એ કારણ જેના લીધે સુરતમાં દર ચોમાસે પૂર આવે છે અને શહેર ડૂબી જાય

    • લેેખક, શીતલ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મહાનગરપાલિકાનું આઠ હજાર 873 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ.

ડાયમંડ અને ટેક્સટાઇલનું હબ અને ગુજરાતની સત્તાના કેન્દ્રમાં મોટો પ્રભાવ. આટલી બધી વિશેષતાઓ ધરાવતુ સુરત શહેર હાલમાં જે કારણોસર ચર્ચામાં હતું તે હતું ખાડીપૂર.

સુરત શહેર સહિત પલસાણા,બારડોલી જેવાં શહેરમાંથી પસાર થતી ખાડીઓના કૅચમૅન્ટ વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે સુરતમાં ખાડીપૂરનું સંકટ સર્જાયું હતું.

ચાર દિવસ સુધી શહેરના અનેક વિસ્તારોમાં પાંચથી 10 ફૂટ જેટલાં પાણી ભરાયાં હતાં. ભારે વરસાદ અને પૂરને કારણે લોકોને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું.

ભારે વરસાદ અને ખાડીપૂરને કારણે સુરતમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં. આશરે સાડા ત્રણ લાખ લોકો આ પૂરથી પ્રભાવિત થયા હતા.

જુલાઈ મહિનામાં સુરત શહેરમાં આવેલા ખાડીપૂરનાં પાણી ઓસરી ગયાં છે અને ખાડીપૂરને કારણે થંભી ગયેલું સુરતનું જનજીવન ફરી પાટે ચડી ગયું છે. પરંતુ મુખ્ય સવાલ એ છે કે આટલી વિકાસની વાતો વચ્ચે શહેરના લોકોને કેમ ચાર દિવસ સુધી દુર્ગંધ મારતાં પાણીમાં ભૂખ્યા, તરસ્યા અને વીજળી વગર પસાર કરવા પડ્યા?

ખાડીપૂર આવવા પાછળ શું કારણ છે?

હાલમાં જે ખાડીપૂર આવ્યું હતું તે માટે સુરતના મેયર દક્ષેશ માવાણીએ ઉપરવાસમાં પડેલાં વરસાદ અને દરિયામાં આવેલી ભરતીને જવાબદાર ગણાવ્યાં.

તેમણે જણાવ્યું હતું કે ઉપરવાસમાં પડેલાં વરસાદને કારણે ખાડીઓનાં જળસ્તરમાં વધારો થયો હતો. બીજી તરફ દરિયામાં ભરતીના કારણે સ્થિતિ વણસી ગઈ હતી. પરંતુ શું માત્ર કુદરતી કારણોસર સુરત શહેરમાં આટલા દિવસો સુધી ભરાઈ રહ્યાં?

નિષ્ણાતો આ પૂરને માનવસર્જિત ગણી રહ્યા છે.

તેમનો તર્ક છે કે યોગ્ય આયોજન અને નિયમોના અમલીકરણના અભાવે શહેરના લોકોને આ સહન કરવાનો વારો આવ્યો હતો.

દિનેશ સાવલિયા સુરત શહેરના વોર્ડ નંબર 16 (પૂણા પશ્ચિમ)ના પૂર્વ નગરસેવક છે. તેઓ માને છે કે ખાડીપૂર આવવાનું કારણ ફક્ત ઉપરવાસનો વરસાદ નહીં પરંતુ આડેધડ કરવામાં આવેલાં વિકાસકાર્યો છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, ''હદવિસ્તરણ પહેલાં પણ સુરતમાં પાણી ભરાતાં હતાં પરંતુ ભૌગોલિક સ્થિતિનું અવલોકન કર્યા વગર સ્ટ્રૉમ ડ્રેનેજ અને ડ્રેનેજલાઈનો ખાડી સાથે જોડી દેવામાં આવી છે. ઉપરાંત વિવિધ પ્રોજેક્ટોને કારણે ખાડીઓની પ્રાકૃતિક પાણીવહન કરવાની ક્ષમતાને ગંભીર અસર થઈ છે.''

સુરત મહાનગરપાલિકા દ્વારા ‘ખાડી રીમોડૅલિંગ’ અંતર્ગત શહેરની ખાડીઓ પર પાળ બાંધવામાં આવી છે અને તેની બાજુમાંથી રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. અલથાણ- બમરોલીથી પસાર થતી કાંકરા ખાડીની બંને બાજુએ 139 કરોડ રૂપિયાના ખર્ચે 'વાઇલ્ડ વૅલી બાયૉડાઈવર્સિટી પાર્ક' સાકાર થઈ રહ્યો છે.

આ ઉપરાંત ખાડીઓ ઉપર બૉક્સ બનાવવાની યોજનાનું પણ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

તો શું શહેરીકરણને કારણે ખાડીઓ સાંકડી થઈ ગઈ છે? અને શું તેના કારણે થોડાક વરસાદમાં ખાડીની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે?

પર્યાવરણવાદી એમ. એસ. શેખ બીબીસી સાથે વાત કરતા જણાવે છે, ''વારંવાર આવતું ખાડીપૂર એ માનવસર્જિત છે. સુરત મહાનગરપાલિકાએ પાણીના પ્રવાહના કુદરતી માર્ગ ઉપર સિમેન્ટ કોંક્રિટની દીવાલો તાણી દીધી છે. જૂની ફ્લડ પ્લૅનની જે જગ્યાઓ હતી ત્યાં જાહેર સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જેથી ખાડીઓ ન માત્ર સાંકડી થઈ ગઈ છે પરંતુ તેની વહનક્ષમતા ઘટી ગઈ છે. પરિણામે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.''

એમ. એસ. શેખ સુરત મહાનગરપાલિકાના તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટને પણ આ સ્થિતિ માટે જવાબદાર ગણે છે.

તેઓ કહે છે, ''આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં પસાર થતી તમામ ખાડીઓનું પાણી મીંઢોળા નદીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે જે દરિયામાં જઈને ભળે છે. સાલ 2017માં મેં મહાનગરપાલિકાને જણાવ્યું હતું કે પ્રોજેક્ટના અમલીકરણથી ખાડીઓના કુદરતી પ્રવાહને અસર થઈ શકે છે. તેમ છતાં મહાનગરપાલિકાએ ખાડીઓની બંને બાજુ સિમેન્ટના પાળા બનાવ્યા છે. સાથે-સાથે મૂળ કુદરતી ડ્રેઇન નેટવર્ક ઉપર રસ્તાઓ બનાવ્યા છે.''

''મહાનગરપાલિકાના અધિકારીઓ ભૂલી ગયા હતા કે ખાડી પર જે સિમેન્ટની ચૅનલ બનાવવામાં આવી છે તે પણ પાણીને અવરોધવાનું કામ કરે છે. વધુ શહેરીકરણને કારણે અને કોઈ પણ બોધપાઠ ન લેવાને કારણે મુંબઈ અને ચેન્નાઈનાં પૂરનાં દૃશ્યોનું પુનરાવર્તન સુરતમાં થઈ રહ્યું છે.''

શું કરવું જોઈએ?

સૅન્ટર ફૉર ઍન્વાયરમેન્ટ ઍન્ડ પ્લાનિંગ (સેપ્ટ) યુનિવર્સિટીના પ્રોફેસર શિવાનંદ સ્વામી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, ''શહેરીકરણના કારણે ખાડીઓના કુદરતી વહેણને મોટું નુકસાન થયું છે અથવા બંધ થઈ ગયું છે જેના કારણે અર્બન ફ્લડિંગ (શહેરોમાં થોડા વરસાદમાં પૂરની સ્થિતિ)ની ઘટના સામાન્ય બની રહી છે."

"ટાઉન પ્લાનિંગ સ્કીમને વધુ સમાવેશી બનાવવાની જરૂર છે અને માસ્ટર પ્લાન બનાવતી વખતે વરસાદની તીવ્રતા અને પાણી ભરાય તો શું કરવું તેનો પણ સમાવેશ કરવો જોઈએ. શહેરની કેટલીક જગ્યામાં કોઈ પણ પ્રકારના બાંધકામ માટે પરવાનગી આપવી જોઈએ નહીં. માત્ર જરૂર હોય એટલો જ વિકાસ કરવો જોઈએ."

સુરતના આર્કિટૅક્ટો પણ શહેરમાં વારંવાર આવતાં પૂર માટે આડેધડ વિકાસને જવાબદાર ગણી રહ્યા છે. તેમના મતે 80 લાખ કરતાં વધુ વસતી ધરાવતાં સુરતમાં તળાવો ગાયબ થઈ રહ્યાં છે અને ખાડીઓ નામમાત્રની રહી ગઈ છે.

આર્કિટૅક્ટ સુજીત પાઠક કહે છે, "નજીવા વરસાદમાં જે પૂર આવે છે તેની પાછળ મુખ્ય કારણ સુરત મહાનગરપાલિકા અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઑથોરીટી (સુડા) દ્વારા જાહેર કરવામાં આવતી ટાઉન પ્લાનિંગ સ્કીમ છે. વર્ષોથી રસ્તા, બ્રિજ અને ઑવરબ્રિજ બનાવવા માટે તળાવો અને ખાડીઓમાં દબાણ કરવામાં આવ્યું છે. જેને કારણે સુરત વારંવાર પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. પ્રિમોન્સૂન કામગીરી ઉપરાંત હવેથી પોસ્ટ-મોન્સૂન કામગીરી પણ કરવી જોઈએ જેથી વરસાદની ઋતુમાં પાણી ભરાયાં હોય ત્યાં બીજી વખત પાણી ન ભરાય."

'ખાડીઓના પટમાં મોટાપાયે બાંધકામ'

સુરત શહેરમાંથી કોયલી ખાડી, મીઠી ખાડી, કાંકરા ખાડી, ભેદવાડ ખાડી અને સીમાડા ખાડી- આમ પાંચ મુખ્ય ખાડીઓ પસાર થાય છે. આ ખાડીઓની આસપાસ વિવિધ રીતે દબાણ થયું છે જેની સતત અવગણના કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકામાં વિરોધપક્ષનાં નેતા પાયલ સાકરિયા કહે છે, "સુરતમાંથી પસાર થતી ખાડીઓ નજીક વસાહતો અને બિલ્ડીંગો બની ચૂકી છે. ખાડીઓ પાસે ઠેરઠેર દબાણ થઈ ગયાં છે. શાસકો દ્વારા દબાણો દૂર કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી."

હાલમાં જ મીઠી ખાડીમાં પૂર આવ્યું હતું. હવે જો મીઠી ખાડીની વાત કરીએ તો તેના કુદરતી વહેણ ક્ષેત્રમાં ન માત્ર વસાહતો અને બિલ્ડીંગો પરંતુ કાપડ માર્કેટ પણ બની ચૂક્યું છે. આ પુરવાર કરે છે કે ખાડીઓ પર મોટા પાયે દબાણ થયું છે. ચોમાસામાં ખાડીનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય છે.'

આજે ખાડીના પટમાં તમને ભાગ્યે જ ખુલ્લી જગ્યા જોવા મળશે. આ બાંધકામોના કારણે શહેરમાંથી પસાર થતી ખાડીઓ સાંકડી થઈ ગઈ છે જેના કારણે સુરત ખાડી પૂરનો સામનો કરી રહ્યું છે.

પાયલ સાકરિયા વધુમાં કહે છે, "જો કોઈ સામાન્ય માણસ પોતાના મકાનમાં એક માળ પણ લેતો હોય તો ત્યાં પાલિકાના અધિકારીઓ પહોંચી જાય છે પરંતુ ખાડીઓ પરનાં મોટાંમોટાં દબાણો સામે કાર્યવાહી થતી નથી. આવું કેમ?"

કિનારે બાંધકામની પરવાનગી કઈ રીતે મળી જાય છે?

સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત સિટી ઍન્જિનિયર જતીન શાહ કહે છે, ''જ્યારે ગુજરાત સરકારે ટાઉન પ્લાનિંગની સ્કીમ મંજૂર કરી હતી ત્યારે ખાડી કિનારેના વિસ્તારોમાં ફાઇનલ પ્લૉટ ફાળવાયા હતા. ફાઇનલ પ્લૉટમાં તમે બાંધકામ કરી શકો છો. તે વખતે ખાડીકિનારે ઔદ્યોગિક એકમો આવ્યાં અને સમય જતાં તેની સંખ્યા વધવાં લાગી.''

''જેમ દરિયાકાંઠે કૉસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) હોય છે તેવું ખાડીને લાગુ પડતો નથી અને એટલા માટે પટ સુધી બાંધકામ કાયદેસર થઈ જાય છે. કેટલાંક બાંધકામો એવાં હતાં જે શાસકોએ જે-તે સમયે નિયમિત કર્યા હતાં અને એટલાં માટે આજે તેને તોડવાં શક્ય નથી.''

દિનેશ સાવલિયા કહે છે, ''શહેરના પુણા વિસ્તારથી પસાર થતી કોયલી ખાડીના પટ નજીક પણ ઠેરઠેર દબાણ છે. ખાડી રી-ડેવલપમેન્ટની કામગીરી દરમિયાન કેટલાક વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ સિવાય જે પણ કોઈ દબાણો છે તેને હજી સુધી પાલિકાએ દૂર કર્યા નથી.''

શું મહાનગરપાલિકાએ કોઈ પૂર્વ તૈયારી કરી હતી?

સુરત મહાનગરપાલિકા કહે છે કે પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ડ્રેનેજ અને ખાડીઓની સાફ-સફાઈ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.

  • વરાછા ઝોન A = 28.69 લાખના ખર્ચે 10 હજાર 560 ઘનમીટર કચરો કાઢવામાં આવ્યો
  • વરાછા ઝોન B = 11.78 લાખના ખર્ચે,10 હજાર 960 ઘનમીટર કચરો કાઢવામાં આવ્યો
  • આઠવા ઝોન = 32 લાખ 32 હજારના ખર્ચે, 300 ઘનમીટર કચરો કાઢવામાં આવ્યો
  • સાઉથ ઝોન A = 19.83 લાખના ખર્ચે, 70 હજાર ઘનમીટર કચરો કાઢવામાં આવ્યો
  • સાઉથ ઝોન B = 45.77 લાખ ખર્ચે,35 હજાર 500 ઘનમીટર કાઢવામાં આવ્યો
  • લિંબાયત ઝોન = 71.76 લાખ ખર્ચ, 28 હજાર 870 ધનમીટર કાઢવામાં આવ્યો

મીઠી ખાડીમાં પૂર આવ્યું હતું તેના ડ્રેજિંગ પાછળ સુરત મહાનગરપાલિકાએ છેલ્લાં બે વર્ષમાં 30 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ઉપરાંત નાણાકિય વર્ષ 2023-24માં ખાડીઓની ડિસિલ્ટિંગની કામગીરી પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચ કર્યો છે.

પરંતુ શું આટલી તૈયારી પૂરતી કહેવાય?

સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત સિટી ઍન્જિનિયર જતીન શાહ કહે છે, ''સામાન્ય રીતે ડિસિલ્ટિંગ અને સફાઈ જ મુખ્ય કામગીરી હોય છે. આ ઉપરાંત જરૂર હોય ત્યારે ખાડીને કેટલીક જગ્યાએ પહોળી અને ઊંડી કરવામાં આવે છે. આ જેસીબી અને અન્ય મશીનો દ્વારા કરવામાં આવે છે જેથી ખાડીમાં પાણી વધી જાય તો કિનારા પર રહેતાં લોકોને અસર ન થાય.''

વિપક્ષ અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જે પ્રમાણે દાવાઓ કરવામાં આવ્યા છે તે પ્રમાણે કામગીરી થઈ નથી.

સુરતના લિંબાયત વિસ્તારના ઓમનગરમાં રહેતા ઇકબાલભાઈ પઠાણે બીબીસીને જણાવ્યું કે, ''વરસાદ પહેલાં જ અમે અધિકારીઓને ડ્રેનેજલાઇન અને સ્ટ્રોર્મ ડ્રેનેજની લાઇનોની સફાઈ કરવા માટે રજૂઆત કરી હતી. આ પહેલી વખત નથી જ્યારે અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હોય. લગભગ દર વર્ષે અમારા વિસ્તારમાં વરસાદી પાણીની સાથે ગટરનું પાણી પણ ભરાઈ જાય છે. અમે વારંવારની આ સમસ્યાનો નિકાલ થાય તે માટે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ પરિણામ મળ્યું નથી.''

પાયલ સાકરિયા કહે છે, ''સુરત મહાનગરપાલિકામાં પ્રિમોન્સૂન કામગીરીની જમીની હકીકત અલગ છે. અમે જાતે ખાડીઓની મુલાકાત લઈને પ્રિમોન્સૂન કામગીરીની તપાસ કરી હતી. મુલાકાત દરમિયાન અમને ખાડીઓમાં કચરો જોવા મળ્યો હતો. જો ખાડીઓની સફાઈ તેમજ ડ્રેજિંગ કરવામાં આવે તો ખાડીપૂરની સમસ્યા ઓછી થઈ શકે છે.''

આ પહેલી વાર નથી કે સુરતના લોકોએ ખાડી પૂરનો સામનો કર્યો હોય. અગાઉ પણ 2004 અને 2020 માં સુરતમાં ખાડીપૂર આવી ચૂક્યું છે.

જો શહેરના લિંબાયત વિસ્તારની વાત કરીએ તો લગભગ દર બીજા વર્ષે ખાડીની આજુબાજુના વિસ્તારોમાં પુરની સમસ્યા ઊભી થાય છે.

લિંબાયતની બેઠી કોલોનીમાં રહેતા 45 વર્ષના અબદુલ્લાખાન પઠાણ આક્રોશ ઠાલવતા કહે છે, ''હું 45 વર્ષથી અહીં રહું છું અને અહીં ઓછાંમાં ઓછું 20 વખત ખાડીપૂર આવ્યું છે. આ વખતે મારા ઘરમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતાં. શું ખાઈએ અને ક્યાં ઊંઘીએ એ સમજાતું નહોતું. ઘરમાં નાનું બાળક છે અને હવે તેના સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે. સાવ જનાવર જેવી હાલત થઈ ગઈ છે.''

''જો સુરતમાં વધુ વરસાદ પડે અથવા ઉપરવાસમાં વધુ વરસાદ હોય ત્યારે અમારાં ઘરોમાં ખાડીનાં પાણી ભરાઈ જાય છે. દર બે અથવા ત્રણ વર્ષે આવી સમસ્યા જોવા મળે છે પરંતુ અમારી સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી. ડ્રેનેજ તેમજ ખાડીઓની યોગ્ય સફાઈના અભાવે દર વખતે અમારે સહન કરવું પડે છે.''

ચાર દિવસ સુધી ખાડીપૂરે શહેરને બાનમાં લીધા બાદ પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી એ સમયે બીબીસીની ટીમ લિંબાયત વિસ્તારના કમરૂનગર પહોંચી હતી.

અહીં નાનાં બાળકો ફૂડ પેકેટ લેવાં માટે પડાપડી કરી રહ્યાં હતાં અને મહિલાઓ પીવાનું પાણી ભરતાં મળી આવ્યાં હતાં. લોકોનાં ઘરોમાં ફ્રીઝ, ટીવી, વૉશિંગમશીન સહિતની કીમતી વસ્તુઓ પાણીમાં પલળી ગઈ હતી. ઘરની સાફસફાઈ કરી રહેલા લોકોના ચહેરા પર ઉદાસી હતી અને તંત્ર સામે આક્રોશ હતો.

ભાવના પાટીલ પણ પાણી ભરી રહ્યાં હતાં. આક્રોશ સાથે તેઓ કહે છે, ''અમે તો એક સારી સોસાયટીમાં રહેવાં આવ્યાં હતાં પરંતુ હવે ખબર નથી પડી રહી કે આ સોસાયટી છે કે ઝૂપડપટ્ટી?''

શું મહાનગરપાલિકા પાસે કોઈ પ્લાન છે?

આ વર્ષે પણ ખાડી પૂરના કારણે લિંબાયતના બેઠી કોલોની, ફૂલવાડી, નુરે ઇલાહી નગર, ઇન્દ્રા વસાહત, ક્રાંતિ નગર, રાવ નગર, કમરૂ નગર અને ઓમનગરમાં આશરે 10 હજાર લોકો પ્રભાવિત થયા હતા. પરંતુ સવાલ એ છે કે મહાનગરપાલિકા લાંબાગાળાનું આયોજન કેમ કરતી નથી?

મહાનગરપાલિકાના ડ્રેનેજ સમિતિના ચૅરમૅન કેયુર ચપટવાળાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે "સુરતમાંથી જે પાંચ મુખ્ય ખાડીઓ પસાર થાય છે અને તે સિંચાઈ વિભાગના અંડરમાં આવે છે. તેમાં ચાર વર્ષમાં એક વખત ડ્રેજીંગની કામગીરી કરવામાં આવે છે."

"સુરત મહાનગર પાલિકા લાંબાગાળાનું પ્લાનિંગ કર્યું છે ખાડીઓના રી-મોડૅલિંગ અને રિ-સ્ટ્રક્ચરિંગ માટેની ફાઇલો અમે રાજ્ય સરકારમાં મૂકી છે. જે પાસ થતાં જ ખાડીઓને તેની અસલ પહોળાઈમાં લાવવાનું અને બૉક્સ મૂકી ખાડીઓને પૅક કરવાની કામગીરી કરવામાં આવશે."

"હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા અર્ચના સર્કલ પાસે જેમ ખાડી પર બૉક્સ બનાવવામાં આવ્યું છે તે જ રીતે આવનારા સમયમાં બાકીની ખાડીઓને પણ પૅક કરવામાં આવશે"

આ વિશે એમ. એચ. શેખ કહે છે કે, ''મહાનગરપાલિકા પાસે ચોમાસાનાં પાણીનાં નિકાલ અને સ્ટ્રૉર્મ ડ્રેનેજ નેટવર્ક માટે કોઈ વ્યવસ્થિત લાંબા ગાળાનું આયોજન નથી. ફક્ત કેન્દ્ર સરકાર પાસેથી વધુ પૈસા મેળવવા માટે એસ.એમ.સી. સુરત શહેર માટે કોઈ વ્યાપક યોજના વિના વ્યક્તિગત આયોજિત આડેધડ પ્રોજેક્ટ સ્થાપિત કરે છે.''

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.