સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપતાં વિરોધ કેમ થયો?

લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થયા બાદથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દરેક પસાર થતા દિવસની સાથે વધુ ને વધુ સ્થાનિક સ્તરે પડકારોનો સામનો કરી રહી છે.

પહેલાં વડોદરા અને સાબરકાંઠામાં પક્ષના કાર્યકરોના આંતરિક વિરોધને પગલે પક્ષે આ બંને બેઠકો પર નવા ઉમેદવાર જાહેર કરવા પડ્યા. તો બીજી બાજુ સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજે ‘ભાજપે અન્યાય’ કર્યાની વાત કહી લોકસભાની ચૂંટણીમાં ‘પક્ષ વિરુદ્ધ મતદાન’ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

નોંધનીય છે કે સુરેન્દ્રનગરમાં ભાજપે વર્તમાન સાંસદ મહેન્દ્ર મુંજપરાને સ્થાને ચુવાળિયા કોળી સમાજના ચંદુ શિહોરાને લોકસભાની ટિકિટ આપતાં સ્થાનિક તળપદા કોળી સમાજના આગેવાનો અને લોકો પોતે રોષે ભરાયા હોવાનો દાવો કરે છે.

તેમના દાવા પ્રમાણે સમાજના આ બેઠક પર પાંચ લાખ મત છે, છતાં ભાજપ પાછલા કેટલાક સમયથી તળપદા કોળી સમાજના લોકોને માગણી છતાં ટિકિટ ન આપી ‘અન્યાય’ કરી રહ્યો છે.

મંગળવારે સુરેન્દ્રનગરના તળપદા કોળી વિદ્યાર્થી બૉર્ડિંગ ખાતે સમાજના આગેવાનોએ મુદ્દે યોજેલી મિટિંગમાં સમાજના ઉમેદવારને ટિકિટ આપવા મુદ્દે આક્રોશ જોવા મળ્યો હતો.

આ મિટિંગમાં તળપદા કોળી સમાજના અગ્રણી અને ભૂતપૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ અને કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ હાજર રહ્યા હતા.

બીબીસી ગુજરાતીએ ભાજપ સામે ભભૂકી રહેલા આ વિરોધ અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

‘...તો ભાજપ વિરુદ્ધ કામગીરી કરીશું’

અગાઉ કૉંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાંથી સાંસદ રહી ચૂકેલા સોમા ગાંડા પટેલે ભારતીય જનતા પાર્ટી તળપદા કોળીને અન્યાય કરતી હોવાની વાત કરી છે.

તેમણે કહ્યું કે, “સૌરાષ્ટ્રમાં ત્રણ બેઠકો તળપદા કોળી સમાજના પ્રભુત્વવાળી છે – ભાવનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર. પરંતુ છેલ્લી ત્રણ ટર્મથી અહીં ભારતીય જનતા પાર્ટી તળપદા કોળી સમાજના ઉમેદવારને ન ઉતારી અન્યાય કરી રહી છે. આથી આ મિટિંગ બોલાવી હતી.”

તેઓ ભાજપે હાલમાં જાહેર કરેલા ઉમેદવારનું નામ પાછું ખેંચી લેવા ચીમકી આપતાં કહ્યું હતું કે, “જો પક્ષ પોતાનો ઉમેદવાર નહીં બદલે તો બધા તળપદા કોળી સમાજના લોકો ભાજપ સામે મતદાન કરશે.”

આગેવાનોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી ભાજપ આ સમાજના લોકોના પ્રતિનિધિત્વની અવગણના કરી રહ્યો છે અને આ વખત પણ જિલ્લા બહારના ચુવાળિયા કોળી સમાજના ઉમેદવારને તક અપાઈ છે.

સોમા પટેલની વાતમાં સૂર પુરાવતાં સમાજના અગ્રણી જયરામભાઈ મેણિયાએ કહ્યું હતું કે, “આ વખતે તળપદા કોળી સમાજના કુલ છ યુવાનોએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટની માગણી કરી હતી. કોળી સમાજના આ લોકસભા બેઠકમાં પાંચ લાખ મત છે. અને આવી સ્થિતિમાં જો સમાજ સાથે આવો હળહળતો અન્યાય થયો હોય તો સમાજમાં આક્રોશ પેદા થવો એ વાજબી છે. સમાજે નિર્ધાર કર્યો છે કે જે પાર્ટી આ સમાજને મહત્ત્વ આપશે, તેની સાથે આ સમાજ રહેશે.”

આવી જ રીતે સમાજના અન્ય એક અગ્રણી અર્જુન ભડિયાદરાએ પણ આ મુદ્દે પોતાનો આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે, “ભાજપની આ અવગણનાને કારણે સમસ્ત તળપદા કોળી સમાજ નારાજ છે.”

સમાજના અગ્રણી મયૂર સાકરિયાએ મિટિંગમાં કરાયેલા નિર્ણય અંગે કહ્યું હતું કે, “સમાજે દૃઢ સંકલ્પ કર્યો છે કે જો ભાજપ ઉમેદવાર નહીં બદલે તો અમે કૉંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધનના કોળી સમાજના ઉમેદવારને જંગી બહુમતીથી જિતાડશું. ભાજપને આ અવગણના બાબત ફરીથી વિચારવું પડશે.”

આ સિવાય અગ્રણીઓએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ પણ પક્ષ તેમના સમાજના લોકોને તક નહીં આપે તો સમાજમાંથી અપક્ષ ઉમેદવારને મેદાને ઉતારાશે.

વઢવાણ ખાતે પાટીલની અધ્યક્ષતામાં ભાજપની સભા

સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ઉમેદવારના વિરોધ વચ્ચે વઢવાણ ખાતે સુરેન્દ્રનગર બેઠક મામલે ભાજપની સભા યોજાઈ હતી.

સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત સુરેન્દ્રનગર લોકસભા બેઠકની સાત વિધાનસભાના ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત હતા.

આ સભામાં પાટીલે કહ્યું કે "જે કોઈ ઉમેદવાર ઊભો હશે એને ભારતીય જનતા પાર્ટીના મોદીસાહેબને લીધે મત આપવાનો છે. એ તમને કહેશે કે હું આ ઉમેદવારથી નારાજ છું, અમને ગમતો નથી. તો તમે એમને કહેજો કે તમને ગમે કે ના ગમે, મોદીસાહેબને જોઈને મત આપવાનો છે."

જોકે આ સભામાં સી.આર. પાટીલ સ્પષ્ટ રીતે કોઈનું નામ લેવાનું ટાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ સભામાં ભાજપના ગત સમયના સાંસદ મહેન્દ્ર મુંજપરા પણ હાજર રહ્યા હતા.

સાબરકાંઠા અને વડોદરામાં પણ ભાજપને મુશ્કેલી?

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ભાજપે કુલ 26માંથી 26 ઉમેદવારો જાહેર કરી દીધા છે પરંતુ એવું બન્યું કે તેમને બે બેઠકો પર નવેસરથી ઉમેદવારો જાહેર કરવા પડ્યા છે.

વડોદરાથી ભાજપે હાલનાં સાંસદ રંજનબહેન ભટ્ટને ટિકિટ આપી હતી પરંતુ તેમણે 23 માર્ચે તેમના ઍક્સ હૅન્ડલ પર લખ્યું હતું કે, "હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણસર લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું."

ત્યાર બાદ થોડી જ વારમાં સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ફેસબુક પર કંઈક આવા જ શબ્દોમાં અંગત કારણસર ચૂંટણી લડવાની ના પાડી હતી. જોકે, તેમણે થોડી વારમાં એ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.

હવે આ બંને ઉમેદવારો ભાજપ તરફથી ચૂંટણી નહીં લડે. તેમના બદલે વડોદરાથી ડૉ. હેમાંગ જોશી અને સાબરકાંઠાથી શોભનાબહેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. જોકે, આ ઘટનાઓથી ભાજપમાં આંતરિક વિખવાદની વાતો ચર્ચાઈ રહી છે.

એક તરફ ભાજપ દરેક બેઠક પાંચ લાખ મતોથી જીતવાનો દાવો કરી રહ્યો છે અને આ લક્ષ્યને લઈને આગળ વધી રહ્યો છે ત્યારે તેના જાહેર થયેલા ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા હોવાથી પક્ષ માટે અસુવિધાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.