બટેટાંની નવી જાત જેના પર દુષ્કાળની અસર નહીં થાય

    • લેેખક, ક્રિસ્ટીન રો
    • પદ, બીબીસી ન્યૂઝ

'લેટ બ્લાઇટ' નામની બીમારી માનવ જાતની જૂની દુશ્મન છે. આયરલૅન્ડમાં વર્ષ 1845માં બટેટાના આખા પાકને નષ્ટ કરવા માટે આ બીમારી જવાબદાર હતી.

ફાઇટોપ્થોરા ઇન્ફેસ્ટેન્સ નામની એક ફૂગ (એક પ્રકારના જીવાણું)થી થનારી આ બીમારી બટેટાના છોડને ખતમ કરી નાખે છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં પંજાબના કેટલાક ભાગોમાં આ બીમારીએ તબાહી મચાવી હતી અને કેટલાક વિસ્તારોમાં બટેટાના 80 ટકા પાકને ખરાબ કરી નાખ્યો હતો.

આ ફૂગ ગરમ વાતાવરણમાં ઝડપથી ફેલાય છે. થોડાક સમય પહેલાં પેરૂના ઍન્ડીઝમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ગરમીના વાતાવરણમાં આ ફૂગે ત્યાં બટેટાના પાકને સંપૂર્ણપણે ખરાબ કરી નાખ્યો.

પેરૂમાં બટેટાના ઉત્પાદન પર શોધ કરી રહેલા રિસર્ચ ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (સીઆઈપી)ના વૈજ્ઞાનિકો બટેટાની એવી જાત તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જે લેટ બ્લાઇટ નામની બીમારીનો સામનો કરી શકે.

બટેટાંની જાત 'માટિલ્ડે'

વૈજ્ઞાનિકો બટેટાંની નવી જાતને વિકસાવવા માટે બટેટાંની કેટલીક જંગલી જાતોની તપાસ કરી રહ્યા હતા જેની ખેતી થતી નથી.

બટેટાંની કેટલીક જંગલી જાતોમાં આ બીમારી સામે પ્રતિરોધક ક્ષમતા જોવા મળી. વૈજ્ઞાનિકોએ બટેટાંની આ જંગલી જાતો અને ખેતી માટે વપરાતા બટેટાંની જાતનું ક્રૉસબ્રીડિંગ કર્યું અને બટેટાંની કેટલીક નવી જાતો વિકસાવી.

બટેટાંની આ નવી જાતના ટેસ્ટિંગ માટે સ્થાનિક ખેડૂતોની મદદ લેવામાં આવી. ખેડૂતોએ મર્યાદિત પ્રમાણમાં ઘણી વખત બટેટાંની નવી જાતોની ખેતી કરી. ત્યારબાદ ખેડૂતોએ જણાવ્યું કે તેઓ કયા પ્રકારનાં બટેટાંની ખેતી કરવાનું અને ખાવાનું પસંદ કરશે.

વૈજ્ઞાનિકોની શોધનું આ પરિણામ છે – માટિલ્ડે. બટેટાંની એક નવી જાત જેને વૈજ્ઞાનિકોએ વર્ષ 2021માં રિલીઝ કરી. આ બટેટાંની ખેતી કરવા માટે ખેડૂતોએ અલગથી જંતુનાશકનો ઉપયોગ કરવાની જરૂર હોતી નથી. કારણ કે બટેટાંની આ નવી જાત પર લેટ બ્લાઇટ બીમારીની કોઈ અસર થતી નથી.

જર્મનીના બૉનસ્થિત ક્રૉપ ટ્રસ્ટમાં એક વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે કામ કરી રહેલાં બેન્જામિન કિલિયને કહ્યું, "કોઈ ખાસ બીમારી વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ કરવો સામાન્ય રીતે સરળ હોય છે."

નવી જાતોનું ટેસ્ટિંગ

ક્રૉપ ટ્રસ્ટ બટેટાંની નવી જાત માટિલ્ડેને વિકસાવવાના પ્રયાસોમાં પેરૂના વૈજ્ઞાનિકોની સાથે મળીને કામ કરી રહ્યા છે. આ સંગઠન આ ઉપરાંત બીજા પાકોની જાતો પર પણ કામ કરી રહ્યું છે.

કોઈ એક બીમારી પ્રત્યે પ્રતિરોધક ક્ષમતાનો મામલો મોટેભાગે એક જીન સાથે જોડાયેલો હોય છે. જોકે, દુકાળ, જમીનમાં વધારે ખારાશ જેવી મુશ્કેલીઓનો ઉકેલ મેળવવા માટે વૈજ્ઞાનિકોએ 100થી વધારે જીન્સનો ઉકેલ મેળવવો પડે છે.

છોડવાઓ દુકાળ સામે લડી શકે તે માટે વૈજ્ઞાનિકો અલગ-અલગ પદ્ધતિઓ વિશે વિચારે છે. જેમ કે દુકાળથી બચવા માટે છોડવામાં ફૂલ જલદી ઊગવાં, ઝાડનાં પાંદડાઓનું બાષ્પીભવન થતું અટકાવવું. ઝાડનું મૂળ લાંબુ કરવું જેથી ઝાડ વધારે ફેલાઈ શકે અને પાણી સુધી પહોંચી શકે.

બેન્જામિન કિલિયન આંતરરાષ્ટ્રીય રિસર્ચ સેન્ટરથી લઈને સામુદાયિક બીજ બૅન્કો અને ખેડૂતો સાથે કામ કરે છે. તેઓ પોતાના પાકને લઈને પોતાની પસંદગી વિશે મત આપે છે અને પાકની નવી જાતોનું ટેસ્ટિંગ કરવા માટે મદદ કરે છે.

કિલિયને કહ્યું,"અમે અલગ-અલગ પ્રકારના ખેડૂતોની વાત સાંભળીએ છીએ. કેટલીક વખત એક જ પરિવારના લોકોને પાકની અલગ-અલગ વિશેષતાઓ પસંદ આવે છે."

ફૂડ સિસ્ટમ

મહિલાઓ સ્વાદ અને પોષણ વિશે વધારે ચિંતા કરે છે જ્યારે પુરુષો પાકની ઊપજ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. ખેતી સાથે જોડાયેલી વાતચીતમાં મોટેભાગે એક મુખ્ય વિષય એક પાકની ઊપજ એટલે કે એક એકરમાં કેટલો પાક થશે તે હોય છે.

કિલિયને કહ્યું, "સારી પરિસ્થિતિમાં સારા ખર્ચો કરીને વધારે ઊપજ મેળવી શકાય છે. જોકે, આ કેસમાં સમગ્ર પાકને ગુમાવવાનું જોખમ પણ છે. મોટા ભાગનાં ખેડૂતો માટે જરૂરી છે કે તેઓ ભરોસા લાયક અને સ્થિર ઊપજ મેળવી શકાય તેવા પાકો લે છે જે દરેક પ્રકારના વાતાવરણમાં ઊગી શકે."

તેમણે ઉમેર્યું, "હું જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું તેમાં ગ્રાસ પીની એક નવી જાત બનાવી છે જે જળભરાવ અથવા દુકાળ જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટકી શકે છે."

તેમણે સમગ્ર પ્રક્રિયાને સમજાવતા કહ્યું, "ગ્રાસ પીમાં એક પ્રકારનું એસિડ હોય છે જેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી માણસો બીમાર થઈ શકે છે. આ જ રીતે એક બીજો છોડ અઝોલા (વાટર ફર્ન) પાણી વગર પણ ઝડપથી ઊગે છે. જોકે, આ પ્રકારના છોડ પરથી લોકોનું ધ્યાન હટી ગયું છે."

જળવાયુ પરિવર્તન

પરંપરાગત પાકોની ઉગાડવામાં વધારે સમય અને મહેનત લાગે છે.

કૅલિફોર્નિયા યૂનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ફૉર જીનોમિક ઇનોવેશન (આઈજીઆઈ)ના કાર્યકારી નિદેશક બ્રૅડ રિંગિસને કહ્યું કે આ પ્રકારની સારી જાતો માટે જીન એડિટિંગ એક અસરકારક પદ્ધતિ પુરવાર થઈ શકે છે.

તેમણે કહ્યું, "મોટાપાયે બીમારીઓ વધી રહી છે અને જળવાયુ પરિવર્તને કારણે પણ કોઈ ખાસ મદદ મળતી નથી."

રિંગિસને ઉમેર્યું, "પાકો બીમારીઓ સામે લડી શકે તે માટે છોડવા પર વધારે જતુંનાશક છાંટવાની બદલે જીન એડિટિંગ એક સારી પદ્ધતિ છે."

છોડવાની રોગપ્રતિકારક ક્ષમતા આઈજીઆઈની દુકાળ સામે પ્રતિરોધકક્ષમતા પર પણ કામ કરી રહી છે.

જીન એડિટિંગથી બનાવેલા અનાજની કેટલીક જાતોનું ટેસ્ટિંગ કોલંબિયામાં ચાલી રહ્યું છે. આ જાતોમાં પાંદડામાં કાણાની સંખ્યા થોડીક ઓછી કરવામાં આવી છે જેથી વધારે પ્રમાણમાં પાણી છોડવામાં રહી શકે.

જીન એડિટિંગથી બનેલી જાતોની કોઈ નકારાત્મક અસર ન થાય એ માટે આ પાકોનું ટેસ્ટિંગ અત્યંત જરૂરી છે.

જીન એડિટિંગ

આઈજીઆઈ પાકોની એવી જાતો તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેનાં પર વધારે પાણી કે ઓછા પાણીની અસર ન થાય. આ સંગઠને ફિલિપીન્સમાં અનાજની એક એવી જાત વિકસાવી છે જે કેટલાક અઠવાડિયાં પાણીમાં ડૂબી જાય છતાં પણ ખરાબ થતી નથી.

જોકે, યૂરોપીય સંઘે જીન એડિટિંગ પર ઘણા પ્રતિબંધો લાદ્યા છે. આ પ્રતિબંધો જીન એડિટિંગ પદ્ધતિથી પેદા થયેલી અનાજની જાતોના વિસ્તાર માટે એક મોટો પડકાર છે. જોકે, ઇંગ્લૅન્ડ અને કેનિયા જેવા દેશોએ જીન એડિટિંગને કાયદેસરતા આપી છે.

જીન એડિટિંગ પદ્ધતિ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. જોકે, અમેરિકાના મૅસાચુસેટ્સની એક કંપની આ પદ્ધતિને વધારે આગળ લઈ જવા માગે છે. આ કંપનીનું નામ છે ઇનારી.

આ કંપનીનો પ્રયાસ છે કે એક સમયે એક જ જીન નહીં પણે ઘણા જીન્સની એક સાથે એડિટિંગ થઈ શકે છે. આ કારણે જળવાયુ પરિવર્તન જેવી સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળશે. કારણ કે જળવાયુ પરિવર્તનને કારણે એક જ સમયે એક પાક પર વધારે તણાવ પડી શકે છે.

આ કંપની હાલમાં મકાઈ, સોયાબીન અને ઘઉંના પાકો પર શોધ કરી રહી છે.

બીજનું પ્રબંધન

આ પ્રકારના જેનેટિકલી એડિટેડ પાકોની જાતોને ઉગાડવામાં એક સમસ્યા ખેડૂતોની પણ છે. કેટલાક લોકોને ચિંતા છે કે આ માટે કાયદાકીય ફેરફાર થશે તો તેઓ (ખેડૂતો) બીજનો સંગ્રહ નહીં કરી શકે અને તેમને બીજ માટે બજાર પર નિર્ભર રહેવું પડશે.

આફ્રિકન સેન્ટર ફૉર બાયોડાયવર્સિટી જેવાંં સંગઠનોની માંગણી છે કે બીજનું પ્રબંધન કંપનીઓની પાસે નહીં, પરંતુ ખેડૂતોના હાથમાં રહે. કારણ કે કંપનીઓ ટેકનોલૉજીનાં નામે બીજની પેટન્ટ નોંધાવી શકે છે.

જળવાયુ પરિવર્તનને કારણે આવનારા સમયમાં ઘણા લોકો પોતાની ભોજનની રીતમાં ફેરફાર કરવા માટે મજબૂર થશે. કોકો અને કેળાં જેવા પાકો પહેલાંથી જ જળવાયુ પરિવર્તનના દબાણ પ્રત્યે સંવેદનશીલ પુરવાર થઈ રહ્યા છે.

આ સ્થિતિમાં અલગ-અલગ પ્રકારના પાકો અને અલગ-અલગ પ્રકારના પાકોની વિવિધ જાતોનો ઉપયોગ કરવાથી મદદ મળી શકે છે.

બેન્જામિન કિલિયને કહ્યું, "મને લાગે છે કે આપણે બધાએ પાકોની વિવિધતાને મહત્ત્વ આપવું જોઈએ. આપણે માત્ર કેટલાક મહત્ત્વપૂર્ણ પાકો પર જ આધાર ન રાખી શકીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.