You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદને 'સ્પંજ સિટી' બનાવીને શહેરમાં વરસાદનું પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવશે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
"અમે સતત ચાર દિવસ સુધી ઊંઘી શક્યા નહોતા. સાત ઇંચ વરસાદમાં પણ અમારે ત્યાં ચાર દિવસ સુધી પાણી ઊતર્યાં નહોતાં. અમે છેલ્લાં 10 વર્ષથી વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ."
"દિન પ્રતિદિન સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇન પણ નાખવામાં આવી છે તેમ છતાં પાણીનો નિકાલ થતો નથી." આમ કહીને, કઠવાડાની મધુમાલતી સોસાયટીમાં રહેતા સુનિલ માંગરોલિયાએ પોતાની હૈયાવરાળ બીબીસી સમક્ષ ઠાલવી.
26 ઑગસ્ટના દિવસે અમદાવાદમાં પડેલા 7.42 ઇંચ વરસાદને લીધે સુનિલ માંગરોલિયા અને તેમના જેવા સેંકડો રહિશોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જળવાયુ પરિવર્તનને કારણે ચોમાસામાં પડતા વરસાદની બદલાયેલી પેટર્ન અને વધી રહેલા શહેરીકરણમાં વરસાદી પાણીના નિકાલ માટેનાં વ્યવસ્થાતંત્રનાં આયોજનો અપૂરતાં સાબિત થયેલાં જોવા મળે છે.
શહેરોમાં ત્યારે પૂર આવે છે જ્યારે મોટા પ્રમાણમાં વરસાદ સખત અભેદ્ય સપાટી જેમકે કૉન્ક્રીટ પર પડે છે, અને ડ્રેનેજ સિસ્ટમ પર વધુ ભાર આવે છે. વધુ વરસાદ પડે એટલે પાણી ઊંધું બહાર આવે છે અને રસ્તાઓ અને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે માત્ર સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ પાઇપ લાઇનના નેટવર્કથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનો ઉકેલ શક્ય નથી. અને જળવાયુ પરિવર્તન બાબતોના નિષ્ણાતો ચેતવે છે કે આવનારાં વર્ષોમાં ટૂંકા ગાળામાં વધુ પડતો વરસાદ પડવાની ઘટનાઓ વધવાની છે. એ માટે શહેરોમાં પૂરના નિયંત્રણ માટે કુદરતી રીતે પાણીનો નિકાલ થાય તેવું જ સમાધાન શોધવું પડશે.
વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાના એક ઉકેલરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ‘સ્પંજ સિટી’નો કૉન્સેપ્ટ અમલમાં મૂકવાનું આયોજન થઈ રહ્યું છે.
ત્વરિત પૂરને કારણે જળભરાવની સમસ્યાનો સામનો કરી રહેલા કેટલાંક શહેરોમાં સ્પંજ સિટી કૉન્સેપ્ટ લાગુ કરવામાં આવી રહ્યો છે.
સ્પંજ સિટી કૉન્સેપ્ટ કેવી રીતે વિકસ્યો?
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અનુસાર આ ચોમાસામાં અમદાવાદ શહેરમાં 150થી વધુ સ્થળોએ વરસાદી પાણી ભરાયાં હતાં. અને અનેક સ્થળો એવાં હતાં જ્યાં બે દિવસ સુધી ભરાઈ ગયેલાં વરસાદી પાણી ઓસર્યા નહોતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવી જ પરિસ્થિતિથી ચીનનાં શહેરો પણ ઝઝૂમી રહ્યાં હતાં. જેના ઉકેલરૂપે ચીનમાં વર્ષ 2014માં આ કૉન્સેપ્ટને લાગુ કરવામાં આવ્યો હતો.
શહેરોમાં આવતાં પૂરનાં નિયંત્રણ માટે ચીનમાં વર્ષ 2013માં ‘સ્પંજ સિટી’નો કૉન્સેપ્ટ લાવવામાં આવ્યો હતો. પેકિંગ યુનિવર્સિટીની કૉલેજ ઑફ આર્કિટેક્ચર ઍન્ડ લૅન્ડસ્કેપના પ્રોફેસર યુ કોંગિયાન આ કૉન્સેપ્ટના જનક ગણાય છે. પ્રોફેસર યુ કોંગિયાન બાળપણમાં પૂરને કારણે લગભગ ડૂબી ગયા હતા, પરંતુ કિનારે આવેલી વેલને પકડીને તેઓ પૂરનાં પાણીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
તેમના મતે જો તે સમયે નદીનો તટ કૉંક્રીટનો હોત તો તેઓ બચી ન શક્યા હોત. તેમણે વર્ષ 2013માં શહેરોની ડિઝાઇનમાં વરસાદી પાણીના નિકાલમાં કૉંક્રીટના ઉપયોગને બદલે તેનો પ્રાકૃતિક રીતે નિકાલ થાય તેની હિમાયત કરી હતી. તેમણે પાણીને શોષી લેતી વાદળી (સ્પંજ)નું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે શહેરોમાં એવી વ્યવસ્થા કરવી જોઈએ જેમાં પાણી શોષાઈ જાય અથવા વહી જાય.
તેમના મત અનુસાર 'નિચાણવાળા વિસ્તારોમાં બાંધકામ કરવાનું ટાળવું જોઈએ. આપણે પાણી સાથે લડી શકતાં નથી. પાણીને વહેવા દેવું જ પડે છે. જોકે, શરૂઆતમાં ચીનના ઍન્જિનિયરિંગ પ્રોજેક્ટ વિરુદ્ધ બોલવા બદલ તેમને લોકોની ટીકાનો ભોગ બનવું પડ્યું હતું.'
સ્પંજ સિટી શું છે?
સ્પંજ સિટી એટલે બગીચાઓ અને જમીનમાં તેમજ તળાવ અને નદીઓમાં પાણીનો નિકાલ કરીને ગટર વ્યવસ્થામાં પ્રવેશતા વરસાદનાં વધારાનાં પાણીનું પ્રમાણ ઘટાડવું.
સ્પંજ સિટીથી પૂર નિયંત્રણ ઉપરાંત લીલોતરી જગ્યાઓ બનવાને કારણે હવા અને પાણી શુધ્ધ બને છે.
પાણી જમીનમાં ઊતરવાથી ભૂગર્ભજળ ઉપર આવે છે.
હવે ન્યૂઝીલૅન્ડનું ઑકલૅન્ડ, સિંગાપોર, ન્યૂ યૉર્ક શહેર, શાંઘાઈ, મુંબઈ અને લંડન જેવાં વિશ્વનાં અગ્રણી શહેરોમાં અપનાવવામાં આવી રહ્યો છે.
ભારતમાં સ્પંજ સિટીનો કૉન્સેપ્ટ કેવી રીતે શરૂ થયો?
શહેરોમાં આવતાં પૂર અને વરસાદી પાણીના ભરાવાની સમસ્યા બાબતે નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટી દ્વારા વર્ષ 2022માં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
એ સેમિનારમાં NDMA ના જોઇન્ટ સેક્રેટરી હર્ષ ગુપ્તાએ જણાવ્યું હતું, "શહેરી પૂરના કારણે દેશમાં દર વર્ષે મોટી સંખ્યામાં સંપત્તિ અને માનવજીવનનું નુકશાન થાય છે."
NDMA મેમ્બર સેક્રેટરી કમલ કિશોરે પણ આ સેમિનારમાં જણાવ્યું હતું, "છેલ્લા એક દાયકામાં એક પણ વર્ષ એવું નથી કે જ્યારે ભારતનાં શહેરોમાં પૂર આવ્યું ન હોય. આ ભારતમાં શહેરીકરણનો રેશિયો 30થી 35 ટકા છે. જેથી ભવિષ્યમાં પૂરની સમસ્યા ગંભીર બની શકે છે."
આ અનુસંધાને ભારતમાં પણ સ્પંજ સિટીના વિચારને આવકારવામાં આવ્યો હતો. શહેરી પૂરના પ્રબંધન માટે કેન્દ્ર સરકારના નાણાપંચ દ્વારા રૂ. 2500 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.
અમદાવાદને સ્પંજ સિટી બનાવવાનું કેવું આયોજન છે?
નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી દ્વારા વર્ષ 2022માં ભારતના ચેન્નઈ, મુંબઈ, કોલકાતાને દર વર્ષે 100 કરોડ રૂપિયા જ્યારે અમદાવાદ, પુણે, બેંગલુરુ, હૈદરાબાદ જેવાં શહેરોને દર વર્ષે રૂપિયા 50 કરોડની ગ્રાન્ટ જાહેર કરવામાં આવી છે.
અમદાવાદને મળેલી આ ગ્રાન્ટનો ઉપયોગ શહેરના દરેક ઝોનમાં એક ‘સ્પંજ પાર્ક’, તળાવોનું ઇન્ટરલિન્કિંગ, મૉડ્યુલર બ્લૉક જેવા પ્રોજક્ટના આયોજન માટે કરવામાં આવી રહ્યો છે.
‘સ્પંજ પાર્ક’ અંગે માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સિટી એન્જિનિયર વિજય પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરી.
તેમણે જણાવ્યું, "શહેરમાં જે વિસ્તારોમાં વધુ વરસાદી પાણી ભરાય છે, અને લાંબા સમય સુધી ઊતરતું નથી તેવા વિસ્તારમાં ‘સ્પંજ પાર્ક’ બનાવવમાં આવશે. ‘સ્પંજ પાર્ક’ બનાવવા અમે દરેક ઝોનમાં એક ખુલ્લો પ્લૉટ નક્કી કર્યો છે. આ પ્લૉટને એક ફૂટ ખોદીને ઊંડો કરવામાં આવશે. ત્યાર બાદ તેમાં અલગ અલગ વનસ્પતિ અને ઝાડ ઉગાડીને ગીચ શહેરી જંગલ બનાવવામાં આવશે."
તેમણે વધુમાં જણાવ્યું, "આ પ્લૉટની આસપાસનું પાણી પ્લૉટમાં આવશે અને પાણી કુદરતી રીતે જમીનમાં ઊતરશે."
સ્પંજ સિટી વિશે અમદાવાદસ્થિત સેપ્ટ યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ ટેકનૉલૉજીના ઍસોસિયેટ પ્રોફેસર તુષાર બોઝ કહે છે, "પૂરના નિયંત્રણ માટે વરસાદી પાણીનો એક ભાગ ગટર લાઇનમાં અને એક ભાગનું પાણી જમીનમાં ઉતારવું જોઈએ. જો આ પ્રકારે મૅનેજમેન્ટ કરવામાં આ તો પાણી ભરાવાની સમસ્યાના સમાધાન સુધી પહોંચી શકાય છે."
તેમણે વધુમાં કહ્યું, "શહેરીકરણને કારણે ખુલ્લી જગ્યાઓ ઓછી થઈ રહી છે. જેને કારણે વરસાદી પાણી જમીનમાં ઊતરી રહ્યું નથી. પાણી જમીનમાં ઉતારવા માટે અલગ ગ્રીન રૂફ પૉલિસી, ખંભાતી કૂવા બનાવવા, અર્બન ફૉરેસ્ટ, તળાવોનું ઇન્ટરલિન્કિંગ કરવું જેવી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે."
સિમેન્ટને બદલે ઈકો બ્લૉક લગાવવામાં આવશે
આ યોજના અનુસાર પાણીનો કુદરતી નિકાલ થઈ શકે તે માટે ગટરનાં ઢાંકણાં જેવી રચનાઓમાં સિમેન્ટને બદલે રેતીથી બનેલા મૉડ્યુલર બ્લૉક અથવા ઈકો બ્લૉક લગાવવામાં આવશે.
વિજય પટેલ કહે છે, "સ્પંજ પાર્કમાં રમતગમતનાં સાધનો પણ રાખવામાં આવશે. ચોમાસા બાદ આ પ્લૉટનો ઉપયોગ રમતગમત માટે પણ કરી શકાશે. સ્પંજ પાર્ક ઉપરાંત મૉડ્યુલર બ્લૉકથી પણ કુદરતી રીતે પાણીનો નિકાલ કરી શકાય છે. આ મૉડ્યુલર બ્લૉક જર્મનીની ટેકનૉલૉજી છે. આ બ્લૉક રેતીના બનેલા છે. ગટરનાં ઢાંકણાં માટે આ બ્લૉકનો ઉપયોગ કરવામાં આવશે. નવા વિસ્તરોમાં જ્યાં 60 મીટરથી વધુ પહોળા રસ્તા હશે, ત્યાં આ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે."
તેઓ વધુમાં જણાવે છે, "સ્પંજ સિટી અંર્તગત કુદરતી રીતે પાણીના નિકાલ માટે 15 તળાવને ઇન્ટરલિન્ક કરવામાં આવશે. જેમાં પૂર્વ વિસ્તારનાં સાત અને પશ્ચિમ વિસ્તારનાં આઠ તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે."
હાલમાં અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલની શું વ્યવસ્થા છે
વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કુલ 505.73 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા અમદાવાદ શહેરમાં વિવિધરૂપે કરવામાં આવી છે.
મુખ્ય સિટી એન્જિનિયર વિજય પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદમાં એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં અંદાજે 13, 841 લોકો રહે છે. શહેરમાં 156 તળાવો 2 મેઇન કેનાલ અને એક નદી છે. વરસાદી પાણીની આવકના મૉનિટરિંગ માટે વરસાદ માપવાનાં 25 યંત્રો, 19 કંટ્રોલરૂમ અને 2559 સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત શહેરમાં 12 પર્કોલેશન વેલ (ખંભાતી કૂવા) બનાવવામાં આવ્યા છે. વરસાદની સિઝન પહેલાં સ્ટોર્મ વૉટરલાઇન અને કૅચપીટો સાફ કરવામાં આવે છે. એસટીપી પ્લાન્ટ દ્વારા સુએજનું પાણી ટ્રીટ કરીને ખેતી માટે વાપરવામાં આવે છે. વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યાં છે. નવી સ્ટોર્મ વૉટરલાઇન અને પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે.
આટલાં આયોજનો બાદ પણ મધુમાલતી સોસાયટીમાં રહેતાં સુનિલ માંગરોલિયા અને તેમના જેવા હજારો લોકોને વરસાદી પાણી ઘરોમાં ઘૂસી આવવાની કઠિન સમસ્યાના ઉકેલની વર્ષોથી આશા છે.
સુનિલ માંગરોલિયા યાદ કરતાં કહે છે, "આ પહેલાં વર્ષ 2017માં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે વખતે અમારી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયાં હતાં ત્યારે એ વખતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી બોટમાં બેસીને મધુમાલતી સોસાયટીની મુલાકાતે આવ્યા હતા."
"તેમણે સોસાયટીના લોકોને પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ લાવવાની ખાતરી આપી હતી, પરંતુ 7 વર્ષ બાદ આ વખતે 2024ના ચોમાસામાં પણ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી."
તેમણે વધુમાં કહ્યું, "આ સ્થિતિ માત્ર મધુમાલતી સોસાયટીની જ નહીં, પરંતુ અમદાવાદના 300 કરતાં વધારે વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે."
"અમારી સોસાયટીમાં લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે. તેને લીધે ઘરનું ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, અનાજ અને બીજું નુકશાન થાય છે. લાખો રૂપિયાનું નુકશાન થાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન