'કોલ્હાપુરના મહાદેવ મંદિર પર વકફ બોર્ડનો દાવો' એવા અમિત શાહના નિવેદનમાં કેટલું સત્ય છે?

    • લેેખક, પ્રવીણ સિંધુ
    • પદ, બીબીસી સંવાદદાતા

અનેક આરોપ-પ્રત્યારોપ પછી વકફ સંશોધન બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પસાર થયો. એ પછી રાષ્ટ્રપતિએ પણ આ ખરડાને મંજૂરી આપી દીધી.

આ ઐતિહાસિક વકફ સુધારા ખરડા વિશે બોલતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક મંદિરનો ઉલ્લેખ કરીને વકફ બોર્ડ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

અમિત શાહના દાવા બાદ કોલ્હાપુરના મહાદેવ મંદિરની ચર્ચા બધે શરૂ થઈ ગઈ છે.

અમિત શાહે તેમના ભાષણમાં આ સંદર્ભે શું કહ્યું હતું? આ મંદિર જ્યાં આવેલું છે તે કોલ્હાપુરના વડણગે ગામના લોકો આ બાબતે શું કહે છે? આ જમીન વિવાદ ખરેખર શું છે? તેની કાનૂની પૃષ્ઠભૂમિ શું છે? બીબીસીએ આ સવાલોના જવાબ શોધ્યા છે.

અમિત શાહે લોકસભામાં શું કહ્યું હતું?

અમિત શાહે લોકસભામાં ભાષણ આપતાં કહ્યું હતું, "વકફ બોર્ડે મહારાષ્ટ્રના વડણગે ગામ (તાલુકો કરવીર, જિલ્લો કોલ્હાપુર)માંના મહાદેવ મંદિર પર દાવો કર્યો હતો. વકફ બોર્ડે બીડમાં કંકલેશ્વર મંદિરની 12 એકર જમીન બળજબરીથી સંપાદિત કરી હતી."

વડણગે ગ્રામ પંચાયત વતી આ વિવાદિત જમીન મુદ્દે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ પૃષ્ઠભૂમિ સાથે બીબીસીએ વડણગે ગામનાં સરપંચ સંગીતા પાટિલનો સંપર્ક કર્યો હતો અને આ વિવાદ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સંગીતા પાટિલે આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં એક પત્રકાર પરિષદ યોજીને પોતાનો પક્ષ રજૂ કરશે. તેમનો પ્રતિભાવ મળ્યા પછી આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.

2017થી 2022 સુધી વડણગે ગ્રામ પંચાયતના સભ્ય રહેલા દીપક વર્ગેએ બીબીસીને આ બાબતે પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું હતું, "આ કેસમાં સુન્નત મુસ્લિમ સમુદાય, વડણગે ગ્રામ પંચાયત અને જમીન માલિક એમ ત્રણ વાદી છે. સુન્નત મુસ્લિમ સમુદાયે કોઈપણ દસ્તાવેજો વિના આ જમીન વકફને આપવાનો પ્રયાસ કર્યો છે."

તેમણે ઉમેર્યું હતું, "વકફ આ જમીન પર દાવો કર્યો હોવાની ખબર અમને પડી ત્યારે આખું ગામ બંધ કરીને અમે તેનો વિરોધ કર્યો હતો. શરૂઆતમાં જમીનનો કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે કોરોના કાળ હતો. તેથી સુનાવણીની તારીખો પડી ન હતી."

વર્ગેના કહેવા મુજબ, "વિવાદિત જમીન પર માત્ર એક મસ્જિદ જ નથી, પરંતુ એક દરગાહ, પીર નવનાથ મહારાજની દરગાહ પણ છે. આ વિસ્તાર પહેલાં મહાદેવ પરિસર, ગ્રામ પંચાયત વડણગે અને સુન્નત મુસ્લિમ સમાજ, પીર દરગાહ નામે ઓળખાતો હતો. જોકે, દસ્તાવેજોમાં કેટલીક વિસંગતતા હતી."

એમ પણ તેમણે કહ્યું હતું કે, "ગ્રામ પંચાયત વતી અમે ગ્રામ સેવકને આ કેસમાં પુરાવા એકઠા કરવા અને વકીલ સાથે મુલાકાત કરવા જણાવ્યું હતું. અમારું વલણ એ છે કે આ જમીન ગામના નામે જ રહેવી જોઈએ."

વિવાદિત જમીન કેસના ભાડૂઆતો શું કહે છે?

આ કેસના એક પક્ષકાર અને જમીનના ભાડૂઆત વિજય જાધવે બીબીસીને કહ્યું હતું, "વકફે મહાદેવ મંદિર પર દાવો કર્યો હોવાનું અમિત શાહે તેમના ભાષણમાં કહ્યું હતું. હકીકતમાં તે દાવો મંદિર પર નહીં, પરંતુ મંદિર પરિસરમાં જ્યાં યાત્રા થાય છે તેના પરનો છે."

વિજય જાધવે વધુમાં કહ્યું હતું, "મહાદેવ મંદિરનો જૂથ નંબર અલગ છે, તે અમને માન્ય છે. મંદિરને અડીને આવેલા વિસ્તારમાં હજારો વર્ષોથી યાત્રા થાય છે."

"એ જમીનનું 1969માં પ્રૉપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યું હતું. તેના પર વડણગે ગ્રામ પંચાયત અને મુસ્લિમ સમાજના નામ હતાં."

તેમને કહેવા મુજબ, "પ્રૉપર્ટી કાર્ડ પર ગ્રામ પંચાયતનું નામ હોવા છતાં સુન્નત મુસ્લિમ સમાજે વકફ બોર્ડમાં એ જમીનની નોંધણી કરાવી છે. આ સદંતર ખોટું છે. એ જ અમારા વિવાદનો મુદ્દો છે."

જાધવે કહ્યું હતું, "ગામમાંની મસ્જિદ તોડવા કોઈ ગયું નથી. તે મસ્જિદની પરવાનગી પણ નથી. અહીંના વડીલો તો એવું પણ કહે છે કે મસ્જિદ-દરગાહના નિર્માણમાં વડણગેના હિંદુઓએ પણ મદદ કરી હતી."

વડણગે ગામના સુન્નત મુસ્લિમ સમાજ ટ્રસ્ટનું શું કહેવું છે?

વડણગે ગામના સુન્નત મુસ્લિમ સમાજ ટ્રસ્ટની નોંધણી વકફ બોર્ડમાં કરવામાં આવી છે.

આ બાબતે બીબીસી સાથે વાત કરતાં સંસ્થાના ટ્રસ્ટી હિદાયત મુલ્લાએ અમિત શાહ, વડણગે ગ્રામ પંચાયત અને ભાડૂઆતોના દાવા તથા આરોપોને ફગાવી દીધા હતા.

હિદાયત મુલ્લાએ કહ્યું હતું, "કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે ખોટી, ભ્રામક અને કાયદાકીય આધાર વિનાની છે, કારણ કે અમારા ગામમાં પવિત્ર મહાદેવ મંદિરનો સિટી સર્વે નંબર 117 છે."

"મસ્જિદનું સ્થળ મહાદેવ મંદિરની બાજુમાં છે. મસ્જિદ સ્થળનો સર્વે નંબર 89 છે. બંને સ્થળો એકબીજાની બાજુમાં હોવા છતાં તેમનો જૂથ નંબર અલગ-અલગ છે."

તેમણે ઉમેર્યું હતું, "વકફ બોર્ડે મહાદેવ મંદિરની જમીન પર અતિક્રમણ કર્યું હોવાનો દાવો આધારવિહોણો છે. જેઓ દાવો કરી રહ્યા છે તેના સત્તાવાર દસ્તાવેજો હોવા જોઈએ, પરંતુ તેમની પાસે આવા કોઈ પુરાવા નથી."

તેમણે એમ પણ કહ્યું હતું કે "મહાદેવ મંદિર સમિતિએ મસ્જિદની જગ્યા પર આજ સુધી ક્યારેય દાવો કર્યો નથી. અમિત શાહનો દાવો સાચો હોત તો મહાદેવ મંદિર સમિતિ ચૂપ રહી ન હોત. સમિતિ પોતે આગળ આવી હોત, પરંતુ મહાદેવ મંદિર સમિતિ આવો દાવો કરતી નથી."

તેમના કહેવા મુજબ, "સિટી સર્વે નંબર 89માં જમીનના ભાડૂઆતો (કુળધારકો) અને વડણગે ગ્રામ પંચાયત સાથે મુસ્લિમ સમાજનો કાનૂની વિવાદ છેલ્લાં 18-19 વર્ષથી ચાલે છે. કોર્ટના અને સરકારી કચેરીઓના તમામ ચુકાદાઓ આ કુળધારકો વિરુદ્ધ આવ્યા છે. તેથી જ ગામના આ ભાઈઓને ખોટી માહિતી આપીને ઉશ્કેરવામાં આવી રહ્યા છે."

જમીન વિવાદની કાનૂની પૃષ્ઠભૂમિ શું છે?

સુન્નત મુસ્લિમ સમુદાયે આ બાબતે એક નિવેદન બહાર પાડ્યું છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે "વડણગે ગ્રામ પંચાયતે 2006માં પોતાનું વલણ બદલ્યું હતું અને સિટી સર્વે ક્રમાંક 89ની આ મિલકત સરકારી માલિકીની છે, જેને સરકારે સંચાલન માટે ગ્રામ પંચાયતને સોંપી છે તેવો દાવો કર્યો હતો તેમજ કોર્ટમાં મુસ્લિમ સમાજ ટ્રસ્ટ વિરુદ્ધ 649/2006 સિવિલ કેસ દાખલ કર્યો હતો."

"આ કેસની સુનાવણી કરવામાં આવી હતી અને 2011ની 28 એપ્રિલે કોર્ટે મુસ્લિમ સમાજ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો."

"એ ચુકાદાને વડણગે ગ્રામ પંચાયતે 2011ની 20 જૂને જિલ્લા કોર્ટ (119/2011) માં પડકાર્યો હતો. તેમાં કાયદેસરની પ્રક્રિયા મુજબ સુનાવણી કરવામાં આવી હતી અને કોર્ટે ગ્રામ પંચાયતની અરજી 2014ની 20 મેના રોજ ફગાવી દીધી હતી."

"આ જમીનની માલિકી તથા કબજો મુસ્લિમ સમાજ ટ્રસ્ટનો હોવાનું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું."

જિલ્લા અદાલતના ચુકાદામાં શું કહેવામાં આવ્યું છે?

કોલ્હાપુરના જિલ્લા ન્યાયાધીશ – 1 શ્રીકાંત અણેકરે 2014ની બીજી મેએ આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે અરજદાર વડણગે ગ્રામ પંચાયત (વાદી)એ દાવો કર્યો છે કે વાદગ્રસ્ત જગ્યાની માલિકી સરકારની છે. આ માટે તેમણે સિટી સર્વે તપાસ રેકૉર્ડ અને ફેરફાર નોંધનો આધાર લીધો છે.

આ દસ્તાવેજ સિટી સર્વે નંબર 891 સંબંધિત છે, જેમાં સરકાર 1969ની આ જમીનની માલિક હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે, આ દસ્તાવેજ જમીન સંબંધિત નથી. તેથી વાદીના દાવાને ખાસ આધાર મળતો નથી.

વાદીએ આર્કાઇવ શીટ 55, તપાસ રેકૉર્ડ અંશ 57 સબમિટ કર્યા છે, પણ તેમાં ક્યાંય એવું દર્શાવવામાં આવ્યું નથી કે વિવાદિત જમીન સરકારની માલિકીની છે. તેથી સરકાર મસ્જિદ અને દરગાહ સિવાયની સિટી સર્વે ક્રમાંક 89ની આ જમીનની માલિક છે, તેવી વાદીનાં સાક્ષી ઉષા લોહારની જુબાનીનો કોઈ આધાર નથી.

એક મહત્ત્વનો મુદ્દો એ છે કે તપાસ રેકૉર્ડમાં કૉલમ નંબર 12માં 'H' શબ્દ છે. સિટી સર્વેના નિયમો મુજબ, આ 'H' શબ્દનો અર્થ સાર્વજનિક ધર્માદા સંસ્થા કે જાહેર ઉપયોગ માટે આપવામાં આવેલી જમીન એવો થાય છે અને આ બાબતે બંને પક્ષો સંમત છે. આ હકીકત અને મહારાષ્ટ્ર જમીન મહેસૂલ સંહિતાની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને, વિવાદિત જમીન સરકારની માલિકીની હોવાના વાદીના દાવાને સ્વીકારવો મુશ્કેલ છે.

આ જમીન સરકારી હોત તો કોલમ ક્રમાંક 12માં નહીં, H પરંતુ G (સરકારી મિલકત) શબ્દ અપેક્ષિત હતો. ઉપલબ્ધ તમામ પુરાવાઓને આધારે, પોતે તે સમગ્ર મિલકતનો માલિક હોવાનો પ્રતિવાદી મુસ્લિમ સમાજ ટ્રસ્ટનો દાવો વધારે સંભવિત લાગે છે.

વાદીએ દાવો કર્યો છે કે મસ્જિદ અને દરગાહ સિવાયની વિવાદિત જમીન સરકારની છે અને તેનું સંચાલન મહારાષ્ટ્ર જમીન મહેસૂલ સંહિતાની કલમ 20 હેઠળ વાદીને સોંપવામાં આવ્યું છે. જોકે, તે જમીનની માલિક સરકાર હોવાનું સાબિત કરતો એકેય દસ્તાવેજ ન હોવાથી વાદીને વ્યવસ્થાપન સોંપવાનો સવાલ જ ઊભો થતો નથી.

ઉપરોક્ત પુરાવાઓની તપાસ કર્યા પછી સ્પષ્ટ થાય છે કે જમીનની માલિકી સરકારની હોવાનું સાબિત કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ રહી છે. આ જમીન વ્યવસ્થાપન માટે કલમ ક્રમાંક 20 હેઠળ તેમને આપવામાં આવી હોવાનું પણ તેઓ સાબિત કરી શક્યા નથી. તેનાથી વિપરીત, પુરાવા સાબિત કરે છે કે વિવાદિત જમીન સિટી સર્વે પહેલાં પણ પ્રતિવાદીઓના નામે હતી, જે તેમના હક્કના દાવાને સમર્થન આપે છે.

પ્રતિવાદીએ સામુદાયિક હૉલનું બાંધકામ પૂર્ણ કર્યા પછી વડણગેના તત્કાલીન સરપંચ પાસેથી મુસ્લિમ સમાજ માટે તેનો કબજો લીધો હોવાનું કરારના દસ્તાવેજો દર્શાવે છે. તેથી સમાજ મંદિર એક સામુદાયિક હૉલ છે અને પોતાના કબજામાં છે, એવા વાદીને દાવાને ફગાવી દેવામાં આવે છે.

વિરોધી દુકાનોના કરાર અને વાદી ગ્રામ પંચાયતને ચૂકવવામાં આવતા મિલકત વેરા સંબંધી દસ્તાવેજોમાં દુકાન માલિકોનાં નામ નોંધાયેલાં છે. કેટલાક દુકાનદારો દ્વારા કરવામાં આવેલા અતિક્રમણના પંચનામાં પણ વાદીએ કર્યાં છે અને તેમને નિયમિત કરી આપવાનો નિર્ણય પણ લીધો છે.

પ્રથમ મુદ્દા પરના નિર્ણયને ધ્યાનમાં રાખીને વાદી દ્વારા મિલકતનું સંચાલન ખાસ ઉપયોગી સાબિત થતું નથી.

અદાલતનાં તારણો

કોર્ટે પોતાના નિષ્કર્ષમાં જણાવ્યું હતું, "વિવાદિત જમીન સરકારે તેને વ્યવસ્થાપન માટે આપી હતી, એવું સાબિત કરવામાં વડણગે ગ્રામ પંચાયત નિષ્ફળ રહી છે. એ માટેના કોઈ આધારભૂત દસ્તાવેજો નથી. ઉપલબ્ધ પુરાવાઓ પરથી લાગે છે કે વિવાદિત જમીનના માલિક તરીકે પ્રતિવાદી મુસ્લિમ સમાજ ટ્રસ્ટનું નામ નોંધાયેલું છે અને ગ્રામ પંચાયતે મસ્જિદ તથા દરગાહના સંબંધમાં તેને માન્ય રાખ્યું છે."

"ગ્રામ પંચાયતે એવું નથી દર્શાવ્યું કે મસ્જિદ અને દરગાહ સિવાયના અન્ય વિસ્તાર પર પ્રતિવાદીના કોઈ માલિકી હક્ક નથી તેમજ આ વિસ્તાર ફક્ત સંચાલન માટે જ ગ્રામ પંચાયતને આપવામાં આવ્યા હતા. તેથી વિવાદને ફગાવી દેવાનો પ્રથમ અદાલતનો નિર્ણય યોગ્ય હતો."

"અપીલકર્તા વડણગે ગ્રામ પંચાયતે પ્રથમ અદાલતના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ દેખાડ્યું નથી. તેથી તેની અપીલ ફગાવી દેવામાં આવે છે. કોર્ટનો તમામ ખર્ચ ચૂકવવાનો આદેશ ગ્રામ પંચાયતને આપવામાં આવે છે."

'મહાશિવરાત્રીની યાત્રા માટે જમીન આપતા રહીશું'

વિવાદિત જમીન પરના વડણગે ગ્રામ પંચાયતના દાવાને કોલ્હાપુર કોર્ટે ફગાવી દીધો હોવા છતાં સુન્નત મુસ્લિમ સમુદાયે આ જમીન ગામને યાત્રા માટે આપવાનું ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

સુન્નત મુસ્લિમ સમુદાય ટ્રસ્ટે એવી જાહેરાત પણ કરી છે કે "વડણગે ગામમાં દર વર્ષે મહાશિવરાત્રીની યાત્રા યોજવામાં આવે છે. આ માટે મુસ્લિમ સમુદાય સિટી સર્વે ક્રમાંક 89ની ખાલી જમીનનો ઉપયોગ યાત્રા માટે કરવાની છૂટ પરંપરાગત રીતે આપે છે. આજે પણ તેવી છૂટ આપશે અને ભવિષ્યમાં પણ એવું કરતો રહેશે."

વક્ફ ખરડો મંજૂર

લોકસભા અને રાજ્યસભામાં વકફ ખરડો પસાર થયા બાદ હવે રાષ્ટ્રપતિએ પણ તેને મંજૂરી આપી દીધી છે. આ સુધારિત ખરડાનું નામ યુનાઇટેડ વકફ મેનેજમેન્ટ ઍમ્પાવરમેન્ટ, ઍફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ ઍક્ટ – 1995 છે.

1995ના વકફ કાયદામાં સુધારા માટે આ ખરડો લાવવામાં આવ્યો હતો.

નવા ખરડાની જોગવાઈ અનુસાર, સતત પાંચ વર્ષ સુધી ઈસ્લામનું પાલન કર્યું હોય અને દાનમાં આપવામાં આવતી મિલકત પર માલિકીનો અધિકાર હોય એવી જ વ્યક્તિ દાન કરી શકશે.

નવા ખરડામાં સર્વેક્ષણની સત્તા વકફ કમિશનરોને બદલે જિલ્લા કલેક્ટરોને આપવામાં આવી છે.

સરકારના કબજામાંની વકફની મિલકતોના વિવાદમાં જિલ્લા મેજિસ્ટ્રેટનો નિર્ણય પ્રભાવી ગણવામાં આવશે. આ ખરડા મુજબ, વકફ ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.