You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયન મહિલા તેમનાં બે બાળકો સાથે કર્ણાટકમાં આવેલા એક જંગલની ગુફામાં મળી આવ્યાં, તેઓ ગુફામાં શું કરતાં હતાં?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી માટે, બૅંગ્લુરુથી
કર્ણાટકમાં એક એવી ઘટના બની હતી જેનાથી પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
પોલીસ અધિકારીઓએ જોયું કે એક રશિયન મહિલા તેમનાં બે નાનાં બાળકો સાથે કર્ણાટકના તટવર્તી જિલ્લા ઉત્તર કન્નડના એક દૂરના વિસ્તારમાં એક પહાડ નીચે આવેલી ગુફામાં રહેતાં હતાં.
જ્યારે પોલીસની ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક પહાડ પરથી 700-800 મીટર નીચે આવેલી એક ગુફાના પ્રવેશદ્વાર પાસે તેમને કેટલાંક કપડાં લટકતાં દેખાયાં.
એ જોઈને જ્યારે પોલીસની ટુકડી એક જોખમી જંગલના રસ્તે ગુફાની તરફ આગળ વધી ત્યારે તેમણે જોયું કે એક સોનેરી વાળવાળી નાની બાળકી ગુફામાંથી બહાર દોડતી આવી હતી. તેઓ તેમને જોઈને આશ્ચર્યચકિત પણ થઈ ગયા હતા.
'ઈશ્વરની સેવા માં છે'
ઉત્તર કન્નડ જિલ્લાના પોલીસ અધિક્ષક એમ. નારાયણે બીબીસીને જણાવ્યું હતું કે, "ગુફાની આસપાસ સાપ પણ જોવા મળ્યા હતા. આ વિસ્તાર જોખમી છે કારણ કે ગયા વર્ષે જ આ રામતીર્થ પહાડીઓની આસપાસ ભૂસ્ખલન પણ થયું હતું. તેથી જ અમારી એક પેટ્રોલિંગ ટુકડી આસપાસ તપાસ કરી રહી હતી."
ગુફાની અંદર નીના કુટિના નામનાં એક રશિયન મહિલા કે જેમની ઉંમર 40 વર્ષ છે. તેમની સાથે તેમનાં બે બાળકો પ્રેમા અને અમા પણ રહેતાં હતાં. તેમની ઉંમર અનુક્રમે છ અને ચાર વર્ષની છે. એવું લાગતું હતું કે તેઓ ત્યાં ઘણા સહજ છે.
એસપી એમ. નારાયણે કહ્યું હતું કે, "અમને તેમને સમજાવવા માટે થોડો સમય લાગ્યો હતો કે ત્યાં રહેવું જોખમી હતું."
એક અઠવાડિયાથી પણ ઓછા સમય પહેલાં, તેઓ કેટલીક શાકભાજી અને કરિયાણાની વસ્તુઓ લઈને આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લાકડાં સળગાવીને ભોજન બનાવ્યું હતું. પોલીસને ત્યાં એક પ્રસિદ્ધ બ્રાન્ડના નૂડલ્સ અને સલાડ મળ્યાં હતાં.
એમ. નારાયણે કહ્યું, "અમારી ટીમે તેમને પાંડુરંગ વિઠ્ઠલની મૂર્તિની પૂજા કરતાં જોયાં હતાં. તેઓ કહી રહ્યાં હતાં કે ભગવાન કૃષ્ણે તેમને ધ્યાન ધરવા માટે મોકલ્યા છે અને તેઓ તપસ્યા કરી રહ્યાં છે."
ભારતમાં ક્યારથી છે?
નીનાએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પાસપૉર્ટ ગુમ થઈ ગયો છે. પરંતુ પોલીસ અને વન અધિકારીઓએ તેનો પાસપૉર્ટ શોધી કાઢ્યો હતો. નીના ક્યારેક ક્યારેક ભારત આવતાં રહેતાં હતાં. તેમના વિઝા તો 2017માં જ સમાપ્ત થઈ ગયા હતા.
નીના 18 ઑક્ટોબર, 2016થી 17 એપ્રિલ, 2017 સુધી બિઝનેસ વિઝા પર ભારતમાં હતાં.
ગોવા સ્થિત વિદેશી પ્રાદેશિક નોંધણી કાર્યાલય (FRRO) એ તેને 19 એપ્રિલ, 2018ના રોજ ઍક્ઝિટ પરમિટ જાહેર કર્યું હતું.
ત્યારબાદ નીના નેપાળ ગયાં હતાં અને ત્યાંથી 8 સપ્ટેમ્બર, 2018ના રોજ ભારત પરત આવ્યાં હતાં.
પોલીસ તેમને એક મહિલા દ્વારા સંચાલિત આશ્રમમાં લઈ ગઈ હતી અને તેમનાં બાળકોને એક બાળગૃહમાં મોકલવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમને રશિયા મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન