એક વાવાઝોડાની બે બાજુઓમાં શું ફેર છે, એક બાજુ બીજી બાજુ કરતાં વધુ ખતરનાક કેમ હોય છે?

    • લેેખક, લ્યુસી શૅરિફ
    • પદ, બીબીસી ફ્યૂચર

ઉષ્ણકટિબંધીય વાવાઝોડામાં કેટલા પ્રમાણમાં નુકસાન થવાનું છે તેનો આધાર વાવાઝોડું ક્યાં ત્રાટકવાનું છે તેના પર રહેલો છે. વાવાઝોડાની બે બાજુ હોય છે જેમાં એક વધુ મજબૂત હોઈ શકે છે.

વાવાઝોડાની એક બાજુ વધુ ખતરનાક હોઈ શકે છે કારણ કે આ બાજુએ પવનની ઝડપ 50 ટકા વધુ હોઈ શકે છે અને તે વધારે નુકસાન કરે છે.

હરિકેન અથવા વાવાઝોડા વિશે ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ હોઈ શકે છે. વાવાઝોડાની ગતિ અને તેના માર્ગનો આધાર વાવાઝોડા તથા તેના આંતરિક પરિભ્રમણ અને પૃથ્વીના વાતાવરણ વચ્ચેની જટિલ ક્રિયાપ્રતિક્રિયા પર રહેલો હોય છે.

હાઈ અને લૉ પ્રૅશરની સિસ્ટમ્સ વાવાઝોડાની ગતિ અને માર્ગને બદલી શકે છે. વાવાઝોડું જે હવાની અંદર રચાયેલું હોય છે તે સતત ગતિશીલ હોય છે અને તેની પ્રવાસની દિશા બદલાતી રહે છે.

વાવાઝોડાં સામાન્ય રીતે 15થી 20 માઇલ પ્રતિકલાક (24 થી 32 કિમી પ્રતિકલાક) ની ઝડપે આગળ વધે છે, પરંતુ કેટલાંક વાવાઝોડાં અમુક જગ્યાએ સ્થિર થઈ જાય છે. તેના કારણે વિનાશકારી ભારે વરસાદ અને પૂર પેદા કરી શકે છે.

તેની ઝડપ 60 માઇલ પ્રતિકલાક (97 કિમી પ્રતિકલાક) સુધી પણ પહોંચે છે અને સીધી રેખામાં આગળ વધી શકે છે, અથવા તેઓ ધ્રુજારી કરી શકે છે.

2024ની વાવાઝોડાંની સિઝન

દક્ષિણ યુએસમાં હરિકેન ફ્રાન્સાઈ તીવ્ર પવન અને ભારે વરસાદ સાથે ત્રાટક્યું હતું. તેથી લ્યુઇસિયાનામાં લોકો પૂરનો ભોગ બન્યા હતા, એલાબામા અને મિસિસિપીમાં હજારો લોકોએ વીજળી વગર રહેવું પડ્યું.

આબોહવામાં પરિવર્તનને કારણે વાવાઝોડાં વધુને વધુ અણધાર્યાં અને ખતરનાક બની રહ્યાં છે.

ફૅડરલ ઇમર્જન્સી મૅનેજમૅન્ટ એજન્સી (ફેમા) એ જાહેર જનતાને સાવધાન રહેવા વિનંતી કરી હતી. તેમણે ચેતવણી આપેલી કે 2024 માટે નૅશનલ ઑશેનિક ઍન્ડ ઍટમોસ્ફેરિક ઍડમિનિસ્ટ્રેશન (નોઆ)ની વાવાઝોડાની આગાહી "રેકૉર્ડ સ્તરે સૌથી આક્રમક" હતી.

એક વાવાઝોડાની બે બાજુ

વાવાઝોડામાં પણ જમણી અને ડાબી બાજુ હોય છે. ઉત્તર ગોળાર્ધમાં તેને અનુક્રમે વધુ ખતરનાક અને ઓછી ખતરનાક બાજુ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જો તમે દક્ષિણ ગોળાર્ધમાં હોવ તો આ બાજુઓ બદલાઈ જાય છે.

અહીં ડાબી બાજુ વધુ ખતરનાક અથવા જમણી બાજુ ઓછી ખતરનાક બની જાય છે, કારણ કે હરિકેનનો પવન તેના કેન્દ્રની આસપાસ ઘડિયાળની દિશામાં ગતિ કરે છે. જ્યારે ઉત્તર ગોળાર્ધમાં તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં સર્પાકાર ગતિ કરે છે.

માયામી, ફ્લૉરિડા ખાતે નોઆઝ ઍટલાન્ટિક ઑસનોગ્રાફિક અને હવામાનશાસ્ત્રીય પ્રયોગશાળાના હવામાનશાસ્ત્રી રૉબર્ટ રૉજર્સ જણાવે છે કે શા માટે વાવાઝોડામાં એક 'ખતરનાક બાજુ' હોય છે.

એક બાજુ કરતાં બીજી ખતરનાક કેમ?

રૉબર્ટ કહે છે કે, સામાન્ય રીતે વાવાઝોડાની એક બાજુએ બીજી બાજુ કરતાં વધારે શક્તિશાળી પવન હોય છે અને અમે તેને એક પ્રકારની અસમપ્રમાણતા કહીએ છીએ.

આમ થવા પાછળ ઘણાં કારણો છે, પરંતુ પ્રાથમિક કારણ એ છે કે સ્ટૉર્મની ગતિ વાવાઝોડાના બૅકગ્રાઉન્ડ પરિભ્રમણમાં ઉમેરાય છે. ઉત્તર ગોળાર્ધમાં તેનો અર્થ એ થયો કે વાવાઝોડાની ગતિની દિશાની જમણી બાજુએ પવન વધારે મજબૂત હોય છે.

તેવી જ રીતે, ગતિની દિશાની ડાબી બાજુએ પવનો નબળા હોય છે. સ્ટૉર્મની ગતિની જમણી બાજુએ મજબૂત પવન સાથેની જે બાજુ હોય તે 'ખતરનાક બાજુ' ગણાય છે. જ્યારે સ્ટૉર્મની ગતિની ડાબી બાજુએ 'સ્વચ્છ' એટલે કે ઓછી ખતરનાક બાજુ હોય છે. આ ઉત્તર ગોળાર્ધની વાત છે.

વાવાઝોડાની એક બાજુ કેટલા અંશે વધુ ખતરનાક?

તે વધારે ખતરનાક હોય છે કારણ કે તે બાજુએ પવન વધુ મજબૂત હોય છે. કેટલીકવાર 'ઓછી ખતરનાક બાજુ' કરતાં 'બીજી વધુ ખતરનાક બાજુ'એ પવન 50 ટકા સુધી વધુ શક્તિશાળી હોઈ શકે છે, ખાસ કરીને તોફાન ઝડપથી આગળ વધી રહ્યું હોય ત્યારે આવું થાય છે.

ઉદાહરણ તરીકે 15થી 20 માઇલ પ્રતિકલાક (24 થી 32 કિમી પ્રતિકલાક)ની ઝડપ હોય ત્યારે તે ખતરનાક બની શકે છે.

વાવાઝોડાની 'ગંદી બાજુ' કહેવાતી બાજુ ખતરનાક બનવાનું બીજું કારણ એ છે કે, લૅન્ડફૉલ દરમિયાન તે બાજુએ પાણીને ધક્કો લાગે છે. તેથી વધારે શક્તિશાળી ચક્રવાત સાથે તોફાન સર્જાય છે.

શું આ તફાવત કેટલાંક વાવાઝોડામાં વધુ સ્પષ્ટ હોય છે?

ઝડપથી આગળ વધતા વાવાઝોડા માટે આ તફાવત વધુ સ્પષ્ટ જોવા મળે છે.

ખતરનાક બાજુ કેટલી ખરાબ થવાની છે તેનું આપણે કેટલી હદે અનુમાન કરી શકીએ?

કમ્પ્યુટર મૉડેલો મોટા ભાગે વાવાઝોડાના સ્ટ્રક્ચરમાં અસમપ્રમાણતાની આગાહી કરવામાં સક્ષમ હોય છે, જેમ કે તે વાવાઝોડામાં પવનની વિવિધતા જાણી શકે છે. તેથી એકદમ સારી રીતે અનુમાન કરી શકાય છે.

'ખતરનાક બાજુ'નો ભોગ બનનારાઓએ કેવી તૈયારી કરવી?

લોકો વાવાઝોડાની ખતરનાક બાજુએ હોવાની સંભાવના હોય તો તેમણે વધુ ખરાબ પરિસ્થિતિ માટે તૈયારી કરવી જોઈએ. જેમ કે ઝડપી પવન ફૂંકાઈ શકે, જળસ્તર વધી શકે, સંભવતઃ વરસાદની સાથે અત્યંત ખરાબ હવામાન સર્જાય.

પવનનું ક્ષેત્ર સામાન્ય રીતે વધુ ખતરનાક બાજુના મોટા ક્ષેત્ર પર વિસ્તરેલું હોય છે. તમે સ્વચ્છ એટલે કે ઓછી ખતરનાક બાજુએ હોવ તેના કરતાં ખતરનાક બાજુએ હવામાન બહુ ઝડપથી બગડશે તેવી તૈયારી રાખવી જોઈએ.

શું તેના પર આબોહવા પરિવર્તનની અસર પડે છે?

કોઈ પણ બાજુ વધુ ખતરનાક છે કે ઓછી ખતરનાક તે મોટા ભાગે વાવાઝોડાની ગતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. તેથી આબોહવાનું પરિવર્તન વધુ ખતરનાક બાજુને વધુ ખરાબ કરી રહ્યું છે કે નહીં તે સ્પષ્ટ નથી.

આબોહવા પરિવર્તન વાવાઝોડાની ગતિમાં મોટા પાયે ફેરફાર કરે તો તે વધુ ખતરનાક બાજુને અસર કરી શકે છે.

કેટલાંક સંશોધનોએ જણાવ્યું છે કે વાવાઝોડાની ગતિ આબોહવા પરિવર્તન સાથે ઘટી રહી છે. વૈજ્ઞાનિકોના સમુદાયમાં આ સંબંધની હજુ પણ ચર્ચા થઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.