સોમાભાઈ ગાંડાલાલ પટેલ : ભાજપ અને કૉંગ્રેસ બંનેમાંથી લોકસભામાં ચૂંટાયેલા નેતાની કહાણી

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

સોમાભાઈ ગાંડાલાલ કોળી પટેલ. સુરેન્દ્રનગરથી કોળી સમાજના આ કદાવર નેતાને લોકો ‘સોમા ગાંડા’ના લાડકા નામે ઓળખે છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે પાટલી બદલવામાં પાવરધા નેતાઓમાં સોમા ગાંડાનું નામ પહેલી હરોળમાં આવે.

મૂળ ભાજપના કુળના પરંતુ બાદમાં કૉંગ્રેસમાંથી પણ ચૂંટાઈને લોકસભામાં પહોંચનારા સોમાભાઈ પટેલ સાથે અનેક વિવાદો પણ જોડાયેલા છે.

પાંચમી ચોપડી ભણેલા સોમા ગાંડા પર વારંવાર પક્ષ બદલતા રહેતા હોવાનો અને જે પક્ષમાં હોય તેમને ટિકિટ માટે બ્લૅકમેલ કરતા રહેતા હોવાનો પણ આરોપ છે.

તેમને જો ટિકિટ ન મળે તો પક્ષ સાથે બળવો કરીને અપક્ષ ઝંપલાવતા પણ તેઓ અચકાતા નથી.

જાણકારો કહે છે કે તેમની તાકત પાછળ કોળી સમાજનું પીઠબળ છે. જેને કારણે કોઈ પણ પક્ષ ચૂંટણી દરમિયાન તેમને અવગણી શકતો નથી.

તેમણે વિરમગામ નગરપાલિકામાં અપક્ષ ચૂંટણી લડીને સક્રિય રાજનીતિની શરૂઆત કરી હતી અને આજે તેઓ 83 વર્ષના થયા છતાં રાજકીય રીતે સક્રિય છે.

ભલે તેઓ આ વરસે ચૂંટણી લડવાની ના પાડતા હોય, પરંતુ ચૂંટણીટાણે સમાજના નામે સંમેલન બોલાવીને રાજનીતિ રમવાનું તેમણે ચાલુ રાખ્યું છે.

તેમણે કહ્યું હતું કે “આ બેઠક એટલા માટે બોલાવી હતી કે છેલ્લા ત્રણ વખતથી તળપદા કોળીને સુરેન્દ્રનગરમાં અન્યાય થતો રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લા એવા છે જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર. ભાવનગર અને જુનાગઢમાં બંને પાર્ટી કોળીને ટિકિટ આપે છે. સુરેન્દ્રનગરમાં તળપદા કોળીને ટિકિટ આપવી જોઈએ. જો ભાજપ ઉમેદવાર નહીં બદલે તો ભાજપને હરાવવું.”

ભાજપે જે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે તે ચુંવાળિયા કોળી છે અને સોમાભાઈ પટેલ તળપદા કોળી સમાજમાંથી આવે છે.

જે બેઠકમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરવાની વાત કરવામાં આવી તેમાં કૉંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ હાજર રહ્યા હતા. આ બેઠક વખતે સોમાભાઈ કૉંગ્રેસમાં હોવાનો દાવો કરતા હતા પણ હવે તેમણે કૉંગ્રેસમાંથી પણ રાજીનામું આપી દીધું છે.

જોકે, કૉંગ્રેસનો દાવો છે કે તેમની પાર્ટીએ તેમને 16મી માર્ચ, 2020ના રોજ સસ્પેન્ડ કરી દીધા હતા તેથી તેમના રાજીનામાનો સવાલ જ પેદા થતો નથી.

વારંવાર પક્ષ પલટો કરતા રહેતા સોમાભાઈ પટેલ કોણ છે?

પાંચમી ચોપડી ભણેલા અને 10 ઑગસ્ટ, 1940માં જન્મેલા સોમાભાઈ ગાંડાલાલ કોળી પટેલે રાજનીતિની શરૂઆત 22 વર્ષની ઉંમરે કરી હતી.

અપક્ષ ઉમેદવાર તરીકે વિરમગામ નગરપાલિકાની ચૂંટણી લડીને તેઓ ઉપ પ્રમુખ પણ બન્યા હતા.

1961માં તેમણે મધુબહેન પટેલ સાથે લગ્ન કર્યાં. તેમને ચાર સંતાનોમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે.

ત્યારબાદ તેમણે જનસંઘ, ભાજપ, શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ, એમ લગભગ ગુજરાતની તમામ મુખ્ય પાર્ટીઓમાંથી ચૂંટણીઓ લડી.

જાણકારો કહે છે કે એક સમયે તેઓ રાજકારણના એવા અઠંગ ખેલાડી હતા કે પાર્ટી તેમને પોતાના પડખે લેવા માટે પડાપડી કરતી હતી. પણ વારંવાર પક્ષ પલટો કરવાને કારણે તેમણે વિશ્વસનીયતા ગુમાવી.

તેઓ ચાર વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય બન્યા.

તેઓ એક વાર વિધાનસભામાં વિરમગામથી ચૂંટાયા હતા અને બે વખત લિંબડીથી ચૂંટાયા હતા.

તેઓ ત્રણ વખત ભાજપની ટિકિટ પર ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા અને એક વખત તેઓ કૉંગ્રેસની ટિકિટ પરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા.

1985માં પહેલીવાર સોમાભાઈ ભાજપની ટિકિટ પરથી વિરમગામ બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભા પહોંચ્યા. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર દાઉદભાઈ મિયાંભાઈ પટેલને 2446 મતે હરાવ્યા હતા.

આ એ ચૂંટણી હતી જ્યારે માધવસિંહ સોલંકીની 'ખામ' થિયરીને કારણે કૉંગ્રેસનો પ્રચંડ વિજય થયો હતો. નવાઈની વાત એ હતી કે આ ચૂંટણીમાં ભાજપને માત્ર 11 બેઠકો મળી હતી અને ભાજપના એ એક ડઝન કરતાં પણ ઓછા વિજેતા બનેલા ઉમેદવારોમાં સોમાભાઈ પટેલ એક હતા. કૉંગ્રેસને 149 બેઠકો મળી હતી.

જાણકારો માને છે કે 'ખામ' થિયરીને ટક્કર આપવા ભાજપે કોળી સમાજના આગેવાન મનાતા સોમાભાઈ પટેલને પોતાના પડખે લીધા. જેને કારણે લાંબેગાળે ભાજપને વિવિધ ઓબીસી સમાજને સાધવામાં સફળતા મળી. એ જમાનામાં ભાજપ માટે કોળી સમાજની વૉટબૅન્ક બનાવવામાં સોમાભાઈ પટેલની મહત્ત્વની ભૂમિકા હતી.

વરિષ્ઠ પત્રકાર સુનીલ જોશી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમના જ્ઞાતિગત રાજકારણ વિશે માહિતી આપતા કહે છે, "કોળી સમાજમાં પેટાજ્ઞાતિઓ છે. ઘણીવાર તેમનું પરસ્પર બનતું નથી પરંતુ બિનકોળી સમાજ સામે કોળીઓ એક થઈ જાય છે. બહુ ઓછા નેતાઓ છે જે કોળી સમાજમાં તળપદા અને ચુંવાળિયા તથા ઘેડિયા કોળીને સાથે રાખી શકે છે. સોમાભાઈ પટેલે તેનો ફાયદો ઉઠાવ્યો."

તળપદા અને ચુંવાળિયા કોળી સમાજનું આંતરિક રાજકારણ

સુરેન્દ્રનગરમાં લગભગ ચાર લાખની આસપાસ તળપદા કોળી મતદાતાઓ છે. ચુંવાળિયા કોળીના મતોની સંખ્યા તેમના કરતાં અડધી છે.

સોમાભાઈ પટેલ તળપદા કોળી સમાજમાંથી આવે છે. તળપદા કોળીનો પ્રભાવ ભાવનગર અને જૂનાગઢમાં પણ છે.

ભાજપે સુરેન્દ્રનગરમાંથી તળપદા કોળીમાંથી આવતા ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. તેની સામે કૉંગ્રેસે તળપદા કોળી સમાજમાંથી આવતા ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે.

સોમાભાઈ પટેલની કોળી વૉટબૅન્ક પર ચર્ચા કરતાં સુનીલ જોશી કહે છે, "કોળી સમાજ તે વખતે ગરીબ હતો. તેમાં અભ્યાસનું પ્રમાણ પણ ઓછું હતું સાથે રાજકારણમાં હરિફાઈ પણ ઓછી હતી. સોમાભાઈએ તેનો ફાયદો ઉઠાવ્યો."

"તેઓ સમાજના મોભી બની ગયા અને પછી વિવિધ પક્ષો સાથે બ્લૅકમેલિંગ કરવાનું શરૂ કરી દીધું. તેમણે એ પણ ખ્યાલ રાખ્યો કે સમાજમાંથી તેમના સિવાય અન્ય કોઈ નેતા બનીને ન ઊભરે.”

વરિષ્ઠ પત્રકાર જપન પાઠક તેમના વિશે વાતચીત કરતા કહે છે, “તેઓ જે ટિકિટ આપે તે પક્ષમાં જતા. તેમનામાં વિચારધારા જેવું કશું જ નથી. ટિકિટ મેળવવા માટે હંમેશાં તેમણે તળપદા કોળીના વૉટબૅન્કની રાજનીતિ કરી છે.”

સુરેન્દ્રનગરના પત્રકાર કૃણાલ રાવલ કહે છે, “તેઓ હંમેશાં સમાજના નામે જ ચૂંટણી લડે છે. તેમણે તળપદા કોળી સમાજના આગેવાન હોવાનો હંમેશાં ફાયદો ઉઠાવ્યો છે.”

જ્યારે સોમાભાઈ પટેલે ભાજપ છોડ્યો ત્યારે તેમના તળપદા કોળી સમાજના જ્ઞાતિવાદી રાજકારણને પરાસ્ત કરવા તળપદા કોળીના રાજકારણની સામે ચુંવાળિયા કોળી સમાજની રાજનીતિ શરૂ કરી.

એક સમયે સોમાભાઈ પટેલના તળપદા કોળી સમાજનો જ સુરેન્દ્રનગરના રાજકારણમાં દબદબો હતો પરંતુ આ દબદબાને ઓછો કરવા ભાજપે ચુંવાળિયા કોળીના નેતાઓને ખભે બેસાડવાનું શરૂ કરી દીધું.

સુનીલ જોશી કહે છે, "સોમાભાઈ પટેલ હંમેશાં તેમના તળપદા કોળી સમાજના નેતાઓને જ આગળ કરતા. પરિવારજનોને જ ટિકિટ મળે તેવો પ્રયત્ન કરતા. તેથી તેમની સામે ભાજપે ચુંવાળિયા કોળીના નેતાઓને આગળ કરવાનું શરૂ કરી દીધું."

જપન પાઠક કહે છે, "રાજકારણમાં જાતિવાદ તો જોવા મળે જ છે પણ પેટાજ્ઞાતિવાદના આધારે રાજકારણ કરવામાં સોમાભાઈ પટેલ કુશળ હતા. એક વખત તેમણે એવું કહેલું કે મને જે પક્ષ ટિકિટ આપશે તે પાર્ટીમાં હું જોડાઈશ. નીતિમત્તાના અધ:પતનનો આ કિસ્સો ગણી શકાય."

જોકે, તેઓ જ્ઞાતિવાદી રાજકારણને આગળ ધરીને વિવિધ પક્ષો સાથે ટિકિટ માટે બ્લૅકમેલિંગ કરતા હોવાના આરોપોને સોમાભાઈ પટેલ નકારે છે.

સોમાભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "જો હું બધી જ્ઞાતિનાં કામ કરું અને બધાને સાથે લઈને ચાલું તો જ ચૂંટાઉં, નહીંતર મને કોણ વોટ આપે?"

જાણકારો કહે છે કે પહેલાં જે ઉમેદવારો પર આધારિત કે વ્યક્તિવિશેષ પર કેન્દ્રિત રાજકારણ હતું. ભાજપે તેને હઠાવીને પાર્ટીલક્ષી રાજકારણ કરવાની શરૂઆત કરી. પરિણામે સોમાભાઈના જ્ઞાતિગત રાજકારણની હાંસિયામાં ધકેલાવાની પ્રક્રિયાની શરૂઆત થઈ.

સોમાભાઈએ ભાજપને છોડ્યો કે ભાજપે સોમાભાઈને છોડ્યા?

1989 અને 1991માં તેઓ ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીત્યા.

તેઓ બાદમાં શંકરસિંહ વાઘેલાની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી એટલે કે આરજેપીમાં જોડાયા.

1998માં તેઓ ભાવનગર બેઠક પરથી આરજેપીમાંથી ચૂંટણી પણ લડ્યા, પરંતુ ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાણાના હાથે હાર્યા.

આ ચૂંટણીમાં રાણાને 2,89,344 જ્યારે કે કૉંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહીલને 2.10,138 અને સોમાભાઈ પટેલને માત્ર 35,107 મતો મળ્યા.

પાછા તેઓ ભાજપમાં આવ્યા અને 2004માં તેમને ફરી ભાજપે ટિકિટ આપી અને તેઓ ચૂંટણી જીત્યા.

પરંતુ 2007માં જૂનાગઢના દાતારમાં એવો બનાવ બન્યો જેને કારણે સોમાભાઈ અને ભાજપ વચ્ચે ફરી છૂટાછેડા થયા.

13મી મે, 2007ના રોજ જૂનાગઢના ઉપલા દાતારની તળેટી ખાતે રાજકોટની યુવતી ચાંદની રામજીભાઈ વીંઝવાડિયાની હત્યા કરી દેવાઈ હતી. તેમજ ચાંદનીની બહેનપણીને જંગલની ઝાડીમાં ઢસડી જઈ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

કોળી સમાજ જેને કારણે રોષે ભરાયો હતો અને સૌરાષ્ટ્રભરમાં દેખાવો કર્યા હતા. તે વખતે રાજ્યમાં નરેન્દ્ર મોદીની સરકાર હતી. તેમની કૅબિનેટમાંથી કોળી નેતા પરસોત્તમ સોલંકીએ રાજીનામું આપ્યું.

જાણકારો કહે છે કે પરસોત્તમ સોલંકી સાથે તો મોદીનું સમાધાન થઈ ગયું પરંતુ સોમાભાઈ પટેલે આ મામલે મોદી સરકારને આડે હાથે લીધી.

જપન પાઠક આ વિશે વધુમાં માહિતી આપતા કહે છે, "તે વખતે સોમાભાઈ પટેલ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને મળીને રજૂઆત કરવા માટે હઠાગ્રહી હતા. મોદીએ પહેલાં જ કોળી સમાજને આશ્વાસન આપી દીધું હતું કે આરોપીઓને પકડીને તેમને સજા કરવામાં આવશે. પરંતુ સોમાભાઈ માન્યા નહીં. કોળીઓના આંદોલનને તેમણે ટેકો આપ્યો પરિણામે તેમણે ભાજપ છોડ્યો."

જોકે સોમાભાઈ પટેલ બીબીસી સાથે વાતચીતમાં કહે છે કે "એ મામલે મેં ભાજપનો નહોતો છોડ્યો, પરંતુ ભાજપને મને સસ્પેન્ડ કર્યો હતો."

દરમિયાન 22મી જુલાઈ, 2008ના રોજ લોકસભામાં ભારત-અમેરિકા સિવિલ ન્યૂક્લિયર ડીલ મામલે વિશ્વાસનો મત લેવામાં આવ્યો. જેમાં સોમાભાઈ પટેલે મનમોહનસિંહની સરકારને ટેકો જાહેર કર્યો.

તે સમયે તેમણે મીડિયાને કહ્યું હતું, "ભાજપનો સરકાર વિરુદ્ધ મત આપવાનો વ્હિપ મને લાગુ એટલા માટે નથી પડતો કારણકે હું પાર્ટીમાંથી સસ્પેન્ડ થયો છું."

ન્યૂક્લિયર ડીલ મામલે મનમોહન સરકારને ટેકો આપવાને કારણે સોમાભાઈ પટેલની કૉંગ્રેસ સાથે નિકટતા વધી.

2009માં તેમને કૉંગ્રેસે સુરેન્દ્રનગરમાંથી લોકસભાની ટિકિટ આપી અને તેઓ ચૂંટાયા પણ ખરા.

જાણકારો કહે છે કે તેમણે કૉંગ્રેસ સાથે પણ ટિકિટ મામલે ‘બ્લૅકમેલિંગ’ કરવાનું ચાલું રાખ્યું.

સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસના નેતા નૌશાદ સોલંકી આ વિશે વધુ ફોડ પાડતા કહે છે, "તેઓ સાંસદ હતા છતાં 2012ની વિધાનસભા ચૂંટણી લડવી હતી એટલે તેમણે લિંબડી વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી. તેમણે ભાજપના કિરીટસિંહ રાણાને હરાવ્યા, પરંતુ સંસદ સભ્યપદે ચાલુ રહ્યા અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું. પરંતુ તેમણે લિમડીની ખાલી પડેલી બેઠક પરથી પોતાના પુત્ર સતીષ પટેલને ટિકિટ અપાવડાવી, જે પેટાચૂંટણીમાં કિરીટસિંહ રાણા સામે હારી ગયા."

2020માં કૉંગ્રેસમાંથી રાજીનામું

2014માં કૉંગ્રેસે તેમને ફરી લોકસભાની ટિકિટ આપી પણ તેઓ ભાજપના દેવજી ફતેપરા સામે હારી ગયા.

2017માં વિધાનસભાની થયેલી ચૂંટણીમાં તેઓ લિંબડી બેઠક પરથી કૉંગ્રેસમાંથી લડ્યા અને ધારાસભ્ય બન્યા.

2019માં તેમને લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે ફરી સુરેન્દ્રનગરની ટિકિટ આપી. પરંતુ તેઓ ભાજપના ડૉ. મહેન્દ્ર મુંજપરાના હાથે હાર્યા. તેઓ ધારાસભ્યપદે તો ચાલુ જ હતા.

પરંતુ 2020માં ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી પડી. 19મી જૂને ચૂંટણી હતી. ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળની વાત કરીએ તો 2017ની સરખામણીએ 2020માં કૉંગ્રેસનું સંખ્યાબળ 78થી ગગડતું ગગડતું 66 પર આવી ગયું હતું. રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ તે સમયે જ કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું અને તે પૈકીના એક સોમાભાઈ પટેલ પણ હતા.

એ સમયે છેલ્લા ત્રણ મહિના દરમિયાન કૉંગ્રેસના કુલ આઠ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું.

ભાજપ તરફથી રાજ્યસભા માટે ત્રણ ઉમેદવારો- અભય ભારદ્વાજ, રમિલાબહેન બારા અને નરહરિ અમીન હતા જ્યારે કે કૉંગ્રેસ તરફથી બે ઉમેદવારો- શક્તિસિંહ ગોહીલ અને ભરતસિંહ સોલંકી હતા.

કૉંગ્રેસનું સંખ્યાબળ ઓછું હોવાને કારણે ભરતસિંહ સોલંકીની હાર થઈ અને ભાજપના બે ના બદલે ત્રણ ઉમેદવારો જીત્યા.

કૉંગ્રેસના જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું તે તમામે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો. પરંતુ સોમાભાઈ તેમાં નહોતા.

તેઓ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટની અપેક્ષા રાખીને બેઠા હતા જોકે તેમને ટિકિટ મળી નહીં.

દરમિયાન કૉંગ્રેસે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા.

કૉંગ્રેસ નેતા નૌશાદ સોલંકી કહે છે, "કૉંગ્રેસે તેમને અને તેમના પરિવારજનોને આટલું બધું આપ્યું છતાં તેમણે પાર્ટી સાથે દ્રોહ કર્યો. તેઓ હંમેશાં રાજકારણ રમીને ભાજપના ઉમેદવારની જીત થાય તેવા પ્રયત્નો કરે છે."

વારંવાર પક્ષ બદલતા રહેવાના કારણ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ તેમને પૂછ્યું તો તેમનો જવાબ હતો, "તેનું મૂલ્યાંકન પ્રજાને નક્કી કરવા દો."

અમે જ્યારે તેમને પૂછ્યું તે તમે જે-જે પક્ષોમાં જોડાયા તે પૈકી કયો પક્ષ સારો લાગ્યો? જવાબમાં તેમણે કહ્યું, "અત્યારે કોણ સત્તામાં છે?"

અમે વળતો સવાલ પૂછ્યો, "તો પછી તમે ભાજપ કેમ છોડ્યો?"

તેમણે જવાબ આપતા કહ્યું કે, "મેં ભાજપને નથી છોડ્યો પરંતુ ભાજપે મને છોડ્યો છે."

સુનીલ જોશી તેમનું વિશ્લેષણ કરતાં કહે છે, "તેઓ અવસરવાદી છે. તેમને જે ટિકિટ આપે તેના ખોળામાં જઈ બેસનારા નેતા છે. જો બંને ટિકિટ ન આપે તો અપક્ષપદે ઝંપલાવીને ઉમેદવારોનું ગણિત ચોપટ કરનારા નેતા છે."

આ વિશે જવાબ આપતા સોમાભાઈ કહે છે, “લોકોએ જે બોલવું હોય તે બોલે.”

સોમાભાઈ પર ગંભીર આરોપ

જ્યારે રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીની હાર થઈ ત્યારબાદ કૉંગ્રેસે એક કથિત સ્ટિંગ ઑપરેશનને આધાર બનાવીને પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. તે વખતે તત્કાલીન કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો હતો કે "ભાજપે કૉંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૂપિયા આપીને ખરીદ્યા છે."

આ કથિત સ્ટિંગ ઑપરેશનને આધારે કૉંગ્રેસે દાવો કર્યો હતો કે સ્ટિંગ ઑપરેશનમાં સોમાભાઈ પટેલે આ ઘટસ્ફોટ કર્યો છે.

સોમાભાઈ પટેલે આ આરોપો ફગાવીને કૉંગ્રેસ સામે બદનક્ષીનો દાવો કરવાની ચીમકી પણ આપી હતી.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પણ કૉંગ્રેસી ધારાસભ્યોની ખરીદી કરવામાં આવી હોવાના આરોપો નકાર્યા હતા.

કૉંગ્રેસે સોમાભાઈ પટેલને ભલે સસ્પેન્ડ કરી દીધા હોય પરંતુ જ્યારે 2022ની ચૂંટણી આવી ત્યારે તેઓ ફરી કૉંગ્રેસના તંબૂમાં દેખાયા હતા.

હકીકતમાં તેમણે અપક્ષપદેથી ફૉર્મ ભર્યું હતું અને તેમને ફૉર્મ પરત ખેંચવા માટે સમજાવવામાં કૉંગ્રેસ સફળ રહી હતી.

તેમને કૉંગ્રેસ તરફથી ટિકિટ તો નહોતી મળી. પરંતુ તેમનો કૉંગ્રેસમાં જોડાવાનો માર્ગ મોકળો થઈ ગયો.

સોમાભાઈ કહે છે, "મને ફૉર્મ પરત ખેંચવા માટે મનાવવામાં આવ્યો અને મને કૉંગ્રેસના નેતાઓએ ખેસ પહેરાવીને પક્ષમાં પરત લીધો."

જોકે, હાલ તેમણે અંગત કારણ આગળ ધરીને કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

રાજીનામા વિશે તેઓ કહે છે, "મારા અંતરાત્માના અવાજને કારણે મેં રાજીનામું આપ્યું છે. હવે પછીનો મારો શો નિર્ણય હશે તેનો ખુલાસો હું આગામી દિવસોમાં કરીશ."

જોકે કૉંગ્રેસ કહે છે કે તેમને આ પહેલાં જ પક્ષવિરોધી ગતિવિધીઓ બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેથી તેમનો રાજીનામાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

સોમાભાઈ વિશે ભાજપ શું કહે છે?

ભાજપનું કહેવું છે કે સોમાભાઈ પટેલની રાજનીતિને કારણે કોળી સમાજની એકતાને નુકસાન થઈ રહ્યું છે.

ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સોમાભાઈ પટેલ પર આરોપ લગાવતા કહે છે, "સોમાભાઈ પટેલ તળપદા કોળી સમાજને ગેરમાર્ગે દોરીને કોળી સમાજની એકતાને તોડવાનું કામ કરી રહ્યા છે."

શામજી ચૌહાણ વધુમાં કહે છે, "હવે સોમાભાઈ પટેલની ઉંમર થઈ છે. તેમણે હવે માર્ગદર્શકની ભૂમિકામાં આવીને સમાજની એકતા માટે કામ કરવું જોઈએ અને નવી નેતાગીરી આગળ આવે તે માટે તેમને પ્રોત્સાહન આપવું જોઈએ."

તેમણે વધુમાં કહ્યું, "એક સમયે સોમાભાઈએ સમાજની એકતા માટે કામ કર્યું, પરંતુ હાલ જે તેઓ વ્યક્તિગત અને અંગત લાભ માટે સમાજનું વિભાજન કરવાનું કામ કરી રહ્યા છે તે યોગ્ય નથી. કોળી સમાજ હવે તેમની રાજનીતિને જાણી ગયો છે અને તેમની જાળમાં નહીં ફસાય"

જોકે, સોમાભાઈ પાસે આ બધા આરોપોનો એક જ જવાબ છે, "જનતા જ મૂલ્યાંકન કરે."