You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ દેશો, જ્યાં 24 કલાકમાં એવો વરસાદ પડ્યો, જેનો રેકૉર્ડ આજ સુધી તૂટ્યો નથી
ગુજરાતમાં હાલ જોઈએ એવો વરસાદ નથી થઈ રહ્યો અને ઘણા જિલ્લા હજી પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોને બાકાત કરતાં રાજ્યનો એક મોટો ભાગ છે જ્યાં હજુ સુધી જોઈએ એવો વરસાદ થયો નથી.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદ પડશે અને ખેડૂતો સહિત સૌ કોઈ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
વરસાદના અભાવે કેટલીક જગ્યાએ વાવણી બહુ મોડી શરૂ થઈ છે. કેટલાક પાક એવા છે જેની વાવણી ત્યારે જ શક્ય જ્યારે વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થઈ જાય.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. જુલાઈ મહિનામાં અપેક્ષા પ્રમાણે વરસાદ પડ્યો નથી. ઉત્તર પશ્ચિમ ભારતમાં 12 ટકા વરસાદની ઘટ છે, પૂર્વ અને ઉત્તર પૂર્વમાં 10 ટકા ઘટ છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર ભારતનાં જળશયોમાં પાણીની ઘટ 10 ટકાથી વધીને 13 ટકા થઈ ગઈ છે. ભારતનાં 10 રાજ્યોમાં સરેરાશ કરતાં 25 ટકા ઓછો વરસાદ પડ્યો છે. આંધ્ર પ્રદેશ, બિહાર અને પંજાબમાં સરેરાશ કરતા 50 ટકા વધુ વરસાદની ઘટ છે. ગુજરાતની સ્થિતિ થોડી સારી છે. અહીં કુલ સરેરાશ વરસાદથી 6 ટકા વધુ વરસાદ થયો
પરંતુ વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં વિપુલ પ્રમાણમાં વરસાદ પડે છે. વિશ્વમાં સૌથી વધુ વરસાદ પડવાની પાંચ ઘટનાઓમાં ચાર ઘટના આ દેશમાં નોંધાઈ છે.
રેયુનિયોન આઇલૅન્ડમાં પડે છે અતિભારે વરસાદ
હિન્દ મહાસાગર વિસ્તારમાં આવેલા રેયુનિયોન આઇલૅન્ડ એક 2 હજાર 511 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતો ટાપુ છે. આ દેશની એક તરફ મડાગાસ્કર છે અને બીજી બાજુ મોરિશિયસ છે. રેયુનિયોન આઇલૅન્ડ પર ફ્રાન્સનું નિયંત્રણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચારેય તરફ દરિયા હોવાના કારણે રિયુનિયન આઇલૅન્ડ ઉષ્ણકટિબંધીય વાતાવરણ ધરાવે છે અને અહીં સારી જૈવવિવિધતા છે. સમગ્ર ટાપુ પહાડો, ઊંડી ખીણો અને દરિયાકાંઠાના વિસ્તારથી ઘેરાયલો છે.
અહીં વાતાવરણ બહુ તીવ્ર હોય છે અને ટ્રૉપિક્લ સાઇક્લોન (ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં) આવતાં રહેતાં હોય છે. ઘણી વખત એક વાવાઝોડા બાદ ટૂંક સમયમાં બીજું વાવાઝોડું આવી જાય છે જેના કારણે વરસાદની સિઝન લાંબી ચાલે છે.
વિશ્વનું સૌથી વધુ વરસાદ પડ્યો હોય એવું અહીં ચાર વખત બન્યું છે. માર્ચ 1952માં 24 કલાકમાં રેયુનિયોનના સિલાઓસમાં આશરે 74 ઇંચ વરસાદ પડ્યો હતો, જે આજે પણ એક રેકૉર્ડ છે. 24 કલાકમાં આટલો વરસાદ પડ્યો હોય તેવું બીજે ક્યાંક નોંધાયું નથી.
ફેબ્રુઆરી 1964માં રેયુનિયોનના બેલોવ વિસ્તારમાં 12 કલાકમાં 53 ઇંચ વરસાદ પડ્યો હતો. દર કલાકે 4.12 ઇંચ વરસાદ નોંધાયો હતો જે આજે પણ વિશ્વનો સૌથી વધુ વરસાદનો રેકૉર્ડ ધરાવે છે.
સાલ 1958ની એપ્રિલ મહિનામાં ઓરેરે વિસ્તારમાં 24 કલાકમાં 155.2 સેન્ટિમીટર વરસાદ પડ્યો છે જે પણ એક રેકૉર્ડ છે. આ રેકૉર્ડ આજે પણ તૂટ્યો નથી અને ઇતિહાસના પાને નોંધાયલો છે.
રેયુનિયોન સૌથી વધુ વરસાદનો વધુ એક રેકૉર્ડ ધરાવે છે જે પણ હજુ સુધી તૂટ્યો નથી. માર્ચ 1952માં સિલીયોસમાં 100 કલાકમાં 152 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સિલાઓસમાં વાવાઝોડા બાદ વરસાદ શરૂ થયો હતો અને પાંચ દિવસ સુધી અનરાધાર વરસાદ પડ્યો હતો. સતત વરસાદના કારણે સિલાઓસમાં ભયાનક પૂર આવી ગયાં હતાં.
અત્રે નોંધનીય છે કે સિલાઓસ પહેલાં આ રેકૉર્ડ ભારતના ચેરાપૂંજીના નામે હતો. સાલ 1841માં ઑગસ્ટ મહિનામાં 100 કલાકમાં 150 ઇંચ વરસાદ નોંધાયો હતો.
કેમ પડે છે આટલો વરસાદ?
ટ્રૉપિકલ સાઇક્લોન (ઉષ્ણકટિબંધીય વાવાઝોડા)ના કારણે રેયુનિયોન આઇલૅન્ડમાં ધોધમાર વરસાદ પડે છે. ડિસેમ્બર મહિનાથી લઈને માર્ચ મહિના સુધી અહીં ઝડપી પવન ફૂંકાતા હોય છે અને વરસાદ પડતો હોય છે.
ઑક્ટોબર, નવેમ્બર અને એપ્રિલ મહિનામાં અહીં નાનાં મોટાં વાવાઝોડાં આવતાં હોય છે. ક્યારેક વાવાઝોડાં દિવસો સુધી સક્રિય હોય છે જેના કારણે વરસાદની તીવ્રતા અને પ્રમાણ ખૂબ વધારે હોય છે.
આ ટાપુ મુખ્યત્વે ડુંગરાળ વિસ્તાર ધરાવે છે અને કેટલીક ડુંગરો ખાસ્સા ઊંચા છે. સાથેસાથે અહીં જવાળામુખી પણ છે જેના કારણે વાદળો બનવાની પ્રક્રિયાને પણ વેગ મળે છે. ટાપુમાં જે સૌથી મોટી જવાળામુખી છે તે દસ હજાર ફૂટની ઊંચાઈ ધરાવે છે. જવાળામુખીથી મીઠું, રેતી અને અન્ય કુદરતી રસાયણોના બહાર આવે છે જે વાદળ બનવામાં મદદરૂપ થાય છે.
એક વાર વરસાદ શરૂ થાય બાદ 10 કલાકથી લઈને 15 દિવસ સુધી વરસાદ પડી શકે છે જેના કારણે અહીં સરેરાશ વરસાદ 300 મિલીમીટર અથવા તેના કરતા વધુ હોય છે.
જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સમગ્ર રેયુનિયોન આઇલૅન્ડમાં જનજીવન લગભગ ઠપ્પ થઈ જાય છે, કારણ કે ગમે ત્યારે વાવાઝોડાની સાથે ધોધમાર વરસાદ ત્રાટકે છે.
રેયુનિયોનમાં દર મહિને વરસાદ થાય છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 2000 મિલીમીટરથી વધુ છે. સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ થવાની શક્યતા રહેલી છે. એક મહિનામાં 200 મિલીમીટરથી લઈને 1700 મિલીમીટર સુધીનો વરસાદ પડતો હોવાથી લોકો માટે પણ મુશ્કેલી સર્જાય છે.
જ્યારે એક મિનિટમાં 1.23 ઇંચ વરસાદ પડ્યો
વરસાદના મામલે અમેરિકા પણ એક અનોખો રેકૉર્ડ ધરાવે છે અને તે છે એક મિનિટમાં સૌથી વધુ વરસાદ પડવાનો.
યુએસ વેધર બ્યુરો અનુસાર ચાર જુલાઈ 1956ના રોજ મેરિલૅન્ડના યુનિયનવિલેમાં એક મિનિટમાં 1.23 ઇંચ વરસાદ પડ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.
ચાર જુલાઈએ યુનિયનવિલેમાં વાવાઝોડા બાદ વરસાદ પડ્યો હતો. બપોરે બે વાગ્યે અને પચાસ મિનિટે વરસાદ શરૂ થયો હતો અને ત્રણ વાગે અને 40 મિનિટે બંધ થયો હતો.
હવામાન વિભાગે આ વરસાદને માપ્યો હતો. વિભાગ અનુસાર બપોરે ત્રણ વાગે અને 23 મિનિટે વરસાદના ચાર્ટ સ્કેલમાં 2.47 ઇંચ નોંધાયો હતો. પરંતુ બીજી મિનિટ એટલે કે ત્રણ વાગે 24 મિનિટે ચાર્ટ સ્કેલમાં 3.70 ઇંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું હતું. એટલે એક મિનિટમાં 1.23 વરસાદ પડ્યો હતો.
આટલાં વર્ષો પછી પણ આ રેકૉર્ડ તૂટ્યો નથી. યુનિયનવિલે પહેલા આ રેકૉર્ડ અમેરિકાના જેફરસન વિસ્તારના નામે હતો. અહીં એક મિનિટમાં 0.69 ઇંચ વરસાદ પડ્યો હતો.
વિશ્વમાં કયા અને ક્યારે નોંધાયો છે ભારે વરસાદ?
વિશ્વમાં કેટલીક જગ્યાઓ છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. કેટલાક રેકૉર્ડ હજુ પણ અકબંધ છે અને કેટલાક તૂટી ગયા છે.
- માર્ચ 1952માં 24 કલાકમાં રેયુનિયોનના સિલીયોસમાં 74 ઇંચ વરસાદ
- ફેબ્રુઆરી 1964માં રેયુનિયોનના બેલોવ વિસ્તારમાં 12 કલાકમાં 53 ઇંચ વરસાદ
- માર્ચ 1952માં સિલીયોસમાં 100 કલાકમાં 152 ઇંચ વરસાદ
- સાલ 1958ની એપ્રિલ મહિનામાં ઓરેરે વિસ્તારમાં 24 કલાકમાં 1552 મિલીમીટર વરસાદ
- ઑગસ્ટ 1977માં ચીનના મુઓકાઇકાંગમાં 24 કલાકમાં 1378 મિલીમીટર વરસાદ
જો સરેરાશ વાર્ષિક વરસાદની વાત કરીએ તો ભારતના મેઘાલય રાજ્યમાં આવેલા મોઝિનરામમાં સૌથી વધુ વરસાદ પડે છે. ખાસી ટેકરીઓની દક્ષિણ શ્રેણીમાં આવેલા મોઝિનરામમાં દર વર્ષે સરેરાશ 11 હજાર 873 મિલીમીટર વરસાદ પડે છે. અહીં વરસાદ મુખ્યત્વે ચોમાસાની ઋતુમાં જૂન અને સપ્ટેમ્બર વચ્ચે પડે છે.
મેઘાલયનું ચેરાપૂંજી બીજા ક્રમાંકે આવે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 11 હજાર 430 મિલીમીટર છે, જે મોઝિનરામ બાદ સૌથી વધુ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન