You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગળામાં પટ્ટો બાંધીને ખાનગી કંપનીના કર્મચારી સાથે કૂતરા જેવો વ્યવહાર કેમ કરાયો? વાઇરલ વીડિયોની હકીકત શું છે?
- લેેખક, સેવિયર સેલ્વાકુમાર
- પદ, બીબીસી તમિળ
કેરળના કોચીમાં એક ખાનગી કંપનીના કર્મચારીઓના ગળામાં પટ્ટો બાંધીને, જમીન પર ઘૂંટણભેર બેસવા મજબૂર કરવાનો એક વીડિયો વાઇરલ થયો છે જેનાથી વિવાદ થયો છે.
કોચીના પેરુમ્બાઉર ખાતે એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે કંપનીમાં કામ કરતી એક મહિલાની ફરિયાદના આધારે વીડિયો શૅર કરનાર વ્યક્તિ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
વાઇરલ વીડિયોમાં પછી દાવો કરવામાં આવ્યો છે કે એક કંપનીના કર્મચારીએ સેલ્સ ટાર્ગેટ પૂરો ન કરતાં તેને આવી સજા અપાઈ હતી.
વીડિયોમાં એક યુવાનને ગળે પટ્ટો બાંધીને ઢસડવામાં આવતો હોય તેવું જોવા મળે છે. તેને કૂતરાની જેમ ભસવા માટે પણ ફરજ પાડવામાં આવી રહી છે.
વાઇરલ થયો વીડિયો
આ વીડિયોને દેશભરમાં લાખો લોકોએ સોશિયલ મીડિયા પર જોયો છે. ત્યાર પછી કેરળના માનવાધિકાર પંચ અને રાજ્ય યુવા પંચે આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે.
કેરળ યુવા પંચના અધ્યક્ષ શાઝરે બીબીસીને જણાવ્યું કે, "કોઈ પણ સભ્ય સમાજમાં આવું વર્તન મંજૂર નથી. તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ."
કેરળના શ્રમમંત્રી સિવનકુટ્ટીએ જણાવ્યું કે "આ ઘટનાની તપાસના આદેશ અપાયા છે."
તેમણે જણાવ્યું કે આ મામલે શ્રમવિભાગના અધિકારી પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાર મહિના જૂની ઘટના
વાઇરલ વીડિયોમાં જે વ્યક્તિને ગળે પટ્ટો બાંધીને કૂતરાની જેમ ઢસડવામાં આવે છે, તેમણે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
તેમણે કહ્યું કે, "હું હજુ પણ એ જ કંપનીમાં કામ કરું છું. આ ફૂટેજ કેટલાક મહિના અગાઉ કંપનીમાં મૅનેજર તરીકે કામ કરતી કોઈ વ્યક્તિએ લીધા હતા. ત્યાર પછી મૅનૅજમેન્ટે એ વ્યક્તિને રાજીનામું આપવા કહ્યું અને હવે તે કંપનીના માલિકને બદનામ કરવા માટે આ વીડિયોનો ઉપયોગ કરે છે."
બીબીસી સાથે વાત કરતાં અર્નાકુલમ જિલ્લાના શ્રમકલ્યાણ અધિકારી વિનોદકુમારે જણાવ્યું કે, "સંબંધિત કર્મચારીઓએ તેમને જણાવ્યું છે કે ગયા વર્ષે નવેમ્બરમાં રેકૉર્ડ કરવામાં આવેલો વીડિયો બનાવટી હતો."
તેમણે કહ્યું કે, "જે વ્યક્તિએ વીડિયો પોસ્ટ કર્યો છે તે હવે ત્યાં કામ નથી કરતી. તેણે બદલો લેવા માટે આ વીડિયો જાહેર કર્યો છે. જે કર્મચારીને પીડિત માનવામાં આવે છે, તે હજુ પણ ત્યાં કામ કરે છે. મેં ત્યાંના બધા કર્મચારીઓ સાથે વાત કરીને શ્રમકલ્યાણપંચને રિપોર્ટ મોકલી દીધો છે. ત્યાંથી તે રિપોર્ટ કેરળ સરકારને મોકલવામાં આવશે."
શ્રમકલ્યાણ અધિકારી વિનોદકુમારે જણાવ્યું કે, "કંપનીમાં કામ કરતા કર્મચારીને વેતન નથી અપાતું. તેઓ રોજ ઘેર ઘેર જઈને કેટલોક ઘરેલુ સામાન વેચે છે અને તેમને વેચાણના આધારે કમિશન મળે છે. તેથી સેલ્સ ટાર્ગેટ પૂરો ન કરવાના કારણે તેમને સજા અપાઈ હતી એમ કહેવું યોગ્ય નથી."
વીડિયો પોસ્ટ કરનાર સામે ફરિયાદ દાખલ
બીજી તરફ સ્થાનિક પોલીસે વીડિયો વાઇરલ કરનાર વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો છે.
પોલીસે વીડિયો બનાવીને તેને વાઇરલ કરનાર પૂર્વ મૅનેજર સામે આઇપીસીની કલમ 74 હેઠળ કેસ દાખલ કર્યો છે.
બીબીસી સાથે વાત કરતાં પેરુમ્બાઉર સર્કલ ઇન્સ્પેક્ટર સુપીએ જણાવ્યું કે, "વાઇરલ વીડિયોને એક મજાક તરીકે લેવામાં આવ્યો હતો. ત્યાં અગાઉ કામ કરનાર એક મૅનેજરે બદલો લેવાના ઇરાદાથી વીડિયો ઉતાર્યો અને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર શૅર કર્યો. તે જ્યારે આ કંપનીમાં હોત ત્યારે કંપનીના મૅનેજમેન્ટ અને તે વ્યક્તિ વચ્ચે કંઈક વિવાદ હતો."
સર્કલ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, "વીડિયોમાં જોતી વ્યક્તિએ પોતે કહ્યું છે કે તેને આવી કોઈ સજા અપાઈ ન હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તે જ કંપનીમાં કામ કરતી એક મહિલાએ વીડિયો પોસ્ટ કરનાર કોઝિકોડના ભૂતપૂર્વ મૅનેજર સામે પહેલેથી ફરિયાદ દાખલ કરાવી દીધી છે."
પોલીસનું કહેવું છે કે કંપનીના કોઈ કર્મચારીએ આ પ્રકારના દુર્વ્યવહારની કોઈ ફરિયાદ હજુ સુધી દાખલ નથી કરાવી.
સર્કલ ઇન્સ્પેક્ટર સુપીએ બીબીસીને જણાવ્યું કે, "ફરિયાદમાં જે ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને કેટલાક મહિના વીતી ગયા છે. તેથી તાત્કાલિક ધરપકડનો કોઈ નિર્ણય નથી લેવાયો. આ મામલે કાનૂની સલાહ લેવામાં આવી છે."
પીપલ્સ સિવિલ રાઇટ્સ ઍસોસિયેશનના એક્ઝિક્યુટિવ અને વકીલ બાલામુરુગને બીબીસીને જણાવ્યું કે, "આ ઘટના માનવાધિકારનું હનન છે. આ માનવીય ગૌરવ હણતી ઘટના હોવાને કારણે પોલીસ પાસે આ મામલામાં કેસ નોંધવાના પૂરતાં કારણો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન