ઇલૉન મસ્કની ટેસ્લા કાર ભારતમાં લૉન્ચ થઈ, કેટલા લાખમાં અને કેવી રીતે ખરીદી શકાશે?

ઇલૉન મસ્કની ટેસ્લા કાર મંગળવારથી ભારતમાં લૉન્ચ થઈ ગઈ છે.

ટેસ્લાએ મુંબઈમાં પોતાનો પ્રથમ શોરૂમ ખોલ્યો છે. સીએનબીસીના અહેવાલ પ્રમાણે ટેસ્લાના સાઉથઈસ્ટ ડાયરેક્ટર ઇસાબેલ ફેને જાહેરાત કરી કે ટૂંક સમયમાં દેશની રાજધાની દિલ્હીમાં પણ ટેસ્લાનો શોરૂમ ખોલશે.

ઇલૉન મસ્કની ટેસ્લાનું વેચાણ કેટલાક સમયથી ઘટી રહ્યું છે. ભારતમાં ઇમ્પોર્ટેડ કાર પર ભારે ટેરિફને લઈને ઇલૉન મસ્કે ભારતની ટીકા કરી છે.

હવે ભારતીય કાર બજારમાં ટેસ્લા આવી ગઈ છે ત્યારે દુનિયાભરના ઑટોમોબાઇલ સેક્ટરમાં તેને રસથી જોવામાં આવે છે. ટેસ્લા ઇન્ડિયાને લઈને કેટલાક મહત્ત્વના સવાલોના જવાબ અહીં આપ્યા છે.

ભારતમાં ટેસ્લા કારની કિંમત કેટલી હશે?

ટેસ્લાએ ભારતમાં પોતાનું વાય મૉડલ લૉન્ચ કર્યું છે. તેની પ્રારંભિક કિંમત 70 હજાર ડૉલર એટલે કે લગભગ 60 લાખ રૂપિયા રહેશે.

ટેસ્લાની સત્તાવાર વેબસાઇટ પરથી ગ્રાહકો આ કાર બૂક કરાવી શકશે. આગામી ઑક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે કારની ડિલિવરી મળવાની શક્યતા છે.

ઇલૉન મસ્ક ઘણા સમયથી ભારતમાં ટેસ્લા કાર લાવવાનું આયોજન કરતા હતા. તેઓ ભારતમાં ટેસ્લાની ફૅક્ટરી સ્થાપવાની યોજના પણ ધરાવતા હતા.

ટેસ્લાના મૉડલ Y રિયર-વ્હીલ ડ્રાઇવનો ભાવ લગભગ 60 લાખ રૂપિયા રાખવામાં આવ્યો છે. જ્યારે મૉડલ Y લૉન્ગ રેન્જ રિયર-વ્હીલ ડ્રાઇવની કિંમત લગભગ 68 લાખ રૂપિયા છે.

વધુ છ લાખ રૂપિયા આપવાથી કંપનીની 'ફુલ સેલ્ફ ડ્રાઈવિંગ' સુવિધા ઉપલબ્ધ થશે, જેમાં ભવિષ્યમાં એવા અપડેટની ખાતરી અપાય છે કે કારને ઓછામાં ઓછા માનવ હસ્તક્ષેપ સાથે ચલાવી શકાશે.

ટેસ્લાની કારનો ભાવ આટલો ઊંચો શા માટે?

ભારતમાં ટેસ્લાના જે મૉડલનો ભાવ 60 લાખ રૂપિયા રાખવામાં આવ્યો છે, તે કાર અમેરિકામાં 44,999 ડૉલરમાં, એટલે કે લગભગ 39 લાખ રૂપિયામાં મળે છે. ચીનમાં તેનો ભાવ 32 લાખ રૂપિયા અને જર્મનીમાં 39.50 લાખ રૂપિયા છે.

તેનાથી એવો સવાલ થાય છે કે ભારતમાં ટેસ્લાનો ભાવ આટલો ઊંચો કેમ છે?

તેનું કારણ છે ભારતમાં ટૅક્સના ઊંચા દર. ટેસ્લા ભારતમાં જે કાર રજૂ કરશે તેના પર લગભગ 100 ટકા ટેરિફ લાગશે. તેના કારણે કિંમત ઘણી વધારે લાગે છે.

ટેસ્લાના ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર વૈભવ તણેજાએ એપ્રિલમાં જણાવ્યું હતું કે ટેસ્લાને ભારતમાં રસ છે.

જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે "ભારતમાં કંપની બહુ સમજી વિચારીને પગલાં લેશે, કારણ કે અહીં ઈવી (ઈલેક્ટ્રિક વ્હીકલ)ની આયાત પર 70 ટકા ડ્યૂટી અને લગભગ 30 ટકા લક્ઝરી ટૅક્સ લાગે છે."

આટલા ભારે ટેક્સના કારણે ભારતમાં ટેસ્લાએ કારના ભાવ ઊંચા રાખવા પડશે.

ભારતમાં ટેસ્લાની હરીફાઈ કોની સાથે થશે?

ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક કારોના નાના અને પ્રીમિયમ જૂથને લક્ષ્ય બનાવી રહી છે. ભારતના કુલ ઑટોમોબાઇલ બજારનો તે 4 ટકા હિસ્સો છે. નિષ્ણાતોના મતે, ટેસ્લા ઇલેક્ટ્રિક કાર બનાવતી ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી સ્થાનિક કંપનીઓ સાથે સ્પર્ધા નહીં કરે. તેનો મુકાબલો બીએમડબલ્યુ અને મર્સિડિઝ બેન્ઝ જેવી કંપનીઓ સાથે થશે.

ટેસ્લાની ઉત્પાદન ક્ષમતા વધુ છે અને વેચાણ ઘટી રહ્યું છે. તેથી કંપનીએ પોતાની ઇમ્પોર્ટેડ કારને ભારતમાં વેચવાની રણનીતિ અપનાવી છે, ભલે તેના પર ઊંચો ટૅક્સ ભરવો પડે.

જોકે, ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં ટેરિફના મામલે ટ્રેડ ડીલની વાતચીત ચાલુ છે.

સીએનબીસીના ઇનસાઈડ ઇન્ડિયા કાર્યક્રમમાં ફ્રોસ્ટ ઍન્ડ સલિવનમાં મોબિલિટી સેક્ટરના ગ્લોબલ ક્લાયન્ટ લીડર વિવેક વૈધે જણાવ્યું કે "સવાલ એ છે કે શું ટેસ્લા ભારતમાં માસ માર્કેટને પ્રભાવિત કરશે? તેનો જવાબ છે નહીં, કારણ કે ભારતમાં સૌથી વધુ વેચાતી કારની કિંમત આ કારના ભાવ કરતા દસમા ભાગ જેટલી છે."

તેમણે કહ્યું કે "આ કિંમત સંપૂર્ણપણે લોકોની પહોંચની બહાર છે એવું નહીં કહું, કારણ કે ભારતમાં દરેક ભાવે ખરીદનારા મળી રહે છે."

જોકે, મુંબઈમાં ટેસ્લાએ જે કાર પ્રદર્શિત કરી તે ચીનમાં બનેલી છે. આ કાર જે ફૅક્ટરીમાં બની છે ત્યાં ભારત માટે જરૂરી રાઇટ-હૅન્ડ ડ્રાઇવ ગાડીઓ નથી બનતી.

મંગળવારે મુંબઈમાં જે ઑફિસ કૉમ્પ્લેક્સમાં ટેસ્લાનો પ્રથમ શો રૂમ ખૂલ્યો હતો, ત્યાં મીડિયાની ભારે ભીડ જામી હતી.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસ પણ તેના લૉન્ચમાં હાજર હતા.

ફડનવીસે કહ્યું કે "ભવિષ્યમાં અમે ભારતમાં રિસર્ચ ઍન્ડ ડૅવલપમૅન્ટ અને મૅન્યુફેક્ચરિંગની આશા રાખીએ છીએ. મને વિશ્વાસ છે કે ટેસ્લા યોગ્ય સમયે તેના માટે વિચારશે.

આનંદ મહિન્દ્રાએ આ સ્પર્ધાને સકારાત્મક રીતે લીધી છે અને તેનાથી ઇનોવેશનને વેગ મળશે તેમ જણાવ્યું.

તેમણે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું કે, "ઇલૉન મસ્ક અને ટેસ્લાનું ભારતમાં સ્વાગત છે. દુનિયામાં સૌથી મોટી ઈવી તક પૈકી એક હવે વધુ રોમાંચક છે. સ્પર્ધાથી ઇનોવેશન પેદા થાય છે. આગળ એક લાંબો રસ્તો છે. ચાર્જિંગ સ્ટેશન પર મુલાકાતની રાહ જોઈશું."

ટેસ્લાની સફર

વર્ષ 2018માં ટેસ્લા પોતાની સસ્તી ઇલેક્ટ્રિક કાર, મૉડલ 3 માટે ઉત્પાદન વધારી રહી હતી.

પરંતુ તેમાં ગંભીર સમસ્યા હતી. કંપનીની તિજોરી ઝડપથી ખાલી થઈ રહી હતી અને તે દેવું ફૂંકવાની તૈયારીમાં હતી. કંપનીના સીઈઓ તરીકે ઇલૉન મસ્ક દિવસમાં 22-22 કલાક ફૅક્ટરીમાં વિતાવતા હતા.

ત્યાર પછી એક ઇન્ટરવ્યૂમાં ઇલૉન મસ્કે સ્વીકાર્યું કે કંપની બંધ થવાની તૈયારીમાં હતી.

પરંતુ બે વર્ષમાં સ્થિતિ બદલાઈ ગઈ. કાર બજારમાં ઊતરે તે અગાઉ તેના શૅર આશ્ચર્યજનક રીતે વધવા લાગ્યા. તેમાં 50 ટકાથી વધુ ઉછાળો આવ્યો.

2020માં સળંગ ચાર ક્વાર્ટર સુધી કંપનીને નફો થયો. કોરાના વખતે કાર કંપનીઓ સેમીકન્ડક્ટરની અછતનો સામનો કરતી હતી, ત્યારે ટેસ્લા જંગી નફો કરતી હતી.

2021માં કંપનીનું બજારમૂલ્ય 1.2 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું અને ઍપલ, માઇક્રોસૉફ્ટ, આલ્ફાબેટ, એમેઝોન પછી ટેસ્લા દુનિયાની સૌથી મોટી કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગઈ. કાર કંપનીઓમાં તે સૌથી વધુ ઝડપથી એક ટ્રિલિયન (એક લાખ કરોડ) ડૉલરના આંકડા સુધી પહોંચી હતી અને બ્રાન્ડ વેલ્યૂની દૃષ્ટિએ નંબર વન હતી.

ઉત્પાદનના મામલામાં ટોયોટા, ફૉક્સવેગન, ફોર્ડ અને હોન્ડા જેવી કંપનીઓથી ટેસ્લા ઘણી પાછળ હતી. પરંતુ ટેસ્લાનું મૂલ્ય ટોયોટા, ફૉક્સવેગન અને હોન્ડાના કુલ મૂલ્ય કરતા પણ વધુ થઈ ગયું હતું. એટલે કે બે વર્ષ અગાઉ જે કંપની બંધ થવાની હાલતમાં હતી તે દુનિયાની સૌથી મોટી કાર કંપની બની ગઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન