You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના પાંચ બૅટ્સમૅનને પેવેલિયન ભેગા કરનાર ન્યૂઝીલૅન્ડના મૅટ હેનરી કોણ છે
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં યજમાન દેશની પહેલી ઇનિંગ માત્ર 46 રનમાં આટોપાઈ ગઈ છે.
બીજા દિવસે મૅચની શરૂઆત થઈ, ત્યારે ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ પસંદ કરી હતી. શર્મા ઑપનર તરીકે મેદાનમાં ઊતર્યા હતા અને નવ રને તેઓ આઉટ થયા હતા.
આ પછી 36 રનમાં બાકીની નવ વિકેટ પડી હતી અને ભારતીય ટીમ ઑલ આઉટ થઈ ગઈ હતી. મૅટ હેનરીએ પાંચ ભારતીય બૅટ્સમૅનને પેવોલિયન ભેગા કર્યા હતા.
બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટૅડિયમ ખાતે યોજાઈ રહેલી પહેલી ટેસ્ટ મૅચનો પહેલો દિવસ ભારે વરસાદને કારણે રદ થઈ ગયો હતો.
ટેસ્ટ મૅચની એક ઇનિંગમાં અત્યાર સુધીનો સૌથી નીચો સ્કૉર છે, છતાં સૌથી ઓછો સ્કૉર નોંધાવવાનો વિક્રમ ન્યૂઝીલૅન્ડના નામે જ છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યૂઝીલૅન્ડની વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચની શ્રેણી રમાઈ રહી છે.
ભારતના પાંચ ખેલાડી શૂન્ય પર આઉટ
ભારતીય ટીમનો સ્કોર માત્ર નવ રન હતો, ત્યારે કૅપ્ટન રોહિત શર્મા બે રને આઉટ થઈ ગયા હતા. ટિમ સાઉદીએ તેમને બૉલ્ડ કર્યા હતા.
ભારત તરફથી માત્ર યશસ્વી જયસ્વાલ તથા ઋષભ પંત જ બે આંકડાનો સ્કોર કરી શક્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરાટ કોહલી, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ તથા રવિચંદ્રન અશ્વિન એકપણ રન બનાવી શક્યા ન હતા. અન્ય પાંચ ખેલાડી મળીને કુલ સ્કૉરમાં માત્ર 10 રન ઉમેરી શક્યા હતા.
ન્યૂઝીલૅન્ડ તરફથી મૅટ હેનરીએ પાંચ તથા વિલિયમ ઓરુરકીએ ચાર વિકેટ ખેરવી હતી.
ઉલ્લેખનીય છે કે ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી ઓછો સ્કોર બનાવનારી ટીમ ન્યૂઝીલૅન્ડ છે. ન્યૂઝીલૅન્ડ 1955માં ઇંગ્લૅન્ડની સામે માત્ર 26 રન બનાવી ઑલઆઉટ થયું હતું.
કોણ છે મૅટ હૅનરી?
મૅટ હેનરી ન્યૂઝીલૅન્ડના જમણા હાથે ફાસ્ટ મીડિયમ બૉલિંગ કરે છે. ટીમમાં તેમની મુખ્ય ભૂમિકા બૉલરની છે, પરંતુ બેટિંગ જમણા હાથે કરે છે.
હેનરીનો જન્મ ડિસેમ્બર-1991માં થયો હતો. વર્ષ 2012માં તેમનો ગંભીર અકસ્માત થયો હતો, જેના કારણે લગભગ બે વર્ષ સુધી ક્રિકેટ નહોતા રમી શક્યા. મૅટ હેનરી વર્ષ 2014માં ભારતીય પ્રવાસે આવેલી ન્યૂઝીલૅન્ડની ટીમના સભ્ય હતા.
તે સમયે સાથી ખેલાડી ઈજાગ્રસ્ત થતાં મૅટને મેદાનમાં ઊતરવાની તક મળી હતી. મહેમાન ટીમે ચાર વન-ડે મૅચની શ્રેણી ક્લિન સ્વીપ કરી હતી.
મૅટ હેનરીને વર્ષ 2015ના વર્લ્ડકપ દરમિયાન દક્ષિણ આફ્રિકા સામેની સેમિફાઇનલ તથા ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલ મૅચમાં રમવાની તક મળી હતી.
મૅટ હેનરીએ ઇંગ્લૅન્ડના લૉર્ડ્સના મેદાન ખાતે યજમાન દેશ સામે ટેસ્ટ કૅરિયરની શરૂઆત કરી હતી. મૅટ હેનરી નિયમિત રીતે વન-ડે તથા ટેસ્ટ ક્રિકેટ રમતા રહે છે, પરંતુ ટી-20માં તેમની હાજરી ઓછી હોય છે.
મૅટ હેનરી 140 કિમી પ્રતિકલાકની ઝડપે બૉલિંગ કરે છે.
મૅટ હેનરીની કૅરિયર (તા. 17 ઑક્ટોબર, 2024ની સ્થિતિ પ્રમાણે) પર નજર કરીએ તો તેમણે ટેસ્ટમાં 25 મૅચ અને 49 ઇનિંગમાં 95 વિકેટ લીધી છે અને 600 રન ખડક્યા છે.
82 વનડેમાં (141 વિકેટ, 225 રન) અને 18 ટી-20 મૅચમાં (22 વિકેટ, 24 રન) નોંધાવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન