ગોંડલમાં એક ખેડૂતે જમીન અને સૂર્યપ્રકાશ વગર કાશ્મીરી કેસરની ખેતી કેવી રીતે કરી?

"મને થયું કે ગુજરાતમાં કાશ્મીરનું કેસર કેમ ના ઉગાડી શકાય? આ વિચાર સાથે અમે તેના પર કામ શરૂ કર્યુ હતું."

આ શબ્દો છે ગુજરાતના ગોંડલમાં રહેતા યુવા ખેડૂત બ્રિજેશ કાલેરિયાના.

બ્રિજેશભાઈ જણાવે છે કે ગુજરાતમાં કોઈએ પહેલીવાર જ આ રીતે કાશ્મીરી કેસરની ખેતી કરવામાં સફળતા મેળવી હશે. 2022માં તેમણે 400 ગ્રામ કેસરનું ઉત્પાદન મેળવ્યું હતું.

ખેતીની આધુનિક પદ્ધતિને અપનાવી ખાસ તાલીમ મેળવી તેમણે આ ખેતી શરૂ કરી છે.

કેસરની ખેતી શરૂ કરવા તેમણે કાશ્મીરમાં કેસરની ખેતીની તાલીમ પણ લીધી હતી.

કેસર દૂધ અને ઉકાળામાં વપરાય છે અને એ સિવાય તે કૉસ્મેટિક પ્રૉડક્ટ્સ અને કેટલાય પ્રકારની દવાઓમાં પણ વપરાય છે.

કેસરની ખેતી કરવાનો કેવી રીતે વિચાર આવ્યો?

બ્રિજેશભાઈ જણાવે છે, "કોરોના મહામારીના સમયે જ્યારે યૂ-ટ્યૂબ પર વીડિયો જોતા હતા ત્યારે કોલ્ડરૂમમાં કેસરની ખેતીનો એક વીડિયો જોયા પછી તેમને કેસરની ખેતીનો વિચાર આવ્યો."

વધુમાં બ્રિજેશભાઈ કહે છે કે "જે મારા મિત્રએ કસુંબી કેસર ખેતરમાં વાવેલું હતું. કસુંબી કેસર એ અમેરિકન કેસર પણ કહેવાય છે. તે સાચું કેસર નથી. જો કસુંબી કેસર ગુજરાતમાં ખેતરમાં વવાતું હોય તો આપણે કાશ્મીરના ઓરિજિનલ કેસરની ખેતી ગુજરાતમાં શરૂ કરવી જોઈએ."

બસ આ વિચાર સાથે જ તેમણે નક્કી કરી લીધું કે હવે કેસરની ખેતી શરૂ કરશે, પછી આ દિશામાં આયોજન કરવાનું શરૂ કર્યું હતું.

બ્રિજેશભાઈ માને છે કે કેસરની ખેતી કરવા ખેડૂતમાં ધીરજ હોવી જરૂરી છે અને સાથે પાકની માવજત કરવાની તૈયારી પણ હોવી જોઈએ.

કોલ્ડરૂમમાં કેસર કેવી રીતે ઉગાડે છે?

કેસરની ખેતી કરવા માટે સૌથી પહેલાં તો તેમણે 15 બાય 15નો કૉલ્ડરૂમ બનાવ્યો. જેમાં કેસરના પાક માટે જરૂરી તાપમાન જાળવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી.

બ્રિજેશ કાલેરિયા જણાવે છે કે પછી પ્લાસ્ટિકની કે લાકડાની ટ્રેમાં કેસરના બિયારણને મુકી દેવામાં આવે છે. તે પછી કેસરનો પાક જે તબક્કામાં હોય તેના આધારે રૂમનું તાપમાન 25 ડિગ્રીથી લઈ પાંચ ડિગ્રી વચ્ચે જાળવવાનું હોય છે.

માત્ર ઠંડુ વાતાવરણ હોય તો કેસરની ખેતી સફળ થાય એવું નથી હોતું. તેમાં ભેજનું પ્રમાણ પણ ખૂબ મહત્ત્વનું છે. કેસરની ખેતી કરવા માટે ભેજનું પ્રમાણ પણ 60 ટકાથી 90 ટકા સુધી જરૂરિયાત મુજબ જાળવવું પડે છે. સાથે જ કાર્બન ડાયોક્સાઇડ અ ઑક્સિજનનું પ્રમાણ પણ જરૂર પ્રમાણે જાળવવાનું હોય છે.

તો સૂર્યપ્રકાશના પર્યાયરૂપે કોલ્ડરૂમમાં બ્રિજેશે એલઇડી લાઇટ્સ ગોઠવી છે.

તેમને આ કોલ્ડરૂમ તૈયાર કરવામાં આશરે 10 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

કેસરનો પાક મેળવવાની પ્રક્રિયા શું હોય છે?

કાશ્મીરી કેસરની ખેતી માટે સૌથી જરૂરી છે કાશ્મીરમાંથી મળતું ઓરિજનલ કેસરનું બિયારણ.

બ્રિજેશ કાલેરિયાના જણાવ્યા અનુસાર આ બિયારણ જેમણે કેસરની ખેતી કરવાની તાલીમ પણ કાશ્મીરમાંથી લીધી હોય તેમને મળે છે.

બ્રિજેશ કાલેરિયાએ પોતે કેવી રીતે કેસરનો પાક લીધો તેની પ્રક્રિયા વર્ણવે છે -

કેસરનો પાક લેવા માટે કેસરના બિયારણમાંથી કેસરના કંદ તૈયાર કરવામાં આવે છે.

કેસરના આ કંદ ડુંગળીના દડા જેવા હોય છે. પ્રત્યેક કંદનું વજન પાંચથી 30 ગ્રામ સુધીનું હોય છે.

કેસરના એક કંદમાંથી બેથી ત્રણ ડાળખીઓ નીકળતી હોય છે. આ ડાળખીમાં એકથી બે કેસરના ફૂલ થતાં હોય છે.

સામાન્ય રીતે 20 ગ્રામથી મોટા કંદ હોય તેમાં સારા પ્રમાણમાં ડાળખીઓ નીકળતી હોય છે.

પણ કેસરના બીજમાંથી આવા કંદ તૈયાર થવામાં દોઢ વર્ષ જેટલો સમય લાગતો હોય છે.

જેને સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમ્યાન કોલ્ડરૂમમાં રાખવામાં આવે છે લાકડાં કે પ્લાસ્ટિકની ટ્રેમાં.

મોટા કંદને કોલ્ડરૂમમાં ગોઠવવાથી લગભગ અઢી મહિનામાં કેસરનું પક્વ ફૂલ તૈયાર થાય છે અને પછી આ ફૂલમાંથી કેસરનાં તાંતણા મેળવવામાં આવે છે.

એકવાર કેસરનું ઉત્પાદન મેળવી લીધા પછી આ જ કંદને નિતારવાળી છાયાવાળી જમીનમાં રાખવામાં આવે છે.

બ્રિજેશ જણાવે છે કે કેસરના આ કંદમાંથી વધુમાં વધુ 15 વર્ષ સુધી દરવર્ષે કેસરનું ઉત્પાદન મેળવી શકાય છે.

કેસરના બિયારણનો એક કિલોનો ભાવ 600 રૂપિયાથી શરૂ કરી 1,000 રૂપિયા સુધીનો હોય છે.

તેમણે ઉત્પાદિત કરેલા કેસરનો હોલસેલ બજારમાં ભાવ સાડાત્રણ લાખથી પાંચ લાખ રૂપિયા સુધી મળે છે.

આ દૃષ્ટિએ પ્રથમ વર્ષના ખર્ચને બાદ કરતા બ્રિજેશભાઈને પાંચ લાખ રૂપિયાની કમાણી થઈ હતી.

જોકે બ્રિજેશને આશા છે કે બીજા વર્ષથી કોલ્ડરૂમના મેઇટેનન્સ ખર્ચ સિવાય અન્ય કોઈ મોટો ખર્ચ ન થતો હોવાથી પહેલા વર્ષની સમખામણીમાં પછીનાં વર્ષોમાં નફાનું પ્રમાણ વધે છે.

ખરીદેલાં બીજમાંથી જ નવું બિયારણ મેળવે છે

જ્યારે કેસરની ખેતી કરવા બિયારણ કાશ્મીરથી લાવવામાં આવે અને તેમાંથી એકવાર કેસરનો ફાલ લઈ લીધા પછી ખેડૂતની સાચી મહેનત શરૂ થાય છે.

બ્રિજેશ પ્રમાણે નવેમ્બર મહિનાના અંત સુધીમાં કેસરનો ફાલ મળી જાય પછી આ બધા જ કંદને ખાસ પ્રકારે તૈયાર કરાયેલી માટીમાં મુકી દેવામાં આવે છે. બધા કંદને આ માટીમાં જુલાઈના અંત સુધી રાખવામાં આવે છે.

માટીમાં લાંબો સમય રાખવામાં આવેલા કેસરના કંદમાં ફૂગ લાગવાનું જોખમ રહેતું હોય છે. જો ફૂગ લાગે તો બિયારણ બગડી શકે છે. આથી બિયારણ ના બગડે તે માટે માટી તૈયાર કરતી વખતે તેમાં એન્ટી ફંગીસાઇડ ઉમેરવામાં આવે છે.

માટી કાશ્મીર પ્રદેશની હોય તેવી તૈયાર કરાય છે. મતલબ કે એ માટીમાં 40 થી 50 ટકા ભાગ રેતાળ હોય છે એટલે આવી માટી ગુજરાતમાં તૈયાર કરવા તેમાં રેતી ભેળવવામાં આવે છે.

સાથે જ માટીમાં રખાયેલા કંદનું પણ તાપમાન 25 ડિગ્રી આસપાસ જળવાઈ રહે તેવી ઠંડી જગ્યા કે સ્થળ પસંદ કરી ત્યાં તૈયાર કરાયેલી માટીમાં કંદ રાખવામાં આવે છે.

આ સમયે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાના સમયગાળામાં તેને નિયમિત પીયત આપવું પડે છે. પણ આ પાણીનું પ્રમાણ વધારે ના હોય તેની ખાસ કાળજી રાખવી પડે છે. આ પીયત કંદમાંથી અંકુરિત થયેલા ડાળખીને નવા પાન લાવવામાં મદદ કરે છ સાથે જ કંદનું કદ માટીમાં રહી વધતું રહે છે.

બ્રિજેશ પ્રમાણે માર્ચ મહિનાથી પીયતનું પ્રમાણ ધીમે-ધીમે ઓછું કરી એપ્રિલ મહિનાથી જૂન મહિના સુધી તેને સુષુપ્ત અવસ્થામાં રહેવા દેવાય છે. આ સમયગાળા દરમ્યાન જે લીલાં પાન આવ્યાં હોય તે સુકાઈને ખરી જાય છે.

દરમ્યાન ઑગસ્ટ મહિનામાં કેસરના નવા પાક માટેની તૈયારીના ભાગરૂપે જુલાઈ મહિનામાં બિયારણ (માટીમાં રાખવામાં આવેલા કંદ)ને પાણી આપી પુન: કાર્યરત કરવા પીયત શરૂ કરાય છે.

બ્રિજેશ પ્રમાણે જુલાઈ મહિનામાં આ પીયત પછી જે કંદ મોટા થયા હોય તેમાંથી નવાં બીજ પણ બન્યાં હોય છે. આવા સંજોગોમાં માત્ર મોટા કંદ હોય તેને બીજ તરીકે ઉપયોગમાં લેવા ઑગસ્ટ મહિનામાં તેને કોલ્ડરૂમમાં લઈ જવા માટે પસંદ કરી લેવાય છે. એટલે કે મોટા કંદને જ માટીમાંથી બહાર કઢાય છે.

જ્યારે જે નાના કંદ(તે નવા બનેલા બિજ હોય છે) તેને માટીમાં જ રહેવા દેવાય છે આગામી દોઢ વર્ષ સુધી.

આવું કરવાથી કેસરના નવા કંદ (નવું બિયારણ) તૈયાર થતા જાય છે. પ્રત્યેક કંદ બે થી ત્રણ નવા કંદ આપે છે. મતલબ બિયારણ બેવડાતું રહે છે.

આમ એકવાર કેસરના બિયારણની ખરીદી કર્યા પછી યોગ્ય માવજત અને ધીરજ સાથે તમે અનેકગણું બિયારણ તૈયાર કરી શકો છો. અને કેસની ખેતીમાં ઉત્તરોત્તર વધારે ફાલ મેળવી શકો છો.

કોલ્ડરૂમ બનાવી અન્ય ઋતુઓમાં કયા પાક ઉગાડી શકાય?

ગોંડલના આ યુવાન ખેડૂત બ્રિજેશભાઈ જણાવે છે કે કોલ્ડરૂમમાં એકવાર કેસરનો પાક મેળવી લીધા પછી બાકીના સમય આ રૂમ ખાલી રહેતો હોય છે.

તેઓ કહે છે કે આ સમયનો ઉપયોગ કરીને બટન મશરૂમનો પાક લઈ શકાય છે. બટન મશરૂમ તેઓ એટલે ઉગાડે છે કારણ કે પિત્ઝા બનાવવામાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે અને આથી તેની માગ ઘણી રહેતી હોય છે.

સાથે જ ઉનાળાના સમયમાં પાલક, કોથમીર સહિતના એવા પાક તેઓ ઉગાડે છે જેની માગ સ્વાસ્થ્યપ્રેમી અને ડાયટ પર રહેલા લોકોમાં વધારે હોય છે.

તો સ્ટ્રૉબૅરી પણ એક સારો પર્યાય હોવાનું બ્રિજેશભાઈ જણાવે છે.

આમ કોલ્ડરૂમની વ્યવસ્થાથી વિરોધી ઋતુમાં પણ મનગમતા પાક મેળવી શકવા સાથે એવા પાક મેળવી શકાય છે જેની માગ વધારે રહેતી હોય અને નફો કમાઈ શકાય છે.

વળી કોલ્ડરૂમમાં કરાયેલી ખેતીની ખાસિયત એ છે કે તેમાં તૈયાર થયેલા પાક ઑર્ગેનિક હોય છે કારણ કે તેમાં બહારના વાતાવરણની કોઈ અસર તો નથી જ હોતી. પણ તે માત્ર પાણી આધારિત હાઇડ્રોપોનિક્સ કે માત્ર હવા આધારિત ઍરોપોનિક્સ પદ્ધતિથી તૈયાર થતા હોય છે.

કેસરની ખેતી બ્રિજેશભાઈ ઍરોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરી કરે છે.