ગુજરાત વિધાનસભાની એ ચૂંટણીની કહાણી જે બાદથી કૉંગ્રેસ ક્યારેય સત્તામાં વાપસી નથી કરી શકી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"મેં તો સમજ આવી ત્યારથી ભાજપ સિવાય કોઈ પાર્ટીની સત્તા ગુજરાતમાં જોઈ જ નથી."

"અમુક વર્ષ પહેલાં ચૂંટણીટાણે છાશવારે કૉંગ્રેસની પંચલાઇન પંજો-પંજો-પંજો કાને પડતી, હવે તો જાણે એ પડઘમ શાંત જ પડી ગયા."

ગુજરાતના યુવાનોના મોઢેથી તમે ઘણી વાર આ પ્રકારની વાતો સાંભળી હશે. કદાચ તમે પોતે પણ આ નવી પેઢીના એક યુવાન હશો.

આ બંને વાતો પાછલાં અમુક વર્ષોથી ગુજરાતના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના 'દબદબા' અને રાજ્યમાં કૉંગ્રેસના સતત 'ધોવાણ'ની જાણે સાક્ષી પૂરે છે.

ઘણા રાજકીય નિષ્ણાતો માને છે કે ગુજરાતની રાજકીય ફલક પર કૉંગ્રેસના આ 'ધોવાણ' અને ભાજપના 'એકતરફી' વર્ચસ્વનો પાયો 1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નખાયો હતો.

આ ચૂંટણી ઘણી ખરી રીતે 'ખાસ' હતી.

પ્રથમ તો અલગ ગુજરાત રાજ્યના અસ્તિત્વમાં આવ્યું ત્યાર બાદથી કૉંગ્રેસ-ભાજપ વચ્ચે સીધી ટક્કર રાજ્યમાં પહેલી વાર જોવા મળી હતી.

આ ઉપરાંત પ્રથમ વખત એવું બન્યું હતું કે રાજ્યમાં બિનકૉંગ્રેસી સરકાર બની હોય અને મુખ્ય મંત્રી બનનાર વ્યક્તિ મૂળ કૉંગ્રેસી ન હોય.

આ ચૂંટણીમાં પહેલી વાર ભાજપે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા.

ગુજરાત અલગ રાજ્ય બન્યું એ બાદથી 1995ની વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી સૌથી વધુ (64.36) રહી હતી. આ પહેલાં 1967ની વિધાનસભા ચૂંટણીમાં 63.7 ટકા મત પડ્યા હતા.

આ જ ચૂંટણીમાં પહેલી વાર રાજ્યમાં માત્ર ત્રણ વર્ષ ચાલેલી સરકારની ટર્મમાં ચાર-ચાર મુખ્ય મંત્રી બદલાતા પણ જોવા મળ્યા.

સાથે સૌથી મહત્ત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ વાત તો એ છે કે આ ચૂંટણીમાં થયેલા 'કારમા પરાજય' બાદથી એક સમયે રાજ્યના રાજકારણ પર દબદબો ધરાવતી કૉંગ્રેસ આજ દિન સુધી સત્તામાં વાપસી ન કરી શકી.

હવે જ્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હાલ ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીનું (એઆઇસીસી) 84મું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે, ત્યારે ગુજરાત વિધાનસભાની એ ચૂંટણી અને એ સમયનાં રાજકીય પરિબળો અને પરિસ્થિતિ અંગે વાત કરવાનું વધુ પ્રાસંગિક બની જાય છે.

તો જાણીએ 'ગુજરાતના રાજકીય ભાવિને હરહંમેશ માટે બદલી નાખનાર' આ ચૂંટણી કેવી હતી.

1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શું થયું હતું?

1995ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 121 બેઠકો પર જીત મળી હતી. 1980માં અસ્તિત્વમાં આવેલો ભાજપ પહેલી વખત પૂર્ણ બહુમતી સાથે ગુજરાતમાં ચૂંટણી જીતવામાં સફળ રહ્યો હતો.

સામેની બાજુએ અલગ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા બાદ અમુક વર્ષોને બાદ કરતાં સતત સત્તામાં રહેલી કૉંગ્રેસ પાર્ટીને આ ચૂંટણીમાં માત્ર 45 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

જોકે, આ પહેલી વાર નહોતું કે ગુજરાતમાં બિનકૉંગ્રેસી પક્ષની સરકાર આવી ચૂંટાઈ આવી હોય.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે 1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત પર ઇકૉનૉમિક ઍન્ડ પૉલિટિકલ વીકલીમાં એક લેખ લખ્યો હતો.

જેમાં તેમણે 1995ની ચૂંટણીમાં કૉંગ્રેસની હાર માટે લખ્યું છે - કૉંગ્રેસે ગુજરાતમાં સત્તા ગુમાવી હોય એવું આ પહેલી વાર નથી બન્યું. રાજ્યમાં પ્રથમ બિનકૉંગ્રેસી સરકાર 1975માં જનતા મોરચા (યુનાઇટેડ ફ્રન્ટ) અને એ સમયે કૉંગ્રેસમાંથી નિષ્કાષિત પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલના કિસાન મજદૂર લોક પક્ષ (કિમલોપ) સાથે મળીને બનાવી હતી.

બીજી વખત 1990ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ગુજરાત એ સમય સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું અને 182માંથી માત્ર 33 બેઠકો જ મેળવવામાં પાર્ટી સફળ રહી હતી. એ સમયે પણ પાર્ટી સત્તાથી દૂર રહી ગઈ હતી.

શાહ પોતાના લેખમાં લખે છે એ પ્રમાણે - 1975 અને 1990ની ચૂંટણીમાં કૉંગ્રેસની હારમાં એક ફરક હતો. અને એ એ કે 1975 બાદ કૉંગ્રેસનો ફરી કાયાકલ્પ થયો હતો. એ સમયે પાર્ટીએ રાજ્યમાં વંચિત સમાજમાં પાર્ટીનો વ્યાપ વધારવા માટે નવી વ્યૂહરચનાઓ વિકસાવી હતી. જોકે, આવું 1990ની હાર બાદ નહોતું બન્યું.

તેઓ 1995ની વિધાનસભા ચૂંટણીમાં થયેલી કૉંગ્રેસની હારને ઉપરોક્ત બંને હાર કરતાં અલગ ગણાવતાં લખે છે કે 1975માં કૉંગ્રેસ સામે જેનો મુકાબલો હતો એવા જનતા મોરચા અને 1990માં જનતાદળ, આ બંને પક્ષો હંગામી અને છૂટાછવાયા હતા. જ્યારે 1995માં કૉંગ્રેસને હરાવનાર ભાજપ એ એક 'સુવ્યવસ્થિત પાર્ટી' છે. તેણે કૉંગ્રેસની મતબૅન્કમાં ગાબડું પાડવા માટે વ્યૂહરચનાઓ વિકસિત કરી છે.

1995 પહેલાંની રાજકીય પરિસ્થિતિ કેવી હતી?

આ એ સમયની વાત છે જ્યારે 1985માં 'ખામ થિયરી'ના દમ પર એ સમયની રેકૉર્ડ બહુમતીવાળી જીત બાદ રાજ્યમાં અનામતવિરોધી આંદોલન વધુ ઉગ્ર બનતાં મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપનાર માધવસિંહ સોલંકીને આદિવાસી નેતા અમરસિંહ ચૌધરીને હઠાવી ફરી એક વાર (ચોથી વાર) રાજ્યના મુખ્ય મંત્રી (ઑક્ટોબર, 1989) બનાવાયા હતા.

માધવસિંહ પાસેથી કૉંગ્રેસને ફરી એક વાર 'જાદુ ચલાવીને જિતાડવા'ની અપેક્ષા હતી, પરંતુ ત્યાં સુધીમાં ચીમનભાઈ પટેલની આગેવાની હેઠળ જનતાદળ અને ભાજપ પોતાનો પગ ગુજરાતમાં જમાવી ચૂક્યા હતા.

શાહ લખે છે કે - પરિણામે 1990ની ચૂંટણીમાં કૉંગ્રેસનો 'રકાસ' થયો, જનતાદળ અને ભાજપે સંયુક્ત રીતે અનુક્રમે 70 અને 67 બેઠકો મેળવીને સરકાર રચી, જેમાં ચીમનભાઈ પટેલ ફરી વાર રાજ્યના મુખ્ય મંત્રી બન્યા. જોકે, આ સમજૂતી 'અલ્પકાલીન' સાબિત થઈ અને રાષ્ટ્રીય રાજકારણનાં સમીકરણો બદલાતાં ભાજપે સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.

ત્યારે 'જોડતોડમાં માહેર' ચીમનભાઈ પટેલે જનતાદળ (ગુજરાત) નામનો પોતાનો પક્ષ સ્થાપી કૉંગ્રેસનો ટેકો મેળવી સરકાર બચાવી લીધી. કૉંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ રાજ્યના એકમને ચીમનભાઈને 'બિનશરતી ટેકો' આપવા કહ્યું હતું.

શાહ આગળ લખે છે કે - જોકે, આ રાજકીય ગોઠવણ ગુજરાત કૉંગ્રેસના ઘણા નેતાઓને માફક આવી નહોતી.

તેમણે લખ્યું છે, "રાજ્ય કૉંગ્રેસના ઘણા નેતા ચીમનભાઈ સામે ઝઝૂમ્યા હતા. આ નેતાઓ તેમને ધનિકોતરફી, ઉચ્ચ જ્ઞાતિના ખેડૂત આગેવાન ગણાવતા હતા."

કૉંગ્રેસમાં અસંતોષનું પરિણામ 1991ની લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યું.

આ ચૂંટણીમાં જનતાદળ (ગુજરાત) અને કૉંગ્રેસના ગઠબંધનનો 'કારમો' પરાજય થયો અને ભાજપને 26માંથી 24 બેઠક મળી ગઈ.

શાહ લખે છે કે, "આમાં પણ સૌથી વધુ ખરાબ પ્રદર્શન તો જનતાદળ (ગુજરાત)નું રહ્યું હતું. આ પાર્ટી પાસે ગુજરાતમાં લોકપ્રિય રાજકીય આધાર નહોતો."

તેઓ આગળ લખે છે - 1991ની આ સ્થિતિ બાદ કૉંગ્રેસ તેના સપૉર્ટ સ્ટ્રક્ચરથી વધુ 'અળગી' થઈ, અને પાર્ટીના 'પુનરુત્થાન' માટે લગભગ કોઈ પ્રયાસ ન થયા.

બૅંગલુરુ સ્થિત ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ ઍન્ડ ઇકૉનૉમિક ચેન્જ દ્વારા પ્રકાશિત 'ધ પૉલિટિકલ હિસ્ટોરિયૉગ્રાફી ઑફ મૉડર્ન ગુજરાત' નામના એક વર્કિંગ પેપરમાં પણ 1995ની ચૂંટણી વિશે મહત્ત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે.

આ પેપરમાં લખાયા પ્રમાણે - 1995ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં એકલા હાથે ચૂંટણી લડવાનું 'જોમ' એટલા માટે પણ જોવા મળ્યું, કારણ કે થોડાં વર્ષ પહેલાં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને કુલ 772 બેઠકોમાંથી 599 બેઠકો મળી હતી. જ્યારે કૉંગ્રેસે 11 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

1987ની જિલ્લા પંચાયતની ચૂંટણીઓની સરખામણીમાં ભાજપનું પ્રદર્શન ખૂબ સુધર્યું હતું, જ્યારે કૉંગ્રેસનું પ્રદર્શન નિરાશ કરનારું રહ્યું હતું.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય 1990ના દાયકામાં ગુજરાતની જનતાના માનસમાં રહેલાં પરિબળો અંગે વાત કરતાં કહે છે કે, "1995ની ચૂંટણીમાં અમુક મુખ્ય મુદ્દા હતા. એમાંથી એક હતો 1992માં બાબરી વિધ્વંસ બાદ હિંદુત્વનો મુદ્દો. એની સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળી હતી. કારણ કે અડવાણીએ સોમનાથથી પોતાની રથયાત્રાની શરૂઆત કરી હતી અને આંદોલનનો પાયો નાખ્યો હતો. એ સમયે ગુજરાતમાં કટ્ટર હિંદુવાદ પ્રવર્તી રહ્યો હતો."

તેઓ આગળ વાત કરતાં કહે છે કે, "આ જ સમયગાળામાં કેશુભાઈ પટેલ પટેલ સમાજના એક મોટા અને લોકપ્રિય નેતા તરીકે ઊભરી આવ્યા હતા. કેશુભાઈ ભાજપ સાથે હતા. તેથી વર્ષો સુધી કૉંગ્રેસને વફાદાર રહેલ પાટીદાર સમાજે આ ચૂંટણીમાં ભાજપતરફી મતદાન કર્યું હતું."

જગદીશ આચાર્ય એ સમયે ભાજપે આપેલા ચૂંટણીપ્રચારના નારા અંગે વાત કરતાં કહ્યું, "એ સમયે ભાજપે નારો આપ્યો હતો, 'ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વગરની ભાજપ સરકાર લાવો.'"

"એ સમયે ચીમનભાઈની સરકાર સામે 1974ની જેમ જ ભ્રષ્ટાચારના વ્યાપક આરોપો હતા. જોકે, 1994માં તેમનું નિધન થયું અને તે બાદની કૉંગ્રેસની સરકારમાં પણ આ આરોપો લાગતા રહ્યા."

તેઓ કહે છે કે, "અમદાવાદમાં એ સમયે કોમી રમખાણોનો લાંબો ઇતિહાસ હતો. એ સમયે હિંદુ સમાજના કેટલાક લોકો કૉંગ્રેસની કથિત મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને કારણે મુસ્લિમ માફિયા માથાભારે બન્યા હોવાનું માનતા હતા. આ વાત ભાજપના નારામાં ભયને દર્શાવતી હતી. આ બધી મુસ્લિમવિરોધી લાગણીઓનો ભાજપને લાભ મળ્યો."

1995ની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને સ્થિર શાસન સહિતના મુદ્દા

જગદીશ આચાર્ય કહે છે કે ગુજરાતની જનતાને એ સમયે ગઠબંધન સરકારો માફક નહોતી આવતી. તેમને ભાજપ 'સ્થિર શાસન આપનાર રાષ્ટ્રવાદી પાર્ટી' તરીકે દેખાઈ. એ દરમિયાન ઘણાને લાગી રહ્યું હતું કે જો ભાજપને પૂર્ણ બહુમતી અપાય તો 'રાજ્યનું ચિત્ર પલટી શકાય' એમ છે. કંઈક આ પ્રકારનો માહોલ ઊભો કરવામાં એ સમયે ભાજપની નેતાગીરી સફળ રહી હતી.

તેમના કહેવા અનુસાર એ સમયે પણ ભારતના કોઈ પણ રાજ્યના રાજકારણમાં રહેલ શાશ્વત મુદ્દા તરીકે 'મોંઘવારી'નો મુદ્દો તો હતો જ.

વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈએ 1995ની ચૂંટણી પહેલાંના રાજકીય માહોલ વિશે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "એ સમયે ગુજરાતમાં કૉંગ્રેસ સામે સત્તાવિરોધી લહેરનો માહોલ હતો. એ વર્ષોમાં કૉંગ્રેસમાં એક પ્રકારની જડતા દેખાઈ રહી હતી. તેમાં વળી રાજ્યમાં હિંદુત્વનો મુદ્દો વધુ પ્રબળ બન્યો."

દેસાઈ કહે છે કે, "ગુજરાતમાં ભાજપ કૉંગ્રેસના વિકલ્પ તરીકે આવ્યો. એ સમયે કૉંગ્રેસ પર સતત મુસ્લિમ તુષ્ટિકરણના આરોપ લાગતા રહેતા, જેના કારણે તેમની પાસેનો પૉપ્યુલર સપૉર્ટ ઘટ્યો હતો."

શંકરસિંહ વાઘેલા એ સમયે કેશુભાઈ પટેલની સાથોસાથ ભાજપના મુખ્ય મંત્રીપદના પ્રબળ દાવેદાર મનાતા હતા.

તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં 1995ની ચૂંટણી પહેલાંની ગુજરાતની રાજકીય પરિસ્થિતિ પર વાત કરી હતી.

તેમણે કહ્યું, "એ સમયે ચીમનભાઈ પટેલના અવસાન બાદ તેમની તાકત કૉંગ્રેસમાં ભળી ગઈ. જોકે, પાર્ટીમાં ઝાઝું કંઈ રહ્યું નહોતું. સામેની બાજુએ ભાજપમાં કૉંગ્રેસ (ઓ)ના નેતા ભળ્યા. તેથી ભાજપ તાકતવર અને હિંદુ બ્રાન્ડવાળી પાર્ટી બની ગયો. જેથી ભાજપને એ ચૂંટણીમાં 121 બેઠકો સાથે બહુમતી મળી."

"એ સમયે કૉંગ્રેસમાં કંઈ નહોતું. ત્યારે અહમદ પટેલ ગુજરાતમાં કૉંગ્રેસના મુખ્ય વ્યક્તિ હતા. આ વાત હિંદુ-મુસ્લિમનો મુદ્દા માટે એકદમ પૂરક બની. 95ની કૉંગ્રેસની હાર એ કૉંગ્રેસની ઠેકાણા વગરની હાલત અને ભાજપના હોમવર્ક-ટીમવર્કને કારણે થઈ હતી."

ગુજરાતના વધુ એક પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના એ સમયના મોટા નેતા સુરેશ મહેતાએ 1995ની ચૂંટણી પહેલાંની રાજ્યની રાજકીય પરિસ્થિતિ વિશે વાત કરતાં કહ્યું :

"એ સમયે કૉંગ્રેસના રાજમાં રાજ્યનું અર્થતંત્ર સાવ કથળી ગયું હતું. રાજ્યની તિજોરીના બધા પૈસા ઓવરડ્રાફ્ટ, સરચાર્જ અને વ્યાજની ચુકવણીમાં જતા હતા. ભ્રષ્ટાચારે પણ માઝા મૂકી હતી. ત્યારે કેશુભાઈએ ચૂંટણીપ્રચારમાં કહ્યું હતું કે અમને એક વખત સત્તા આપો તો અમે તિજોરીના તળિયામાં પડેલાં કાણાં ભરી દેશું. પ્રજાને તેમની વાત પર વિશ્વાસ બેઠો. વિરોધપક્ષ તરીકે વિધાનસભામાં અમે ભજવેલી ભૂમિકાથી પણ પ્રજામાં વિશ્વાસ પેદા થયો હતો."

ભાજપનો 'હિંદુત્વ'નો એજન્ડા બન્યો કૉંગ્રેસની હારનું કારણ?

ઘનશ્યામ શાહ પોતાના લેખમાં લખે છે એ પ્રમાણે – 1995માં ભાજપની 121 બેઠકો (42 ટકા મતો) પરની આ જીત કોઈ કામચલાઉ લહેરને કારણે નહોતી થઈ, તેની પુરોગામી પાર્ટી 1960થી ધીરે ધીરે પોતાનો ટેકાતંત્ર બનાવતી જઈ રહી હતી. નોંધનીય છે કે ભાજપની પુરોગામી પાર્ટી જનસંઘ તેની સ્થાપના બાદથી જ ગુજરાતમાં ઍક્ટિવ થઈ ગઈ હતી.

1970માં 'શહેરી' અને 'બ્રાહ્મણ-વાણિયાની પાર્ટી' કહેવાતા જનસંઘે સમાજના અન્ય વર્ગો સુધી પણ પોતાની પહોંચ વિસ્તારવાનું શરૂ કરી દીધું.

રામજન્મભૂમિ આંદોલન અને અનામતવિરોધી આંદોલનને કારણે ભાજપ ગુજરાતી સમાજના ઉચ્ચ અને મધ્યમ વર્ગના સમાજો સુધી પણ પોતાની પહોંચ બનાવવામાં સફળ રહ્યો. પાટીદાર, સુથાર, કુંભાર અને અન્ય કસબ-કારીગરી સાથે જોડાયેલા સમાજો પણ તેમની સાથે આવ્યા.

1995ની ચૂંટણીમાં ભાજપને કુલ ગ્રામીણ અને શહેરી મતોમાંથી આ જ્ઞાતિના 65 ટકા મત મેળવવામાં સફળતા મળી.

દર્શન દેસાઈ કહે છે કે, "1985માં કૉંગ્રેસને ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ (ખામ) એમ ચાર વર્ગોને એક કરીને ગુજરાતની 70 ટકા વસતિને સાથે લઈને ગુજરાતમાં જંગી બહુમતી મળી હતી. ભાજપે આ થિયરીના તોડ તરીકે રાજ્યમાં હિંદુત્વને વધુ વેગ આપવાનું શરૂ કર્યું. જેથી વંચિત વર્ગના લોકોને પણ હિંદુત્વ સાથે જોડવામાં ભાજપ સફળ રહ્યો. આમ, ખામમાં ગાબડું પાડવામાં તેઓ સફળ રહ્યા."

ગુજરાતમાં કૉંગ્રેસના નેતા અને મુખ્ય પ્રવક્તા મનીષ દોશી 1995ની ચૂંટણી વખતે કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા (એનએસયુઆઇ)ના કાર્યકર્તા હતા.

તેઓ એ સમયની પરિસ્થિતિ અંગે વાત કરતાં કહે છે કે, "એ સમયે ભાજપ સંપૂર્ણપણે હિંદુત્વવાળી વાતો કરી રહ્યો હતો. ઉપરાંત કૉંગ્રેસના નામનો નકારાત્મક પ્રચાર કરાતો હતો. કૉંગ્રેસ આવશે તો કર્ફ્યૂ લાગશે અને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરશે એ પ્રકારની વાતો સામાન્ય બની ગઈ હતી."

"લોકોના મનમાં ભાવનાત્મક મુદ્દા વધુ હાવી થઈ ગયા હતા. લોકોના મનમાં સમજ વગર એવું બેસી ગયું કે આપણો બધો ન્યાય ભાજપ જ કરશે. ભાજપ સહિત તેની ભગિની સંસ્થાઓએ ઘણા લાંબા સમય સુધી એક જ દિશામાં એજન્ડા ચલાવ્યો હતો."

જોકે, સામેની બાજુએ ગુજરાતમાં ભાજપના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા વર્ષ 1995માં ભાજપને ધ્રુવીકરણના રાજકારણને કારણે સત્તા મળી હોવાની વાત નકારે છે.

તેઓ કહે છે કે, "આ વાત તદ્દન ખોટી છે, તમને એ સમયનાં ભાજપવિરોધી છાપાંમાં પણ ભાજપે ધ્રુવીકરણનું રાજકારણ કરી સત્તા મેળવ્યા બાબતની એક લાઇન પણ લખાયેલી નહીં મળે."

શાહ પણ પોતાના લેખમાં નોંધે છે કે ભાજપે 1995ની ચૂંટણી દરમિયાન પોતાના ચૂંટણીપ્રચારનું ફોકસ 'હિંદુત્વ વિરુદ્ધ લઘુમતી'ના મુદ્દા પર નહોતું રાખ્યું.

તેઓ કહે છે કે, "આ વાત હકીકત હોવા છતાં, ભાજપના મોટા ભાગના મતદારો માટે ભાજપને મત આપવાનું આ એક મહત્ત્વપૂર્ણ કારણ હતું. ખાસ કરીને શહેરી મધ્યમ વર્ગના મતદારો માટે."

"જોકે, એનો અર્થ એ નથી કે હિંદુત્વની આ વિચારધારાની ગ્રામીણ ગરીબો પર અસર નહોતી થઈ. જે લોકો કૉંગ્રેસના ગરીબકલ્યાણને લગતા વાયદાથી મોહિત નહોતા, એવા લોકોએ ભાજપના હિંદુત્વના અભિયાનથી અંજાઈને તેમને મત આપ્યા હતા."

શાહ પોતાના લેખમાં આગળ નોંધે છે કે – ભારે સંખ્યામાં ભાજપના પરંપરાગત મતદારો ન હોય એવા શહેરી લોકોએ કહ્યું કે ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દાને આધારે તેમણે મત નહોતા આપ્યા. તેઓ કહી રહ્યા હતા કે ભાજપ કૉંગ્રેસ કરતાં સારો નથી. બધા નેતા સમાન છે, પરંતુ ભાજપ હિંદુઓ માટે ઊભો છે, એ રામમંદિર બાંધશે.

આ સાથે જ લગભગ એ જ સમયે વિશ્વ હિંદુ પરિષદ પર લાદેલા પ્રતિબંધને કારણે 'હિંદુત્વની વિચારધારા' છેલ્લી ઘડીએ ફરી હાવી થઈ ગઈ હતી.

વિશ્વ હિંદુ પરિષદના ટોચના નેતા અને ધાર્મિક પંથોના ઘણા સાધુઓએ રાજ્યના હિંદુ મતદારોને હિંદુઓનાં હિતોના રક્ષણ માટે ભાજપને મત આપવા આહ્વાન કરેલું.

'ભાજપના હિંદુત્વ'નો સામનો કૉંગ્રેસ કેમ ન કરી શકી?

શાહ પોતાના લેખમાં લખે છે કે – મોટા ભાગના કૉંગ્રેસનેતાઓને લાગ્યું કે વિશ્વ હિંદુ પરિષદ પર ખોટા સમયે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કૉંગ્રેસના કોઈ નેતાએ તેનો બચાવ સુધ્ધાં ન કર્યો.

તેઓ એવી દલીલ જરૂર કરતાં કે ભાજપ એક 'કોમવાદી પાર્ટી' છે, પરંતુ કોઈ નેતા લોકોને એ સમજાવી ન શક્યો કે કેમ આ પ્રકારનું રાજકારણ દેશના હિતમાં નથી.

80ના દાયકામાં કૉંગ્રેસના મુસ્લિમ મતદારો તેનાથી દૂર થતા જઈ રહ્યા હતા. તેમ છતાં પાર્ટીના કોઈ નેતાએ હિંદુત્વવાદી વિચારધારાના પ્રસારને રોકવાના પ્રયાસ ન કર્યા. કૉંગ્રેસના નેતાઓએ બિનસાંપ્રદાયિકતાની માત્ર વાતો જ કરી.

વધારેમાં વધારે તેમણે મિટિંગો દરમિયાન ભાજપ 'કોમવાદી' ગણાવતા નારા લગાવ્યા.

બીજી તરફ કોમી રમખાણો વખતે કૉંગ્રેસના જિલ્લા સ્તરના કેટલાક નેતાઓએ ભાજપની ભાષામાં જ મુસ્લિમો માટે વાત કરી.

શાહ લખે છે કે – 1991ની લોકસભા ચૂંટણી બાદ ભાજપ ગુજરાતમાં સરકાર રચવા જાણે તૈયાર જ બેઠો હતો. પાર્ટીએ ચૂંટણીને લગતી પોતાની વ્યૂહરચનામાં પણ ફેરફાર કર્યા હતા.

જોકે, સામેની બાજુએ કૉંગ્રેસ જાણે રાજકીય મુદ્દા સાથે ચૂંટણીમાં ઊતરવા જ ન માગતી હોય એવું લાગી રહ્યું હતું.

ગત પાંચ વર્ષોમાં કૉંગ્રેસના મોટા ભાગના નેતાઓ રાજકીય પદ અને લાભ મેળવવામાં જ લાગેલા રહ્યા.

1993માં મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કૉંગ્રેસના લોકોને એવું લાગવા માંડ્યું હતું કે તેઓ કોઈક રીતે ગુજરાતમાં પણ જીતી જશે. તેમણે જૂની વ્યૂહરચનાઓ અને ગણતરીઓ પર જ આધાર રાખવાનું ચાલુ રાખ્યું.

કૉંગ્રેસમાં અંદરોઅંદર ફાંટા પડી ગયા હતા, અને સત્તા માટે ઝઘડા શરૂ થઈ ગયા હતા. જોકે, એક સંગઠન તરીકે તેમણે જાણે હાર માની લીધી હતી. ઘણા કૉંગ્રેસી નેતા તો ખાનગીમાં કહેતા પણ સંભળાયા કે 'તેમની સિવાયના બધા કૉંગ્રેસી નેતા હારી જાય એ જ લાગના છે.'

1995ની ચૂંટણી દરમિયાન અને એ પહેલાં કૉંગ્રેસ ગુજરાતમાં 'હિંદુત્વના નામે વધતા જતા ધ્રુવીકરણ'નો સામનો કેમ ન કરી શકી એ પ્રશ્નના જવાબમાં મનીષ દોશી જણાવે છે :

"સૌથી પહેલા તો કૉંગ્રેસ એ સમયે આ પ્રકારના ધ્રુવીકરણને સમજી જ ન શકી. અમે આ પ્રકારની વ્યૂહરચનાનો જે રીતે સામનો કરવાનો હતો એ અમે ન કરી શક્યા. એ સમયે લોકોના મનની હિંસાની ભાવનાને અમે ઓળખી ન શક્યા. આ એજન્ડા કઈ દિશામાં આગળ વધી રહ્યો છે એ ન જાણી શક્યા."

"એ સમયે કૉંગ્રેસ સાથેના એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોના મનમાં પણ ભાજપે નફરતના બીજ વાવવાનું કામ કર્યું. આ સમાજના લોકોને ઉશ્કેરીને ભાજપે પોતાનો હેતુ સિદ્ધ કરી લીધો."

તેઓ આગળ વાત કરતાં કહે છે કે, "લાંબા સમયથી સત્તામાં રહેવાના કારણે સામાજિક ફેરફારો માટે જે લેવલે કામ થવું જોઈતું હતું, તેમાં અમે ઊણા ઊતર્યા. 1995માં કૉંગ્રેસ પક્ષની અમારી આંતરિક ખેંચતાણને કારણે અમે મૂળભૂત મુદ્દા તરફ ધ્યાન કેન્દ્રિત ન કરી શક્યા. જોકે, આવું દરેક પક્ષમાં થઈ શકે છે."

દર્શન દેસાઈ આ મુદ્દે કહે છે કે, "એ સમયે કૉંગ્રેસ પર તુષ્ટિકરણના આરોપ ઘણા લાગ્યા, તેથી તેમની હિંદુ વોટબૅન્કમાં ગાબડું પડી ગયું હતું. કૉંગ્રેસની ખામ વોટબૅન્ક પણ તૂટી ગઈ. ઉપરાંત કૉંગ્રેસ સત્તામાં હોવાને કારણે એ સમયે થતાં તોફાનો માટે પણ તેમને જ જવાબદાર ઠેરવવામાં આવતા."

"આ સિવાય એ સમયે ભાજપ પાસે શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી બંને હતા, જેમણે મળીને પાર્ટી માટે એક મજબૂત નેટવર્ક ઊભું કર્યું હતું."

જગદીશ આચાર્ય એ સમયે પાર્ટી 'હિંદુત્વના નામે થઈ રહેલા ધ્રુવીકરણ'ને રોકવામાં કેમ નિષ્ફળ નીવડી એ અંગે વાત કરતાં કહે છે કે, "આજની માફક જ કૉંગ્રેસનો કુસંપ એ ઘણાં વર્ષોથી તેની નબળાઈ રહી છે. 1990-95 પહેલાં કૉંગ્રેસની સામે વિપક્ષ તરીકે કોઈ મોટો પડકાર ન હોવાને કારણે કૉંગ્રેસનું સંગઠન ખતમ થતું ગયું હતું. કૉંગ્રેસમાં એ સમયે નિષ્ઠાવાન કાર્યકરો અને રાજનેતાઓનો અભાવ દેખાતો હતો. એ સમયની રાજકીય પરિસ્થિતિઓને કારણે પાછલાં થોડાં વર્ષોથી કૉંગ્રેસ સતત નબળી પડતી જઈ રહી હતી, જેનો લાભ ભાજપને મળ્યો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.