વિયેના: એ શહેર જેનું પૂર પણ કંઈ બગાડી નથી શકતું

    • લેેખક, સોફી હાર્ડેક
    • પદ,

યુરોપમાં કેટલાક દેશોમાં આ વખતે ભયંકર પૂર આવ્યાં છે. યુરોપે તાજેતરમાં વાવાઝોડા બોરિસનો સામનો કર્યો જેના કારણે છેલ્લાં 500 વર્ષમાં ક્યારેય જોયો ન હોય તેવો જળપ્રલય સર્જાયો. પરંતુ એક શહેર અપેક્ષાકૃત સુરક્ષિત બચી ગયું.

આ શહેર એટલે ઑસ્ટ્રિયાની રાજધાની વિયેના. વિયેનાએ અત્યંત ભારે વરસાદનો સામનો કરવા માટે જે વ્યવસ્થા કરી છે તે આદર્શ છે અને બીજા શહેરો પણ તેમાંથી શીખી શકે કે પૂરની સ્થિતિ હોય ત્યારે તેમાંથી કેવી રીતે બચવું.

બોરિસ તોફાનના કારણે 15મી સપ્ટેમ્બરે જ્યારે વિક્રમજનક વરસાદ પડ્યો ત્યારે વિયેના પાણીમાં ઘેરાઈ ગયું. તેની અસર એકદમ નાટકીય લાગતી હતી.

રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં, લોકોનાં ઘરો ખાલી કરાવવાં પડ્યાં, પાણીની એક ધારે પ્રચંડ શક્તિશાળી રૂપ લઈ લીધું. પાંચ દિવસના ગાળામાં વિયેના અને ઑસ્ટ્રિયાના બીજા ભાગોમાં સપ્ટેમ્બરના આખા મહિનાની સરેરાશ કરતા બમણાથી લઈને પાંચ ગણો વરસાદ પડ્યો.

આમ છતાં જે પ્રમાણમાં પૂર આવ્યું હતું તેની તુલનામાં "અમે બહુ આસાનીથી બચી ગયા", તેમ વિયેનાના એક પત્રકાર કહે છે.

આવા પ્રચંડ પૂરમાં પણ માત્ર 10 લોકોને સાધારણ ઈજા થઈ અને શહેરમાં 15 ઘર ખાલી કરાવવામાં આવ્યા. એક સ્થાનિક પત્રકારના કહેવા પ્રમાણે, "એકંદરે શહેરની વિશિષ્ટ પ્રકારની પૂર નિયંત્રણ વ્યવસ્થાએ મોટા પ્રમાણમાં પાણીને અંદર ઘૂસી આવતા અટકાવ્યું."

વાસ્તવમાં છેલ્લાં કેટલાંક વર્ષોના મોટા પૂર પરથી જોઈ શકાય છે કે વિયેના અને ઑસ્ટ્રિયાએ ઉપયોગમાં લીધેલી કેટલીક રક્ષણાત્મક પદ્ધતિ બહુ અસરકારક સાબિત થઈ છે. તેમાંથી વધારે પડતા વરસાદનો સામનો કરતાં અન્ય શહેરો અને દેશોને ઘણું શીખવા મળી શકે છે.

વિયેના સેન્ટર ફૉર વોટર રિસોર્સ સિસ્ટમ્સના ડાયરેક્ટર અને જળવિજ્ઞાની ગુંટર બ્લોશ્લ કહે છે કે, "ઑસ્ટ્રિયાએ છેલ્લા કેટલાક દાયકામાં પૂર નિયંત્રણમાં ઘણું રોકાણ કર્યુ છે. માત્ર એટલા માટે નહીં કે અમારે ત્યાં 2002 અને 2023માં ભારે પૂર આવ્યાં હતાં." ગુંટર બ્લોશ્લે ઓસ્ટ્રિયામાં પૂરનું વ્યવસ્થાપન કરવાની વ્યૂહરચના ઘડવામાં ભૂમિકા ભજવી છે.

ગુંટર બ્લોશ્લ જણાવે છે કે વિયેનાએ કેટલાય દાયકા પહેલાં એક પૂર નિયંત્રણ સિસ્ટમ વિકસાવી હતી જેણે શહેરનું રક્ષણ કર્યું છે.

તેઓ કહે છે, "વિયેનામાં પૂર નિયંત્રણ સિસ્ટમ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે પ્રતિ સેકન્ડ 14,000 ઘન મીટરના વેગથી આવતા પૂરનાં પાણીનો સામનો કરી શકે છે. એટલે કે 5000 વર્ષનાં પૂરનો સામનો કરવાની બરાબર છે. છેલ્લે આવું પૂર છેક વર્ષ 1501માં આવ્યું હતું. ગયા સપ્તાહના અંતમાં આવેલાં પૂર દરમિયાન વિયેનાના જળમાર્ગો પ્રતિ સૅકંડ 10,000 ઘન મીટર પાણીનો નિકાલ કરતા હતા. એટલે કે 14,000 ઘન મીટરની ક્ષમતા કરતાં આ બહુ ઓછું હતું. વિયેના પાસે આ સિસ્ટમ ન હોત તો મોટા પાયે પૂર આવ્યું હોત."

વિયેનાની પૂર નિયંત્રણ સિસ્ટમનો બધો આધાર ડેન્યુબ આઇલૅન્ડ નામના એક ટાપુ અને ન્યુ ડેન્યુબ નામની પૂર નિયંત્રણ ચૅનલ પર રહેલો છે. આ બંનેનું નિર્માણ 1970ના દાયકામાં કરવામાં આવ્યું હતું. 1954માં આવેલાં એક શક્તિશાળી પૂરમાંથી પાઠ ભણીને આ વ્યવસ્થા ઊભી કરાઈ હતી કારણ કે તે વખતના પૂરે ભયંકર તારાજી સર્જી હતી.

ન્યુ ડેન્યુબ સામાન્ય રીતે વિયર્સ (એક પ્રકારના ચેક ડૅમ)થી બંધ થાય છે જેનાથી એક નાનકડું તળાવ બને છે.

બ્લોશ્લ જણાવે છે કે, "પૂર આવે તે પહેલાં આ પાળા ખોલી નાખવામાં આવે છે અને ત્રણ-ચાર દિવસ સુધી આ ચૅનલ બધું વહેતું પાણી પોતાનામાં સમાવી લે છે. તેના કારણે વિયેનાની મુખ્ય નદી ડેન્યુબ પર ઓછો બોજ આવે છે."

આ સિસ્ટમે 2013માં એક નાટકીય પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું જ્યારે ડેન્યુબના ઉપરવાસમાં છેલ્લા બે દાયકાનું સૌથી મોટું પૂર આવ્યું હતું. શહેરના એક રિપોર્ટ પ્રમાણે તે વખતે વિયેનામાં ડેન્યુબના પૂરનાં પાણીનો પ્રવાહ 11,000 ઘન મીટર પ્રતિ સૅકંડ સુધી પહોંચી ગયો હતો. પરંતુ શહેરની પૂર નિયંત્રણ સિસ્ટમના કારણે મોટું નુકસાન થતાં રહી ગયું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "સમગ્ર ઑસ્ટ્રિયામાં ચાર લાખ ઘરોની તુલનામાં વિયેનામાં એક પણ ઘર માથે જોખમ ન હતું."

તેનો અર્થ એવો નથી કે આ સિસ્ટમ મોટાં પૂરને સંપૂર્ણપણે નિયંત્રિત કરે છે. ગયા સપ્તાહે આવેલાં પૂરમાં વિયેનાની એક નાનકડી નદી વિનફ્લસમાં પણ જળસ્તર વધી ગયું અને અંડરગ્રાઉન્ડ ટ્રેનના પાટા પર પાણી ફરી વળ્યા હતા. તેના કારણે જાહેર પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

ઑસ્ટ્રિયાએ સમગ્ર રીતે પૂર સામે પોતાનું સંરક્ષણ વધારી દીધું છે. પૂર નિયંત્રણના ઉપાયો માટે આ દેશ દર વર્ષે લગભગ 6 કરોડ યુરો (6.7 કરોડ ડૉલર અથવા પાંચ કરોડ પાઉન્ડ)નો ખર્ચ કરે છે. તેના કારણે વિનાશક પૂરની અસર ઘટી ગઈ છે તેવું સત્તાવાર અંદાજ દેખાડે છે. સુરક્ષાત્મક રણનીતિમાં ઇમર્જન્સીની સ્થિતિમાં શું કરવું તેની રેગ્યુલર ડ્રીલનો પણ સમાવેશ થાય છે. જેમ કે પાણીના મોટા જથ્થાને રોકવા માટે મોબાઈલ દિવાલો બનાવવી, તથા વરસાદની આગાહી કરવા માટે અત્યાધુનિક અને વધારે સચોટ સિસ્ટમ તૈયાર કરવી.

એક સત્તાવાર મૂલ્યાંકન પ્રમાણે 2002માં એક પ્રચંડ પૂરના કારણે ઑસ્ટ્રિયાને ત્રણ અબજ યુરો (3.6 અબજ ડૉલર અથવા 2.5 અબજ પાઉન્ડ)નું નુકસાન થયું હતું. 2013માં પણ ખતરનાક પૂર આવ્યું હતું, પરંતુ પૂર સામે રક્ષણના ઉપાયોના કારણે બહુ ઓછું નુકસાન થયું હતું. તે વખતે લગભગ 86.6 કરોડ યુરો (96.7 કરોડ ડૉલર અથવા 72.7 કરોડ પાઉન્ડ)નું નુકસાન થયું હતું. પૂરના પૂર્વાનુમાન પણ હવે વધારે સચોટ છે તેવું ડેટા પરથી જોઈ શકાય છે. 13 સપ્ટેમ્બર 2024ના રોજ સપ્તાહાંતના પૂર પછી ઑસ્ટ્રિયાના હવામાન વિભાગને જાણવા મળ્યું કે વાસ્તવિક વરસાદ અપેક્ષા પ્રમાણે જ હતો.

"ગયા સપ્તાહાંતના પૂરની અસરને જોવામાં આવે તો લાગે છે કે પૂર નિયંત્રણનાં પગલાં યોગ્ય જ હતાં." બ્લોશ્લ કહે છે કે, "પૂર સામે રક્ષણ માટે જે રોકાણ કરવામાં આવ્યું છે તેના કરતા અમે વધારો મોટું નુકસાન ટાળી શક્યા છીએ. તેથી આમાં સફળતા મળી છે."

આટલું મોટું પૂર આવે ત્યારે પાણીના વિશાળ જથ્થાને નિયંત્રિત કરવું ઘણું મુશ્કેલ બની જાય છે કારણ કે પાણી ફેલાઈ શકે તેવા મેદાની પ્રદેશો હવે ઘટી ગયા છે. માનવી પોતાની સંપત્તિને નુકસાન થવાની બીક વગર આવા પ્રદેશમાં પાણી ફેલાવી શકે, પરંતુ તેવી જગ્યાઓ નથી રહી. અગાઉ જ્યાં પૂરનાં પાણી ભરાતાં હતાં તે વિસ્તારમાં હવે શહેરો બની ગયાં છે અથવા ત્યાં ખેતી થાય છે. નદીઓના કિનારે આવેલા પ્રદેશ તરીકે જેને વ્યાખ્યાયિત કરવામાં આવતા હતા, તે હવે પૂરના સંકટ હેઠળ છે.

તેઓ કહે છે કે વર્ષ 1899માં વિયેનામાં જ્યારે 2013 જેવું પૂર આવ્યું હતું તે વખતે ત્યાં કોઈ ડૅમ ન હતા. "પરંતુ તે સમયે લગભગ 1000 ચોરસ કિલોમીટર (386 ચોરસ માઈલ)માં પૂરનાં મેદાનો હતાં, જે વિયેનાના ઉપરવાસમાં હતાં. તેમાં ઘણું બધું પાણી જમા થઈ જતું હતું. હવે તેવી જગ્યાઓ નથી રહી. તેથી એટલા જ પ્રમાણમાં વરસાદ પડે તો વિયેનાની ડેન્યુબે નદીમાં ઘણું વધારે પાણી આવી જાય છે." શહેરમાંથી વધારે પાણી વહેવાના કારણે નદીઓના જળસ્તર વધી જાય છે. તેને જ્યાં સુધી નિયંત્રિત કરવામાં ન આવે ત્યાં સુધી પાણી બધે ફેલાઈ જવાની શક્યતા વધારે રહે છે.

તટબંધ કે પાળા શા માટે પૂર સામે રક્ષણ નથી આપતા

એવું માનવામાં આવે છે કે ડૅમ અને બીજા બેરિયર અથવા પાળા બાંધીને લોકો પૂર દરમિયાન પાણીથી રક્ષણ મેળવી શકે છે. પરંતુ અભ્યાસ દર્શાવે છે કે ડૅમના કારણે લાંબા ગાળે જોખમ ઘટવાના બદલે વધી જાય છે. કારણ કે ડૅમના કારણે લોકો સુરક્ષાની ખોટી ભાવના અનુભવે છે અને તેઓ પાણીના વહેણની નજીક વસવાટ કરવા પ્રેરાય છે. તેઓ પૂરના જોખમનો ઓછું આંકવાની ભૂલ કરે છે. આને 'લીવ ઇફેક્ટ' અથવા તટબંધની અસર કહેવામાં આવે છે. સૌથી ખરાબ સ્થિતિમાં લોકો તૈયારી વગર ઊંઘતા ઝડપાય છે.

ઉદાહરણ તરીકે અમેરિકામાં થયેલા એક અભ્યાસ મુજબ બાંધોનું નિર્માણ પૂરના મેદાની પ્રદેશોમાં શહેરી વિસ્તારના 62 ટકાના દરે વિસ્તરણ સાથે સંકળાયેલ છે. જ્યારે વ્યાપક કાઉન્ટીમાં 29 ટકા વધારો થયો છે. આ અભ્યાસ કરનારા લેખકોએ ચેતવણી આપી છે કે પાળા અથવા તટબંધ બાંધવામાં આવે ત્યાર પછી જોખમની ધારણામાં તે મોટો ફેરફાર દર્શાવે છે. જોકે, યોગ્ય નિયમન કરવામાં આવે તો પૂરનાં મેદાનોમાં દબાણ ઘટાડી શકાય છે.

બ્લોશલ કહે છે કે, "તટબંધના પ્રભાવને સમજવા માટે વિયેના એક સારું ઉદાહરણ છે. જ્યારે કોઈ શહેરને તટબંધ અથવા પાળાથી સુરક્ષિત કરવામાં આવે ત્યારે લોકોને સુરક્ષાની લાગણી થાય છે. ત્યાર પછી શહેરીકરણના કારણે પૂરનું જોખમ વધી જાય છે, કારણ કે તે જોખમ પૂરની સંભાવના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. લોકો જ્યારે પૂરનાં મેદાનોમાં વસવાટ કરવા લાગે ત્યારે અપેક્ષિત નુકસાન વધી જાય છે."

તેઓ કહે છે કે, લોકોને નદીઓની નજીક વસવાટ કરતા અટકાવવા અશક્ય છે. કારણ કે પૂર ક્યારેક જ આવે છે અને નદીનાં કિનારા તથા પૂરનાં મેદાનો વસવાટ કરવા માટે બહુ આકર્ષક જગ્યા હોઈ શકે છે. વાસ્તવમાં સર્ચ પરથી જાણવા મળે છે કે દુનિયામાં લગભગ બે અબજ લોકો પૂરનાં મેદાનોમાં વસે છે. રિસર્ચ એ પણ દર્શાવે છે કે પૂરના જોખમની વાત આવે ત્યારે લોકોની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે. જોખમ વિશે લોકોમાં જાગૃતિ હોય છે અને મોટાં પૂર પછી તેનો કઈ રીતે સામનો કરવો તેની ખબર હોય છે, પરંતુ પછી તેઓ ઝડપથી ભૂલી જાય છે.

બ્લોશ્લ કહે છે કે ઑસ્ટ્રિયામાં સચોટ પૂર્વાનુમાન અને પૂર નિયંત્રણની કવાયતના કારણે તાજેતરનાં પૂર દરમિયાન લોકોના જીવ બચાવવામાં મદદ મળી. માત્ર વિયેનામાં જ નહીં, પરંતુ ઑસ્ટ્રિયાના અન્ય ભાગોમાં પણ આમ થયું. તેઓ કહે છે, “અમે ફાયર ફાઇટર્સ અને મિલિટરી માટે દરેક સ્તરે પૂરની ડ્રિલ કરેલી હતી. જ્યાં સુધી તમે પ્રેક્ટિકલ અભ્યાસની સાથે તૈયારી નહીં કરો, ત્યાં સુધી તે ઇમર્જન્સીની સ્થિતિમાં કામ નહીં કરે. મારું કહેવું છે કે પૂર નિયંત્રણની ડ્રિલ ખરેખર મહત્ત્પૂર્ણ છે.”

ઉદાહરણ તરીકે ઇમર્જન્સી રિસ્પોન્સ આપનારાઓએ પૂરને રોકવા માટે મોબાઈલ દિવાલો કેવી રીતે ગોઠવવી તેનો અભ્યાસ કર્યો હતો. તેઓ કહે છે, “જો આ કામ વ્યવસ્થિત રીતે કરવામાં ન આવે તો પૂરનાં પાણી આવે તે પહેલાં તમે તેને નહીં ગોઠવી શકો. તેમાં ઘણી બધી ગરબડ થઈ શકે છે. કેટલાક ભાગો ખૂટતા હોય, કેટલીક જગ્યાએ નાની ગેપ રહી ગઈ હોય તો પાણી અંદર આવી જાય છે. તેથી તમારે પ્રેક્ટિસ કરવી પડે. તેમણે પ્રેક્ટિસ કરી હતી અને તે અસરકારક રહ્યું.”

તેઓ કહે છે કે વરસાદની સચોટ આગાહીએ પણ એ નક્કી કરવામાં મદદ કરી કે ક્યાં ડૅમ તૂટવાનો ખતરો છે અને ક્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા જોઈએ.

તોફાની વરસાદ

સંશોધન દર્શાવે છે કે પહેલેથી તૈયારી રાખવી એ સૌથી વધુ જરૂરી છે કારણ કે આબોહવામાં ફેરફારના કારણે હવે યુરોપના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડવાની અને પૂર આવવાની શક્યતા વધી ગઈ છે. તેનું એક કારણ એ છે કે હવા જ્યારે વધુ ગરમ હોય ત્યારે તેમાં વધારે ભેજ અને ઊર્જા જમા થાય છે જેનાથી તોફાની વરસાદ પડી શકે છે, જેવું સ્ટૉર્મ બોરિસમાં થયું હતું. 2024નો ઉનાળો સમગ્ર યુરોપ અને આખી દુનિયા માટે સૌથી વધુ ગરમ સાબિત થયો હતો.

બ્લોશ્લ જણાવે છે કે, “આબોહવામાં પરિવર્તનના કારણે ખાસ કરીને ભૂમધ્ય સાગર વધુ ગરમ થઈ ગયો છે. આ વખતના ઉનાળામાં ભૂમધ્ય સાગરની સપાટીના તાપમાને રેકૉર્ડ તોડ્યો હતો.” તેઓ કહે છે કે, ભૂમધ્ય પ્રદેશમાં સામાન્ય કરતા વધારે ગરમી પડવાના કારણે સ્ટૉર્મ બોરિસમાં વધારે ઊર્જા અને પાણી સમાયેલું હતું.”

તાપમાન વધવાના કારણે વરસાદ પણ વધુ શક્તિશાળી બની રહ્યો છે એવું દેખાડતા બીજા પુરાવા પણ છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સમુદ્રની રેકૉર્ડબ્રેક ગરમી અને માનવીના કારણે આબોહવામાં થયેલા ફેરફારોના લીધે ઑગસ્ટ 2022માં ભૂમધ્યસાગર ઉપર એક અત્યંત શક્તિશાળી તોફાન રચાયું હતું.

ઇટાલીમાં પાડુઆ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍટમોસ્ફિયરિક સાયન્સ ઍન્ડ ક્લાઇમેટ (સીએનઆર-આઈએસએસી) આવેલ છે. તેના રિસર્ચ ડાયરેક્ટર મારિયો માર્સેલો મિગ્લિયેટા કહે છે કે, “તમામ સંશોધન (સંખ્યાત્મક સિમ્યુલેશન અથવા સંખ્યાત્મક વિશ્લેષણ પર આધારિત) એ વાતની પુષ્ટિ કરે છે કે સમુદ્રની સપાટીનું વધતું જતું તાપમાન ખાસ કરીને આ તોફાની વરસાદની તીવ્રતાને વધારવા માટે જવાબદાર છે. કેટલાક દાયકા અગાઉની આબોહવાની પરિસ્થિતિમાં આવાં તોફાનો પેદા નહોતાં થતાં.”

બ્લોશ્લ કહે છે કે ઉત્તર યુરોપમાં વધારે પૂર આવવાનું એક કારણ આર્કટિક અને ભૂમધ્ય રેખાની વચ્ચે દબાણમાં થયેલો ફેરફાર છે. તેના કારણે વૈશ્વિક વરસાદ ઉત્તરની તરફ ખસ્યો છે અને તેમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કારણ કે બંને અલગ અલગ દરથી ગરમ થઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે ભૂમધ્ય રેખાની તુલનામાં આર્કટિક વધારે ઝડપથી ગરમ થઈ રહ્યું છે. કારણ કે બરફ પીગળવાના કારણે સપાટી ઓછી પરાવર્તક બને છે અને તેના લીધે તે સૂર્યપ્રકાશને શોષી લે છે જેથી વૉર્મિંગની અસર પ્રબળ બને છે.

બ્લોશ્લ કહે છે કે, “આલ્પ્સ પર્વતમાળાની ઉત્તરમાં આવેલા દેશો, જેમ કે ઑસ્ટ્રિયા, જર્મની, ફ્રાન્સ, બ્રિટિશ આઇલ્સ, સ્કેન્ડિનેવિયાનો પશ્ચિમી કિનારો, વગેરેમાં છેલ્લાં 30 વર્ષોમાં પૂરની ઘટનાઓ વધી છે.” સહકર્મીઓ સાથે તેમણે કરેલા સંશોધનમાં જાણવા મળે છે કે છેલ્લાં 500 વર્ષોમાં, છેલ્લા ત્રણ દાયકામાં યુરોપ સૌથી વધારે પૂરગ્રસ્ત વિસ્તાર રહ્યો છે."

વર્ષ 2021માં વિક્રમજનક વરસાદના કારણે પશ્ચિમી યુરોપના શહેરોમાં ધસમસતા પાણી જતા હોય તેવી તસવીરોએ આવી આફતો કેટલી ભયંકર હોઈ શકે તે દેખાડ્યું છે. તેનો સામનો કઈ રીતે કરવો તેવા પ્રશ્નો પણ પેદા થયા છે. આ પૂરમાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા જેમાં એકલા જર્મનીમાં 184 લોકોનાં મોત નિપજ્યાં હતાં. તેના કારણે આટલા સમૃદ્ધ દેશો પોતાના લોકોની વધુ સારી રીતે સુરક્ષા કેમ ન કરી શક્યા તેની આત્મખોજ શરૂ થઈ.

આવી આફતોમાંથી શીખવા મળતા પાઠ વિશે વર્ષ 2024માં એક જર્મન અહેવાલ આવ્યો હતો. તેમાં ચોક્કસ કાર્યવાહીની સાથે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. તેમાં નકશા અને ચાર્ટ પણ હતા જેથી લોકો સમજી શકે કે અસલમાં શું કરવાનું છે અને શક્ય એટલા લોકો સુધી અલગ અલગ રીતે ચેતવણી કઈ રીતે પહોંચાડવી. જર્મનીમાં આફતગ્રસ્ત વિસ્તારમાં જીવીત બચેલા લોકો પર એક સર્વેક્ષણ પછી જાણવા મળ્યું કે એક તૃતિયાંશ ઉત્તરદાતાઓને કોઈ ચેતવણી જ નહોતી મળી, અને જેમને ચેતવણી અપાઈ હતી તેમાંથી 85 ટકા લોકોએ ભયંકર પૂર આવશે તેવી અપેક્ષા નહોતી રાખી. લગભગ અડધા લોકોને ખબર ન હતી કે તેમણે શું કરવાનું છે.

વિયેનાએ તાજેતરના પૂરનો અપેક્ષાકૃત રીતે વધુ સારી રીતે સામનો કર્યો છે,પરંતુ આ પૂરના કારણે મધ્ય યુરોપના ઘણા ભાગોમાં હાહાકાર મચી ગયો હતો. રોમાનિયાના એક મૅયરના શબ્દોમાં કહીએ તો વખતે ભયંકર વિનાશ ફેલાયો છે. 20થી વધુ લોકોનાં મોત થયાં અને હજારો લોકોને તેમના ઘરેથી ખસેડવામાં આવ્યાં હતાં. તેમાં પૉલૅન્ડનું 40,000થી વધુ વસતી ધરાવતું નાયસા શહેર આખું ખાલી કરાવવું પડ્યું હતું. ઑસ્ટ્રિયામાં ખેડૂતોના પાક નષ્ટ થઈ ગયા અને લાખો યુરોનું નુકસાન થયું.

સંશોધન દર્શાવે છે કે યુરોપિયન દેશોને ભવિષ્યમાં આકરા હવામાન સામે લડવા માટે તૈયાર થવું હોય તો એકબીજા સાથે સહયોગ કરવો જરૂરીછે. 2023માં ઐતિહાસિક ભયંકર પૂરનું વિશ્લેષણ કરતી વખતે વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે અગાઉની ઘટનાઓને ધ્યાનમાં રાખવામાં આવી હોત તો 95.5 ટકા મોટાં પૂરની આગાહી થઈ શકે તેમ હતું. વૈજ્ઞાનિકોએ એ વાત પર ભાર મૂક્યો કે દરેક દેશમાં મેગાફ્લડ નથી આવતા પરંતુ સમગ્ર પ્રદેશમાં તે વધારે સામાન્ય હોય છે. એટલે કે “સ્થાનિક સ્તરે જે વાત આશ્ચર્યજનક હોય તે આખા ખંડના સ્તરે આશ્ચર્યજનક નથી હોતી.”

વાસ્તવમાં, રેકૉર્ડ બ્રેકિંગ વરસાદ અને મોટાં પાયે પૂર એ યુરોપમાં વારંવાર જોવાં મળતી ઘટનાઓ બની ગઈ છે. એક અંદાજ પ્રમાણે યુરોપમાં દર આઠમાંથી એક વ્યક્તિ પૂરનું જોખમ હોય તેવા વિસ્તારમાં રહે છે.

ઉત્તર યુરોપમાં વધારે વરસાદ અને વધુ પૂર આવશે તેવું અનુમાન લગાવતા મૉડલના આધાર પર બ્લોશલ કહે છે, “આ બધું આવી જ રીતે ચાલુ રહેશે તેવી આગાહી છે.”

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.