You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસે લોકસભાના વધુ ઉમેદવારો જાહેર કર્યા, કન્હૈયા કુમાર ભાજપના કયા નેતા સામે ઊતરશે?
કૉંગ્રેસે દિલ્હી, પંજાબ, અને ઉત્તર પ્રદેશની 10 લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે થયેલા ગઠબંધનમાં પાર્ટી ત્રણ બેઠકો પર લડી રહી છે. તેમાં નોર્થ ઈસ્ટ દિલ્હી બેઠક પર કૉંગ્રેસે કન્હૈયા કુમારને ઉમેદવાર બનાવ્યા છે.
કન્હૈયા કુમાર આ બેઠક પર ભાજપના વર્તમાન સંસદ સભ્ય તથા આ ચૂંટણી માટેના ઉમેદવાર ભોજપુરી ફિલ્મોના કલાકાર અને ગાયક મનોજ તિવારી સામે ચૂંટણી લડશે.
કન્હૈયા કુમારે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીઓ સીપીઆઈ (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા)ના ઉમેદવાર તરીકે બિહારની બેગૂસરાય બેઠક પરથી લડી હતી. જોકે, તેઓ ભાજપના ગિરિરાજસિંહ સામે હારી ગયા હતા.
ત્યારબાદ કન્હૈયા કુમાર કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
કૉંગ્રેસે દિલ્હીની ચાંદની ચોક બેઠક પરથી જેપી અગ્રવાલ અને ઉત્તર પશ્ચિમ દિલ્હીની બેઠક માટે ઉદિત રાજને ઉમેદવાર બનાવ્યા છે.
કૉંગ્રેસ પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી ચરણજીતસિંહ ચન્નીને જલંધર બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. આ ઉપરાંત પંજાબની અમૃતસર બેઠક પર ગુરજીતસિંહ ઔજલા, ફતેહગઢ સાહેબ બેઠક પર અમરસિંહ, બઠિંડા બેઠક પરથી મોહિંદરસિંહ સિદ્ધુ, સંગરૂર બેઠક પર સુખપાલસિંહ ખેડા અને પટિયાલા બેઠક પર ધર્મવીર ગાંધીને ઉમેદવાર જાહેર કર્યા છે.
ઉત્તર પ્રદેશની અલાહાબાદ બેઠક પરથી ઉજ્જ્વલ રેવતી રમનસિંહ કૉંગ્રેસના ઉમેદવાર બન્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીઆર પાટિલે કહ્યું, “ઇંદિરાની હત્યા પછી કૉંગ્રેસે લોકોને વિભાજિત કર્યા અને ગુજરાતમાં 149 બેઠકો જીતી હતી”
નવસારીમાં ખેડૂતોને સંબોધતા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે કહ્યું કે કૉંગ્રેસે સમાજમાં ભાગલા પાડીને 149 બેઠકો મેળવી હતી. જ્યારે 2022માં ભાજપે લોકોમાં વિભાજન કર્યા વગર 156 બેઠકો મેળવી હતી.
ધી ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે સીઆર પાટિલે કહ્યું હતું કે કૉંગ્રેસે લોકોને ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ એમ ‘ખામ’ થિયરીથી વિભાજિત કર્યા હતા અને 149 બેઠકો જીતી હતી.
તેમણે સભામાં કહ્યું હતું કે, "એ નરેન્દ્ર મોદી જ છે જેમણે ક્યારેય સમાજને વિભાજિત કર્યો નથી અને ‘સબકા સાથ, સબકા વિકાસ’ ના સૂત્રને અનુસર્યું છે. તેના કારણે તમારાં સમર્થનથી અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી જ અમે 156 બેઠકો જીતી છે."
તેમણે આ સભામાં નવસારીમાં શરૂ થનારા ‘પીએમ મિત્ર પાર્ક’નો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે હવે રોજગારી શોધતા યુવાનોને નવસારીથી બહાર નહીં જવું પડે અને 60 હજારથી વધુ લોકોને રોજગારી મળશે.
અહીં ઉલ્લેખનીય છે કે સીઆર પાટિલ 2009થી નવસારી બેઠક પરથી લોકસભાના સભ્ય છે અને ફરીએકવાર અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. ગત વખતે તેઓ 6.89 લાખ કરતાં પણ વધુ મતોથી ચૂંટણી જીત્યા હતા.
શક્તિસિંહ ગોહિલે કહ્યું, “ભાજપે 2014માં વચન આપેલું એ 100 સ્માર્ટસિટી ક્યાં છે?”
ભાજપના ચૂંટણીઢંઢેરા અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “દોઢ કલાક સુધી ભાજપે જાહેરાતો કર્યા પછી કોઈને પ્રશ્ન પૂછવા દીધો નહીં. આ દર્શાવે છે કે ભાજપને છેલ્લાં દસ વર્ષમાં શું કર્યું તેની પોલ ન ખૂલી જાય તેનો ડર છે.”
શક્તિસિંહ ગોહિલે કહ્યું, “ભાજપે વાયદો કર્યો હતો કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવીને કાળુનાણું પાછું લાવીશું પણ તે વાયદાનું શું થયું? રૂપિયો ડૉલર સામે મજબૂત કરવાના વાયદાનું શું થયું? આ વાયદા તો ભાજપે 2014ના ચૂંટણીઢંઢેરામાં કર્યા હતા.”
તેમણે સવાલ ઉઠાવ્યો હતો, “ભાજપના 2014 ચૂંટણીઢંઢેરામાં એવો પણ વાયદો કરવામાં આવ્યો હતો કે 100થી વધુ સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. આજે આ 100 સ્માર્ટ સિટી ક્યાં છે?”
આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલે લદ્દાખ, નોકરી આપવાનાં વચનો, ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા, વધતી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ-ગૅસનો ભાવવધારો વગેરે મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ભાજપ સરકાર દસ વર્ષ પહેલાં આપેલા વાયદાઓ પણ પૂરા કરી શકી નથી.
સલમાન ખાનના ઘરની બહાર થયું ફાયરિંગ
મુંબઈ પોલીસે માહિતી આપી છે કે બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર બે અજાણ્યા લોકોએ રવિવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ ફાયરિંગ કર્યું છે.
આ ઘટના પછી ઘટનાસ્થળે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
સમાટાર સંસ્થા એએનએઆઈ અનુસાર, મુંબઈ પોલીસેને માહિતી મળી હતી કે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું છે.
પોલીસ અને ફૉરેન્સિક વિભાગની ટીમો સલમાન ખાનના ઘરની બહાર હાજર છે. ગોળી જ્યાં અથડાઈ હતી એ નિશાનવાળી જગ્યાઓને માર્ક કરવામાં આવી છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)