીર ચેપનું જોખમ વધે છે. જો આમ જ ચાલુ રહે તો મૂત્રાશયની ક્ષમતા ઘટે છે. આની સારવાર ખર્ચાળ છે. મહિલા મજૂરો ઘણીવાર નાણાકીય મુશ્કેલીઓ, નિદાનમાં વિલંબ અને વધતાં સ્વાસ્થ્ય જોખમોને કારણે આંના લક્ષણોની જાણ વહેલાં કરતાં નથી. સ્ત્રીઓ પહેલેથી જ UTIs જેવા રોગ બાબતે વધુ સંવેદનશીલ હોય છે, અને અસ્વચ્છ પરિસ્થિતિઓમાં કામ કરવાથી તેમને આ રોગ થાય છે."

'જો રજા લઉં તો ખાઉં શું?'

મહિલા મજૂરો દરરોજ 300 થી 350 રૂપિયા કમાય છે. ઘણી નોકરીઓ કરાર આધારિત હોય છે. એકવાર કામ પૂરું થઈ જાય પછી ભવિષ્યમાં રોજગારની કોઈ ગૅરંટી નથી હોતી.

જો પતિ-પત્ની બંને કામ કરતાં હોય તો તેઓ દરરોજ 700થી 850 રૂપિયા કમાય છે. આમાં દૈનિક ખર્ચ, બાળકોની જરૂરિયાતો, ભાડું, વીજળીના બિલ વગેરેનો સમાવેશ થાય છે. આ બધામાં કંઈ બાકી રહેતું નથી. તેથી 'રજા', 'આરામ' અથવા 'વૅકેશન' જેવા શબ્દો તેમના જીવનમાં છે જ નહીં.

એક મહિલાએ નામ ન આપવાની શરતે જણાવતાં કહ્યું, "હું 20 વર્ષ પહેલાં હરિયાણાથી દિલ્હી આવી હતી અને ત્યારથી કામ કરી રહી છું. એકવાર મારી તબિયત સારી ન હતી અને અડધો દિવસની રજા લીધી. કૉન્ટ્રેક્ટરે આખા દિવસનો પગાર કાપી લીધો. જો હું એક દિવસ પણ કામે જવાનું ચૂકી જાઉં તો શું ખાઇશ? જેવા પ્રશ્નો ઊભા થાય છે. 'રજા' એ અમારા માટે નથી."

દિલ્હી બિલ્ડિંગ ઍન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર વેલફેર બોર્ડ દિલ્હીમાં બાંધકામ મજૂરો માટે કામ કરે છે. બિલ્ડિંગ અને અન્ય બાંધકામ કામદારો (રોજગારનું નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 1996 અનુસાર કામદારોને અઠવાડિયામાં એક દિવસ રજા આપવી ફરજિયાત છે.

કાયદામાં નિયમિત વેતન, સલામત પીવાનું પાણી, યોગ્ય શૌચાલય, અલગ રસોડું, સ્નાન સુવિધાઓ, કામચલાઉ રહેઠાણ, પ્રાથમિક સારવાર કીટ, કૅન્ટીન અને સલામતી માર્ગદર્શિકા જેવી સુવિધાઓ કૉન્ટ્રેક્ટરો અથવા નોકરીદાતાઓએ ફરજિયાત રીતે પુરું પાડવાની જોગવાઇ છે. પરંતુ ઘણી જગ્યાએ આ નિયમોની સાવ અવગણના કરવામાં આવે છે.

10 થી વધુ કામદારો ધરાવતી કોઈપણ બાંધકામ સાઇટ માટે આ માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે. મજૂર કાર્ડ મેળવવા માટે કામદારોએ રાજ્ય કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવવી પડે છે.

જોકે, અમને મળેલી મોટાભાગની મહિલાઓ શ્રમ કાર્ડના લાભોથી અજાણ હતી. તેનાથી વિપરીત તેઓએ કહ્યું કે બાળકોને મળતા લાભો, શ્રમ કાર્ડ માટેની અરજીઓ અને અન્ય યોજનાઓ સંબંધિત ફૉર્મ માટે ઘણીવાર તેમની પાસેથી પૈસા લેવામાં આવે છે.

આ મહિલાઓ દિલ્હીનું નિર્માણ કરે છે. પરંતુ તેઓ જે દિલ્હી તેઓ બનાવે છે તેમાં રહી શકતી નથી. શૌચાલય, પાણી, આરોગ્યસંભાળ અને શ્રમનું ગૌરવ મૂળભૂત અધિકારો છે. છતાં તેમને હજુ પણ 'સુવિધાઓ' તરીકે જોવામાં આવે છે.

ગુજરાન કઈ રીતે ચલાવવું?

મદનલાલ અને પ્રેમાદેવી છેલ્લાં પંદર વર્ષથી દિલ્હીમાં મજૂર તરીકે કામ કરી રહ્યાં છે. પ્રેમાદેવી એક બાંધકામ કામદાર છે, જ્યારે મદનલાલ છેલ્લાં દસ વર્ષથી એક હાથે ગમે તે કામ કરી રહ્યા છે જેથી તેમના પરિવારનું ગુજરાન ચલાવી શકાય.

તેમની પુત્રી પ્રિયા દસમા ધોરણમાં છે. અમે તેમને દિલ્હીની મજૂર અદાલતમાં મળ્યા.

જ્યારે અમે મહિલા કામદારો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે મદનલાલ નજીકમાં ઊભા ઊભા લાંબા સમય સુધી શાંતિથી સાંભળી રહ્યા હતા. આખરે, તેઓ પોતાને રોકી શક્યા નહીં અને કહ્યું, "સાહેબ, એ સાચું છે કે સ્ત્રીઓ પાસે શૌચાલય નથી, પણ અમારું શું? અમને પણ કંઈ મળતું નથી."

મદનલાલના ડાબા હાથની ત્રણ આંગળીઓ ગાયબ હતી. બાકીની એક આંગળી તૂટી ગઈ હતી. તેમનો ફક્ત અંગૂઠો જ અકબંધ હતો.

તેમણે કહ્યું, "2016માં એક કંપનીમાં કામ કરતી વખતે મારો અકસ્માત થયો હતો. માલિકે શરૂઆતની સારવારનો ખર્ચ ઉઠાવ્યો અને પછી તેણે હાથ ધોઈ નાખ્યા. ત્યારથી હું એક હાથે જે કામ કરી શકું તે કરી રહ્યો છું. હું 2016થી આ કોર્ટમાં ધક્કા ખાઇ રહ્યો છું અને મને એક પણ રૂપિયો સહાય મળી નથી. મેં બાંધકામમાં કામ કરવાનું બંધ કરી દીધું, ત્યારથી મારી પત્નીએ જવાબદારી સંભાળી લીધી છે. તેથી શૌચાલય અને આરોગ્યસંભાળ જેવા મુદ્દાઓ નજીવા લાગે છે. ટકી રહેવાની લડાઈ એ જ મોટી લડાઈ છે."

મદનલાલનાં પત્ની પ્રેમાદેવી કહે છે, "મને બાંધકામનું કામ નથી આવડતું તેથી મને ભાર ઉપાડવાના અથવા રસોઈ બનાવવા જેવાં ગૌણ કાર્યો મળે છે. હું પુરુષો કરતાં ઓછી કમાણી કરું છું. બાંધકામ સ્થળોએ શૌચાલય નથી, તેથી જો ઝાડીઓ હોય તો હું ત્યાં જાઉં છું. નહીં તો હું પેટમાં દુ:ખાવા સાથે કલાકો સુધી કામ કરું છું. જો હું એક દિવસ રજા લઉં તો તેઓ મારો પગાર કાપી લે છે."

'આપણે આપણી ગંદકી જાતે જ સાફ કરવી પડે છે'

1998થી કડિયાકામનું કામ કરતા રામ ખિલારી તેમના અનુભવ અને કેટલાક કૉન્ટ્રેક્ટરો સાથેના સંબંધોને કારણે મદન કરતા થોડી વધુ કમાણી કરે છે.

તેમણે કહ્યું, "કેટલાક કૉન્ટ્રેક્ટરો કામચલાઉ શૌચાલય બનાવે છે, પરંતુ તે ક્યારેય સાફ નથી હોતા. જો મને કામ કરતી વખતે પેટમાં દુ:ખાવો થાય છે તો મારે મારાં નાક અને મોં ઢાંકીને તે શૌચાલયોનો ઉપયોગ કરવો પડે છે. મારી પત્ની પણ અહીં કામ કરે છે પરંતુ તે મારા કરતા ઓછી કમાણી કરે છે કારણ કે તે બાંધકામનું કામ જાણતી નથી. ક્યારેક, જો સ્થળ પર શૌચાલય ન હોય તો અમે જાહેર શૌચાલયનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ દિલ્હીના નવા વિકાસશીલ વિસ્તારોમાં કંઇ હોતુ નથી."

દિલ્હી બિલ્ડીંગ ઍન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ બોર્ડ (DBOCWWB) ના સભ્ય થાનેશ્વર દયાલ ગૌરે જણાવ્યું હતું કે, "મહિલા બાંધકામ કામદારો માટે શૌચાલય અંગે એવું કહી શકાય કે મોટા પાયે પ્રોજેક્ટ્સ પર કામ કરતી મહિલાઓની સંખ્યા ઘણી ઓછી હોવાથી અમને આ મુદ્દે ભાગ્યે જ ફરિયાદો મળે છે. કન્સ્ટ્રક્શન વર્કર્સ બોર્ડના નિયમોમાં મહિલાઓ માટે અલગ શૌચાલયની જોગવાઈઓનો સમાવેશ થાય છે. પરંતુ ઘણી જગ્યાએ બિલ્ડરો અને કૉન્ટ્રેક્ટરો આ સુવિધાઓ પૂરી પાડવા અંગે ધ્યાન આપતા જ નથી."

તેમણે દાવો કર્યો છે કે NCR, દિલ્હી અને નજીકનાં શહેરોમાં મોટાં બાંધકામસ્થળોએ શૌચાલયની સુવિધાઓ છે, પરંતુ ત્યાં પણ સ્વચ્છતા એ ચિંતાનો વિષય છે."

દિલ્હીમાં જાહેર શૌચાલયોની સ્થિતિ

દિલ્હી અર્બન શેલ્ટર ઇમ્પ્રૂવમેન્ટ બોર્ડ (DUSIB) દિલ્હીમાં જાહેર શૌચાલયોનું સંચાલન કરે છે.

શહેરમાં લગભગ 2,985 જાહેર શૌચાલય છે. આમાંથી 660 જન સુવિધા કેન્દ્રો ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સ્થિત છે, જેમાં લગભગ 22,000 શૌચાલય બેઠકો છે. અધિકારીઓએ, નામ ન આપવાની શરતે સ્વીકાર્યું કે દિલ્હીને હાલમાં લગભગ 60,000 શૌચાલય બેઠકોની જરૂર છે.

પ્રજા ફાઉન્ડેશનના 2020ના અહેવાલ મુજબ દિલ્હીમાં દર 3,982 પુરુષો અને 9,630 મહિલાઓ માટે એક જાહેર શૌચાલય છે.

સ્વચ્છ ભારત મિશનની શહેરી માર્ગદર્શિકા (2017) મુજબ ભારતમાં દર 100-400 પુરુષો અને 100-200 મહિલાઓ માટે એક શૌચાલયની જરૂર છે.

દિલ્હીમાં લગભગ 3,250 જાહેર શૌચાલય છે. જેમાંથી 2,257 પુરુષો માટે અને ફક્ત 810 મહિલાઓ માટે છે.

'અમારા હાથ બંધાયેલા છે'

શ્રમ કલ્યાણ માટે કામ કરતા એક યુવાન અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું, "અમારું કામ સુવિધાઓ પૂરી પાડવાનું છે. પરંતુ બાંધકામસ્થળોએ કૉન્ટ્રેક્ટરો નિયમોનું પાલન કરે તે જોવું પણ જરૂરી છે. આ કામદારોની વેદના હૃદયદ્રાવક છે, પરંતુ અમારા હાથ બંધાયેલા છે. અમે શું કરી શકીએ?"

શહેરી આધુનિકીકરણ અને ગ્લેમરની દોડમાં દિવસ-રાત મહેનત કરનારા હાથોને લાગે છે કે સરકાર ફક્ત 'યોજનાઓનું ગાજર' લટકાવી રહી છે અને કામ પૂરું કરી રહી નથી. આ ફક્ત દિલ્હીની વાત નથી પરંતુ હજારો લોકોની વાસ્તવિકતા છે જેઓ દરેક મહાનગરમાં પોતાનું પેટ ભરવા માટે પોતાનાં ઘર, ગામડાં અને રાજ્યો છોડીને આવે છે.

કેટલાક લોકોએ પોતાના જીવનનાં 20-30 વર્ષ આ શહેરોની સેવામાં સમર્પિત કર્યાં છે, છતાં તેમના હાથ ખાલી રહે છે. તેઓ વિનંતી કરે છે કે "ઓછામાં ઓછું અમારી મૂળભૂત જરૂરિયાતોને અવગણશો નહીં. અમારા વિશે પણ કંઇ વિચારો."

આ મજૂરો અને ખાસ કરીને મહિલાઓ માટે દૈનિક વેતન મેળવવાનો સંઘર્ષ સૌથી મોટો પડકાર છે. બાકીનું બધું, જેમકે-તેમનું સ્વાસ્થ્ય અને ગૌરવ પાછળ રહી જાય છે. અસ્તિત્વ અને પૈસાની અતિશય જરૂરિયાત તેમને આમ કરવા મજબૂર કરે છે. આ કેવળ દિલ્હીની કહાણી નથી પરંતુ દેશનાં તમામ મહાનગરોની છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન