ઍસિડનો વરસાદ શું હોય અને જમીન પર પડે ત્યારે બધું બાળી નાખે?

ઍસિડનો વરસાદ? શું આ પ્રકારના વરસાદમાં આકાશમાંથી ઍસિડ પડે છે? શું તેનાથી ચારેય તરફ ઍસિડ હોય છે? ઍસિડના વરસાદની વાત કરતા જ સામાન્ય રીતે આવો પ્રતિભાવ સાંભળવા મળે છે પરંતુ હકીકતમાં આવું નથી હોતું.

ઘણી વાર આકાશમાં પાણી સિવાયની ચીજો પણ પડતી હોય છે અને તેનાં કેટલાંક ચોક્કસ કારણ અને સંજોગો પણ હોય છે.

ઍસિડનો વરસાદ એ વાતાવરણ સંબંધિત શબ્દ છે જેમાં પ્રદૂષણના કારણે આકાશમાં રસાયણો ધરતી ઉપર પડે છે.

1970 અને 1980ના દાયકામાં અમેરિકા અને યુરોપના કેટલાક વિસ્તારોમાં ઍસિડનો વરસાદ પડ્યો હોય તેવી ઘટનાઓ નોંધાઈ છે.

આ પ્રકારના વરસાદ માટે વૈજ્ઞાનિક તર્ક પણ છે અને વૈજ્ઞાનિક કારણો પણ.

કેમ અને ક્યારે પડે છેે ઍસિડનો વરસાદ?

સલ્ફ્યુરિક ઍસિડ અને નાઇટ્રિક એસિડના કારણે ઍસિડનો વરસાદ થાય છે. જ્યારે કોઈ પણ પ્રકારનું ઈંધણ બળે છે ત્યારે તેમાથી વિવિધ ગૅસ ઉત્સર્જિત થાય છે.

જે ગૅસ ઉત્સર્જિત થાય છે તેમાં સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રોજન ઑક્સાઇડ પણ સામેલ હોય છે. વાતાવરણમાં હાજર પાણી, ઑક્સિજન અને બીજાં રસાયણો સાથે ભેગાં થવાથી સલ્ફર ડાયૉક્સાઇડ એ સલ્ફ્યુરિક ઍસિડ બની જાય છે અને નાઇટ્રોજન ઑક્સાઇડ એ નાઇટ્રીક ઍસિડ બની જાય છે.

બંને એસિડ જ્યારે વાદળમાં હાજર ટીપાં સાથે ભળી જાય છે ત્યારે ઍસિડનો વરસાદ થાય છે. ઍસિડનો વરસાદનો ગાળો ટૂંકો હોય છે. આ પ્રકારનો વરસાદ હળવા અથવા મધ્યમ પ્રકારનો હોય છે.

અત્રે નોંધનીય છે કે ઍસિડ વરસાદનો અર્થ માત્ર પાણીનો વરસાદ એવું નથી. સલ્ફ્યુરિક અને નાઇટ્રીક ઍસિડ સાથે બરફવર્ષા પણ થઈ શકે છે. ક્યારેક ઍસિડના વરસાદમાં લોકોને ધુમ્મસનો અનુભવ થાય છે અને ક્યારેક સૂક્ષ્મ કણો આકાશમાંથી પડે છે.

એવું જરૂરી નથી કે જે વિસ્તારમાં નાઇટ્રોજન અને સલ્ફર ઑક્સાઇડનું ઉત્સર્જન થાય છે માત્ર ત્યાં અને તેની આજુબાજુના વિસ્તારમાં જ ઍસિડનો વરસાદ થાય. પવનના કારણે બંને ઍસિડ હજારો કિલોમીટર દૂર પણ ખેંચાઈ શકે છે. ઇતિહાસમાં આવા કિસ્સામાં નોંધાયા છે.

ઍસિડના વરસાદ પાછળનાં કારણો

વાયુપ્રદૂષણ એ ઍસિડના વરસાદ પાછળનું સૌથી મોટું કારણ છે. માનવીઓ દ્વારા જે વાયુપ્રદૂષણ થાય તેનો સૌથી મોટો ભાગ છે પરંતુ ક્યારેક કુદરતી કારણો પણ જવાબદાર હોય છે.

ઈંધણ ખાસ કરીને કોલસો બળવાના કારણે વાયુપ્રદૂષણ થાય છે. વીજળી ઉત્પાદન માટે મોટા પાયે કોલસાનો ઉપયોગ થાય છે, જેના કારણે સૌથી વધુ સલ્ફર ઑક્સાઇડ અને નાઇટ્રોજન ઑક્સાઇડનું ઉત્સર્જન થાય છે.

બીજા ક્રમે વાહનો અને ભારે મશીનો આવે છે જ્યાં ઈંધણ બળવાના કારણે દરરોજ હજારો ટન ગૅસ ઉત્સર્જિત થાય છે. ત્રીજા ક્રમે ઉદ્યોગો, ઑઇલ મિલો અને બીજા ઉદ્યોગો દ્વારા જે પ્રદૂષણ થાય છે તેના કારણે પણ હવામાં સલ્ફર ઑક્સાઇડ અને નાઇટ્રોજન ઑક્સાઇડની માત્રામાં વધારો થાય છે.

માનવીય કારણો ઉપરાંત કુદરતી કારણો પણ ઍસિડના વરસાદ માટે જવાબદાર છે.

જવાળામુખી જ્યારે ફાટે છે ત્યારે તેમાંથી સલ્ફ્યુરિક ગૅસ બહાર આવે છે. ઉપરાંત કોઈ જગ્યાએ જ્યારે વૃક્ષો અથવા વનસ્પતિઓ સડવા લાગે છે ત્યારે તેમાંથી મોટા પ્રમાણમાં સલ્ફ્યુરિક ગૅસ બહાર આવે જે વાતાવરણમાં ભળી જાય છે. આ ગૅસ બાદમાં ઍસિડનો વરસાદમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આવા વરસાદથી કેટલું નુકસાન થાય છે?

સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રોજન ઑક્સાઇડ પર્યાવરણ અને માનવીઓના આરોગ્ય માટે જોખમી છે કારણે બંને ગૅસ હવા અને ઍસિડના વરસાદ થકી ઝડપથી ફેલાય છે.

જ્યારે ઍસિડનો વરસાદ થાય છે ત્યારે તેમાં હાજર રસાયણો પાણી પર તરવાં લાગે છે. આ રસાયણો પાણીના સિસ્ટમમાં પ્રવેશ કરે છે અને જમીનને પણ નુકસાન કરે છે.

ઍસિડના વરસાદના કારણે ધાતુઓ અને ચૂના પથ્થરોને વ્યાપક નુકસાન થાય છે. ઐતિહાસિક ઇમારતો અને મૂર્તિઓનો નાશ થાય છે. આ પ્રકારના વરસાદના કારણે ધાતુથી બનેલી મૂર્તિઓ ખાસ કરીને બ્રિજમાં કાટ લાગવાની શક્યતા વધી જાય છે.

તેના કારણે નદી અને સરોવરનું પાણી દૂષિત થઈ જાય છે. કેટલાક જળચર જીવો આ દૂષિત પાણીના કારણે નાશ પામે છે.

વૃક્ષોનાં પાંદડાં પર જે ચીકણા પડ હોય છે તે ઍસિડના વરસાદના કારણે નુકસાન પામે છે. તેના કારણે વૃક્ષો જરૂરી ખનિજોને શોષી શકતાં નથી. જરૂરી પોષકતત્ત્વોના અભાવે વૃક્ષો નિર્જીવ થઈ શકે છે.

ઍસિડના વરસાદની સૌથી વ્યાપક અસર જૈવ વિવિધતા પર થાય છે. તળાવ, નાના પાણીના સ્રોત, વેટલૅન્ડ્સ અને અન્ય જળચર વિસ્તારોમાં પાણી ઍસિડના વરસાદ બાદ વધુ રાસાયણિક બની જાય છે.

ઍસિડના વરસાદના કારણે વૃક્ષો અને છોડ પર ગંભીર અસર થાય છે. તેના કારણે વૃક્ષો અને છોડની ઠંડાં વાતાવરણ, જંતુઓ અને બીમારીઓ સામે ટકવાની ક્ષમતામાં ઘટાડો આવે છે. ઍસિડના વરસાદમાં હાજર તત્ત્વો વૃક્ષોમાં જર્મીનૅશનની પ્રક્રિયાને નબળી કરે છે.

જો વ્યક્તિની આરોગ્યની વાત કરીએ તો ઍસિડના ધુમ્મસના કારણે શ્વાસને લગતી બીમારી થઈ શકે છે. ઍસિડના કારણે ગળા, નાક અને આંખમાં સમસ્યા થઈ શકે છે. ઉપરાંત માથાનો દુખાવો અને અસ્થમાનો ઍટેક પણ આવી શકે છે. વૃદ્ધોને વધુ મુશ્કેલી થઈ શકે છે.

જ્યારે ચીનમાં ઍસિડના વરસાદના લીધે ભૂસ્ખલન થયું

5મી જૂન 2009ના રોજ દક્ષિણ પશ્ચિમ ચીનના ચોન્ગક્વિંગ વિસ્તારમાં વિનાશક ભૂસ્ખલનથી 74 લોકોનાં મોત થયાં હતાં. ભૂસ્ખલનથી ભૂસ્તરશાસ્ત્રીઓને આશ્ચર્ય થયું હતું કે જ્યારે ઘટના બની ત્યારે એ વિસ્તારમાં ન ધરતીકંપ આવ્યો હતો અને ન ભારે વરસાદ પડ્યો હતો.

વર્ષો સુધી આ ભૂસ્ખલન પાછળનું કારણ એક કોયડો બની રહ્યું હતું. પરંતુ હાલમાં જ કરવામાં આવેલા સંશોધન પ્રમાણે ઍસિડના વરસાદના કારણે આ ઘટના બની હતી.

ચીનના વુહાનસ્થિત ચાઇના યુનિવર્સિટી ઑફ જિયોસાઇન્સિસના એન્જિનિયર મિંગ ઝીયાંગ અનુસાર ચીનમાં કોલસા આધારિત વીજળી પ્લાન્ટની હજુ પણ મોટી સંખ્યામાં છે જે મોટી માત્રામાં સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રોજન ઑક્સાઇડ ઉત્સર્જિત કરે છે.

ચોન્ગક્વિંગ વિસ્તારમાં ઍસિડનો વરસાદ પડ્યો હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. સાલ 1986થી 2014 વચ્ચે આ વિસ્તારમાં જે વરસાદ પડ્યો છે તેની તપાસ કરતા સામે આવ્યું છે કે તેમાં પીએચ (pH) લેવલ 2.8 હતું. pH લેવલને રસાયણશાસ્ત્રમાં પોટન્શિયલ ઑફ હાઇડ્રોજન કહેવામાં આવે છે. જો pH લેવલ ચારથી ઓછું હોય તો અર્થ થયો કે તે પ્રવાહી ઍસિડ છે.

મિંગ ઝીયાંગ વધુમાં જણાવે છે કે ચોન્ગક્વિંગ વિસ્તારમાં મોટી સંખ્યામાં ચૂના પથ્થરનો પહાડો છે અને ઍસિડના વરસાદના કારણે ચૂના પથ્થરો ઓગળી ગયા હતા અને ભૂસ્ખલન થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.