You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : 64 વર્ષ પહેલાં જ્યારે કૉંગ્રેસનું અધિવેશન ભાવનગરમાં યોજાયું અને નહેરુને આવકારવા હજારો લોકો ઊમટી પડ્યા
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદમાં આગામી 8-9 એપ્રિલના રોજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે.
ગુજરાતના કૉંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો માટે આ ઉત્સાહનો અવસર છે કારણ કે, ગુજરાતમાં કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું છેલ્લે 1961માં યોજાયું.
1960માં ભાષાના આધારે ગુજરાત રાજ્યના નિર્માણ પછી તરત જ ગુજરાતમાં કૉંગ્રેસનું અધિવેશન યોજવામાં આવ્યું હતું. જે આઝાદી મળ્યા પછી ગુજરાતમાં કૉંગ્રેસનું પહેલું અધિવેશન હતું. એ સમયે આ અધિવેશન સૌરાષ્ટ્રના નાનકડા શહેર ભાવનગરમાં યોજાયું હતું.
એક સમયે ગુજરાતમાં લાંબુ શાસન કરનારો કૉંગ્રેસ પક્ષ છેલ્લાં 30 વર્ષથી ગુજરાતની સત્તાની બહાર છે. એવા સમયે પક્ષ લગભગ 64 વર્ષના ગાળા પછી ગુજરાતમાં તેનું રાષ્ટ્રીય અધિવેશન યોજવા જઈ રહ્યો છે.
પણ આજથી 64 વર્ષ પહેલાં ભાવનગરમાં કૉંગ્રેસનું અધિવેશન યોજાયું ત્યારે કેવો માહોલ હતો? એ સમયે કૉંગ્રેસની પરિસ્થિતિ કેવી હતી? અધિવેશન ભાવનગરમાં કેમ યોજાયું હતું? કેટલા મોટા નેતાઓ ગુજરાતમાં આવ્યા હતા? એ સમયે યોજાયેલા અધિવેશનમાં કેવા ખરડાઓ પસાર કરવામાં આવ્યા હતા? જાણીશું આ અહેવાલમાં…
ભાવનગરમાં 1961માં અધિવેશન યોજાયું ત્યારે શું થયું?
6-7 જાન્યુઆરી, 1961ના રોજ ભાવનગરના હાલના સરદારનગર વિસ્તારમાં કૉંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. એ સમયે કૉંગ્રેસ અધિવેશનમાં ગયેલા કાર્યકર્તાઓ જણાવે છે તેમ આખું આયોજન સાત દિવસનું હતું. બે દિવસના રાષ્ટ્રીય અધિવેશન સિવાય વિવિધ કાર્યક્રમો પણ આ સાત દિવસમાં થયા હતા.
ભાવનગરમાં યોજાયેલા 66માં અધિવેશન સમયે કૉંગ્રેસના અધ્યક્ષ નીલમ સંજીવ રેડ્ડી હતા. અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ ઠાકોરભાઈ દેસાઈ હતા તથા જનરલ સેક્રેટરી જી. રાજગોપાલન અને સાદિકઅલી હતા. અધિવેશનના ખજાનચી તરીકે યશવંતરાવ ચવાણ હતા જેઓ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય મંત્રી હતા.
80 વર્ષીય સતીષભાઈ ચાવડા એવા એક કૉંગ્રેસી કાર્યકર્તા છે જેઓ તેમની યુવાનીમાં ભાવનગરમાં યોજાયેલા અધિવેશનમાં ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારની યાદો વાગોળતાં તેઓ કહે છે, "એ વખતે સમગ્ર શહેરમાં એક જ ચર્ચા હતી કે, 'નહેરુચાચા આવે છે...નહેરુચાચા આવે છે. ભાવનગરના ઍરપોર્ટે જવાહરલાલ નહેરુ ઊતર્યા ત્યારે તેમને લેવા માટે મહારાજા કૃષ્ણકુમારસિંહ ગયા હતા."
તેઓ કહે છે, "મહારાજા જાહેરમાં બહુ જોવા મળતા ન હતા એટલે એમનો પણ ક્રેઝ હતો. જીપમાં નહેરુ સાથે તેઓ કાશ્મીરી ટોપી પહેરીને ઊભા હતા. રસ્તાની બંને બાજુ એટલી મેદની ઊમટી હતી કે પગ મૂકવાની પણ જગ્યા ન હતી. આજના નેતાઓની રાજકીય રેલીમાં આવતી ભીડ તો તેની સામે કંઈ ન કહેવાય."
"એ સમયે ભાવનગરના જવાહર મેદાન (હાલનું અપભ્રંશ થયેલું નામ ગધેડિયા ફીલ્ડ) માં કૉંગ્રેસ દ્વારા એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દેશભરનાં અનેક રાજ્યોમાંથી આવેલા લોકોએ પોતાના અલગ-અલગ સ્ટોલ બનાવ્યા હતા. દરરોજ લોકલ બસમાં બેસીને આજુબાજુનાં ગામડાંઓમાંથી હજારો લોકો આવતા અને પ્રદર્શન રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેતું. શહેરનું અર્થતંત્ર પણ અધિવેશનને કારણે ઊંચું આવી ગયું હતું."
91 વર્ષની ઉંમરે પહોંચેલા બાલુભાઈ પટેલ પણ 1961માં ભાવનગરમાં યોજાયેલા અધિવેશનમાં ગયા હતા. એ વખતે તેઓ સેવાદળમાં ફુલટાઇમ કાર્યકર્તા હતા.
તેઓ કહે છે, "અમે લોકો એ સમયે 12 દિવસ સુધી ભાવનગરમાં રહ્યા હતા અને અધિવેશન માટે આખું નાનકડું નગર ઊભું કરવામાં આવ્યું હતું. હું પણ આ કામગીરીમાં જોડાયેલો હતો.
તેઓ કહે છે, "રહેઠાણની વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા, રસોડાની વ્યવસ્થા, વીઆઈપીના સ્વાગતની વ્યવસ્થા, મિટિંગની વ્યવસ્થા માટે જુદી-જુદી કમિટીઓ બનાવવામાં આવેલી હતી. સેવાદળના સ્વયંસેવકો જ આ બધી કામગીરીમાં જોડાયેલા હતા. અંદાજે 20 એકરમાં આ સમગ્ર આયોજન થયું હતું."
બાલુભાઈ કહે છે, "દેશભરમાંથી કાર્યકર્તાઓ આવ્યા હોવાથી સભાસ્થળે જ રેલવેની ટિકિટબારી ખોલી દેવામાં આવી હતી. મંડપો, પાર્ટિશન, સ્ટેજ સહિત જ્યાં કાપડનો ઉપયોગ થતો હોય એ તમામ જગ્યાએ ખાદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કારણ કે, એ સમયે નેતાઓ અને કાર્યકર્તાઓમાં હજુ ગાંધીજીની ભાવનાનું જોડાણ હતું."
સતીષ ચાવડા કહે છે, "ભાવનગરમાં એ સમયે હાલના રૂપાણી અને સરદારનગર પછી આગળ કોઈ શહેર વિકસ્યું ન હતું. આથી, ત્યાં વિશાળ મેદાનોમાં તંબુઓ નાખવામાં આવ્યા હતા અને રાજ્યવાર લોકોને ઉતારો આપવામાં આવ્યો હતો."
એ સમયે દેશ અને ગુજરાતની રાજકીય પરિસ્થિતિ કેવી હતી?
મહાગુજરાત ચળવળ પછી 1 મે,1960ના રોજ હજુ ગુજરાત રાજ્યનું નિર્માણ થયું હતું અને તેના આઠ મહિનામાં જ ગુજરાતમાં કૉંગ્રેસનું અધિવેશન યોજાયું હતું.
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા સાથે પણ બીબીસીએ વાત કરી હતી. સુરેશ મહેતા 1961ના અધિવેશન વખતે હજુ રાજકારણમાં નવા હતા અને જનસંઘમાં જોડાયા ન હતા.
તેઓ કહે છે, "હજુ દેશ આઝાદ થયાને માત્ર 13 વર્ષ થયાં હતાં. એ વખતની કૉંગ્રેસ હજુ ગાંધીજીના પ્રભાવમાંથી મુક્ત થઈ નહોતી, પરંતુ કૉંગ્રેસમાં ખરાબી આવવાની શરૂઆત થવા લાગી હતી."
મહેતાના કહેવા પ્રમાણે, "સંગઠનવાળી સંસ્કૃતિ તરફથી કૉંગ્રેસ વ્યક્તિગત નેતાઓના પ્રભાવ તરફ જવાની શરૂઆત થઈ ગઈ હતી. અંદરથી કૉંગ્રેસની ગાંધીવાદી સંસ્કૃતિ ખરાબ થઈ રહી છે એવું મને લાગતું હતું, પરંતુ મને તેનું દુ:ખ લાગતું હતું. એ સમયગાળો હજુ લોકશાહીમાં સિદ્ધાંતોનો સમયગાળો હતો."
84 વર્ષની ઉંમરે પહોંચેલા ભાવનગરના પૂર્વ મેયર રમણીકભાઈ પંડ્યાએ કૉંગ્રેસમાં સાત દાયકા પસાર કર્યા છે.
તેઓ કહે છે, "એ સમયે કૉંગ્રેસ સિવાય બીજો કોઈ પક્ષ નહોતો એવું કહીએ તો પણ ચાલે. બધા નેતાઓ પણ કૉંગ્રેસમાં જ હતા એવું કહી શકાય."
સતીષભાઈ કહે છે, "એ સમયે માત્ર કૉંગ્રેસમાં જ લોકો માનતા હતા. જવાહરલાલ નહેરુની એકતરફી લોકપ્રિયતા હતી."
ભાવનગર જેવા નાના શહેરમાં અધિવેશન કેમ યોજાયું હતું?
અધિવેશનની સ્વાગતસમિતિના અધ્યક્ષ ઠાકોરભાઈ દેસાઈ લખે છે એ પ્રમાણે કૉંગ્રેસે ગુજરાતમાં અધિવેશન યોજવાનું નક્કી કર્યું એ પછી ગુજરાતની પ્રદેશ કમિટીએ ભાવનગરની પસંદગી કરી હતી.
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને નિવૃત્ત આઈએએસ અધિકારી પી. કે. લહેરી એ સમયે 16 વર્ષના હતા. તેઓ તેમના પિતા કનુભાઈ લહેરી સાથે ભાવનગરમાં યોજાયેલા કૉંગ્રેસ અધિવેશનમાં ગયા હતા. કનુભાઈ લહેરીએ અધિવેશનની કામગીરીમાં સક્રિયપણે ભાગ લીધેલો હતો.
પી. કે. લહેરી કહે છે, "એ સમયે ભાવનગરના નેતા બળવંતરાય મહેતા ખૂબ મોટા ગજાના નેતા હતા. તેમણે પંચાયતી રાજનો રિપોર્ટ આપેલો. 60ના દાયકામાં અનેક રાજ્યોમાં તેના અમલની પણ શરૂઆત થયેલી. બળવંતરાય મહેતાનો જ આગ્રહ હતો કે ભાવનગરમાં કૉંગ્રેસનું મહાઅધિવેશન યોજાય."
પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા કહે છે, "ભાવનગરમાં કૉંગ્રેસનું અધિવેશન યોજાયું તેમાં બળવંતરાય મહેતાનો ફાળો હતો. પંડિત નહેરુએ એ સમયે કહેલું કે લોકશાહીને આપણે છેક નીચે સુધી, ગ્રામીણસ્તર સુધી લઈ જવી છે, ફેલાવવી છે. તેના માટે તેમણે બળવંતરાય મહેતા કમિટી બનાવી હતી જેણે પંચાયતી રાજનો રિપોર્ટ આપ્યો હતો. ભાવનગરમાં લોકભારતી જેવી શિક્ષણસંસ્થાઓ હતી. એ સમયે સર્વવિદિત હતું કે ભાવનગરના લોકો સિદ્ધાંતો માટે સમર્પિત હતા. એટલા માટે ભાવનગર અધિવેશન યોજવા માટે યોગ્ય સ્થળ હતું, અને એ નિર્ણય આગળ જતાં યોગ્ય સાબિત થયો પણ ખરો."
કર્મશીલ પ્રકાશ ન. શાહ કહે છે, "સૌરાષ્ટ્રમાં ભાવનગર હંમેશાં કેન્દ્રવર્તી રહ્યું છે અને ભાવનગરની પોતાની એક પોતાની સાંસ્કૃતિક ભૂમિકા પણ રહી છે. પ્રજારાજની ચળવળ અને પ્રભાશંકર પટ્ટણીના સમયનું ભાવનગર એ કૉંગ્રેસની સાથે રહીને કામ કરતું હતું."
તો સમાજશાસ્ત્રી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર પ્રો. વિદ્યુત જોશી સમજાવે છે કે, "1947માં સ્વાતંત્ર્ય મળ્યા બાદ કૉંગ્રેસમાં બે ભાગ પડી ગયા. રાજકીય કાર્યકર્તાઓ કૉંગ્રેસમાં ગયા અને રચનાત્મક કાર્યકરો વિનોબાના સર્વસેવાસંઘમાં ગયા."
તેઓ સમજાવે છે કે, "એ વખતે સૌરાષ્ટ્રના ઉચ્છંગરાય ઢેબર કૉંગ્રેસના સર્વેસર્વા હતા અને કૉંગ્રેસ પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. સૌરાષ્ટ્રમાં રચનાત્મક કાર્યો ખૂબ થયાં છે અને કૉંગ્રેસે રચનાત્મક કાર્યો તરફ વળવું જોઈએ એવો એક મત લોકોમાં વ્યાપ્ય હતો. આ ભાગ પડ્યા એને ફરીથી ભેગા કરવા કૉંગ્રેસે સૌરાષ્ટ્ર તરફ મીટ માંડી અને ભાવનગર પસંદ થયું. વધુમાં ભાવનગરમાં કૉંગ્રેસનો પાયો ખૂબ મજબૂત હતો."
પ્રો. વિદ્યુત જોશી કહે છે, "1956માં જમીન સુધારા થયા, જમીનદારોની જમીન લેવાઈ ગઈ, આથી કૉંગ્રેસ સામે નારાજગી થવા લાગી હતી, કાયદોવ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ ઊઠી રહ્યા હતા. જમીનસુધારા પછી બહારવટિયા રાજ પણ 1960 સુધીમાં ખતમ થઈ જાય છે. આથી, ભાવનગરમાં (સૌરાષ્ટ્રમાં) અધિવેશન યોજીને કૉંગ્રેસ મજબૂત થાય તો આવાં તત્ત્વોને જવાબ આપી દેવાય એવો પણ વિચાર હતો."
કૉંગ્રેસના કાર્યકર્તા સતીષ ચાવડા કહે છે, "ભાવનગરના અનેક નેતાઓ કૉંગ્રેસમાં ખૂબ આગળ હતા. શહેરમાં ખાદીધારીઓની સંખ્યા પણ ખૂબ હતી. કૃષ્ણકુમારસિંહજીની રાજ્ય સોંપવાની પહેલી દરખાસ્તની પણ અસર હતી."
અધિવેશન કેવું હતું અને કેવા પ્રસ્તાવો પસાર થયા હતા?
91 વર્ષીય કૉંગ્રેસી કાર્યકર્તા બાલુભાઈ પટેલ કહે છે, "કૉંગ્રેસના અધિવેશનનાં સામાન્ય રીતે બે સ્વરૂપો હોય છે. ઓપન સેશનમાં ભારતભરના ડેલિગેટ્સ આવે અને એઆઈસીસીના અધિવેશનમાં એઆઈસીસીના સભ્યો જ આવે. ભાવનગરમાં યોજાયું એ ઓપન સેશન હતું."
તેઓ સમજાવે છે એ પ્રમાણે...
સામાન્ય રીતે અધિવેશનમાં કૉંગ્રેસ ત્રણ પ્રકારના ઠરાવો રજૂ કરતી હોય છે.
- ઑર્ગેનાઇઝેશનલ ઠરાવો – પક્ષનાં સંગઠનમાં ફેરફારને લગતા ઠરાવો
- પોલિટિકલ ઠરાવો – રાજકીય પક્ષો સામે કેવી રીતે લડવું તેના ઠરાવો
- ઇકૉનૉમિકલ ઠરાવો – દેશના અર્થતંત્રને લગતા તથા આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતા ઠરાવો
ઓપન સેશનમાં છેલ્લા દિવસે આ ઠરાવો રજૂ કરવામાં આવતા હોય છે. તેના પર ચર્ચા, પ્રશ્નોત્તરી કરીને તે ઠરાવને અંતે સ્વીકારવામાં આવે.
અધિવેશનમાં સબ્જેક્ટ કમિટી પણ હોય છે. આ સમિતિ અધિવેશનમાં જે ઠરાવો રજૂ કરવાના હોય તેના પર વિગતવાર ચર્ચા પણ કરે છે.
★ ભાવનગર અધિવેશનમાં કૉંગ્રેસે પસાર કરેલા મુખ્ય ઠરાવો
- ત્રીજી પંચવર્ષીય યોજનાના ખરડાના મુદ્દાઓનો સ્વીકાર કર્યો
- રાષ્ટ્રીય એકતા માટેના પ્રસ્તાવ:
કોમવાદ, જાતિવાદ અને પ્રાંતવાદની સામે ગમે તે ભોગે લડવું તેવો દૃઢપણે એકરાર કર્યો
- આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રસ્તાવ:
- યુદ્ધ શસ્ત્રોની ટૅક્નૉલૉજી અને પ્રગતિને ધ્યાનમાં રાખીએ તો માત્ર એક જ વ્યાવહારિક અભિગમ દેખાય છે- સામાન્ય અને સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણ
- ફ્રાન્સ દ્વારા જમીન, સમુદ્ર અને હવાઈ આક્રમણનો નિંદા પ્રસ્તાવ
- નાટોના સભ્યોને સંસ્થાનવાદી દેશો સામે કરવામાં આવતા યુદ્ધોની મદદ પાછી ખેંચી લેવાની વિનંતી કરી
- પોર્ટુગલે ગોવાના બંધનકર્તા લોકોને છોડાવવા માટે કોઈ પ્રયત્ન ન કર્યો તેવો નિંદા પ્રસ્તાવ
- ચીન દ્વારા ભારતની સીમાઓના ઉલ્લંઘન અને તેના પર કબજો કરવાને ભારત અને ચીનના પરસ્પર પ્રતિબદ્ધતા ધરાવતા સહઅસ્તિત્વના સિદ્ધાંતોના ઉલ્લંઘન તરીકે દર્શાવતો પ્રસ્તાવ
ભાવનગર અધિવેશનમાં કૉંગ્રેસ પક્ષના બંધારણમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો.
પી. કે. લહેરી કહે છે, "ભાવનગરમાં યોજાયેલું અધિવેશન એ અમુક કારણોથી વિશેષ માનવામાં આવે છે. 'દસ વર્ષે સત્તા છોડીને પછી સંગઠનમાં કામ કરવું' એ સંકલ્પનાં મૂળ આ અધિવેશનમાં રોપાયાં હતાં. સમાજવાદી સમાજરચનાની ચર્ચા પણ આ અધિવેશનમાં થઈ હતી."
પ્રકાશ ન. શાહ કહે છે, "જેમાંથી કામરાજ યોજના આગળ જતાં આવી તેના માટે ભાવનગર અધિવેશન જાણીતું છે."
પ્રો. વિદ્યુત જોશી કહે છે, "ભાવનગર અધિવેશનમાં હીરાલાલ શાહ નામના એક ભાઈએ 'ગાંધીસર' નામે યોજનાનો ઠરાવ મૂક્યો અને એ ઠરાવ પસાર થયો હતો. ખંભાતના અખાતમાં આ ગાંધીસર બનાવવું અને સૌરાષ્ટ્રને ખેતી માટે પાણી પૂરું પાડવું એવું નક્કી થયું. આગળ જતાં ડૉ. અનિલ કાણે અને ટીમે આ યોજનાને 'કલ્પસર' નામ આપ્યું."
કૉંગ્રેસના અધ્યક્ષ ભાવનગર પહોંચ્યા ત્યારે કેવી રીતે સ્વાગત કરાયું?
ભાવનગરનું અધિવેશન થયું ત્યારે કૉંગ્રેસના પ્રમુખપદે નીલમ સંજીવ રેડ્ડી હતા. નીલમ સંજીવ રેડ્ડીનું ભાવનગરમાં સ્વાગત ખુલ્લી કારમાં થયું હતું.
ભાવનગરની હાલની બજારનો વિસ્તાર એટલે કે વોરાશેરીથી ખારગેટ સુધીના માર્ગ પરથી તેમનો રોડ-શો નીકળ્યો હતો. કૉંગ્રેસના કાર્યકર્તાઓ જણાવે છે તેમ નહેરુની જેમ તેમના સ્વાગત માટે પણ રસ્તાની બંને બાજુએ મેદની ઊમટી હતી.
નીલમ સંજીવ રેડ્ડીએ ભાવનગરમાં અધિવેશનના પ્રમુખ તરીકે આપેલા ભાષણમાં કૉંગ્રેસની મૂળ વિચારધારા તરફ કાર્યકર્તાઓને દોર્યા હતા.
રેડ્ડીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે "કૉંગ્રેસે માત્ર સરકાર સાથે જોડાયેલી જ કામગીરી કરવાની છે એવું નથી, પરંતુ તેની અન્ય જવાબદારી પણ છે. કૉંગ્રેસની વિચારધારાનો ફેલાવો કરવાની સાથે જ પુષ્કળ રચનાત્મક અને રાષ્ટ્રનિર્માણનાં કામો આપણી નજર સામે છે જેમાં કૉંગ્રેસીઓએ જોડાવાનું છે. આઝાદી પછીના છેલ્લા દાયકામાં બનેલી મહત્ત્વની ઘટનાઓ થકી કૉંગ્રેસની વિચારધારા ઘડાઈ છે અને લોકશાહી સામે આવી રહેલા પડકારોનો એ શ્રેષ્ઠ જવાબ છે."
તેમણે વધુમાં કહ્યું હતું કે "જો આ વિચારધારાનો અસરકારક રીતે પ્રચાર કરવામાં નહીં આવે તો ખોટા વિચારો અને ખોટા અભિગમો તેનું સ્થાન લઈ લેશે જે દેશ અને આપણી નવીસવી લોકશાહીને નવાં જોખમોમાં મૂકી દેશે. તેના માટે આપણે કૉંગ્રેસમાં અસરકારક રીતે શિસ્તતા જાળવવી પડશે તથા કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં મિશનની ભાવના કેળવવી પડશે. જેથી કરીને આપણી નજર સામે રહેલાં વ્યવહારુ કાર્યોને જોશભેર પૂર્ણ કરી શકાય."
તેમનું ભાષણ એ સમયે 60ના દાયકાના અંતે કૉંગ્રેસમાં જેની ફેલાવાની શરૂઆત થઈ એવા 'વ્યક્તિ-કેન્દ્રિત રાજકારણ' અને આંતરિક મતભેદો તરફ પણ ઇશારો કરે છે.
"આવનારી ચૂંટણીઓ (1962) પણ આપણી પાસેથી એ ડિમાન્ડ કરે છે કે લોકો આપણને જોઈને આસાનીથી સમજી શકે કે આપણે શેના માટે ઊભા છીએ, કે લડીએ છીએ. લોકો આપણા ઉદ્દેશ્યોને આસાનીથી પારખી શકે અને આપણા નાનામોટા આંતરિક મતભેદોથી વિચલિત ન થાય."
જવાહરલાલ નેહરુએ ભાવનગરના અધિવેશન વિશે શું લખ્યું છે?
વડા પ્રધાન નહેરુ ભાવનગરના અધિવેશનમાં ખૂબ સક્રિય જોવા મળ્યા હતા. નાના કાર્યકર્તાઓ સાથેની મિટિંગ-મુલાકાતોથી લઈને તેમણે ભાવનગરમાં હજારોની વિશાળ મેદનીને પણ સંબોધી હતી.
પી. કે. લહેરી કહે છે, "જવાહરલાલ નહેરુ માટે અલગ કુટિરની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકો નહેરુના દર્શન માટે ખાસ મોટી સંખ્યામાં આવતા હતા. અધિવેશન સમયે પંડિત નહેરુની લોકપ્રિયતા ટોચ પર હતી."
તત્કાલીન વડા પ્રધાન નહેરુએ 3 જૂન, 1961ના રોજ તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓને સંબોધીને એક પત્ર લખ્યો હતો. સિલેક્ટેડ વર્ક્સ ઑફ જવાહરલાલ નહેરુના 69મા ભાગમાં આ પત્ર છે. આ પત્રમાં તેઓ દેશમાં વધતા જતા સાંપ્રદાયિક તણાવ અને કોમવાદ વિશે ચિંતા વ્યક્ત કરે છે.
જવાહરલાલ નહેરુ લખે છે કે, "કૉંગ્રેસના ભાવનગર ખાતે યોજાયેલા અધિવેશનમાં પણ નૅશનલ ઇન્ટિગ્રેશન કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી જ્યારે આ સમસ્યાઓ પર કામ કરી રહી હતી ત્યારે જ મધ્યપ્રદેશના જબલપુર અને સાગર જેવા જિલ્લાઓમાં સાંપ્રદાયિક તણાવની ઘટનાઓ બની હતી."
"1959થી ઘણીવાર હું આ માટે પ્રયત્ન કરી ચૂક્યો હતો પરંતુ અંતે ભાવનગરના અધિવેશનમાં આ કમિટીનો પ્રસ્તાવ પાસ થયો."
નહેરુ જે નૅશનલ ઇન્ટિગ્રેશન કમિટીની વાત કરી રહ્યા છે તેની સ્થાપના ભાવનગરમાં થઈ હતી અને સૌએ એકસૂરે સાંપ્રદાયિક તણાવ અને કોમવાદ સામે કોઈપણ ભોગે લડવાનો નિર્ધાર કર્યો હતો. આ કમિટીના ચૅરપર્સન તરીકે ઇન્દિરા ગાંધીની નિમણૂક થઈ હતી.
નહેરુએ માસ્ટર તારાસિંહને લખેલા પત્રમાં પણ ભાવનગરના અધિવેશનનો ઉલ્લેખ જોવા મળે છે. નહેરુએ માસ્ટર તારાસિંહને પત્રમાં લખ્યું હતું કે, "પંજાબી રાજ્ય માટે હું મારા વિચાર શું છે એ વારંવાર રજૂ કરી ચૂક્યો છું અને ભાવનગરમાંથી કરેલા સંબોધનમાં પણ છેલ્લે મેં આ વાત કરી હતી. તમે મને ભાવનગર આવીને મળી પણ શકતા હતા."
કૉંગ્રેસના અધિવેશનોનું મહત્ત્વ, ત્યારે અને આજે...
કૉંગ્રેસે 1961ના અધિવેશનની યાદગીરીરૂપે રામલાલ પરીખના સંપાદન હેઠળ 'ગુજરાત: એક પરિચય'- સ્મૃતિગ્રંથ પ્રકાશિત કર્યો હતો.
આ ગ્રંથમાં મોરારજી દેસાઈ લખે છે, "1938 પછી જ્યારે 23 વર્ષે ગુજરાતમાં કૉંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે ત્યારે મોટાભાગના સંજોગો બદલાઈ ગયા છે. ભારત હવે સ્વતંત્ર છે એટલું જ નહીં પરંતુ ગુજરાતના અલગ રાજ્યની સ્થાપના પણ થઈ ચૂકી છે અને તેની સ્થાપનાના પ્રથમ વર્ષમાં જ કૉંગ્રેસનું અધિવેશન ભાવનગરમાં મળી રહ્યું છે. આ પ્રસંગે નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ, અઘ્યાપકો, વિદ્વાનો, સાહિત્યકારો એમ સૌ કોઈ ગુજરાતના વિકાસની અનેકવિધ કલ્પનાઓ કરી રહ્યા છે."
મોરારજી દેસાઈ લખે છે, "ગુજરાતનું જાહેરજીવન મુખ્યત્વે કૉંગ્રેસના નેતૃત્ત્વ હેઠળ ઘડાયું છે અને તેની કેટલીક પ્રણાલીઓ સ્થપાઈ છે. આજ સુધી જે શિસ્ત અને સુમેળથી આપણે ગુજરાતનું જાહેરજીવન વિકસાવ્યું છે તેનાથી ગુજરાતે દેશમાં એક ખાસ પ્રતિષ્ઠા હાંસલ કરી છે. કૉંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં ભરવાનો ઠરાવ કૉંગ્રેસની વરિષ્ઠ કારોબારીએ આ જ કારણે કરેલો. આ શિસ્ત, અને આપસના વિચારભેદોનો પરસ્પર સમજૂતીથી જ ઉકેલ કરવાની આપણી પ્રણાલીને આપણે વધુ દૃઢ કરીએ એટલું જ નહીં પણ તેને વિશેષ વિકસાવવાનો પ્રયાસ કરીએ."
મોરારાજીભાઈના લખાણ પરથી એ સ્પષ્ટ થાય છે કે એ સમયનું કૉંગ્રેસ અધિવેશન એ માત્ર પક્ષનું રાજકીય સંમેલન નહોતું પરંતુ ગુજરાત માટે પણ વ્યાપક વિચારમંથનનો મોકો હતો.
1961ના અધિવેશનની સ્વાગતસમિતિના અધ્યક્ષ ઠાકોરભાઈ દેસાઈ અધિવેશનના મહત્ત્વ વિશે લખે છે, "કૉંગ્રેસ અધિવેશન જે પ્રદેશમાં ભરાય છે તેમાં તે કાળે અનેક ક્ષેત્રોમાં નવજાગૃતિ પેદા થાય છે. કૉંગ્રેસ પ્રજાના સમગ્ર વર્ગોનું પ્રતિનિધિત્વ ધરાવવાની નેમ રાખતી હોવાથી તેનું વાર્ષિક અધિવેશન ફક્ત પક્ષના સંમેલન કરતાં કંઈક વિશેષ હોય છે."
1961નું અધિવેશન અને છેલ્લા બે દાયકામાં યોજાયેલાં કૉંગ્રેસના અધિવેશનોની સરખામણી કરીએ તો એ વાત ઉડીને આંખે વળગે છે કે કાળક્રમે કૉંગ્રેસનું અધિવેશન એ વ્યાપક જનજાગૃતિના સંમેલનની જગ્યાએ માત્ર એક રાજકીય પક્ષનું આંતરિક સંમેલન બની ચૂક્યું છે, જેના પ્રત્યે પહેલાંનાં અધિવેશનોની જેમ કદાચ સામાન્ય પ્રજા આકર્ષાતી નથી.
ગુજરાતમાં રાહુલ ગાંધી જ્યારે કૉંગ્રેસના નવસર્જનની વાત કરી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે શું કૉંગ્રેસ ફરીથી લોકોને જોડીને તેના વ્યાપક રચનાત્મક રાષ્ટ્રનિર્માણનાં કામ તરફ જવાનો નિર્ધાર વ્યક્ત કરી શકશે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન