You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શિક્ષિકામાંથી રાજીનામું આપીને લોકસભા ચૂંટણી લડતાં ભાજપનાં ઉમેદવાર કોણ છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે અને ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં પ્રચારમાં જોતરાઈ ગયા છે. ગુજરાતમાં ભાજપે તમામ 26 સીટ પરથી ઉમેદવાર જાહેર કરી દીધા છે.
આ વખતે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ગુજરાતમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. તો વડોદરા અને સાબરકાંઠાથી ભાજપે ઉમેદવારો બદલતા 'આંતરિક વિખવાદ' પણ સપાટીએ આવ્યો છે.
સાબરકાંઠા પર અગાઉ ભીખાજી ઠાકોરને ટિકિટ અપાઈ હતી, પણ બાદમાં તેમણે 'ચૂંટણી લડવાની ના પાડતા' એક શિક્ષક એવાં શોભના બારૈયાને ટિકિટ અપાઈ છે.
તો સામે પક્ષે કૉંગ્રેસે તુષાર ચૌધરીને ટિકિટ આપી છે.
એ પણ ઉલ્લેખનીય છે કે ભીખાજી ઠાકોરને બદલે અન્ય ઉમેદવારને ટિકિટ મળતા તેમના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને રેલી સ્વરૂપે તેનો વિરોધ પણ કર્યો હતો.
જોકે ભાજપનાં ઉમેદવાર શોભના બારૈયાનું કહેવું છે કે પક્ષમાં નાનામોટો વિરોધ હોય તો એના પર સંગઠન કામ કરી રહ્યું છે.
ભીખાજી ઠાકોર અને શોભનાબહેનનું શું કહેવું છે?
જેમની ટિકિટ કપાઈ એ ભીખાજી ઠાકોરે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાતચીત કરી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું શું તેઓ ભાજપનાં ઉમેદવાર શોભનાબહેન માટે પ્રચાર કરશે? તો તેમણે કહ્યું કે "હું ભાજપનો કાર્યકર છું અને ભાજપ માટે પ્રચાર કરીશ."
તેમની ટિકિટ કેમ કપાઈ એ અંગે સવાલ કરતા તેમણે કહ્યું કે પાર્ટીએ જે નિર્ણય કર્યો એ મને મંજૂર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે "મને કોઈ દુખ નથી, પણ મારા કાર્યકરોને દુખ થયું છે. ટિકિટ આપી હોય અને પછી કપાઈ જાય એટલે સ્વાભાવિક છે કે કાર્યકરોને દુખ હોય, એટલે સામાન્ય વિરોધ તો રહેવાનો જ છે."
તો શોભનાબહેન બારૈયાએ બીબીસીએ પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે "ભીખાજી ઠાકોર ચોક્કસ મારા માટે પ્રચાર કરશે."
તેમણે કહ્યું કે જે કંઈ અસંતોષ હશે એને શાંત પાડી દેવામાં આવશે, અમારું સંગઠન કામ કરી રહ્યું છે.
ભાજપે પહેલાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી પણ તેમની અટક મુદ્દે વિવાદ બાદ ભારે વિરોધ થયો હતો. જોકે ભીખાજીએ કહ્યું કે અટકનો વિવાદ સાવ ખોટો છે, હકીકતમાં એવું કશું નથી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે શોભનાબહેનના પતિ અગાઉ કૉંગ્રેસમાં હતા અને હવે ભાજપમાં આવ્યા છે. આથી અમે તેમના પર વિશ્વાસ નથી.
બીબીસીએ જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરીએ ત્યારે તેમની વાતચીતમાં રોષ પણ જોવા મળતો હતો.
કાર્યકરોનું કહેવું છે કે શોભનાબહેન ભાજપનાં પ્રાથમિક સભ્ય પણ નથી. જ્યારે બીબીસીએ શોભનાબહેનને આ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે હું ભાજપની વિચારધારાથી પ્રભાવિત છું, એને લઈને ચાલુ છું.
સાબરકાંઠામાં ભાજપ માટે જીત કેટલો મોટો પડકાર?
વરિષ્ઠ પત્રકાર અજય નાયકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "સાબરકાંઠા બેઠક પરથી અમરસિંહ ચૌધરી સાંસદ રહી ચૂક્યા છે, તેમજ તેમનાં પત્ની પણ સાંસદ રહી ચૂક્યાં છે અને તુષાર ચૌધરી પણ પણ હાલ ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય છે. એમ જોવા જઈએ તો આ એમના પરિવારની પરંપરાગત બેઠક છે. એનો એમને ફાયદો થઈ શકે છે."
"બીજી તરફ ભાજપમાં ઉમેદવાર બદલવામાં આવ્યા છે અને હાલ જે ઉમેદવાર છે તેમની સામે 'આયાતી' હોવાનો વિરોધ છે પરંતુ આ વિરોધ મતદાન સુધી રહી શકે છે અને મતોમાં કન્વર્ટ થઈ શકે છે તો જ ફાયદો થાય."
"હાલ જોવા જઈએ તો સાબરકાંઠા, રાજકોટ બેઠકને લઈને સંગઠનમાં પ્રેશર જોવા મળી રહ્યું છે. ભાજપ ક્યારેય આ પ્રકારની સ્થિતિમાં જોવા મળ્યો નથી. આજે ભાજપ પ્રમુખની હાજરીમાં ખુરશીઓ તોડવામાં આવી તેમજ કાળા વાવટા ફરકાવવામાં આવ્યા છે."
"શોભનાબહેન બારૈયા શિક્ષક છે. સાબરકાંઠાની મહિલાઓ અને શિક્ષકો પણ તેમને લાગણીથી મત આપી શકે છે. તેમજ ગરમી વધુ રહેશે તો એ પણ જોવાનું રહેશે કે કેટલું મતદાન થાય છે. આમ હાલ દરેક 'જો અને તો'વાળી સ્થિતિ છે."
તો વરિષ્ઠ સ્થાનિક પત્રકાર વાસુભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "2009ની લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રસિંહ ચૌહાણ હતા અને કૉંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી હતા. તે સમયે ભાજપ જીત્યો હતો. ત્યાર બાદ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ જીત્યા હતા. આમ છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ જીતી રહ્યો છે."
"સાબરકાંઠા બેઠકમાં ક્ષત્રીય મતદારોના 8 લાખ મત છે જેનો શોભનાબહેનને ફાયદો થશે. તો કૉંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીનાં માતા અહીંયાં લોકસભાનાં સાંસદ રહી ચૂક્યાં છે, તેમજ તુષાર ચૌધરી પણ ખેડબ્રહ્માના ધારાસભ્ય છે. તેમની પકડ આદિવાસી વિસ્તારમાં છે પરંતુ અશ્વિન કોટવાલ તેમના મજબૂત નેતા હતા, તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે, તેનો ફાયદો પણ શોભનાબહેનને મળી શકે છે."
શોભનાબહેન બારૈયા કોણ છે?
શોભના બારૈયા જે સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં તે બાલિસણા ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ રાજેન્દ્રભાઈ પટેલ કહે છે, "શોભનાબહેન બારૈયા અમારી સ્કૂલનાં ખૂબ જ ક્રીએટિવ શિક્ષક હતાં. તેઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષા અને ગણિત વિષય ખૂબ જ અનોખી રીતે બાળકોને ભણાવતાં હતાં."
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર થયેલાં શોભના બારૈયા મૂળ શિક્ષક તરીકે સ્વૈચ્છિક રાજીનામું મૂકીને લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે.
શોભના બારૈયાની વાત કરીએ તો તેમનો જન્મ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં થયો હતો. તેમના પિતા માધ્યમિક શાળામાં શિક્ષક હતા. શોભનાબહેને ઈડર બુનિયાદી કૉલેજમાં પીટીસીનો અભ્યાસ કર્યો હતો.
પીટીસીનો અભ્યાસ કર્યા બાદ તરત જ તેમને ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામમાં પ્રાથમિક શિક્ષકની નોકરી મળી હતી. વર્ષ 1992થી 1998 સુધી શોભનાબહેને મટોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી હતી. ત્યાર બાદ તેમની બદલી પ્રાંતિજ તાલુકાના બાલિસણા ગામમાં થઈ હતી. વર્ષ 1998થી 2024 સુધી તેમણે બાલિસણા ગામ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.
તેઓનાં સગાંસંબધીઓ તેમના પરિવાર વિશે વાત કરતાં જણાવે છે કે, "શોભનાબહેનનાં લગ્ન પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામમાં મહેન્દ્રસિંહ બારૈયા સાથે થયાં છે. તેમના પતિ કૉંગ્રેસમાં હતા ત્યારે વર્ષ 2012થી 2017માં તેઓ કૉંગ્રેસની ટિકિટ પરથી ધારાસભ્ય થયા હતા. તેમજ 2017 વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પાતળી સરસાઈ એટલે કે માત્ર 2,000 મતથી ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. તેઓ પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. શોભનાબહેનને 22 વર્ષનો એક દીકરો છે, જે હાલ કૅનેડામાં અભ્યાસ કરી રહ્યો છે."
સાબરકાંઠા બેઠકનું ગણિત
સાબરકાંઠા બેઠક આમ તો કૉંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતી રહી છે. અહીં 17 વાર યોજાયેલી લોકસભાની ચૂંટણીમાંથી માત્ર ચાર વાર ભાજપનો વિજય થયો છે. જ્યારે સાત વખત કૉંગ્રેસનો વિજય થયો છે.
જોકે, 2009, 2014 અને 2019 એમ સતત ત્રણ ટર્મ જીતીને ભાજપે અહીંથી જીતની હેટ્રિક મારી છે.
કૉંગ્રેસના મોટા ગજાના નેતાઓ અહીંથી ચૂંટાયા છે.
નિશા અમરસિંહ ચૌધરી અહીંથી 1996, 1998 અને 1999 એમ ત્રણ વાર ચૂંટાયાં. 2004માં કૉંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રી જીત્યા. પણ 2009માં તેઓ હારી ગયા. 2014માં અહીંથી કૉંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા મેદાને ઊતર્યા હતા. પણ મોદી લહેર સામે તેઓ પણ ટકી શક્યા નહીં.
સાબરકાંઠા લોકસભા મતક્ષેત્રમાં કુલ સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, ભીલોડા, મોડાસા, બાયડ અને પ્રાંતિજ બેઠકનો સમાવેશ થાય છે. સાતમાંથી ઈડર એસસી જ્યારે ખેડબ્રહ્મા અને ભીલોડા એસટી માટે અનામત બેઠક છે.
2022 વિધાનસભાની ચૂંટણીમાં હિંમતનગર, ઈડર, ભીલોડા, મોડાસા અને પ્રાંતિજ એમ પાંચ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. ખેડબ્રહ્માથી કૉંગ્રેસ નેતા તુષાર ચૌધરી જીત્યા હતા. જ્યારે બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલા અપક્ષ ચૂંટાયા હતા. જેઓ હાલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.
2017ની વાત કરીએ તો હિંમતનગર, ઈડર અને પ્રાંતિજ એમ ત્રણ જ બેઠક પર ભાજપ જીત્યો હતો. જ્યારે ખેડબ્રહ્મા, ભીલોડા, મોડાસા અને બાયડ બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો હતો.
ગુલઝારીલાલ નંદા અહીંથી સતત ત્રણ ટર્મ ચૂંટાયા હતા. ‘રામાયણ’ ધારાવાહિકમાં રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદીને ભાજપે અહીંથી 1991માં ટિકિટ આપી હતી. તેઓ એક ટર્મ સાંસદ પણ રહ્યા. પણ 1996માં તેઓ નિશા અમરસિંહ ચૌધરી સામે હારી ગયા હતા.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)