ક્લાઇમેટ ચેન્જ વાવાઝોડાં પર કેવી રીતે અસર કરે છે?

    • લેેખક, માર્ક પોયન્ટિંગ
    • પદ, હવામાન સંવાદદાતા

તાજેતરમાં હરિકેન મિલ્ટને અમેરિકાના ફ્લોરિડાને ભયાનક રીતે ધમરોળ્યું હતું અને હજુ પણ અમેરિકામાં તેની તબાહીનાં નિશાન જોવાં મળી રહ્યાં છે.

હેલૅન વાવાઝોડું રાજ્યમાં ખરાબ રીતે ત્રાટક્યાના બે સપ્તાહથી પણ ઓછા સમયમાં હરિકેન મિલ્ટન મોટી વસ્તીવાળા ટેમ્પા બે શહેર પાસે ત્રાટક્યું હતું.

આ વાવાઝોડાને કારણે લાખો લોકો પ્રભાવિત થયા હતા અને અનેક ઘરોમાં વીજળી જતી રહી હતી.

હરિકેન મિલ્ટન 2024ની એટલાન્ટિક સિઝનનું નવમું વાવાઝોડું છે. ઍટલાન્ટિક સિઝન નવેમ્બરમાં અંત સુધી ચાલુ રહે છે.

વાવાઝોડું શું હોય છે?

વાવાઝોડાં એ શક્તિશાળી તોફાનો હોય છે, જે ગરમ, ઉષ્ણકટિબંધીય સમુદ્રના પાણીમાં વિકસે છે.

વિશ્વના અન્ય ભાગમાં તે ચક્રવાત અથવા ટાયફૂન તરીકે ઓળખાય છે. આવાં વાવાઝોડાંને સામૂહિક રીતે “ઉષ્ણકટિબંધીય ચક્રવાત” નામે ઓળખવામાં આવે છે.

ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં દરમિયાન જોરદાર ઝડપી પવન ફૂંકાય છે, ભારે વરસાદ પડે છે અને સમુદ્રમાં ઊંચાં મોજાં ઊછળે છે. આ બધું વારંવાર વ્યાપક નુકસાન અને પૂરનું કારણ બને છે.

વાવાઝોડાંને તેમના ટોચ પરના એકધારા પવનની ગતિ દ્વારા વર્ગીકૃત કરી શકાય છે.

મોટાં વાવાઝોડાંને ત્રણ અને તેથી વધુની શ્રેણી આપવામાં આવે છે એટલે કે તેમાં પવનની ગતિ પ્રતિ કલાક ઓછામાં ઓછા 178 કિલોમીટર સુધી પહોંચે છે.

વાવાઝોડાં કેવી રીતે રચાય છે?

વાવાઝોડાં, ટાયફૂન અને ચક્રવાત વાતાવરણીય વિક્ષેપ તરીકે શરૂ થાય છે જેમ કે, ઉષ્ણકટિબંધીય તરંગ, તે નીચા દબાણનો વિસ્તાર હોય છે, જ્યાં વાવાઝોડાં અને વાદળો વિકસે છે.

ગરમ, ભેજવાળી હવા સમુદ્રની સપાટી પરથી વધે છે તેમ તેમ તોફાનોનાં વાદળોમાં ફરતી થાય છે. વિષુયવૃત્તથી દૂર ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં પવનને પૃથ્વીનું પરિભ્રમણ જેવી રીતે અસર કરે છે તેની સાથે આ પ્રક્રિયા સંકળાયેલી છે.

વાવાઝોડાંના વિકાસ અને ફરતા રહેવા માટે, દરિયાની સપાટી સામાન્ય રીતે ઓછામાં ઓછી 27 ડિગ્રી સેલ્સિયસ હોવી જરૂરી છે, જેથી પૂરતી ઊર્જા મળે અને ઊંચાઈ સાથે પવનમાં વધારે બદલાવ ન થાય એ જરૂરી હોય છે.

આ તમામ પરિબળો એકઠાં થાય તો તીવ્ર વાવાઝોડું રચાઈ શકે છે. જોકે, દરેક વાવાઝોડાંનાં ચોક્કસ જટિલ કારણો હોય છે.

વાવાઝોડાં વકરી રહ્યાં છે?

વૈશ્વિક સ્તરે છેલ્લી સદીમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના પ્રમાણમાં વધારો થયો નથી. હકીકતમાં તેની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે, કેટલાક પ્રદેશોમાં એ વિશેનો લાંબા ગાળાનો ડેટા મર્યાદિત છે.

જોકે, "શક્યતા" એવી છે કે સમગ્ર વિશ્વમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોનું ઊંચું પ્રમાણ કૅટેગરી ત્રણ અથવા તેથી વધુનું છે. તેનો અર્થ એ થાય કે તેમાં પવનની ગતિ સૌથી વધારે હોય છે, એવું સંયુક્ત રાષ્ટ્રસંઘની આબોહવા સંસ્થા આઈપીસીસી જણાવે છે.

આઈપીસીસીના જણાવ્યા મુજબ, ઉષ્ણકટિબંધીય ચક્રવાત સાથે સંકળાયેલા સરેરાશ અને સૌથી વધુ વરસાદના દરમાં વધારો થયો છે.

ઍટલાન્ટિકમાં 'ઘટનાઓની તીવ્રતામાં ઝડપી' વધારો થવાની સંભાવના છે, જ્યાં મહત્તમ પવનની ગતિ ખૂબ જ ઝડપથી વધે છે, જે ખાસકરીને જોખમી સાબિત થઈ શકે છે.

ઉષ્ણકટિબંધીય ચક્રવાતો પૃથ્વીની સપાટી પર જે ગતિએ આગળ વધે છે તેમાં પણ મંદી આવી હોવાનું જણાય છે. તેમાં સામાન્ય રીતે ચોક્કસ સ્થળે વધુ વરસાદ પડતો હોય છે. દાખલા તરીકે 2017માં હરિકેન હાર્વે હ્યુસ્ટન પર 'અટકી' ગયું હતું અને ત્યાં ત્રણ દિવસમાં 100 મિમી વરસાદ પડ્યો હતો.

ઉષ્ણકટિબંધીય ચક્રવાત તેની સર્વોચ્ચ તીવ્રતા સુધી પહોંચે છે તેવાં કેટલાંક સ્થળોએ તે ધ્રુવ પ્રદેશ તરફ વળ્યું છે. દાખલા તરીકે, વેસ્ટર્ન નૉર્થ પેસિફિક. તેનાથી નવા સમુદાયો માટે જોખમ સર્જાઈ શકે છે.

અમેરિકન વાવાઝોડાંની વધેલી તીવ્રતાથી વધુ નુકસાન થતું હોવાનું દર્શાવતા કેટલાક પુરાવા મળ્યા છે.

વાવાઝોડાં પર પણ આબોહવા પરિવર્તનની અસર થાય છે?

પ્રત્યેક ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં પર આબોહવા પરિવર્તનના ચોક્કસ પ્રભાવનું મૂલ્યાંકન કરવું પડકારજનક છે. વાવાઝોડાં પ્રમાણમાં સ્થાનિક અને અલ્પજીવી હોય છે. તેમાં કોઈ પણ સંજોગોમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે.

એક વાત નક્કી છે કે વધતું તાપમાન આ વાવાઝોડાં પર માપી શકાય તેવી રીતે અસર કરે છે.

સૌપ્રથમ તો સમુદ્રના ગરમ પાણીનો અર્થ એ છે કે તેમાંથી તોફાનો વધુ ઊર્જા મેળવી શકે છે અને એ કારણે પવનની ગતિ વધે છે.

અમેરિકાના વિજ્ઞાનીઓએ 2024માં ઍટલાન્ટિક વાવાઝોડાંની સિઝન સામાન્ય કરતાં વધારે હોવાની આગાહી કરી તેનું મુખ્ય કારણ દરિયાની સપાટીનું અત્યંત ઊંચું તાપમાન હતું.

ઊંચું તાપમાન મુખ્યત્વે લાંબા ગાળાના ગ્રીનહાઉસ ઉત્સર્જનને કારણે હોય છે.

બીજું, ગરમ વાતાવરણ વધુ ભેજ જાળવી શકે છે, જે વધુ તીવ્ર વરસાદનું કારક બને છે.

એક અંદાજ મુજબ, હવામાન પરિવર્તનને કારણે 2017માં હરિકેન હાર્વેને લીધે થનારા ભારે વરસાદની શક્યતા ત્રણ ગણી વધી છે.

મુખ્યત્વે પીગળતી હિમશીલાઓ અને બરફની ચાદરોના સંયોજનને કારણે દરિયાની સપાટી વધી રહી છે તથા હકીકત એ છે કે ગરમ પાણી વધારે જગ્યા રોકે છે. તેમાં સ્થાનિક પરિબળો પણ ભાગ ભજવી શકે છે. તેનો અર્થ એ છે કે પહેલાથી જ ઊંચા દરિયાઈ સપાટીના સ્તરની ટોચ પર વાવાઝોડાં સર્જાય છે અને દરિયાકાંઠાના પૂરને વધુ વકરાવે છે.

દાખલા તરીકે, અમેરિકાના સૌથી ભયંકર વાવાઝોડાં પૈકીના એક 2005ના હરિકેન કેટરિનાને લીધે આવેલા પૂરની ઊંચાઈ વર્ષ 1900ની આબોહવાની પરિસ્થિતિ કરતાં 15થી 60 ટકા વધુ હોવાનો અંદાજ છે.

આઈપીસીસીએ એવું તારણ કાઢ્યું છે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત સાથે સંકળાયેલા વરસાદમાં વધારો કરવામાં માનવોએ મોટો ફાળો આપ્યો છે. એ ઉપરાંત ઉષ્ણકટિબંધીય ચક્રવાત તીવ્ર બનવાની વ્યાપક સંભાવનામાં પણ માનવજાતનું યોગદાન છે.

વાવાઝોડાં ભવિષ્યમાં કેવી રીતે બદલાઈ શકે?

આઈપીસીસીના જણાવ્યા મુજબ, ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંની સંખ્યામાં વૈશ્વિક સ્તરે વધારો થવાની શક્યતા નથી, પરંતુ વિશ્વ જેમ જેમ ગરમ થાય છે તેમ તેમાં વરસાદનું પ્રમાણ વધશે અને પવનની ઝડપમાં હજુ વધારો થશે એવી પાક્કી શક્યતા છે.

તેનો અર્થ એ છે કે મોટા ભાગની તીવ્ર શ્રેણીમાં ઉચ્ચ પ્રમાણ ચાર અને પાંચ સુધી પહોંચશે. વૈશ્વિક તાપમાન વધવાની સાથે આ ફેરફારો વધુ તીવ્ર બનશે.

આઈપીસીસીના જણાવ્યા મુજબ, વૈશ્વિક તાપમાનમાં વધારો દોઢ ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રહે તો કૅટગરી ચાર અને પાંચ સુધી પહોંચતા ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંના પ્રમાણમાં લગભગ 10 ટકા વધારો થઈ શકે છે.

વૈશ્વિક તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ વધારો થશે તો તે પ્રમાણ 13 ટકા અને ચાર ડિગ્રી સેલ્સિયસ વધારો થાય તો તે પ્રમાણમાં 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે. અલબત્ત, ચોક્કસ સંખ્યા અનિશ્ચિત છે.

(ગ્રાફિક્સઃ એર્વન રિવોલ્ટ તથા ડેટા ઍન્ડ વિઝ્યુઅલ જર્નલિઝમ ટીમ)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.