ક્રીમી લેયર શું છે, એસ સી-એસ ટી અનામતમાં તેના અમલથી શું અસર થશે

    • લેેખક, આશય યેડગે
    • પદ, બીબીસી સંવાદદાતા

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામત વિશેના 2024ની પહેલી ઑગસ્ટે આપેલા એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું હતું કે સરકાર આ સમુદાયોનું વર્ગીકરણ અનામતની મર્યાદા અંદર અલગથી કરી શકે છે.

વડા ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ બી આર ગવઈ, જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિત્તલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશચંદ્ર શર્માની સાત ન્યાયમૂર્તિઓની ખંડપીઠના છ ન્યાયમૂર્તિઓએ એસસી-એસટી અનામતમાં પેટા વર્ગીકરણની તરફેણમાં ચુકાદા આપ્યો હતો, જ્યારે એક ન્યાયમૂર્તિએ તેનો વિરોધ કર્યો હતો.

ચુકાદો આપતી વખતે અદાલતે એવી ભલામણ પણ કરી હતી કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામતમાં ક્રીમી લેયરની જોગવાઈ હોવી જોઈએ તેમજ અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી માટે ક્રીમી લેયરની જોગવાઈ અલગ હોવી જોઈએ.

અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામતમાં ક્રીમી લેયરની જોગવાઈની જરૂર છે? આ જોગવાઈ ઓબીસી વર્ગમાં ક્રીમી લેયરથી અલગ કેવી રીતે હોઈ શકે? ક્રીમી લેયરની તરફેણ તથા વિરોધ કરતા લોકો શું કહે છે? આ સવાલોને જવાબ મેળવવાનો પ્રયાસ આપણે આ લેખમાં કરીશું.

ક્રીમી લેયર બાબતે કોર્ટે શું કહ્યું

અનુસૂચિત જનજાતિમાં ક્રીમી લેયર બાબતે સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠના ચાર ન્યાયમૂર્તિઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

ક્રીમી લેયરનો અર્થ એ વર્ગ છે, જે આર્થિક અને સામાજિક રીતે પ્રગતિ કરી ચૂક્યો છે. આ શ્રેણીમાં આવતા લોકોને અનામતનો લાભ મળતો નથી.

હાલ ઓબીસી વર્ગની અનામતમાં ક્રીમી લેયરની મર્યાદા અમલી છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ સંબંધે પણ બઢતીમાં ક્રીમી લેયરનો સિદ્ધાંત લાગુ કરવામાં આવેલો છે.

બંધારણીય ખંડપીઠના સભ્ય બી આર ગવઈએ આ બાબતે કહ્યુ હતું, "સરકારે ઓબીસીની માફક અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે પણ ક્રીમી લેયરના અમલ સંબંધે માપદંડ બનાવવા જોઈએ. ઓબીસી અને અનુસૂચિત જનજાતિ માટે માપદંડ અલગ-અલગ હોઈ શકે છે."

તેમણે જણાવ્યું હતું કે બંધારણમાં આપવામાં આવેલા સમાનતાના સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે આ પગલું મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, પરંતુ ક્રીમી લેયર માટેના માપદંડ શું હશે, એ બાબતે તેમણે કોઈ ટિપ્પણી કરી ન હતી.

જસ્ટિસ પંકજ મિત્તલે એક માપદંડનો ઉલ્લેખ કર્યો હતો, જેનો ઉપયોગ અનુસૂચિત જનજાતિઓમાં ક્રીમી લેયર નક્કી કરતી વખતે કરી શકાય છે.

તેમણે કહ્યું હતું, "એક વિદ્યાર્થી સેન્ટ સ્ટીફન્સ કે કોઈ અન્ય શહેરી કૉલેજમાં અભ્યાસ કરતો હોય અને એક વિદ્યાર્થી ગ્રામ્ય વિસ્તારની સ્કૂલ કે કૉલેજમાં અભ્યાસ કરતો હોય તો આ બન્ને વિદ્યાર્થીઓને સમાન માની શકાય નહીં. એક પેઢી અનામતનો લાભ લઈને આગળ વધી હોય તો તેના પછીની પેઢીને અનામતનો લાભ ન મળવો જોઈએ."

જસ્ટિસ વિક્રમ નાથે પણ કહ્યું હતું, "ઓબીસીના માફક ક્રીમી લેયરની જોગવાઈ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર પણ લાગુ થવી જોઈએ, પરંતુ માપદંડ અલગ હોવા જોઈએ."

બીજી તરફ જસ્ટિસ સતીશચંદ્ર શર્માએ જણાવ્યું હતું કે એસસી, એસટી સમુદાયો માટે ક્રીમી લેયર નિર્ધારિત કરવા એક બંધારણીય આદેશ જરૂરી છે.

આ ન્યાયમૂર્તિઓની ટિપ્પણી માત્ર છે. તેથી ભવિષ્યમાં તેનો તત્કાળ અસરથી અમલ થશે નહીં. તેની સાથે એ વાત પણ મહત્ત્વની છે કે સુપ્રીમ કોર્ટની સામે ક્રીમી લેયરનો મુદ્દો ન હતો, પરંતુ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ એ મુદ્દાને ચર્ચામાં લાવ્યા છે.

આ બધા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ હોવાથી તેમનો સંદર્ભ આપી શકાય. નીતિ બનાવતી વખતે આ ટિપ્પણીઓ બાબતે વિચાર કરી શકાય અને એ સંદર્ભમાં આ મહત્ત્વપૂર્ણ પણ છે.

પછાતપણું નક્કી કરવાના માપદંડ શું છે

મહારાષ્ટ્રના વંચિત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે આ ચુકાદાનો વિરોધ કર્યો છે.

પ્રકાશ આંબેડકરે એક્સ પર લખ્યું હતું, "સુપ્રીમ કોર્ટનો ચુકાદો અનુસૂચિત જાતિ હેઠળ પછાતપણું નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાનારા માપદંડો બાબતે ચૂપ છે."

તેમણે કહ્યું હતું, "ઈ વી ચિનૈયાનો ચુકાદો હજુ પણ મજબૂત છે. અનામત હેઠળની શ્રેણીને 6થી એક સુધી યથાવત રાખવામાં આવી હોય તો પણ તે કલમક્રમાંક 14ની વિરુદ્ધનો નિર્ણય છે."

અનામતથી માત્ર એસસી, એસટી અને ઓબીસીને જ નહીં, પરંતુ સામાન્ય શ્રેણીઓને પણ લાભ થાય છે. પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે આ ચુકાદો બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે.

દક્ષિણ ભારતીય ફિલ્મ દિગ્દર્શક પા રંજીતે પણ અનુસૂચિત જાતિની અનામતમાં ક્રીમી લેયરની જોગવાઈ અમલી બનાવવાનો વિરોધ કર્યો છે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું, "જાતિ એક સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ હોય છે. આર્થિક સ્થિતિની જાતિ પર કોઈ અસર પડતી નથી."

પા રંજીતે લખ્યું હતું, "એસસી, એસટી અનામતમાં ક્રીમી લેયરનો અમલ સામાજિક ન્યાયની દૃષ્ટિએ એક નકારાત્મક પગલું હશે. અનુસૂચિત જનજાતિઓને આપવામાં આવેલી અનામત તેમની વસ્તીની સરખામણીએ પહેલાંથી જ અપૂરતી છે."

શું થશે અસર

સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠના ચુકાદા બાબતે બૉમ્બે હાઈકોર્ટના વકીલ સંઘરાજ રૂપવતેએ કહ્યું હતું, "સત્તાધારી પક્ષે અદાલતની આડમાં એ કર્યું છે, જે તેઓ કરવા ઇચ્છતા હતા. આ એક એવો ચુકાદો છે, જે આપણને જાતિવિહીન સમાજથી દૂર લઈ જાય છે."

"અનુસૂચિત જાતિ અને જનજાતિના પેટા વર્ગીકરણની છૂટ આપવા તે છ ન્યાયમૂર્તિઓની એક મોટી ભૂલ છે. જસ્ટિસ બેલા ત્રિવેદીની એકમાત્ર અસહમતિ જ બંધારણીય કાયદાનું સાચું પુનર્કથન છે."

ક્રીમી લેયરની જોગવાઈ બાબતે સંઘરાજ રૂપવતેએ કહ્યું હતું, "ક્રીમી લેયરની જોગવાઈ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર લાગુ પાડવી જોઈએ કે નહીં એ બાબતે ચર્ચા થઈ શકે છે. જે વ્યક્તિઓ અને પરિવારોને અનામતનો લાભ મળતો નથી તેમના માટે ક્રીમી લેયરની જોગવાઈમાં થોડો ફેરફાર કરી શકાય."

તેની પાછળનું કારણ જણાવતાં સંઘરાજ રૂપવતેએ કહ્યું હતું, "મહારાષ્ટ્રની વાત કરીએ તો અનુસૂચિત જાતિ શ્રેણીમાં મુખ્યત્વે ત્રણ જાતિઓ છે. તેમાં નવ-બૌદ્ધ કે જેને મહાર કહેવામાં આવે છે તે, ચર્મકાર અને માતંગ એમ ત્રણ જાતિઓ છે."

"નવ-બૌદ્ધ સમાજ પર અનામતનો લાભ લેવાનો આરોપ છે, પરંતુ ત્રણેય સમુદાયની સરખામણી કરીએ તો નવ-બૌદ્ધોમાં શિક્ષણનું સ્તર ઊંચું છે અને તેમના આંકડા અપેક્ષાકૃત ઉંચા હોવાનું કારણ એ છે, પણ વર્ગીકરણ તેનું સમાધાન નથી."

રૂપવતેએ ઉમેર્યું હતું, "અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને વિભાજિત તથા વિઘટિત કરવા શાસક વર્ગ માટે શાસનના દરવાજા કાયમ માટે ખોલી નાખવામાં આવ્યા છે."

"હવે આ જાતિઓ તથા જનજાતિઓને એકજૂટ કરવી લગભગ અશક્ય છે. આ એક આખા ઝાડને કાપી નાખવા જેવું છે. એવું લાગે છે કે આ ચુકાદાથી જાતિ વ્યવસ્થા વધારે મજબૂત થશે.

SC-STની સબ-કૅટેગરીમાં અનામત અંગે વધુ વાંચો

‘ક્રીમી લેયરનો કોઈ આધાર નથી’

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાબતે રાઉન્ડ ટેબલ ઇન્ડિયા મરાઠીના સંપાદક રાહુલ ગાયકવાડે કહ્યું હતું, "ક્રીમી લેયરના અમલથી નિષ્પક્ષ અને પર્યાપ્ત પ્રતિનિધિત્વનો સિદ્ધાંત નબળો પડી જશે. એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે એક નિશ્ચિત સ્તરે પહોંચ્યા પછી જ દબાયેલા-કચડાયેલા લોકોનો અવાજ બુલંદ થાય છે."

પેટા વર્ગીકરણ બાબતે રાહુલ ગાયકવાડે કહ્યું હતું, "સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા પેટા વર્ગીકરણથી એક જ શ્રેણીની જાતિઓ વચ્ચે સંઘર્ષ થઈ શકે છે. એ ઉપરાંત આ પેટા વર્ગીકરણનો માપદંડ સ્પષ્ટ નથી."

"આ રીતે પેટા વર્ગીકરણ કરવામાં આવશે તો શક્ય છે કે કોઈ એક જાતિને વર્ષો સુધી અનામતનો લાભ જ નહીં મળે."

રાહુલ ગાયકવાડના કહેવા મુજબ, "અનુસૂચિત જાતિ અને જનજાતિઓની અનામતમાં ક્રીમી લેયરની જોગવાઈ અમલી બનાવવા માટે પૂરતો ડેટા અને આધાર નથી. સમાજમાં આર્થિક કે વહીવટી પ્રગતિ સાથે જાતિ ક્યાંય જતી નથી. આપણે જોયું છે કે રાષ્ટ્રપતિને પણ મંદિરમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવતી નથી."

અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામતથી કેટલીક ખાસ જાતિઓને જ લાભ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. આંકડા નિશ્ચિત રીતે જણાવે છે કે મોટો વર્ગ અનામતના લાભથી વંચિત છે.

આ બાબતે રાહુલ ગાયકવાડે કહ્યું હતું, "તેનું એક નિરાકરણ જાતિગત વસ્તી ગણતરી કરવાનું અને વસ્તી આધારિત નીતિઓનો અમલ છે. એ માટે આવી વસ્તી ગણતરી જરૂરી છે."

માનવાધિકાર કાર્યકર્તા અને વકીલ બોધી રામટેક માને છે, "બંધારણીય જોગવાઈઓથી હટીને દલિત એકતાનો વિચાર કરીએ તો આ ચુકાદાથી દલિત આંદોલનમાં પહેલીવાર ફૂટ પડી છે. અનુસૂચિત જનજાતિઓનો વિચાર કરીએ તો માની લો કે લાભ નવ-બૌદ્ધો કે મહાર સમુદાયના લોકોને મળે છે, પરંતુ 100 ટકા મહારોમાંથી માત્ર એકથી ત્રણ ટકાને આ બધી છૂટછાટ આપવામાં આવી છે અને આવી પરિસ્થિતિમાં પેટા વર્ગીકરણથી બાકીના 98 ટકા દલિતોને અન્યાય થશે."

બોધી રામટેકના જણાવ્યા મુજબ, જે લોકોની આવક થોડી વધારે છે તેમને અનામતના લાભના દાયરામાંથી બહાર કરી દેવા જોઈએ અને ક્રીમી લેયર અમલી બનાવવાને બદલે એક વૈકલ્પિક નીતિ બનાવવી જોઈએ.

કોને લાભ મળશે

અલબત, કેટલાક વિશ્લેષકો આ ભલામણોનું સમર્થન કરી રહ્યા છે.

લહૂજી શક્તિ સેનાના પ્રોફેસર ડૉ. ડી ડી કાંબલેએ કહ્યું હતું, "વાસ્તવમાં એસસી વર્ગમાં 59 જાતિઓ છે અને અનામતનો લાભ મુઠ્ઠીભર લોકોને જ મળે છે. આ ચુકાદાનો સૌથી મહત્ત્વપૂર્ણ પ્રભાવ એ છે કે જે લોકોને અનામતથી આર્થિક લાભ થયો છે તેમને હવે અનામતનો લાભ નહીં મળે. ક્રીમી લેયરના પ્રમાણપત્રના આધારે આવા લોકો અનામતનો લાભ નહીં લઈ શકે."

માતંગ અનામત સંઘર્ષ સમિતિના સભ્ય અજીત કેસરાલિકરે કહ્યુ હતું, "મહારાષ્ટ્રમાં શાહુ, ફૂલે, આંબેડકરના અનુયાયીઓ તરીકે રહેતા લોકોએ 1965થી આ વર્ગીકરણની અવગણના કરી છે."

"મહારાષ્ટ્રમાં અનુસૂચિત જાતિ હેઠળ આવતી 59 જાતિઓને ધ્યાનમાં લઈએ તો તેમાંથી એક કે બે જાતિ આગળ છે, બાકીની વિકાસથી વંચિત રહી છે."

કેસરાલિકરે કહ્યું હતું, "અનામતનો લાભ સમાન રીતે વિતરિત કરવામાં આવે, હાંસિયા પરના લોકોને તક મળે તો તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે. હું માનું છું કે તેનાથી જાતિ સમાનતા સ્થાપવામાં મદદ મળશે. તેથી તેનું સ્વાગત કરું છું."

ક્રીમી લેયર શું છે, તેની શરૂઆત ક્યારથી થઈ

ભારતમાં ‘ક્રીમી લેયર’ ઓબીસીના અપેક્ષાકૃત સમૃદ્ધ તથા શિક્ષિત વર્ગને સૂચિત કરે છે. આ વર્ગના લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ મળતો નથી.

અનામતનો લાભ વંચિત વર્ગના લોકોને ખરેખર મળે એટલા માટે ક્રીમી લેયરની જોગવાઈ કરવામાં આવી છે.

મંડલ કમિશન કેસ તરીકે ઓળખાતા 1992ના ઈન્દ્રા સાહની કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ક્રીમી લેયરનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો.

એ કેસમાં અદાલતે એવો ચુકાદો આપ્યો હતો કે ઓબીસીમાં ઉન્નત વર્ગના લોકોએ અનામતના લાભનો દાવો ન કરવો જોઈએ, પરંતુ આ વર્ગના વાસ્તવમાં જરૂરતમંદ લોકોને તે લાભ મળવો જોઈએ.

તેમાં જણાવ્યા મુજબ, આઠ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને ક્રીમી લેયરનો હિસ્સો માનવામાં આવે છે. આવકની આ સીમા સરકાર દ્વારા સમયાંતરે સંશોધિત કરવામાં આવે છે.

એ સિવાય ગ્રૂપ એ અને ગ્રૂપ બી સેવાઓમાં ઉચ્ચ પદો પરના અધિકારીઓના બાળકોનો સમાવેશ પણ ક્રીમી લેયરમાં થાય છે.

ડૉક્ટર, એન્જીનિયર અને વકીલ જેવા સંપન્ન પ્રોફેશનલ્સનાં સંતાનોને ક્રીમી લેયરનો હિસ્સો માનવામાં આવે છે. એ ઉપરાંત ખેતીની જમીનના માલિક પરિવારોને પણ ક્રીમી લેયરમાં સામેલ કરવામાં આવ્યા છે.

ક્રીમી લેયર હેઠળ આવતા લોકો સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત ઓબીસી માટે અનામતના લાભો મેળવવાને પાત્ર નથી.

ક્રીમી લેયરનો ખ્યાલ હાલ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર લાગુ પડતો નથી.

અનુસૂચિત જાતિ અને જનજાતિના લગભગ તમામ લોકોને અનામતનો લાભ મળે છે, પરંતુ અદાલતની ઐતિહાસિક ભલામણ બાદ તેમાં પરિવર્તન થવાની શક્યતા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.