ભારતીય જનતા પાર્ટીના જન્મ અને 'ગાંધીવાદી સમાજવાદ અપનાવવા'ની કહાણી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિન્દી

વર્ષ 1980માં જ્યારે ઇન્દિરા ગાંધીએ પુનઃ સત્તા પ્રાપ્ત કરી ત્યારે જનતા સરકારમાં નાયબ વડા પ્રધાન રહેલા જગજીવનરામે 28 ફેબ્રુઆરીએ જાહેરાત કરી કે તેઓ બેવડા સભ્યપદનો મુદ્દો છોડશે નહીં અને એ બાબતે અંતિમ નિર્ણય મેળવીને જ રહેશે.

બેવડું સભ્યપદ એટલે – જનતા પાર્ટી અને આરએસએસ બંનેના એકસાથે સભ્ય હોવું. આની સામે ઘણા મોટા નેતાઓને સખત વાંધો હતો.

ચોથી એપ્રિલે જનતા પાર્ટીની કાર્યકારિણીએ નક્કી કર્યું કે જનસંઘના લોકો જો આરએસએસ નહીં છોડે, તો તેમને જનતા પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવશે; પરંતુ, જનસંઘના સભ્યોને આ વાતનો પહેલાંથી જ અંદેશો આવી ગયો હતો.

કિંશુક નાગે પોતાના પુસ્તક 'ધ સૅફરન ટાઇડ, ધ રાઇઝ ઑફ ધ બીજેપી'માં લખ્યું છે, "પાંચ અને છ એપ્રિલ 1980એ જનતા પાર્ટીના જનસંઘ એકમે દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં બેઠક યોજી, જેમાં લગભગ ત્રણ હજાર સભ્યોએ ભાગ લીધો અને અહીં ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી."

અટલ બિહારી વાજપેયીને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, જ્યારે લાલકૃષ્ણ અડવાણીને સૂરજ ભાણ અને સિકંદર બખ્ત સાથે પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા.

1980ની ચૂંટણીમાં જનતા પાર્ટી માત્ર 31 બેઠકો જીતી શકી હતી, જેમાં જનસંઘ એકમના 16 સભ્ય હતા, એટલે કે લગભગ અડધા.

આ બધા લોકોએ રાજ્યસભાના 14 સભ્યો, પાંચ પૂર્વ કૅબિનેટ મંત્રીઓ, આઠ પૂર્વ રાજ્યમંત્રીઓ અને છ પૂર્વ મુખ્યમંત્રીઓની સાથે નવી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો. આ બધાએ દાવો કર્યો કે તેઓ જ અસલી જનતા પાર્ટી છે.

ચૂંટણીપંચે કમળ ચૂંટણીચિહ્ન આપ્યું

જ્યારે જનતા પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખરે જનસંઘમાં સંકળાયેલા નેતાઓના એ દાવાને પડકાર આપ્યો કે તેઓ જ અસલી જનતા પાર્ટી છે, ત્યારે ચૂંટણી પંચે તેમનો વિરોધ ન સ્વીકાર્યો.

પંચે ભારતીય જનતા પાર્ટીને સીધો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપી દીધો અને જનતા પાર્ટીના ચૂંટણી પ્રતીક 'હળધર ખેડૂત'ને થોડાક સમય માટે ફ્રીઝ કરી દીધું. ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીને કમળ ચૂંટણચિહ્ન આપ્યું.

આની પહેલાં ભારતીય જનતા પાર્ટીએ ચક્ર અને હાથી ચૂંટણીચિહ્ન આપવાની વિનંતી કરી હતી, જેને ચૂંટણી પંચે સ્વીકારી નહીં.

ચંદ્રશેખરે ચૂંટણીપંચને ચૂંટણીચિહ્ન ફ્રીઝ કરવાના નિર્ણયની સમીક્ષા કરવા વિનંતી કરી. છ મહિના પછી ચૂંટણી પંચે ચંદ્રશેખરની વિનંતી સ્વીકારીને હળધર ખેડૂત ચૂંટણીચિહ્ન અનફ્રીઝ કરી દીધું, પરંતુ, ભારતીય જનતા પાર્ટીને આપેલો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો જળવાઈ રહ્યો.

બહારના નેતાઓને મહત્ત્વ

શરૂઆતમાં, ભારતીય જનતા પાર્ટીમાં બિનઆરએસએસ નેતાઓને નજરઅંદાજ ન કરાયા.

નલિન મહેતાએ પોતાના પુસ્તક 'ધ ન્યૂ બીજેપી'માં લખ્યું છે, "ભાજપે પૂર્વ કાયદામંત્રી શાંતિભૂષણ, જાણીતા વકીલ રામ જેઠમલાણી, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કેએસ હેગડે અને પૂર્વ કૉંગ્રેસ નેતા સિકંદર બખ્તને ખુલ્લા દિલે આવકાર્યા એટલું જ નહીં, તેમને મંચ પર પણ બેસાડ્યા. રસપ્રદ વાત એ હતી કે પાર્ટીનું બંધારણ ઘડનારી ત્રણ સભ્યોની સમિતિના બે સભ્ય સંઘની બહારના હતા."

રામ જેઠમલાણી ભાગલા પછી સિંધમાંથી શરણાર્થી તરીકે આવેલા, જ્યારે સિકંદર બખ્ત દિલ્હીના મુસલમાન હતા.

સિકંદર બખ્તે જ પાર્ટી અધ્યક્ષ તરીકે વાજપેયીના નામનો પ્રસ્તાવ કર્યો હતો, જેને રાજસ્થાનના ભાજપ નેતા ભૈરોંસિંહ શેખાવતે પોતાનું સમર્થન આપ્યું હતું.

'ગાંધીવાદી સમાજવાદ' અપનાવ્યો

ભાજપના જન્મ થયા પહેલાં એ બાબતની ઘણી ચર્ચા થઈ હતી કે નવી પાર્ટીનું નામ શું રાખવામાં આવે. વાજપેયી નવી વિચારધારા સાથે પાર્ટીનું નામ પણ નવું હોય તેમ ઇચ્છતા હતા.

ભાજપના સત્તાવાર દસ્તાવેજો અનુસાર, પાર્ટીના પહેલા સત્રમાં આવેલા લોકોને જ્યારે પાર્ટીના નામ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ત્રણ હજારમાંથી માત્ર છ સભ્યોએ જૂનું નામ જનસંઘ ચાલુ રાખવાનું સમર્થન કર્યું.

આખરે, ભારતીય જનતા પાર્ટી નામ પર સહમતી સધાઈ. વૈચારિક રીતે પાર્ટીએ 'ગાંધીવાદી સમાજવાદ' અપનાવ્યો; પરંતુ, શરૂઆતમાં તેને પાર્ટીનાં ઘણાં વર્તુળોનું સમર્થન ન મળ્યું.

કિંશુક નાગે લખ્યું છે, "વિજયારાજે સિંધિયાના નેતૃત્વમાં ઘણા ભાજપના નેતા 'સમાજવાદ' શબ્દનો ઉપયોગ કરવા બાબતે આશંકા ધરાવતા હતા, કેમ કે, તેનાથી કમ્યુનિસ્ટ્સ સાથે વૈચારિક સંબંધનો આભાસ ઊભો થતો હતો, જેનાથી આરએસએસ કોઈ પણ સંજોગમાં દૂર રહેવા માગતો હતો. બીજા કેટલાક નેતાઓ એવું માનતા હતા કે 'ગાંધીવાદી સમાજવાદ' અપનાવવાથી પાર્ટી પર નકલ કરવાનો અને કૉંગ્રેસની વિચારધારા અપનાવ્યાનો આરોપ થશે."

એવું પણ મનાય છે કે, એ સમયે આરએસએસના પ્રમુખ બાલાસાહેબ દેવરસ પણ 'ગાંધીવાદી સમાજવાદ'ને અપનાવવાના પક્ષમાં નહોતા; પરંતુ, પછીથી તેઓ આ માટે સંમત થઈ ગયા હતા.

કિંશુક નાગે લખ્યું છે, "આરએસએસના લોકો પાર્ટીમાં મુસલમાનો સહિત બિનહિંદુઓના સમાવેશથી ખુશ નહોતા. તેમ છતાં, પાર્ટીમાં એ વાત પર ભાર મુકાયો હતો કે, જનસંઘની જૂની વિચારધારાને ભૂલીને નવી શરૂઆત કરવામાં આવે. કદાચ, આ જ કારણે પાર્ટીના મંચ પર શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયનાં ચિત્રોની સાથોસાથ જયપ્રકાશ નારાયણનાં ચિત્રો પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં."

મુંબઈમાં પાર્ટીનું અધિવેશન બોલાવાયું

ડિસેમ્બર 1980ના છેલ્લા અઠવાડિયામાં મુંબઈમાં પાર્ટીનું પૂર્ણ અધિવેશન બોલાવવામાં આવ્યું, જેમાં પાર્ટીના હજારો સભ્યોએ ભાગ લીધો.

લાલકૃષ્ણ અડવાણીએ પોતાની આત્મકથા 'માય કન્ટ્રી, માય લાઇફ'માં દાવો કર્યો છે કે, ત્યાં સુધીમાં આખા દેશમાં 25 લાખ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની ચૂક્યા હતા. જનસંઘ જ્યારે શિખર પર હતું ત્યારે પણ પાર્ટીની સભ્યસંખ્યા 16 લાખથી વધુ નહોતી.

સુમિત મિત્રાએ 'ઇન્ડિયા ટુડે'ના 31 જાન્યુઆરી 1981માં છપાયેલા પોતાના રિપોર્ટ 'બીજેપી કન્વેન્શન, ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બૉટલ'માં લખ્યું હતું, "ભાજપના કુલ 54,632 પ્રતિનિધિઓમાંથી 73 ટકા પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી આવ્યા હતા. મુંબઈના બાંદ્રા રિક્લેમેશન વિસ્તારમાં એક કામચલાઉ વસાહત બનાવવામાં આવી હતી."

સંમેલન 28 ડિસેમ્બરે શરૂ થયું હતું અને તેમાં 40 હજાર લોકોના રહેવા-ખાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બપોર સુધીમાં 44 હજાર પ્રતિનિધિઓ સભાસ્થળે પહોંચી ચૂક્યા હતા. સાંજ સુધીમાં બીજા પ્રતિનિધિઓ પહોંચવાની અપેક્ષા હતી.

પાર્ટીના મહાસચિવ લાલકૃષ્ણ અડવાણીએ એવી વિનંતી કરવી પડી કે, જો શક્ય હોય તો પાર્ટીના સભ્યો સભાસ્થળની બહાર ભોજન કરે.

વાજપેયીને સન્માનપૂર્વક શિવાજી પાર્ક લઈ જવાયા

સભાસ્થળે દરેક જગ્યાએ પાર્ટીના નવા ઝંડા લાગેલા હતા, જેનો એક-તૃતીયાંશ ભાગ લીલો અને બે-તૃતીયાંશ ભાગ કેસરી હતો.

28 ડિસેમ્બર 1980ની સાંજે 28 એકરમાં ફેલાયેલા શિવાજી પાર્કમાં પાર્ટીનું ખુલ્લું સત્ર ભરાયું હતું, જેમાં સામાન્ય લોકોને પણ ભાગ લેવાની છૂટ હતી.

વિનય સીતાપતિએ પોતાના પુસ્તક 'જુગલબંધી, ધ બીજેપી બિફોર મોદી'માં લખ્યું છે, "પાર્ટીના નવા અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીએ સભાસ્થળથી શિવાજી પાર્ક સુધીના ચાર કિલોમીટરનો માર્ગ ખુલ્લી જીપમાં પસાર કર્યો હતો. સ્થાનિક લોકો અને હિંદુ રાષ્ટ્રવાદની ભાવનાને મૂર્ત રૂપ આપવા માટે મરાઠી સૈનિકની વેશભૂષામાં એક વ્યક્તિ ઘોડા પર સવાર થઈને આગળ ચાલી રહ્યા હતા. તેમની પાછળ ટ્રકોનો એક કાફલો હતો, ટ્રકો પર દીનદયાળ ઉપાધ્યાય અને જયપ્રકાશ નારાયણનાં ચિત્રો લાગેલાં હતાં."

આરએસએસના પ્રમુખ બાલાસાહેબ દેવરસના ભાઈ ભાઉરાવ દેવરસ પણ ત્યાં હાજર હતા. ત્યાં હાજર રહેલા આરએસએસના નેતા શેષાદ્રિ ચારીએ સ્વીકાર્યું હતું કે તેમના માટે જયપ્રકાશ નારાયણના 'ગાંધીવાદી સમાજવાદ'ને પચાવવો મુશ્કેલ હતો.

પ્રવીણ તોગડિયાએ પણ એક ઇન્ટરવ્યૂમાં કહેલું, "ભાજપના મોટા ભાગના સભ્ય ગાંધીવાદી સમાજવાદ અને પાર્ટીનો ઝંડો બદલવા સાથે સહમત નહોતા. મને ખબર હતી, કેમ કે, તે સમયે હું સ્વયંસેવક હતો. આ અસહમતી ચારેબાજુ વ્યાપ્ત હતી, પરંતુ તેને મુખર થવા દેવામાં નહોતી આવી."

વિજયારાજે સિંધિયાનો પ્રખર વિરોધ

પાર્ટીનાં વરિષ્ઠ નેતા વિજયારાજે સિંધિયાએ પાર્ટીની નવી વિચારધારા પ્રત્યેનો પોતાનો વિરોધ છુપાવ્યો નહોતો. તેમની દૃષ્ટિએ ઇન્દિરા ગાંધીના સમાજવાદે જ રજવાડાં પાસેથી તેમની શક્તિ છીનવી લીધી હતી.

તેમણે પોતાનો પાંચ પાનાંનો એક વિરોધ મુસદ્દો પ્રતિનિધિઓની વચ્ચે વહેંચાવ્યો હતો, જેમાં કહેવાયું હતું કે, 'ગાંધીવાદી સમાજવાદ'નું સૂત્ર સામાન્ય ભાજપ કાર્યકર્તાઓમાં ભ્રમ ઊભો કરશે; કેમ કે, આ સૂત્ર માત્ર પ્રગતિશીલ દેખાવા માટે લાવવામાં આવ્યું છે. તે ભાજપને કૉંગ્રેસની ફોટો કૉપી બનાવી દેશે અને તેનાથી તેની મૌલિકતા નષ્ટ થઈ જશે.

પછી તેમણે પોતાના પુસ્તક 'રૉયલ ટૂ પબ્લિક લાઇફ'માં લખ્યું હતું, "મેં આ પરિવર્તન તરફનો મારો વિરોધ જાહેર કર્યો હતો, તેમ છતાં તેને મુંબઈ સંમેલનમાં પાર્ટીના માર્ગદર્શક સિદ્ધાંત સ્વરૂપે સ્વીકારી લેવાયું હતું. પાર્ટીના ઘણા નેતાઓનું માનવું હતું કે, હવે જ્યારે આપણે જનતા પાર્ટીમાંથી બહાર નીકળી ગયા છીએ ત્યારે 'ગાંધીવાદી સમાજવાદ'નો સહારો લેવાની કોઈ જરૂર નથી."

ક્રિસ્ટોફર જૅફરલેટે પોતાના પુસ્તક 'ધ હિંદુ નૅશનલિસ્ટ મૂવમેન્ટ ઍન્ડ ઇન્ડિયન પૉલિટિક્સ'માં લખ્યું છે, "આખરે એક વચલો માર્ગ શોધી કાઢવામાં આવ્યો અને રાજમાતાને સાર્વજનિક રીતે પોતાનો વિરોધપત્ર પાછો ખેંચી લેવા માટે મનાવી લેવામાં આવ્યાં. તેમણે એક પ્રેસ કૉન્ફરન્સમાં જાહેરાત કરી કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ તેમની સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે ભાજપનો સમાજવાદ માર્ક્સના સમાજવાદ કરતાં બિલકુલ જુદો છે."

કહેવામાં આવ્યું કે, ભાજપના સમાજવાદનો હેતુ દીનદયાલ ઉપાધ્યાયના 'જનકલ્યાણવાદ' અને 'એકાત્મક માનવવાદ' સાથે સંબંધ ધરાવે છે.

વાજપેયીએ આ ચર્ચામાં હસ્તક્ષેપ કરતાં કહ્યું કે, પાર્ટી 'ગાંધીવાદી સમાજવાદ'ની પોતાની વિચારધારાથી પાછી નહીં હટે.

'સકારાત્મક ધર્મનિરપેક્ષતા'ની હિમાયત

30 ડિસેમ્બરની રાત્રે આપેલા પોતાના ભાષણમાં વાજપેયીએ જાહેરાત કરી કે ભાજપે બાબાસાહેબ આંબેડકરનો સમતા સિદ્ધાંત અપનાવી લીધો છે. તેમણે પોતાની પાર્ટીના 'સકારાત્મક ધર્મનિરપેક્ષતા'ના ખ્યાલને પણ સ્પષ્ટ કર્યો.

તે 17મી સદીમાં મરાઠા રાજા શિવાજીએ અલ્પસંખ્યકો માટે અપનાવેલી નીતિને અનુરૂપ હતી. વાજયેપીએ કહ્યું કે આગ્રામાં છત્રપતિ શિવાજીની કસ્ટડી દરમિયાન તેમનો એક સેવક મુસલમાન હતો.

વાજપેયીએ કહ્યું કે, સન 1661માં શિવાજીએ પોતાનું કોંકણ અભિયાન કેલસીના મુસ્લિમ સંત યાકૂતબાબાના આશીર્વાદ સાથે શરૂ કર્યું હતું.

અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું, "જનતા પાર્ટી તૂટી જરૂર ગઈ છે, પરંતુ અમે જયપ્રકાશ નારાયણનાં સપનાંને ક્યારેય તૂટવા નહીં દઈએ."

તેમણે સમાચારપત્રોમાં છપાયેલા સમાચારનું ખંડન કર્યું કે, પાર્ટીમાં 'ગાંધીવાદી સમાજવાદ'ના મુદ્દે કશો મતભેદ છે. આ શબ્દનો મૂળ અર્થ મૂડીવાદ અને સામ્યવાદનો અસ્વીકાર કરવો એ છે.

વાજપેયીના ભાષણના અંતિમ શબ્દ હતા, "પશ્ચિમી ઘાટ પર સમુદ્રના કિનારે ઊભો રહીને હું ભવિષ્ય વિશે વિશ્વાસથી કહી શકું છું કે, અંધકાર દૂર થશે, સૂરજ ઊગશે અને કમળ ખીલશે."

સંમેલનમાંથી પાછા ફર્યા પછી 'ઑનલુકર' મૅગેઝીનના સંપાદક જનાર્દન ઠાકુરે લખ્યું, "હું ભાજપના મુંબઈ સંમેલનમાંથી એ આશા સાથે પાછો આવ્યો છું કે એક દિવસ અટલ બિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન બનશે. હું એમ નથી કહેતો કે તેઓ વડા પ્રધાન બની શકશે. હું એમ કહું છું કે તેઓ ચોક્કસ વડા પ્રધાન બનશે. મારી ભવિષ્યવાણી કોઈ જ્યોતિષવિદ્યા પર આધારિત નથી, કેમ કે હું જ્યોતિષી નથી. મેં તેમને અને તેમની પાર્ટીને ખૂબ ધ્યાનથી જોયાં બાદ આ અભિપ્રાય આપ્યો છે. વાજપેયી ભવિષ્યની પાર્ટીના નેતા છે."

મોહમ્મદ કરીમ ચાગલાનું ભાજપને સમર્થન

આ ભાષણ કર્યું ત્યારે મુખ્ય અતિથિ હતા નહેરુ અને ઇન્દિરાની કૅબિનેટમાં મંત્રી રહેલા મોહમ્મદ કરીમ ચાગલા.

ભાગલા પડ્યા તે પહેલાં ચાગલા મહમદઅલી ઝીણાના આસિસ્ટન્ટ પણ રહી ચૂક્યા હતા.

પોતાની આત્મકથા 'રોઝેઝ ઇન ડિસેમ્બર'માં તેમણે લખ્યું હતું, "તે જમાનામાં ઝીણા રાજકીય અને કાયદા, બંને ક્ષેત્રમાં મારા આદર્શ હતા. જ્યાં સુધી તેઓ રાષ્ટ્રવાદી રહ્યા, હું તેમની સાથે રહ્યો; પરંતુ, જેમ જેમ તેઓ સાંપ્રદાયિક થતા ગયા અને દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતની હિમાયત કરવા લાગ્યા, મારા અને તેમના રસ્તા જુદા થતા ગયા."

ચાગલાએ ઝીણાને પૂછ્યું હતું, પાકિસ્તાન મુખ્યત્વે મુસ્લિમબહુલ રાજ્યના હિતમાં હશે, પરંતુ એવા મુસલમાનોનું શું થશે જેઓ અલ્પસંખ્યક તરીકે રહે છે?

ઝીણાનો જવાબ હતો, "મને તેમની પરિસ્થિતિમાં કશો રસ નથી" (રોઝેઝ ઇન ડિસેમ્બર, પૃષ્ઠ 78-80).

'ધ ભવન્સ જર્નલ' મૅગેઝિનના સપ્ટેમ્બર 1979ના અંકમાં ચાગલાએ લખ્યું હતું, "હું હિંદુ છું; કેમ કે, હું મારા વારસાને મારા આર્ય પૂર્વજો સાથે સાંકળીને જોઉં છું. સાચા હિંદુત્વને એક ધર્મ તરીકે જોવું ખોટું છે. તે એક દર્શન અને જીવન જીવવાની રીત છે."

નુસ્લી વાડિયાએ સંમેલનનો ખર્ચ ઉઠાવ્યો

અટલ બિહારી વાજપેયીએ એમ કહીને ચાગલાનું સ્વાગત કર્યું કે તેઓ ધર્મનિરપેક્ષતાના પ્રતીક છે. ઝીણાની સાથે કામ કરતા હતા છતાં પણ તેમણે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનો વિરોધ કર્યો.

ચાગલાએ તેનો જવાબ આપતાં કહ્યું કે, વાજપેયી ભવિષ્યના વડા પ્રધાન છે. તેમણે ત્યાં ઉપસ્થિત પ્રતિનિધિઓને કહ્યું, "લોકોને જણાવો કે તમે ન તો સાંપ્રદાયિક પક્ષ છો અને ન તો નવા રૂપમાં જનસંઘ. તમે એક રાષ્ટ્રીય પાર્ટી છો, જે આગામી ચૂંટણીમાં અથવા તેની પહેલાં ઇન્દિરા ગાંધીની જગ્યા લઈ શકે છે."

આ સમગ્ર આયોજનમાં 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો, જે તે જમાનામાં એક મોટી રકમ હતી.

વિનય સીતાપતિએ લખ્યું છે, "એ સંમેલનમાં ભાગ લેનાર ભાજપના એક મોટા નેતાનું કહેવું હતું કે તેના માટેના મોટા ભાગના પૈસા જાણીતા ઉદ્યોગપતિ નુસ્લી વાડિયાએ આપ્યા હતા. 1970નો દાયકો સમાપ્ત થયા પહેલાં ઝીણાના દોહિત્ર નુસ્લી વાડિયા ભાજપને ધન આપનાર સૌથી મોટા ઉદ્યોગપતિ બની ચૂક્યા હતા.

પાર્ટીની પ્રથમ બેઠકનાં 16 વર્ષ પછી 1996માં ભાજપને પહેલી વખત કેન્દ્રમાં સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું, પરંતુ પાર્ટી સંસદમાં પોતાનો બહુમત સાબિત ન કરી શકી અને માત્ર 13 દિવસમાં અટલ બિહારી વાજપેયીએ રાજીનામું આપવું પડ્યું.

પરંતુ, પછીની બે ચૂંટણીમાં પાર્ટીનો વિજય થયો અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપ સરકારે સન્ 1998માં શપથ લીધા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.