ગણેશ ગોંડલની ધરપકડથી લઈને રાજુ સોલંકી પર ગુજસીટોકના મામલામાં અત્યાર સુધી શું શું થયું?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગોંડલના ગણેશ જયરાજસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ અને જૂનાગઢના રાજુ સોલંકી વચ્ચે મે મહિનામાં થયેલી માથાકૂટનો વિવાદ ચર્ચાસ્પદ બન્યો હતો.

થોડા દિવસ પહેલાં ત્રીજી ઑગસ્ટે રાજુ સોલંકી તેમજ અન્ય ચાર લોકો પર ગુજસીટોકનો ગુનો દાખલ કરીને તેમને સુરતની લાજપોર જેલમાં લઈ જવામાં આવ્યા છે.

રાજુ સોલંકી તેમજ અન્ય ચાર જણાને પોલીસે સંગઠિત ગુનાહિત ગેંગ જાહેર કરીને તેમની સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે પોતાના નિવેદનમાં નોંધ્યું છે કે આ આરોપીઓ સમક્ષ ભૂતકાળમાં ખૂનની કોશિશ, ચોરી, લૂંટ, પોલીસ પર હુમલો, અપહરણ, ખંડણી ઊઘરાવવી, મારામારી કરવી, ધાકધમકી આપવી, જુગાર, પોલીસના કામમાં અડચણ ઊભી કરવી સહિતના ગુનાઓ નોંધાયેલા હતા.

એ સબબ તેમની સામે ધ ગુજરાત કન્ટ્રોલ ઑફ ટેરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુજસીટોક હેઠળ રાજુ સોલંકી ઉપરાંત જયેશ સોલંકી, સંજય સોલંકી, દેવ સોલંકી અને યોગેશ બગડા સામે ગુનો નોંધાયો છે. આ તમામ લોકો જૂનાગઢના પ્રદીપના ખાડિયા વિસ્તારના મેઘમાયાનગરના રહેવાસી છે.

ક્યાંથી શરૂ થયો વિવાદ અને ગામ પણ કેમ બંધ રહ્યાં?

મે મહિનામાં થયેલી માથાકૂટ અને પોલીસ કેસ વિશે થોડું સમજી લઈએ.

30 મેના રોજ રાતે જૂનાગઢના દાતાર રોડ પર રાજુ સોલંકીનો 26 વર્ષનો પુત્ર સંજય બાઇક લઈને જતો હતો. તે બાઇક લઈને જતો હતો ત્યારે ગણેશ જાડેજા સાથે માથાકૂટ થઈ હતી. ગણેશ ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર છે. જ્યારે દલિત યુવાન સંજય સોલંકી કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ(નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઈન્ડિયા)ના નેતા છે.

ભાજપ નેતા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ તે ઘટનાને આકસ્મિક ગણાવી હતી. તેમણે એ વખતે પુત્ર ગણેશનો બચાવ કરતાં કહ્યું હતું કે, "તમે ડ્રાઇવ કરતા હોવ અને રસ્તા પર આગળ ચાલતા વાહન સાથે તમારો અકસ્માત થાય ત્યારે તમે આ અકસ્માત જાણી જોઈને નથી કરતા. આ અકસ્માત આકસ્મિક હોય છે. આ ઘટના પણ આવી જ છે. આ કોઈ પૂર્વનિયોજિત કાવતરું નહોતું."

આખો મામલો જૂનાગઢ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સંજય સોલંકીએ ગણેશ જાડેજા સામે પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, "ગણેશ જાડેજાએ તેમને પાઇપ જેવાં હથિયારોથી ઢોર માર મારીને અપહરણ કર્યું હતું. ત્યારબાદ ગોંડલની નજીક આવેલા એક ખેતરમાં નગ્ન કરીને વીડિયો ઉતારીને માફી મગાવી હતી. ગણેશે જીવથી મારી નાખવાની ધમકી આપીને જ્ઞાતિસૂચક અપશબ્દો કહી અપમાન કર્યું હતું."

જૂનાગઢ પોલીસે ગણેશ અને તેના અન્ય દસ સાથીઓ સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે છ દિવસ બાદ ગણેશ સહિત કુલ અગિયાર આરોપીઓની ધરપકડ કરી હતી.

જોકે, રાજુ સોલંકી અને તેમના સમર્થક દલિતોનો આરોપ હતો કે મામલો વગદાર તેમજ રાજકીય પરિવાર સાથે સંકળાયેલો હોય તેમાં ભીનું સંકેલાઈ શકે છે. તેમણે જૂનાગઢથી ગોંડલ સુધીની રેલી કાઢી હતી. તેમણે પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે પોલીસ આરોપી પ્રત્યે કુણું વલણ ધરાવી રહી છે.

બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થનમાં પણ લોકો આગળ આવ્યા હતા. ગોંડલ બંધનું એલાન થયું હતું. ગોંડલના માર્કેટિંગ યાર્ડ તેમજ કેટલાંક ગામોએ બંધ પાળ્યો હતો.

આમ 30 મેની રાત્રે બનેલી ઘટના પછી આ મામલો કોઈને કોઈ રીતે ચર્ચામાં જ હતો. ફરી ચર્ચાને વેગ ત્યારે મળ્યો જ્યારે રાજુ સોલંકી અને અન્ય ચાર જણાની ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી.

ગોંડલ વિશે વધુ વાંચો

રાજુ સોલંકીએ જ્યારે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ચીમકી ઉચ્ચારી

આ ઘટના પછી વિસાવદરના મોણપરી ગામે દલિત સમાજના લોકોની એક સભા યોજાઈ હતી. જેમાં ગણેશનાં માતા અને ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજાનું રાજીનામું અને પિતા જયરાજસિંહ જાડેજાની ધરપકડની માગ કરવામાં આવી હતી.

રાજુ સોલંકીએ કહ્યું હતું કે જો આવું નહીં થાય તો તેઓ સપરિવાર ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે. તેમણે જૂનાગઢ કલેક્ટર કચેરીએથી ધર્મપરિવર્તન કરવાનું ફૉર્મ પણ લીધું હતું.

તેમણે એ વખતે મીડિયાને કહ્યું હતું કે "ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી ભાજપની સરકાર છે અને દલિતો પર અત્યાચાર થતા રહે છે. જ્યારે અમને પેટાજાતિ પૂછવામાં આવે ત્યારે અમે હિંદુ લખીએ છીએ. આનાથી કંટાળીને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો છું."

તેઓ પંદર ઑગસ્ટે રાજ્યના મુખ્ય મંત્રી અને રાજ્યપાલને આવેદનપત્ર આપવાના હતા. એ અગાઉ તેમની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

આરોપ - પ્રત્યારોપ

રાજુ સોલંકીના વકીલ સંજય પંડિતને લાગે છે કે, "જેમની માથે સિત્તેર જેટલા ગુના છે અને ફરિયાદો થઈ છે છતાં એવા આરોપીઓ પર ગુજસીટોક લાગુ થયો નથી. તેની સાપેક્ષે રાજુ સોલંકીના એવા કોઈ ગુના નથી કે તેમના પર ગુજસીટોક જેવો કાયદો લાગુ પડે."

જોકે, તપાસ અધિકારી એવા જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાએ આ વાતનો ઇન્કાર કર્યો હતો.

સંજય પંડિતે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે સરકાર ગુજસીટોક કાયદાનો ગણતરીપૂર્વક(સિલેક્ટીવલી) ઉપયોગ કરી રહી છે. સરકારને કદાચ બીક પણ હોય કે પંદર ઑગસ્ટે ધમાલ થાય અને રાષ્ટ્રીય સ્તરે કોઈ અસર સર્જાય એવું પણ હોઈ શકે."

"રાજુ સોલંકીને ન્યાય ન મળે એ માટે ધર્મપરિવર્તન કરે તો એમાં ખોટું તો સરકારનું જ દેખાશે ને. ગુજસીટોક લગાવવાનું તારણ મને એ લાગે છે કે ભવિષ્યમાં કોઈ આવો મુદ્દો કોઈ ઉઠાવે નહીં એ માટે ઊગે તે પહેલાં જ ડામી દેવામાં આવે."

જૂનાગઢવાળી માથાકૂટ પછી ગણેશ ગોંડલ સહિત કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હજી પણ કેટલાક આરોપીઓને પકડવાના બાકી છે અને પોલીસ નરમ વલણ અપનાવી રહી છે એવો આક્ષેપ રાજુ સોલંકીએ કર્યો હતો.

સંજય પંડિતે કહ્યું હતું કે, "ફરિયાદીએ ફોટા સાથે કેટલાંકના નામ આપ્યાં હતાં. ચાર્જશીટ થઈ ત્યાં સુધી તેમની અટક નથી થઈ અને ચાર્જશીટમાં કોઈ ઉલ્લેખ નથી થયો. જો પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરે તો સ્વાભાવિક છે કે રાજુ સોલંકી સરકારને જ કહેશે."

આ મામલા પછી ગીતાબા જાડેજા રાજીનામું આપે તેવી પણ માગણી કરવામાં આવી હતી.

સંજય પંડિતે કહ્યું હતું કે, "બધી માગણી સંતોષાય એ જરૂરી નથી, પણ ગુનાને લગતી માગણી સંતોષાય એ માટે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. વળી, ગુજસીટોક કાયદો 2019થી અમલમાં આવ્યો છે. કોઈ પણ કાયદો છે તેની પશ્ચાત અસર ન હોય."

"કોઈ કાયદો સરકાર આજે અમલમાં લઈ આવે તો એની ભૂતકાળમાં અસર આંકવાની ન હોય, એની આજથી જ અસર અંકાય. સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે પોતાનું આ વલણ સ્પષ્ટ કર્યું છે. 2019 પછીના જો ગુના જોવામાં આવે તો એ વ્યક્તિગત તકરાર અને માથાકૂટના હતા."

જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાએ આ વાતનો ઇન્કાર કર્યો હતો.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે,"પંદર ઑગસ્ટે તેઓ આવેદનપત્ર આપે અને કોઈ ધાંધલ સર્જાય તેવી કોઈ વાત જ નથી. અન્ય ગંભીર ગુનેગારો સામે કેમ ગુજસીટોક કાયદો લગાવ્યો નથી એવો કોઈ વિષય જ નથી."

"સોલંકી અને અન્ય ચાર લોકો સામે ખંડણી ઊઘરાવવાથી માંડીને અપહરણ, લૂંટ, ખૂનની કોશિશ વગેરે ગુના હતા. ગુજસીટોક ગુનાઓને આધારે જ લાગુ કરવામાં આવ્યો છે."

રાજુ સોલંકીના વકીલે ઉઠાવેલા મુદ્દા અને સરકાર ગણતરીપૂર્વક કાયદાનો ઉપયોગ કરી રહી છે. એ વિશે સરકારી વકીલ તુષાર ગોકાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

તુષાર ગોકાણીએ બીબીસીને જણાવ્યું હતું કે, "આરોપીના વકીલે શું કહ્યું છે તે વિશે મારે કશું બોલવાનું ન હોય. મારે જે કાંઈ આરોપ પ્રત્યારોપ છે તે કોર્ટની અંદર કરવાના હોય છે."

"આ મામલે આરોપીઓ પર જે ગુનો લગાવવામાં આવ્યો છે અને ધરપકડ કરવામાં આવી છે તેના વિશે પોલીસના તપાસ અધિકારી જ સારી રીતે પ્રકાશ પાડી શકશે."

ગુજસીટોક કાયદો શું છે?

ગુજસીટોક કાયદો ગુજરાતમાં 1 ડિસેમ્બર, 2019થી અમલમાં આવ્યો છે. આ કાયદા મુજબ પોલીસ કોઈ પણ કાર્યવાહી વિના આરોપીને 180 દિવસ અટકાયતમાં રાખી શકે છે. તેમાં આગોતરાં જામીન પણ લાગુ પડતાં નથી.

વડા પ્રધાન નરેદ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા અને અમિત શાહ ગૃહમંત્રી હતા તે વખતે 2003માં આ કાયદો ઘડવા માટેનું બિલ વિધાનસભાએ પસાર કર્યું હતું.

ત્રણ રાષ્ટ્રપતિઓએ તેને સુધારા માટે પાછું મોકલ્યું હતું. 2015ના માર્ચમાં વિરોધપક્ષ કૉંગ્રેસના સભાત્યાગ વચ્ચે વિધાનસભાએ પસાર કરેલા આ વિધેયકને 2019માં રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી.

આતંકવાદી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા ઉપરાંત આ કાયદો વિવિધ પ્રકારના ગુનાઓને નાથવા માટે પણ ઘડવામાં આવ્યો છે. તેમાં આર્થિક છેતરપિંડી માટેની મલ્ટિલેવલ માર્કેટિંગ સ્કીમ્સ, પૉન્ઝી સ્કીમ્સ, ધાકધમકીથી પૈસા પડાવવા, હત્યા માટેની સોપારી આપવી-લેવી, સલામતી માટે પૈસા માગવા, કેફી દ્રવ્યોનો વેપાર કરવો જેવા ગુનાનો સમાવેશ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.