નવી દિલ્હી રેલવે સ્ટેશન: શનિવારે રાત્રે એવું શું થયું કે નાસભાગ મચી ગઈ?

- લેેખક, અભિનવ ગોયલ અને દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સતત ઍમ્બુલન્સ સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે, ભારે સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે અને વાતાવરણ એકદમ તંગ છે.
રાત્રે 12 વાગ્યાની આસપાસ અમે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે સ્ટેશનની બહાર એક ડઝનથી વધુ ઍમ્બુલન્સ ઊભી હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ના કર્મચારીઓ તેમનાં સાધનો સાથે સ્ટેશન તરફ દોડતા જોવા મળ્યા.
અહીં ઘણા મુસાફરો ટ્રેન ચૂકી જવાનો અફસોસ કરી રહ્યા હતા, જ્યારે ઘણા લોકો રેલિંગ પર બેઠા હતા અને પોતાનો જીવ બચી જવા બદલ સંતોષ વ્યક્ત કરી રહ્યા હતા.
ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મુસાફરોને સ્ટેશનમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા હતા. ભાગદોડના સાક્ષીઓ મીડિયા કૅમેરા સમક્ષ એક પછી એક નિવેદનો આપી રહ્યાં હતાં.
ઉષાદેવી જે પોતાના દીકરા સાથે બિહાર જઈ રહ્યાં હતાં, તેઓ કહે છે, "અમે મારા ભત્રીજાનાં લગ્ન માટે બિહાર જઈ રહ્યાં હતાં. જ્યારે અમે પ્લૅટફૉર્મ પર પહોંચ્યાં ત્યારે ત્યાં ભાગદોડ મચી ગઈ. ઘણા લોકો આ ધક્કામુક્કીમાં પડી ગયા. ખાવા-પીવાની વસ્તુઓ અને લોકોનાં કપડાં પણ પ્લૅટફૉર્મ પર પડ્યાં હતાં."
તેઓ કહે છે, "હું પણ એ સમયે બેભાન થવા જઇ રહી હતી. જ્યારે ઘણા લોકો બેભાન થઈને પડી ગયા હતા. ભીડ એટલી બધી હતી કે અમે ટ્રેન પણ પકડી ન શક્યા."

સ્ટેશન પર કામ કરતા કુલીઓ કૅમેરા સામે બોલવાનું ટાળતા હોય તેવું લાગ્યું. કારણ કે, તેઓ જ મોટાભાગના મૃતદેહોને પ્લૅટફૉર્મ પરથી ઍમ્બુલન્સ સુધી લાવ્યા હતા.
એક કુલીએ બીબીસીને જણાવ્યું, "લોકોને CPR આપીને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શનિવારે રાત્રે 15 ફેબ્રુઆરીના રોજ રાત્રે લગભગ 9 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશનનાં અનેક પ્લૅટફૉર્મ અને સીડીઓ પર થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછાં 18 લોકોનાં મોત થયાં હતાં.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મોટાભાગના લોકોનાં મોત પ્લૅટફૉર્મ નંબર 14 સુધી જતી સીડીઓ પર થયાં હતાં.
ભાગદોડમાં માંડ માંડ પોતાનો જીવ બચાવવામાં સફળ રહેલા ઘણા લોકો સ્ટેશનની બહાર મીડિયા કૅમેરા સમક્ષ પોતાના આંખો દેખ્યા અનુભવો વર્ણવી રહ્યા હતા.
તેમાંથી ઘણા લોકો રેલવેના વહીવટથી ગુસ્સે હતા, જ્યારે ઘણા લોકો મદદ પહોંચવામાં વિલંબના મુદ્દે ગુસ્સામાં હતા.
ઘણા મુસાફરો પોતાનો સામાન લઈને ફરી રહ્યા હતા, જેઓ ભાગદોડને કારણે ટ્રેન પકડી શક્યા ન હતા. આમાં એવા લોકો પણ સામેલ હતા જેઓ પ્રયાગરાજ કુંભમાં ડૂબકી મારવા જઈ રહ્યા હતા. કેટલાક મુસાફરો એવા પણ હતા જેમને સ્ટેશનમાં પ્રવેશવા જ નહોતા દેવામાં આવ્યા.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ભાગદોડ ફક્ત પ્લૅટફૉર્મ પર જ નહીં પરંતુ સીડીઓ અને ફૂટઓવર બ્રિજ પર પણ થઈ હતી.

આ ઘટના અંગે મીડિયામાં આવેલા રેલવે અધિકારીઓનાં નિવેદનો પરથી સ્ટેશન પહોંચ્યા પછી જે દૃશ્યો જોવાં મળ્યાં તેની કલ્પના કરવી મુશ્કેલ હતું.
પહેલા અકસ્માતને અફવા માત્ર ગણાવાયો, પછી ભાગદોડ જેવી પરિસ્થિતિ છે એમ કહેવામાં આવ્યું. પછી ભાગદોડ મચી ગઈ અને પછી રાત્રે લગભગ 12:30 વાગ્યે પંદર લોકોનાં મોતના સમાચાર જાહેર કરવામાં આવ્યા.
નવી દિલ્હી રેલવે સ્ટેશનથી મૃતકોને લગભગ બે કિલોમીટર દૂર આવેલી લોકનાયક જયપ્રકાશ હૉસ્પિટલમાં લઈ જવામાં આવતા હતા. જ્યાં પોલીસની સાથે અર્ધલશ્કરી દળોને તહેનાત કરવામાં આવ્યા હતા. મીડિયાવાળાઓને હૉસ્પિટલની અંદર જતા રોકવામાં આવતા હતા.
હૉસ્પિટલમાં ઘાયલોની હાલત જોયા બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર બહાર આવતાં મીડિયાના પ્રશ્નોને ટાળતા જોવા મળ્યા.
દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા વિના ચાલ્યા ગયા. પત્રકારો તેમની પાછળ દોડતા રહ્યા.
જો કે વિદાઇ લઇ રહેલા દિલ્હીનાં મુખ્ય મંત્રી આતિશીએ મીડિયા સાથે વાત જરૂર કરી હતી પરંતુ તેમણે પણ મૃત્યુઆંક વિશે કોઈ માહિતી આપી ન હતી.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હૉસ્પિટલની બહાર બધે મીડિયા કૅમેરા તહેનાત હતા. ક્યારેક મૃતકોના સંબંધીઓ રડતા રડતા હૉસ્પિટલમાંથી બહાર આવતા જોવા મળતા હતા અને તેઓ તરત જ મીડિયા કૅમેરાથી ઘેરાઈ જતા હતા.
જ્યારે શોભા તેમની દેરાણી શીલમનો મૃતદેહને જોઈને હૉસ્પિટલમાંથી બહાર આવ્યાં ત્યારે તેણે બીબીસીને જણાવ્યું કે હૉસ્પિટલની અંદર એક જ પલંગ પર અનેક મૃતદેહો રાખવામાં આવ્યા હતા.
હૉસ્પિટલમાંથી બહાર આવતા અન્ય લોકોએ પણ આવા જ નિવેદનો આપ્યાં.
બીબીસીએ હૉસ્પિટલની અંદરની મુલાકાત પણ લીધી. જ્યાં રેલવેએ પોતાનું કાઉન્ટર બનાવ્યું હતું. ત્યાં બેઠેલા લોકોએ ગળામાં રેલવેનું ઓળખપત્ર લટકાવેલું હતું. આ લોકો મૃતકોના પરિવારજનો સાથે સતત સંપર્કમાં હતા.
સુરક્ષાદળોની ભારે હાજરી વચ્ચે મૃતકોના પરિવારના સભ્યો અને ઘાયલો સિવાય કોઈને પણ અંદર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
રાત્રે લગભગ 2 વાગ્યે જ્યારે અમે મૌલાના આઝાદ મેડિકલ કૉલેજના શબઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અમારી મુલાકાત કિરાડીના રહેવાસી બિપિન ઝા સાથે થઇ.
અહીં એક પોલીસકર્મી બિપિન ઝાનાં પત્ની મમતા ઝાનું પંચનામું લખી રહ્યા હતા. બિપિન પોતાના આંસુઓને વારંવાર લૂછતાં લૂછતાં બોલતા હતા કે "બધું પૂરું થઈ ગયું."
થોડા કલાકો પહેલા જ બિપિન બિહારથી આવી રહેલાં તેમનાં પત્ની મમતાને સ્ટેશનથી ઘરે લઈ જવાને લઇને ઉત્સાહિત હતા. હવે તેમને અફસોસ હતો કે તેમનાં પત્ની તેમની સામે જ મરી ગયાં અને તેઓ તેમને બચાવવા માટે કંઈ કરી ન શક્યા.
કોઈક રીતે પોતાનાં આંસુઓને રોકીને તેઓ કહે છે, "મારી પત્ની બિહારથી આવી રહી હતી. હું તેને લેવા માટે રેલવે સ્ટેશન ગયો હતો. તેને રિસીવ કર્યા પછી અમે પ્લૅટફૉર્મ પરથી ફૂટઓવર બ્રિજ સુધી સીડીઓ ચઢી ગયા. પરંતુ જ્યારે અમે અજમેરી ગેટ તરફ આગળ વધવાનું શરૂ કર્યું ત્યારે નાસભાગ મચી ગઈ અને મારી પત્ની ભીડમાં ફસાઈ ગઈ."
તેઓ કહે છે, "આ બધું મારી નજર સામે જ થયું અને હું મારી પત્નીને બચાવી શક્યો નહીં. આ અફસોસ મને આખી જિંદગી રહેશે. મારે ત્રણ બાળકો છે, હું તેમને શું જવાબ આપીશ?"
તેમની સાથે અમે મૌલાના આઝાદ મેડિકલ કૉલેજના શબઘરમાં પહોંચ્યા જ્યાં નાસભાગમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો રાખવામાં આવ્યા હતા.
મૃતદેહોને લઈ જવા માટે દસ ઍમ્બુલન્સ શબઘરની અંદર અને બહાર ઊભી હતી. શબઘરની બહાર અમે ઉમેશ ગિરીને મળ્યા જેઓ શીલમદેવીના પતિ હતા. જેમનું પણ મૃત્યુ ધક્કામુક્કીમાં થયું હતું. આ ભાગદોડમાં તેઓ પોતે પણ ઘાયલ થયા હતા.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "અમે મહાકુંભમાં જઈ રહ્યા હતા... ઉપર ચઢ્યા પછી ભીડ અચાનક બેકાબૂ થઈ ગઈ. આ ઘટના ભારે ભીડને કારણે બની. મારી સામે ઘણા લોકોના મૃતદેહ પહેલાથી જ પડેલા હતા. જે લોકો પડી ગયા તેઓ ઊભા થઈ શક્યા નહીં અને લોકો એકબીજાની ઉપર ચઢતા ચઢતા ચાલી ગયા."
તેમણે કહ્યું, "તે સમયે મૃતદેહોને સીડીની સામે જ રાખવામાં આવ્યા હતા. ત્યારે ત્યાં કોઈ મીડિયા કે વહીવટતંત્ર બંને નહોતાં."

મદદ અંગે ઉમેશ કહે છે, "મને કોઈ મદદ મળી નહીં. પછી ઘણું મોડું થઈ ગયું હતું. મેં ઘણા પોલીસકર્મીઓ અને આરપીએફના લોકોને કહ્યું પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું."
ગિરધારીએ પણ આ જ વાત કહી. તેઓ તેમનાં કાકી સાથે પટનાથી દિલ્હી આવ્યાં હતાં અને તેઓ બંને હરિયાણાના પાણીપત જઇ રહ્યાં હતાં. આ અકસ્માતમાં તેમનાં કાકીનું અવસાન થયું.
શબઘરના દરવાજા પર માથું નમાવીને બેઠેલા ગિરિધારી કહે છે, "અમે બસ દ્વારા પાણીપત જવાનું વિચારી રહ્યા હતા. જો અમે બસ દ્વારા ગયા હોત તો મારી કાકીનો જીવ બચી ગયો હોત."
બીજા લોકોને પણ આવા જ અનુભવો થયા. કેટલાક મૃતકોને રામ મનોહર લોહિયા હૉસ્પિટલના શબઘરમાં પણ મોકલવામાં આવ્યા હતા. લેડી હાર્ડિંગ હૉસ્પિટલમાં બીબીસીએ ભાગદોડમાં મૃત્યુ પામેલાં ત્રણ લોકોના મૃતદેહો જોયા.
લેડી હાર્ડિંગ હૉસ્પિટલના શબઘરમાં લગભગ એક ડઝન પોલીસકર્મીઓ મૃતકોના સંબંધીઓની આસપાસ ઊભા હતા અને કોઇક કાગળકામ કરી રહ્યા હતા.
આ અકસ્માતમાં સાત વર્ષનાં રિયાનું પણ મોત થયું. તેમના કાકા વિપિન પોતાનાં આંસુ રોકતા કહે છે, "કોઈ પણ છોકરીનું મૃત્યુ આ રીતે ન થવું જોઇએ. તેની સામે આખી જિંદગી હતી."
રિયાના પિતા કંઈ કહેવાની સ્થિતિમાં નહતા.
પોતાના પ્રિયજનો ગુમાવનારા લોકોની વાર્તા પણ એક જેવી જ છે. સવારે લગભગ 5-30 વાગ્યે જ્યારે સીમા તેમના પતિ સાથે હૉસ્પિટલમાંથી બહાર આવ્યાં ત્યારે મીડિયાના કૅમેરા તેને ઘેરી લે છે.
આ અકસ્માતમાં સીમાનાં પુત્રી ઘાયલ થઈ ગયાં હતાં જ્યારે તેમના નણંદ પિંકીનું મોત નીપજ્યું હતું.
સીમા પોતે પણ ઘાયલ થયાં હતાં.
તેઓ કહે છે, "અમે પ્રયાગરાજ જઈ રહ્યાં હતાં. અમે જ્યાં હતા ત્યાં કોઈ ભાગદોડ નહોતી થઈ. જ્યારે અમે સીડીઓ પરથી પ્લૅટફૉર્મ પર આવી રહ્યાં હતાં ત્યારે ધક્કામુક્કી થવા માંડી. અમને પાછળથી ધક્કો મારવામાં આવ્યો અને અમે નીચે પડી ગયાં. અમારી ઉપર ઊભેલા બધા લોકો અમારા પર પડ્યા. મારી પુત્રી, મારી દેરાણી, મારી નાની પુત્રી અમે બધા દબાઇ ગયાં હતાં. ફક્ત અમારી ગરદન જ બહાર હતી. એક ઇંચ પણ હલવાની જગ્યા નહોતી. આ ભાગદોડમાં જ મારી નણંદ પિંકીનું સીડી પર જ મોત થયું."

સ્ટેશન અને હૉસ્પિટલની બહાર રહેલા ઘણા પ્રત્યક્ષદર્શીઓએ બીબીસીને જણાવ્યું કે પ્રયાગરાજ જતી સ્પેશિયલ ટ્રેનના પ્લૅટફૉર્મ પર ફેરફાર થવાને કારણે લોકો અચાનક દોડી ગયા અને તેના કારણે અરાજકતા સર્જાઈ ગઈ હતી.
જોકે ઉત્તર રેલવેએ પોતાના નિવેદનમાં ટ્રેનના પ્લૅટફૉર્મ બદલવાનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ કહ્યું છે કે આ ઘટના મુસાફરો સીડી પરથી લપસી પડ્યા હતા તેના કારણે બની હતી.
ઉત્તર રેલવેના પ્રવક્તા હિમાંશુ શેખર ઉપાધ્યાયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "જ્યારે આ દુ:ખદ ઘટના બની ત્યારે પટના તરફ જતી મગધ એક્સપ્રેસ નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર 14 પર ઊભી હતી અને જમ્મુ તરફ જતી ઉત્તર સંપર્ક ક્રાંતિ પ્લૅટફૉર્મ નંબર 15 પર ઊભી હતી. આ સમય દરમિયાન ફૂટઓવર બ્રિજ પરથી પ્લૅટફૉર્મ 14 અને 15 તરફ જતી સીડીઓ પરથી મુસાફરો લપસી ગયા. અને તેમની પાછળના ઘણા મુસાફરો તેમાં ફસાઈ ગયા, જેના કારણે આ દુ:ખદ ઘટના બની. આ અકસ્માતની તપાસ ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે."
દરમિયાન ડીસીપી રેલવે કેપીએસ મલ્હોત્રાએ પત્રકારોને જણાવ્યું હતું, "કેટલીક ટ્રેનો મોડી પડી હતી અને કેટલાક લોકોએ પ્રયાગરાજ જવા માટે વધારાની ટિકિટો ખરીદી હતી. આના કારણે મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઇ હતી. અમે ભીડનો અંદાજ લગાવ્યો હતો. પરંતુ આ બધું દસ મિનિટમાં જ બની ગયું. વધુ લોકો પહોંચ્યા ને બે ટ્રેનો મોડી પડી. રેલવે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે ત્યારબાદ જ કારણ જાણી શકાશે."
જોકે, પ્લૅટફૉર્મ બદલવાની વાતની પુષ્ટિ કર્યા વિના તેમણે કહ્યું, "રેલવેએ ખરેખર એક ખાસ ટ્રેનની જાહેરાત કરી હતી પરંતુ અમને હજુ સુધી ટ્રેનના પ્લૅટફૉર્મ બદલવા અંગે કોઈ માહિતી મળી નથી."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સાંજથી જ ભીડ વધી રહી હતી ત્યારે સાવચેતી કેમ ન રાખવામાં આવી, ત્યારે તેમણે કહ્યું, "સાંજે 6 વાગ્યાની આસપાસ પરિસ્થિતિ સામાન્ય હતી. એક જગ્યાએ વધુ લોકો હોવાથી ભાગદોડ મચી હતી. અફવાઓ પણ ભાગદોડનું કારણ હોઈ શકે છે, આ વાત વધુ તપાસ બાદ જ ખબર પડશે."
સવાર સુધીમાં નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી નાસભાગનાં ચિહ્નો ગાયબ થઈ ગયાં હતાં. ભારે પોલીસ દળ અને ઍમ્બુલન્સની હાજરી સિવાય અહીં બધું સામાન્ય દેખાતું હતું.
સામાન્ય દિવસોની જેમ મુસાફરો સ્ટેશન પર આવી રહ્યા હતા. જેમાંથી મોટાભાગના પ્રયાગરાજ કુંભ જઈ રહ્યા હતા. અહીં આવતા મોટાભાગના મુસાફરોને ખબર પણ નહોતી કે ગઈકાલે રાત્રે થયેલી ભાગદોડમાં 18 લોકોનાં મોત થયાં છે.
સ્ટેશનનાં બધાં પ્લૅટફૉર્મ સાફ કરવામાં આવ્યાં હતાં. અહીંયા પડી રહેલાં જૂતા, ચંપલ, બૅગ અને અન્ય વસ્તુઓ હટાવી દેવામાં આવી હતી. પ્રયાગરાજ જતા લોકોનો પ્રવાહ ચાલુ જ રહ્યો, જોકે તેમાં થોડો ઘટાડો ચોક્કસપણે જોવા મળ્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












