જ્યારે ભાજપના પૂર્વ મુખ્ય મંત્રીએ અલગ પક્ષ રચીને મોદી સામે ચૂંટણી લડી

    • લેેખક, ટીમ કલેક્ટિવ ન્યૂઝરૂમ
    • પદ, બીબીસી માટે

તા. 20 ડિસેમ્બર 2012ના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં. રાજ્યના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી આશીર્વાદ લેવા માટે કેશુભાઈ પટેલના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા.

પત્રકારો અને ટીવી-અખબારના કૅમેરાની સામે કેશુભાઈએ મુખ્ય મંત્રીનું મોં મીઠું કરાવ્યું તથા નરેન્દ્ર મોદીએ ગુજરાતના પીઢ રાજકારણીનું. કેશુભાઈ સોફા ઉપર બેઠા અને મોદી પ્લાસ્ટિકની સામાન્ય ખુરશી ઉપર. આ દૃશ્યો જનતા તથા મીડિયાના એક વર્ગ માટે આશ્ચર્યજનક હતા.

નરેન્દ્ર મોદી પાર્ટીના વરિષ્ઠ નેતાના ઘરે નહીં, પરંતુ હરીફ પક્ષના અધ્યક્ષના ઘરે પહોંચ્યા હતા. જનસંઘના સમયથી કેશુભાઈએ ગુજરાતમાં પાર્ટીને ઊભી કરવા માટે ભોગ આપ્યો હતો અને હવે ભાજપથી અલગ થઈને ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હતી.

નવગઠિત પક્ષના ચાવીરૂપ સભ્યો અગાઉ ભાજપ સાથે જોડાયેલા હતા. જેમણે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલીનો વિરોધ કરીને પાર્ટી છોડી હતી. મોદી ભાજપમાં આવ્યા ત્યારથી તેમની સામે કેશુભાઈ સહિત અન્ય કેટલાક નેતાનો વિરોધ હતો, તો અમુક પાછળથી તેમના વિરોધી રહ્યા હતા.

વર્ષ 2021માં કેશુભાઈનું અવસાન થયું ત્યારે ગુજરાતની ભાજપ સરકારના મુખ્ય મંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ પાર્ટીના પ્રદેશાધ્યક્ષ અને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વચ્ચેના નવવર્ષના ગાળામાં નરેન્દ્ર મોદીના હાથ મજબૂત થાય એવું પગલું કેશુભાઈએ લીધું હતું.

ત્રણ મુખ્ય મંત્રી, એક મૂળ

કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી. ગુજરાતના ત્રણ મુખ્ય મંત્રીના સંબંધોની ચર્ચાની શરૂઆત થાય એટલે સંઘમાંથી પાર્ટીમાં મોદીના આગમનની વાત થાય, પરંતુ આ ત્રણેયના સંબંધ એથી પણ એક દાયકા કરતાં વધુ પુરાણા હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ જનસંઘના સમયથી ગુજરાતના રાજકારણમાં સક્રિય હતા. સૌરાષ્ટ્રના અનેક ગામડાંના વૃદ્ધોએ કેશુભાઈને સાયકલ ઉપર પાર્ટીનો પ્રચાર કરતા જોયા છે. શંકરસિંહ મધ્યમાં અને કાશીરામ રાણા દક્ષિણ ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવામાં લાગેલા હતા.

વર્ષ 1977ની લોકસભા ચૂંટણી પહેલાં જનતા મોરચાનો પ્રયોગ થયો હતો. જે મુજબ, ભારતીય જનસંઘ, ભારતીય લોકદળ, સંસ્થા કૉંગ્રેસ, સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી વગેરે જનતા પાર્ટીમાં વિલીન થઈ ગયા હતા.

આ પ્રક્રિયા પૂર્ણ નહોતી થઈ છતાં ગુજરાતમાં ભારતીય જનસંઘના ઉમેદવારો ભારતીય લોકદળના ચિહ્ન ઉપર ચૂંટણી લડ્યા. જેમાં રાજકોટની બેઠક ઉપરથી કેશુભાઈ અને કપડવંજની બેઠક પરથી વાઘેલા ચૂંટાઈ આવ્યા.

આ અરસામાં સંઘના પ્રચારક મોદીએ કૈલાશ માનસરોવરની યાત્રાએ જવાના ભલામણપત્ર માટે સાંસદ વાઘેલાનો સંપર્ક કર્યો. મારિયોના પુસ્તક અનુસાર કટોકટી વખતે વાઘેલા ભાવનગરની જેલમાં બંધ હતા, ત્યારે મોદી વેશ બદલીને તેમને મળવા જતા, એટલે શંકરસિંહ વાઘેલા તેમને ઓળખતા હતા અને યાત્રાની વ્યવસ્થા કરી આપી.

વર્ષ 1986માં લાલકૃષ્ણ અડવાણી ભાજપના અધ્યક્ષ બન્યા. વાજપેયી 1980માં સ્થાપના સમયથી જ પાર્ટીના અધ્યક્ષ હતા. પૂરોગામીથી વિપરીત અડવાણીએ મોટી સંખ્યામાં સંઘના પ્રચારકોને પાર્ટીના સંગઠનમાં સ્થાન આપ્યું. આમાંથી એક હતા, નરેન્દ્ર મોદી. જેમને ગુજરાત ભાજપના સંગઠન મંત્રી તરીકે મોકલવામાં આવ્યા. કટોકટીના સમયથી મોદીમાં રહેલી ક્ષમતાને અડવાણીએ પિછાણી હતી.

મોદી સામે 'ના'રાજીપો

એક દાયકામાં સાબરમતી નદીમાં ઘણું પાણી વહી ગયું હતું. એ સમયે ખુદ શંકરસિંહ વાઘેલાના કહેવા પ્રમાણે, 'મેં, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, કાશીરામ રાણા સહિતના લોકોએ નરેન્દ્ર મોદીને પાર્ટીમાં મોકલવામાં સામે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ માહોલ બગાડી નાખશે. અમે સંઘના પશ્ચિમ ઝોનના ઇન્ચાર્જને આ મુદ્દે રજૂઆત કરી હતી.'

'તેમણે અમને કહ્યું કે 'નિર્ણય લેવાઈ ગયો છે, ત્રણેક મહિના જોઈ જુઓ, પછી કંઈક વિચારીશું.' અમે તેમની નિમણૂકથી રાજી ન હતા, પરંતુ તેમની વાત માનવી પડી.'

ઍન્ડી મારિનો તેમના પુસ્તક 'નરેન્દ્ર મોદી – અ પોલિટિકલ જર્ની'માં (પાંચમા પ્રકરણમાં) લખે છે કે મોદી ભાજપમાં આવ્યા એ પછી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી આવી, જેમાં પાર્ટીને બે-તૃતીયાંશ જેટલી બહુમતી મળી અને પહેલી વખત ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકામાં પાર્ટી સત્તા ઉપર આવી.

મોદીની સંગઠન તથા આયોજનક્ષમતાની નોંધ પાર્ટીમાં કેન્દ્રીયસ્તરે પણ લેવાઈ હતી અને ભાજપમાં તેમનું સ્થાન મજબૂત બન્યું હતું. આ ચૂંટણી દરમિયાન મોદીની મુલાકાત અમિત શાહ નામના કાર્યકર સાથે થઈ. આગળ જતાં બંને એકબીજાના અડગ સાથીદાર બની રહેવાના હતા.

'નરેન્દ્ર મોદી @ ડ્રીમ્સ મીટ રિયાલિટી' નામના પુસ્તકમાં વડા પ્રધાન ઉપર એક પ્રકરણ અમિત શાહે લખ્યું છે. જેમાં તેઓ લખે છે, 'વર્ષ 1989માં નરેન્દ્રભાઈએ 'લોકશક્તિ યાત્રા'નું આયોજન કર્યું. જેણે ગુજરાતના રાજકારણને હંમેશાને માટે બદલી નાખ્યું. આ યાત્રાનો હેતુ કેશુભાઈ પટેલની સ્વીકાર્યતા સૌરાષ્ટ્રની બહાર અને પાટીદારો સિવાયના સમાજમાં વધે તેવો હતો. રાજ્યભરમાં કેશુભાઈનો ચહેરો જાણીતો બન્યો અને યાત્રાએ મુખ્ય મંત્રી બનવા માટે કેશુભાઈનો માર્ગ તૈયાર કર્યો.'

વર્ષ 1975માં મોરચા સરકારની બાબુભાઈ જશભાઈની સરકારમાં કેશુભાઈ પટેલ ભારતીય જનસંઘના ક્વૉટામાંથી કૃષિ મંત્રી બન્યા હતા. વર્ષ 1990માં જનતા દળની માત્ર ત્રણ બેઠક ઓછી મળી હોવાથી કેશુભાઈ નાયબ મુખ્ય મંત્રી અને ચીમનભાઈ પટેલ સીએમ બન્યા.

પાંચ નેતા, એક યાત્રા, એક ધ્યેય

સૌરાષ્ટ્રના પત્રકારજગતમાં કહેવાય છે કે વર્ષ 1995ની શરૂઆતમાં ભાજપના પાંચ નેતા કેશુભાઈ પટેલ, ચીમનભાઈ શુક્લા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી અને સૂર્યકાંત આચાર્યએ ગિરનાર ચઢ્યો હતો. જ્યાં એ વાતે સહમતી સધાઈ હતી કે જો પાર્ટી દ્વારા મુખ્ય મંત્રીનું નામ જાહેર કરવામાં આવે, તો આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના વિજયની શક્યતાઓ ઉજ્જવળ છે.

'પાટીદાર સમાજનો રાજકીય ચહેરો' મનાતા ચીમનભાઈ પટેલનું અવસાન થઈ ગયું હતું, એટલે તેમનું સ્થાન લેવા પાર્ટીએ કેશુભાઈને આગળ કરવા એવું નક્કી થયું. 1962ની પહેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીએ પાટીદારો અને ક્ષત્રિયોનું 'પક્ષ' સમીકરણ સાધીને સારું પરિણામ મેળવ્યું હતું.

શંકરસિંહ વાઘેલા અનેક વખત સાર્વજનિક રીતે કહી ચૂક્યા છે કે તેઓ ભાજપનો ક્ષત્રિય ચહેરો હતા, જ્યારે કેશુભાઈ પાટીદારોનો. આ રીતે પાર્ટીએ 'પક્ષ' સમીકરણને સાધવાનો પ્રયાસ કર્યો હતો. 'ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર'થી મુક્તિના વાયદા સાથે ભાજપ 1995ની વિધાનસભા ચૂંટણીમાં ઉતર્યો.

લગભગ બે તૃતીયાંશ બહુમતી સાથે પાર્ટીનો વિજય થયો. ગુજરાતમાં પહેલી વખત એક પક્ષની પૂર્ણ બહુમતીવાળી બિનકૉંગ્રેસી સરકારની સ્થાપના થઈ હતી.

મોદીને ગુજરાતવટો

કેશુભાઈએ સત્તા સંભાળી તેના છ મહિનામાં જ તેમની સામે બળવો થઈ ગયો અને તેનું નેતૃત્વ શંકરસિંહ વાઘેલાએ લીધું હતું. કેશુભાઈ પટેલ અમેરિકા ગયા હતા, ત્યારે વાઘેલાએ આ ઑપરેશનને અંજામ આપ્યો હતો.

વાઘેલાનો આરોપ હતો કે ઍન્ટિ-ચૅમ્બરમાંથી નરેન્દ્ર મોદી શાસન કરે છે અને કેશુભાઈની સરકારમાં તેમની નજીકના ધારાસભ્યોને સાંભળવામાં નથી આવતા. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની યુતિ સરકાર હતી અને રાજસ્થાનમાં ભાજપ સત્તા ઉપર હતો. જ્યારે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ સત્તા ઉપર હતા.

એટલે વાઘેલાએ પોતાના 50થી વધુ વફાદાર ધારાસભ્યોને મધ્ય પ્રદેશના ખજૂરાહો મોકલી દીધા અને પોતે અમદાવાદમાં રહ્યા. કેન્દ્રીય મોવડીમંડળે દિલ્હીથી અટલ બિહારી વાજપેયી તથા જયપુરથી ભૈરોસિંહ શેખાવતને અમદાવાદ મોકલ્યા.

સમાધાનની ફૉર્મ્યુલા નક્કી થઈ. જે મુજબ કેશુભાઈ પટેલના સ્થાને સુરેશ મહેતા નવા નેતા મુખ્ય મંત્રી નક્કી થયા. વાઘેલા કૅમ્પના મનાતા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું તથા નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી બહાર મોકલવામાં આવ્યા.

મોદીવિરોધી મનાતા સંજય જોશીને સંગઠનમાં સ્થાન મળ્યું. એક ભાવનાત્મક પત્ર લખીને મોદીએ ગુજરાત છોડી દીધું. છતાં પાર્ટીની મુશ્કેલીઓ ઓછી નહોતી થઈ.

એક ટર્મ, ચાર મુખ્ય મંત્રી

સુરેશ મહેતાની સરકારને માંડ સાતેક મહિના થયા હશે કે એક ઘટના બની, જે તેમની ખુરશી ઉપર જોખમ ઊભું કરવાની હતી. મે-1996માં લોકસભાની ચૂંટણી યોજાઈ. શંકરસિંહ વાઘેલા ગોધરાની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર હતા.

માંડ ત્રણ હજાર 230 જેટલા મતે તેમનો પરાજય થયો. વાઘેલાને લાગતું હતું કે પાર્ટીના આંતરિક કુઠારાઘાતને કારણે તેમનો પરાજય થયો, એટલે તેમણે ભાજપ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો.

વાઘેલા પોતાના વિશ્વાસુ ધારાસભ્યોને લઈને ભાજપથી અલગ થઈ ગયા અને કૉંગ્રેસના બાહ્ય ટેકાથી ગુજરાતના બારમા મુખ્ય મંત્રી બન્યા. વાઘેલાના કાર્યકાળને એક વર્ષ થયું હતું અને તેઓ દિલ્હીમાં મીડિયા તથા કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને પોતાની સિદ્ધિઓ ગણાવી રહ્યા હતા હતા, ત્યારે અમદાવાદમાં તેમની સરકારના પતનની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી.

કૉંગ્રેસ દ્વારા ચોમાસા દરમિયાનની નબળી કામગીરી તથા ભાજપના નેતાઓના સારા-માઠા પ્રસંગમાં શંકરસિંહ વાઘેલાની હાજરીને ટેકો પાછો ખેંચવા માટે કારણભૂત ગણાવવામાં આવી. સરકાર 'ટનાટન' ચાલી રહી હોવાનો વાઘેલાનો ભ્રમ ભાંગી ગયો હતો.

સમાધાન થતા તેમના સ્થાને વાઘેલાના વિશ્વાસુ મનાતા દિલીપ પરીખને નવા મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા. કૉંગ્રેસના નેતાઓ ઇચ્છતા હતા કે પાર્ટીએ સરકારમાં ભાગીદાર બનવું જોઈએ, પરંતુ પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષકો આ માટે તૈયાર ન થયા. આ વ્યવસ્થા પણ લાંબો સમય ન ચાલી અને ગુજરાતમાં મધ્યસત્રી ચૂંટણી આવી.

ગુજરાતે પટેલ, મહેતા, વાઘેલા અને પરીખ એમ એક ટર્મમાં ચાર મુખ્ય મંત્રી જોયા. તો 11મી લોકસભામાં દેશે અટલ બિહારી વાજપેયી, એચ.ડી. દેવેગૌડા અને ઇંદ્રકુમાર ગુજરાલ એમ ત્રણ વડા પ્રધાન જોયા.

ગુજરાતમાં ભાજપ, કૉંગ્રેસ તથા શંકરસિંહ વાઘેલાના નવગઠિત પક્ષ ઑલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતાદળ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો.

બીજી માર્ચ, 1998ના દિવસે 12મી લોકસભા અને ગુજરાત વિધાનસભાના પરિણામો એકસાથે આવ્યાં.

કેન્દ્ર માટે ભાજપનો નારો હતો 'સબકો દેખા બારી-બારી, અબકી બારી અટલ બિહારી'. ગુજરાતમાં કેશુભાઈ હવે 'બાપા' બની ગયા હતા અને તેમને ફરી જંગી જનાદેશ મળ્યો હતો.

મોદીનું ગુજરાતગમન, કેશુભાઈનું નિર્ગમન

1999માં ગુજરાતની ઉપર વાવાઝોડું ત્રાટક્યું, જેણે કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે તબાહી મચાવી હતી.

જાન્યુઆરી-2001માં કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો. આ બંનેની વચ્ચે લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો. કેશુભાઈના નેતૃત્વ ઉપર સવાલ ઊભા થવા લાગ્યા હતા.

પાર્ટીએ નરેન્દ્ર મોદીને ગુજરાત મોકલવાનો નિર્ણય કર્યો. અમિત શાહ અને આનંદીબહેન પટેલ સહિત ભાજપમાં મોદી કૅમ્પના મનાતા અનેક નેતાઓ માટે રાજકીય કારકિર્દીના દ્વાર ખુલ્લી જવાના હતા.

એ સમયે મોદીએ બહુચર્ચિત નિવેદન કર્યું હતું કે 'ગાડીનું સ્ટિયરિંગ કેશુભાઈ છે હું તો માત્ર ગિયર છું.'

કેશુભાઈની નજીક મનાતા વજુભાઈ વાળાએ સલામત ગણાતી રાજકોટ-2ની બેઠક ખાલી કરી આપી. વર્ષ 2002માં ગોધરાકાંડ તથા તે પછી ફાટી નીકળેલાં હુલ્લડો પછી ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભાજપે ત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ચૂંટણી જીતી.

વર્ષ 2002 કેશુભાઈને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા, પરંતુ ચર્ચા મુજબ તેમને કેન્દ્રમાં વાજપેયી સરકારના મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું. 2004માં કેન્દ્રની વાજપેયી સરકારનું પતન થયું એટલે એ શક્યતા ઉપર પણ પૂર્ણવિરામ લાગી ગયું હતું.

વર્ષ 2005માં નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી બનવા માટે મંચ પરથી ગોરધનભાઈ ઝડફિયાનું નામ લેવાયું, પરંતુ તેમણે સાર્વજનિક રીતે શપથ લેવાનો ઇન્કાર કરી દીધો. નરેન્દ્ર મોદી માટે વ્યક્તિગત રીતે આ અપમાનજનક સ્થિતિ હતી.

વર્ષ 2007માં નરેન્દ્ર મોદી ફરી મુખ્ય મંત્રી બનવા માટે ચૂંટણીજંગમાં ઊતર્યા હતા, ત્યારે કેશુભાઈએ 'પરિવર્તન' માટે મતદાન કરવાનું કહીને મોદી સામેનો આક્રોશ છતો કરી દીધો હતો, જે 2012માં બહાર આવી ગયો.

ઑગસ્ટ-2012માં તેમણે ભાજપ છોડી દીધો અને ગુજરાત પરિવર્તન પાર્ટીના નામે નવા પક્ષની જાહેરાત કરી. મહેતા, રાણા અને ઝડફિયા તેમની સાથે હતા. જોકે, પાર્ટીના મોટા ભાગના સિદ્ધાંત ભાજપ જેવા જ હતા, જેમાં પંડિત દીન''દયાળ ઉપાધ્યાયનો બહુચર્ચિત 'એકાત્મ માનવવાદ'નો સિદ્ધાંત હતો.

બૅટના નિશાન સાથે જીપીપીના નેતા ચૂંટણીની પીચ ઉપર ઊતર્યા. વિસાવદરમાં તેમની સામે કૉંગ્રેસના ઉમેદવારને મળેલો મૅન્ડેટ કથિત રીતે એક ટાબરિયો લઈને નાસી છૂટ્યો. જાણકારોના કહેવા પ્રમાણે, આ રીતે કૉંગ્રેસે કેશુબાપાને 'વૉક-ઓવર' આપી દીધું હતું.

જીપીપીએ 167 બેઠક ઉપર ઉમેદવાર ઉતાર્યા હતા, જેમાંથી બે બેઠક જીતી અને 159 ઉમેદવારોની ડિપૉઝિટ જપ્ત થઈ. ગોંડલની બેઠક પરથી ઝડફિયા હારી ગયા.

ચૂંટણીપરિણામો બાદ 182માંથી 115 બેઠક સાથે નરેન્દ્ર મોદીનું સત્તા ઉપર પુનરાગમન થયું. સામાન્ય રીતે ગુજરાતીમાં વિજયસભાઓને સંબોધિત કરનારા મોદીએ હિંદીમાં ભાષણ આપીને પોતાની ભાવિ યોજના સ્પષ્ટ કરી દીધી હતી.

સમયનું ચક્ર પૂર્ણ

જે મહિને જીપીપીનું ગઠન થયું, એ મહિને કાશીરામ રાણાનું અવસાન થયું. વર્ષ 2013માં ભાજપે નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા, એ પછી વર્ષ 2014માં કેશુભાઈએ પોતાની પાર્ટી જીપીપીનો ભાજપમાં વિલય કરી દીધો અને સાર્વજનિક રીતે કહ્યું કે 'દેશભરમાં મોદીની લહેર' છે.

વિસાવદરની બેઠક પરથી કેશુભાઈએ રાજીનામું આપી દીધું. આ બેઠક પર કેશુભાઈના દીકરા ભરતભાઈને પેટાચૂંટણીમાં ઉતારવામાં આવ્યા, પરંતુ તેમનો પરાજય થયો.

પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા વિલીનીકરણના નિર્ણયથી સહમત ન હતા અને તેઓ ભાજપમાં પરત ન ફર્યા. તેઓ બિનરાજકીય પ્રકારના મંચ સાથે જોડાયેલા છે, જેનું લક્ષ્ય નિષ્ઠાવાન નેતાઓને તૈયાર કરવાનું છે.

વર્ષ 2018માં ભાજપે ગોરધન ઝડફિયાને ઉત્તર પ્રદેશના સહપ્રભારી બનાવ્યા. એ સમયે અમિત શાહ ભાજપના અધ્યક્ષ હતા અને મોદી વડા પ્રધાન. ઝડફિયાની ક્ષમતા ઉપર બંનેના વિશ્વાસનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી સમયે અમિત શાહે ઉત્તર પ્રદેશમાં પાર્ટીનો પ્રભાર સંભાળ્યો હતો. 80માંથી ભાજપને 71 તથા એનડીએને 73 બેઠક મળી હતી. આ રીતે શાહની રેકોર્ડ સિદ્ધિએ કેન્દ્રમાં ભાજપની પૂર્ણબહુમતવાળી સરકાર બને તે સુનિશ્ચિત કર્યું હતું.

વર્ષ 2019માં પાર્ટીને 80માંથી 64 બેઠક મળી હતી. યુપીમાં વર્ષ 2014 કરતાં પાર્ટીનું પ્રદર્શન કથળ્યું હતું, છતાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટીની પૂર્ણ બહુમતવાળી સરકાર બની.

કેશુભાઈ, મોદી અને શાહ સોમનાથ મંદિરના ટ્રસ્ટી હતા અને તીર્થસ્થળની સુવિધા વિસ્તારવા માટે કામ કરતા રહ્યા. વર્ષ 2017માં કેશુભાઈના પુત્રના અવસાન બાદ મોદી ખરખરો કરવા ગયા હતા, ત્યારે જનતાએ બંને નેતાને ફરી સાર્વજનિક રીતે સાથે જોયા.

વર્ષ 2020માં કેશુભાઈને કોરોના થયો અને સાજા થઈ ગયા, પરંતુ એ પછી બીમારી સબબ તેમનું અવસાન થયું. મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ સહિત ગુજરાત સરકારના મંત્રીઓ અને પાર્ટીના નેતા-કાર્યકર હાજર હતા.

પોતાના શોકસંદેશમાં મોદીએ કહ્યું કે, 'કેશુભાઈ મારા માટે પિતાતુલ્ય હતા અને મારા જેવા અનેક યુવાકાર્યકરોને તેમણે તૈયાર કર્યા હતા.' કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેશુભાઈને મરણોપરાન્ત દેશનો ત્રીજા ક્રમાંકનો નાગરિક પુરસ્કાર 'પદ્મભૂષણ' એનાયત કર્યો.