You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુપ્રીમ કોર્ટે એસસી-એસટીની પેટા-શ્રેણીમાં અનામતને મંજૂરી આપી, નિર્ણયની શું અસર થશે?
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની પીઠે ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
પીઠના છ ન્યાયાધીશોએ કહ્યું કે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિની (એસટી) પેટા-શ્રેણીમાં પણ અનામત આપી શકાય છે.
એકમાત્ર ન્યાયાધીશ બેલા ત્રિવેદી આ મત સાથે અસહમત હતાં.
આ નિર્ણય પછી રાજ્ય અનુસૂચિત જાતિ અને જનજાતિઓમાં અનામતના આંકડાના આધારે વર્ગીકરણ કરી શકે છે.
આ નિર્ણયનો અર્થ છે કે રાજ્યમાં જો 15 ટકા અનામત અનુસૂચિત જાતિ માટે છે તો તે 15 ટકા પૈકી કેટલીક એસસી જ્ઞાતિના લોકો માટે અલગથી અનામત લાગુ કરી શકે છે.
કોર્ટે કહ્યું, “બધી જ એસસી અને એસટી જ્ઞાતિઓ એક સમાન વર્ગની નથી. કેટલીક જ્ઞાતિ બીજી જ્ઞાતિ કરતા વધારે પછાત છે. આ કારણે વધારે પછાત જ્ઞાતિના ઉત્થાન માટે રાજ્ય સરકાર પેટા-શ્રેણી કરીને અલગ અનામત રાખી શકે છે.”
સાત ન્યાયાધીશોએ છ અલગ-અલગ મતો રાખ્યા. વિશેષજ્ઞોનું માનવું છે કે અનામત માટે આ એક ખૂબ જ મોટો નિર્ણય છે જેની ઘણી રાજકીય અસરો જોવા મળશે.
પંજાબ સરકારે 1975માં એસસી જ્ઞાતિની નોકરી અને કૉલેજના અનામતમાં 25 ટકા વાલ્મીકિ અને ધાર્મિક શીખ જ્ઞાતિ માટે અનામત નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, હાઈકોર્ટે આ નિર્ણયને 2006માં રદ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નિર્ણયને રદ કરવાનો આધાર સુપ્રીમ કોર્ટનો 2004નો એક ચુકાદો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિની પેટા-શ્રેણી ન બનાવી શકાય.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યો પાસે પેટા-શ્રેણી બનાવવાનો અધિકાર નથી, કારણ કે અનુસૂચિત જાતિની યાદી રાષ્ટ્રપતિ દ્વારા બનાવવામાં આવે છે.
અભ્યાસ અને નોકરી બંને પર લાગુ
આંધ્ર પ્રદેશ સરકારે પણ પંજાબ જેવો જ એક કાયદો બનાવ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ગણાવ્યો હતો.
આ કારણે પંજાબ સરકારે એક નવો કાયદો બનાવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિના અનામતના અડધા ભાગમાં આ બે જ્ઞાતિને પ્રાથમિકતા આપવામાં આવશે. હાઈકોર્ટે આ કાયદાને પણ રદ કર્યો હતો.
આ મામલો સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની પીઠ પાસે પહોંચ્યો.
સુપ્રીમ કોર્ટે હાલમાં આપેલા નિર્ણયે સુપ્રીમ કોર્ટના જ જૂના નિર્ણયને પલટી નાખ્યો.
મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડે પોતાના અને ન્યાયાધીશ મનોજ મિશ્રાના નિર્ણયમાં કહ્યું કે અનુસૂચિત જાતિ એક સમાન વર્ગ નથી.
તેમણે લખ્યું કે કેટલીક જ્ઞાતિઓ જેમ કે જે લોકો ગટરની સફાઈ કરે છે તે લોકો વણકર તરીકે કામ કરતા લોકોથી વધારે પછાત છે. જોકે, બંને જાતિ અનુસૂચિત જાતિમાં આવે છે અને અસ્પૃશ્યતા સામે સંઘર્ષ કરે છે.
તેમણે ઉમેર્યું, “પેટા-વર્ગીકરણનો નિર્ણય આંકડાના આધારે થશે અને રાજકીય લાભ માટે નહીં. સરકારો દેખાડવું પડશે કે કોઈ જાતિ પછાત હોવાને કારણે સરકારના કામમાં તેમનું યોગ્ય પ્રતિનિધિત્વ નથી. પેટા-વર્ગીકરણની ન્યાયિક સમીક્ષા પણ થઈ શકે છે.”
સુપ્રીમ કોર્ટના અનામત અંગેના નિર્ણયની શું અસર થશે?
બીજા ચાર ન્યાયાધીશોએ મુખ્ય ન્યાયાધીશના મત સાથે સહમતિ દાખવી, પરંતુ પોત-પોતાનો નિર્ણય લખ્યો.
ન્યાયાધીશ બીઆર ગવઈએ કહ્યું, “સરકાર એમ ન કરી શકે 100 ટકા અનામત કોઈ એક જ જનજાતિને આપી દે.”
પંજાબ સરકારે કોર્ટ સામે દલીલ આપી કે અનુસૂચિત જાતિમાં બધી જ જ્ઞાતિઓ સમાન નથી. કેન્દ્ર સરકારે પણ પોતાના પક્ષ રાખતાં કહ્યું કે પેટા-વર્ગીકરણની પરવાનગી મળવી જોઈએ.
જોકે, આ માટે રાજ્યોએ જરૂર પ્રમાણે આંકડાઓ જાહેર કરવા પડશે.
કોર્ટે સરકારે યોગ્ય આંકડાઓ ન આપ્યા એમ કહીને પણ કેટલીક વખત અનામતને રદ કરી છે.
રાજકીય જાણકારો કહે છે કે આ નિર્ણયને કારણે દલિત મતો પર અસર પડશે.
પૉલિટિકલ સાઇન્ટિસ્ટ અને જાદવપુર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેકર સુભાજિત નસ્કરે કહ્યું, “પેટા-વર્ગીકરણ એટલે કે એસસી-એસટી મતો વહેંચાઈ જશે. આ કારણે એક સમુદાયની અંદર એક રાજકીય ભાગલા પડશે. ભાજપે પણ કોર્ટમાં પેટા-વર્ગીકરણનું સમર્થન કર્યું છે. બની શકે કે આ કારણે તેમને રાજકીય લાભ મળે. રાજ્ય સ્તરની રાજકીય પાર્ટી પણ પોતાના ફાયદા પ્રમાણે પેટા-વર્ગીકરણ લાવશે.”
જોકે, તેઓ કોર્ટના આ નિર્ણય સાથે અસહમત છે. તેમણે કહ્યું, “અનુસૂચિત જાતિની અનામત અસ્પૃશ્યતાના આધારે આપવામાં આવે છે. તેનું પેટા-વર્ગીકરણ કરી શકતા નથી. આ નિર્ણયનો આવનારા દિવસોમાં ભારે વિરોધ થશે.”
ક્રિમિલિયર
મહારાષ્ટ્રના વંચિત બહુજન આઘાડી પાર્ટીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
તેમણે કહ્યું કે આ નિર્ણય સમાનતાના મૌલિક અધિકારની વિરુદ્ધ છે. તેમણે પછાતપણાનો નિર્ણય કયા આધારે થશે તે વિશે પણ વાંધો ઉઠાવ્યો.
કોર્ટના ચાર ન્યાયાધીશોએ અનુસૂચિત જાતિ અને જનજાતિમાં ક્રિમિલિયર પર પણ પોતાનો વિચાર રાખ્યો.
ક્રિમિલિયરનો અર્થ છે કે તે જાતિ આર્થિક અને સામાજિક રીતે વિકસિત છે અને તેઓ અનામતનો ઉપયોગ કરી શકશે નહીં.
ન્યાયાધીશ બીઆર ગવઈએ કહ્યું કે અન્ય પછાતવર્ગ (ઓબીસી)ને મળતી અનામતમાં જે રીતે ક્રિમિલિયર છે તે રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પણ ક્રિમિલિયર આવવું જોઈએ. જોકે, આ ક્રિમિલિયર કેવી રીતે નક્કી કરવામાં આવશે તેના વિશે તેમણે ઉલ્લેખ કર્યો નથી.
આ વિશે અન્ય બે ન્યાયાધીશોએ પણ સહમતિ આપી હતી. આ ઉપરાંત ન્યાયાધીશ પંકજ મિથલે કહ્યું કે જો એક પેઢીએ અનામતનો લાભ લઈને સમાજમાં પ્રગતિ કરી છે તો આવનારી પેઢીને અનામત ન મળવી જોઈએ.
જોકે, આ માત્ર ન્યાયાધીશોની ટિપ્પણી છે અને ભવિષ્યના કેસો પર લાગુ પડશે નહીં.
ક્રિમિલિયરનો પ્રશ્ન સુપ્રીમ કોર્ટ સામે ન હતો.
હાલમાં અન્ય પછાતવર્ગ અનામતમાં પણ ક્રિમિલિયર લાગુ છે અને અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટે નોકરીઓની વૃદ્ધિમાં પણ ક્રિમિલિયરનો સિદ્ધાંત લાગુ છે.