ગુજરાત : પશુપાલકો પર પોલીસે ટિયરગૅસના ગોળા છોડ્યા, સાબર ડેરી સામે ઉગ્ર વિરોધ કેમ થયો?

હિંમતનગરમાં આવેલી સાબર ડેરી દ્વારા પશુપાલકોને કથિતપણે ઓછો ભાવફેર ચૂકવવામાં આવ્યો હોવાની ફરિયાદ સાથે મોટી સંખ્યામાં પશુપાલકોએ ગઈ કાલે 14મી જુલાઈએ ભારે વિરોધ કર્યો હતો.

બીબીસીના સહયોગી પરેશ પઢિયારે આપેલી માહિતી અનુસાર, પશુપાલકો સાબર ડેરી સામે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને એ સમયગાળા દરમિયાન પોલીસની ટુકડી પણ આવી ગઈ હતી.

વિરોધ કરનારા પશુપાલકોનો દાવો હતો કે તેમને ડેરી દ્વારા પૂરતો નફો ચૂકવવામાં આવતો નથી અને તેમની રજૂઆત સાંભળવામાં આવતી નથી.

જ્યારે સાબર ડેરી પ્રમાણે ખેડૂતોને 'યોગ્ય' નફો 11મી જુલાઈએ જ ચૂકવી દેવાયો હતો.

જોકે, 14મી જુલાઈના રોજ સાબર ડેરીની બહાર જે વિરોધપ્રદર્શન થયું એ ઘણું ઉગ્ર હતું. ખેડૂતો-પશુપાલકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું.

પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો અને ટિયરગૅસના શેલ પણ છોડ્યા હતા. વિરોધપ્રદર્શન કરી રહેલા 'એક ખેડૂતનું મૃત્યુ' પણ થયું હોવાનું સામે આવ્યું છે. વિરોધ આટલો ઉગ્ર કેમ બની ગયો અને ખેડૂતોની માગ શું છે?

સાબર ડેરી સામે પશુપાલકોએ આંદોલન કેમ ઉપાડ્યું?

સાબર ડેરીમાં હજારોની સંખ્યામાં સભાસદો (પશુપાલકો) જોડાયેલા છે. આ પશુપાલકો પોતાને ત્યાં દૂધનું ઉત્પાદન થાય એ ડેરીમાં આપતા હોય છે.

આ દૂધમાંથી ડેરી તેનું પૅકેજિંગ પ્રોસેસિંગ કરીને અથવા તો તેમાંથી કોઈ બીજી પ્રૉડક્ટ બનાવીને વેચતી હોય છે. એ સામાન્ય રીતે દૂધની ખરીદકિંમત કરતાં વધારે જ હોય છે.

આ રીતે સાબર ડેરીને જે નફો થાય એ નફાને તે પશુપાલકોમાં વહેંચતી હોય છે.

અરવલ્લીથી બીબીસી સહયોગી અંકિત ચૌહાણે અમુક પશુપાલકો સાથે વાતચીત કરી હતી એ પ્રમાણે, "ગત વર્ષે ડેરીએ આ નફામાંથી લગભગ 16થી 17 ટકા જેટલો ભાવફેર પશુપાલકોને આપ્યો હતો, પરંતુ આ વખતે માત્ર 9થી 10 ટકા જેટલો જ ભાવફેર ખેડૂતોને આપવામાં આવ્યો છે. જ્યારે ખેડૂતોને ગત વર્ષ કરતાં વધુ ભાવફેર મળશે તેવી આશા હતી."

ભાવફેરની ચૂકવણી પહેલાં જ બીજી જુલાઈના રોજ માગને લઈને પશુપાલકોના આગેવાનોએ સાબરકાંઠાના કલેક્ટરને આવેદન આપ્યું હતું.

એ સમયે હાજર રહેલા બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે કહ્યું હતું કે, "અરવલ્લી-સાબરકાંઠાના ખેડૂતોનું માત્રને માત્ર દૂધના ધંધાથી ગુજરાન ચાલે છે, એ જ એમની આજીવિકા છે. છેલ્લા કેટલાક દિવસોમાં મેં જોયું છે કે આર્થિક સ્થિતિના કારણે ઈડરમાં એક પરિવારે આપઘાત કર્યો હતો. ખેડૂતોને આ ભાવફેર મળે છે તેમાંથી જ તેઓ ખાતર, જંતુનાશકો વગેરે ખરીદતા હોય છે, એટલા માટે તેઓ તેની રાહ જોતા હોય છે."

તેમણે કહ્યું હતું કે,"પશુપાલકો પોતાનું દૂધ વેચીને પૈસા રળે છે તોય તેમને ભીખ માગવી પડે છે. દૂધના પૈસા લેવા માટે તેમને આંદોલન કરવું પડે, વિનવણીઓ કરવી પડે તેવી હાલત છે."

ત્યાર બાદ 11 જુલાઈએ પશુપાલકોને ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો, પરંતુ તેઓ આ ચુકવણીથી નારાજ હતા.

સાબર ડેરીએ ભાવફેરની ચુકવણી બાબતે શું કહ્યું હતું?

સાબર ડેરીના મૅનેજિંગ ડાયરેક્ટર સુભાષ પટેલે સાબર ડેરી તરફથી 13મી જુલાઈએ એક નિવેદન જાહેર કર્યું હતું.

આ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, "સાબર ડેરી દર વર્ષે પ્રણાલી મુજબ જૂનના અંત ભાગમાં અથવા જુલાઈના અંકમાં ભાવફેરની રકમ ચૂકવી આપે છે. આ વર્ષે પણ અમે આગોતરું આયોજન કર્યું હતું, પરંતુ ઑડિટ ચાલુ હોવાથી ભાવફેરની રકમ ચૂકવી નહોતી શકાઈ. આ બાબતે જિલ્લાના દૂધ ઉત્પાદકો તરફથી રજૂઆત પણ આવી હતી કે ખાતર-બિયારણની ખરીદી માટેનો સમય હોવાથી તેમને જલદીથી આ નાણાં ચૂકવી દેવામાં આવે."

સુભાષ પટેલે કહ્યું હતું કે, "સરકારે અમને ભાવફેર ચૂકવવા કહ્યું હતું આથી અમે તાત્કાલિક નિર્ણય કરીને 960 રૂપિયા પ્રતિકિલો ફેટ ચુકવણી કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન આપણે તેમને સામાન્ય રીતે 850 રૂપિયા પ્રતિકિલો ફેટના દરે ચુકવણી કરતાં હોઈએ છીએ."

તેમનું કહેવું હતું કે આ વર્ષે 110 રૂપિયા પ્રતિકિલો ફેટ ભાવફેર ચૂકવવામાં આવ્યો છે અને સાબર ડેરીએ ઉત્પાદકોની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે.

તેમણે કહ્યું હતું કે, "ગત વર્ષે આપણે 990 રૂપિયાનો ભાવફેર ચૂકવ્યો હતો અને એ પહેલાંનાં વર્ષે 934 રૂપિયાની ચુકવણી કરી હતી. સાબર ડેરી ચુકવણીમાં બીજા નંબરે છે."

"ઑડિટની કામગીરી પૂર્ણ થશે એ પછી સાધારણ સભા બોલાવવામાં આવશે અને હિસાબમાં કોઈ વધઘટ હશે તો વધારાની ચુકવણી કરી આપશે. અમે ક્યારેય ભાવફેર ઓછો કરવા નથી માગતા. કેટલાંક તત્ત્વો દૂધ ઉત્પાદકોને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેમની વાતમાં ન આવે."

પશુપાલકોએ સાબર ડેરીનો ઘેરાવ કર્યો

જોકે, સોમવારે નિર્ધારિત આયોજન પ્રમાણે સેંકડોની સંખ્યામાં પશુપાલકોએ સાબર ડેરીનો ઘેરાવ કર્યો હતો. ઘટનાસ્થળના વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે વાહનોમાં તોડફોડ, ડેરીના દરવાજા પાસે વિરોધ થયો હતો તથા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. પોલીસે ટિયરગૅસના શેલ પણ છોડ્યા હતા.

એસપી વિજય પટેલે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, "આજે સવારે (14 જુલાઈ)એ સાબર ડેરીના દૂધ ઉત્પાદકો તેમના ભાવવધારાને લગતી માગને લઈને વિરોધનું આહ્વાન કર્યું હતું. ગઈ કાલે જ સાબર ડેરીના એક અધિકૃત વ્યક્તિએ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે સાબર ડેરીનું ઑડિટ પૂર્ણ થાય પછી ભાવવધારો આપવામાં આવશે."

"તેમ છતાં પણ 1500થી 2000 લોકો સાબર ડેરીએ આવ્યા હતા જેમણે શરૂઆતમાં રજૂઆત કરી હતી. પોલીસે મધ્યસ્થીની ઑફર કરી હતી, પરંતુ તેમણે પથ્થરમારો શરૂ કરી દીધો. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના કારણે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટિયરગૅસના શૅલ છોડવા પડ્યા હતા. ત્રણથી ચાર પોલીસકર્મીને પણ ઈજા થઈ હતી અને ચાર પોલીસનાં વાહનોના કાચ પણ તૂટ્યા છે."

એસપી વિજય પટેલે જણાવ્યું હતું કે પોલીસે કાર્યવાહીમાં 50થી વધુ ટિયરગૅસના શેલ છોડ્યા હતા.

બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ આ મામલે પ્રદર્શન કરી રહેલા પશુપાલકોને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા.

ધવલસિંહ ઝાલાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, "પશુપાલકો આ વર્ષે સાબર ડેરી તરફથી જાહેર કરવામાં આવેલા 9થી 10 ટકા કિંમતોના ભાવફેર સામે 20થી 25 ટકા ભાવફેરની માગણી કરી રહ્યા છે. સ્વયંભૂ હજારો પશુપાલકો અહીં રજૂઆત માટે એકત્રિત થયા હતા. "

તેમણે કહ્યું હતું કે, "પશુપાલકોને એ નિર્ણય લેવાનો છે કે એમણે શું કરવું છે, પરંતુ હું એટલું જાણું છું કે પશુપાલકોની મહેનત, દૂધની જે આવક છે, તેને એ જરૂરથી મળવી જોઈએ. તેમની માગ પ્રમાણે ડેરીના વહીવટી મંડળે તેના પર વિચાર કરવો જોઈએ. પોલીસને પણ વાગ્યું છે અને પશુપાલકો પણ ઈજાગ્રસ્ત થયા છે. બંનેએ સંયમ રાખવો જોઈએ. ટિયરગૅસના શેલ છોડવા પડ્યા છે એ અતિશય ખરાબ બાબત છે."

પશુપાલકોએ શું આરોપો લગાવ્યા?

વધુ ભાવ માગી રહેલા હજારો પશુપાલકોએ અરવલ્લી, સાબરકાંઠાનાં અનેક ગામડાંમાં પશુપાલકોએ વિરોધ શરૂ રાખ્યો હતો.

મોડાસા, ઈડર, વડાલી, મોટી વાડોલ, વક્તાપુર, ભજપુરા સહિતના અનેક વિસ્તારોમાં પશુપાલકોએ ડેરીમાં દૂધ નહીં ભરાવીને વિરોધ કર્યો હતો. અનેક જગ્યાએ પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ પણ નોંધાવ્યો હતો.

વક્તાપુર ડેરીમાં દૂધ આપતાં બહેનોએ ગુસ્સામાં કહ્યું હતું કે, "અમે સવારે ચાર વાગ્યે ઊઠીને મહેનત કરીએ છીએ અને અમારો નફો એ લોકો ખાઈ જાય છે. અમારી મજૂરીના પૈસા તો અમને મળવા જ જોઈએ. અમારા ઘરમાં પણ અમે દૂધ પીતાં નથી અને જેટલું બને તેટલું દૂધ અમે ડેરીમાં આપીએ છીએ, તોય અમને પૈસા આપતા નથી. અમારી એક જ માગ છે કે અમને પૂરતો નફો મળ્યો નથી, અમને હજુ વધારે નફો આપવામાં આવે."

વક્તાપુર ડેરીના ચૅરમૅને કહ્યું હતું કે, "સાબર ડેરી નિયામક મંડળે આ વર્ષે માત્ર 9.19 ટકાનો નફો આપ્યો તેના વિરોધમાં હજારો પશુપાલકોએ એકઠા થઈને વિરોધ કર્યો હતો. અમારી રજૂઆત સાંભળવા કોઈ નિયામક મંડળ બહાર આવ્યું નહીં અને વધુમાં અમારા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તેના વિરોધમાં અમે દૂધ ડેરીમાં આપવાનું બંધ કરીએ છીએ અને હજુ પણ જો અમારી માગ નહીં સ્વીકારવામાં આવે તો નિયામકોના ઘરનો ઘેરાવ કરવામાં આવશે."

અન્ય એક પશુપાલક નરેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "નિર્દોષ પ્રજા પર પોલીસને આગળ કરીને ટિયરગૅસના શેલ છોડાયા અને લાઠીચાર્જ પણ કર્યો છે. ઝીંઝવા ગામના અશોકભાઈ પટેલ શહીદ થયા છે. તેના વિરોધમાં અમે દૂધ આપવાનું બંધ કર્યું છે. અમે પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માગ કરીએ છીએ."

વિરોધપ્રદર્શન બાદ સાબર ડેરી તરફથી આજે નિવેદન અપાયું હતું. ચૅરમૅન શામળ પટેલે કહ્યું હતું કે, "ઑડિટ પૂરું થાય એ પછી અમે ભાવફેર ચૂકવતા હોઈએ છીએ. ઑડિટ પૂરું થાય એ પછી સાધારણસભામાં નિર્ણય લેવાશે અને જે વધઘટ હશે તે ફરીથી ચૂકવી આપવામાં આવશે એવી હું પશુપાલકો અને ખેડૂતમિત્રોને ધરપત આપું છું. ગઈ કાલે જે બન્યું એ દુ:ખદ છે."

સંઘર્ષ સમયે એક 'પશુપાલકનું મૃત્યુ', પોલીસે શું કહ્યું?

આ વિરોધપ્રદર્શનમાં સામેલ એવા ઈડરના ઝીંઝવા ગામના અશોક પટેલનું મૃત્યુ થયું હતું.

મૃતકના ભાઈ દેવેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "મારા ભાઈ સાથે અમે બધા પણ સાબરડેરીએ રજૂઆત કરવા ગયા હતા. વિરોધ શરૂ થયો અને પોલીસે ટિયરગૅસના શેલ છોડ્યા. આ શેલ મારા ભાઈની બાજુમાં આવીને પડ્યો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ ગઈ હતી. તેના કારણે જ મારા ભાઈને નુકસાન થયું હતું."

તેમણે રડતાં રડતાં કહ્યું હતું કે, "પછી અમે તેને ડૉક્ટર પાસે અને પછી સિવિલ હૉસ્પિટલ લઈ ગયા હતા, પણ તેમને બચાવી શકાયો નહોતો."

જોકે, આ મામલે હિંમતનગરના ડીવાયએસપી એકે પટેલે આજે 15 જુલાઈએ કરેલી પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અશોક પટેલનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે તેમનું મૃત્યુ કોઈ પણ બાહ્ય ઈજાથી થયું હોય એવું બન્યું નથી."

તેમણે જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં 47 લોકોની અટકાયત કરવામાં આવી હતી. એફઆઈઆરમાં પૂર્વ ધારાસભ્યનું પણ નામ છે."

પોલીસે પશુપાલકો સામે શું ગુનો નોંધ્યો?

આ મામલામાં પોલીસે ખુદ જ 74 લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યો છે. એ સિવાય પણ એફઆઈઆર પ્રમાણે અજાણ્યા નવસોથી હજાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

એફઆઈઆર પ્રમાણે જશુભાઈ પટેલ અને ઈડરના અંકાલાના ધર્મેન્દ્રસિંહ જેતાવત સામે અગાઉનાં ભાષણો દ્વારા લોકોની ઉશ્કેરણી કરીને સુનિયોજિત કાવતરું રચીને આ વિરોધપ્રદર્શન કરવાનો આરોપ છે.

તેમના પર એવો આરોપ છે કે તેમણે સાબર ડેરીના ચૅરમૅન અને ડિરેક્ટરોએ ઓછો નફો ચૂકવીને પશુપાલકો સાથેની છેતરપિંડી કરી હોવાના, તથા સાબર ડેરીના સત્તાધીશો મનમાની કરતા હોવાના લોકોને મૅસેજ કર્યા હતા અને 14 જુલાઈએ સાબરડેરી પાસે ભેગા થવાનું કાવતરું ઘડ્યું હતું.

એફઆઈઆર પ્રમાણે, બાકીના આરોપીઓએ સાબર ડેરીના ડિરેક્ટરોને મેથીપાક ચખાડવાનો છે તથા તેમના વહીવટદારો સહિત ડેરીને સળગાવી દેવાની છે તેવા સૂત્રોચ્ચાર કરીને લોખંડની પાઇપો તથા પથ્થરો વડે પોલીસ અધિકારીઓ પણ હુમલો કર્યો હતો તેવો આરોપ મૂકવામાં આવ્યો હતો.

વિરોધપ્રદર્શન કરનારા લોકો પર સાબર ડેરીના ગેટ અને જાળીઓને નુકસાન પહોંચાડવાનો અને નૅશનલ હાઈવે પર પથ્થરો અને ઝાડ મૂકીને વાહનચાલકોને અવરોધવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

આરોપી પશુપાલકો સામે બીએનએસ કલમો 61(2) (એ), 109(1), 125(એ), 189 (2), 189(5), 190, 191(2), 121(1), 126(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વિપક્ષોએ ઘટનાની સખત નિંદા કરી

સાબર ડેરીની બહાર વિરોધપ્રદર્શન કરી રહેલા પશુપાલકો પર લાઠીચાર્જ અને ટિયરગૅસના શેલ છોડવાની ઘટનાની વિપક્ષના નેતાઓએ આકરી ટીકા કરી હતી.

કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, "બળપ્રયોગ કરી દેખાવકારોને દબાવી દેવોની સરકારી તંત્રની નીતિ લોકશાહીમાં યોગ્ય નથી. પશુપાલકોને અંદર બોલાવી તેમની સાથે સંવાદ કર્યો હોત તો એક વ્યક્તિનો જીવ ન ગયો હોત."

આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, "પશુપાલકોને પોતાનો હક્ક માગવા જતા અહંકારી ભાજપની સરકારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કર્યો હતો. જેમાં એક પશુપાલકનું મોત થયું છે. ભાજપ એમ ન સમજે કે તે પોલીસ દ્વારા ખેડૂતો અને પશુપાલકોને દબાવી દેશે."

કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, "વર્તમાન ભાજપ સરકારે અંગ્રેજોને પણ શરમાવે તેવી રીતે પોતાના હક અને અધિકાર માટે લડતા ખેડૂતો અને પશુપાલકો પર અત્યાચાર કરી રહી છે."

આપના અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, "સાબર ડેરીની બહાર શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહેલા પશુપાલકો પર ભાજપની સરકારે લાઠીચાર્જ કરીને ટિયરગૅસના શેલ છોડીને બર્બરતાની તમામ હદ પાર કરી દીધી છે. ડેરીના નફામાં ભાગ માગવો એ કોઈ અપરાધ નથી."

ઇનપુટ્સ: સાબરકાંઠાથી પરેશ પઢિયાર અને અરવલ્લીથી અંકિત ચૌહાણ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન