કૉંગ્રેસનો આક્ષેપ, ગુજરાત સરકાર પછાત વર્ગો માટેના ભંડોળની ફાળવણીમાં ભેદભાવ કરે છે?

ગુજરાત વિધાનસભામાં 19મી ફેબ્રુઆરીએ ગુજરાત સરકાર અને વિપક્ષ કૉંગ્રેસ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.

જેમાં કૉંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે અનુસૂચિત જાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતીઓના કલ્યાણ માટે બજેટમાં જે ફાળવણી થઈ છે, તે બિનઅનામત વર્ગોના કલ્યાણ માટે મંજૂર કરવામાં આવેલી રકમની તુલનામાં "ખૂબ જ ઓછી" છે.

વિધાનસભામાં કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિધાન સભામાં કહ્યું હતું"સરકાર પછાત સમાજ સાથે ફંડ ફાળવણીમાં અન્યાય કરે છે."

ભાનુબહેન બાબરીયા, જે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી, એમણે વળતો પ્રહાર કરતા, કૉંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે, સરકાર તમામ નબળા વર્ગોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને કૉંગ્રેસ "ભાગલા પાડો અને રાજ કરો" નીતિને અનુસરવાનો આરોપ મૂક્યો હતો.

બજેટ ફાળવણીમાં ભેદભાવ

હાલમાં ચાલી રહેલા વિધાનસભાગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન, કૉંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને આપવામાં આવેલી સહાય અને લોનની માત્રા જાણવાની માંગ કરી હતી.

તેના લેખિત જવાબમાં, રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે સરકારે 2021-22 અને 2022-23માં 1,167.43 કરોડ રૂપિયાની લોન અને 39.14 કરોડ રૂપિયાની નાણાકીય સહાય વિભાગ હેઠળ કાર્યરત દસ વિવિધ બોર્ડ અને કૉર્પોરેશનોને વિતરિત કરી છે.

ભીખુસિંહના જવાબમાં ઉલ્લેખિત આંકડાઓને ટાંકીને ચાવડાએ કહ્યું કે અનુસૂચિત જાતિઓ, અન્ય પછાત વર્ગો અને લઘુમતીઓ માટે ફાળવણી બિન અનામત વર્ગો માટેની ફાળવણીની તુલનામાં ખૂબ જ ઓછી છે.

આ બાબતે બીબીસીએ અમિત ચાવડા સાથે વાત કરી, તેમના કહેવા મુજબ, "2020-21માં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને લઘુમતી માટેના નિગમો પાછળ સરકારે ફક્ત રૂપિયા 81 કરોડ ફાળવેલા અને તે પણ લોનના સ્વરૂપમાં. બિન અનામત આયોગને તે વખતે 450 કરોડ રૂપિયા ફાળવાયેલા હતા.”

“2021-22માં પછાત જાતિના બોર્ડ નિગમ પાછળ 131 કરોડ રૂપિયા ફાળવ્યા અને બિન અનામત બોર્ડ નિગમ પાછળ 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે."

"ચાલુ વર્ષનું જે 2024-25નું નવું બજેટ આવ્યું છે તેમાં પણ, પછાત વર્ગોના બોર્ડ નિગમ માટે 250 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને બિન અનામત વર્ગ માટે 600 કરોડ ફાળવવામાં આવ્યા છે."

"આ સરકાર બજેટની ફાળવણીમાં જ ભેદભાવ રાખે છે."

પછાત વર્ગો માટે નાણાકીય ફાળવણી પર કૉંગ્રેસના સવાલ અને સરકારના જવાબ

કૉંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારી ફંડની ફાળવણી ઉપર સવાલ ઉઠાવીને કહ્યું હતું કે, "જ્યારે સરકારે 2022-23માં ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમને રૂ. 500 કરોડ ફાળવ્યા હતા, ત્યારે ઠાકોર અને કોળી વિકાસ નિગમને ફક્ત રૂ. 50 કરોડ ફાળવવામાં આવ્યા હતા."

તેમના જવાબમાં મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું હતું કે, "આમ તો જોવામાં આ રકમ ઓછી લાગે છે પરંતુ, 2022-23માં જેટલી પણ અરજીઓ આવી હતી તે બધી જ અમે મંજૂર કરી હતી."

આ વિશે અમિત ચાવડા વધુમાં બીબીસીને જણાવે છે કે, ગુજરાતમાં 52 ટકા વસ્તી ઓબીસી સમાજની છે, 7 ટકા વસ્તી અનુસૂચિત જાતિની છે, 9 ટકા વસ્તી લઘુમતી છે અને 14 ટકા વસ્તી અનુસૂચિત જનજાતિની છે.

ગુજરાતમાં કુલ મળીને 82 ટકા વસ્તી માટેના બોર્ડ નિગમ માટે 250 કરોડ ફાળવાયા છે અને ફક્ત 18 ટકા વસતી માટે 600 કરોડ ફાળવાય છે. ફાળવણી તો ઓછી છે જ, તેમ છતાં તેમાંથી પણ ઘણી રકમ વણવપરાયેલ રહે છે. એટલે આ સમાજને બધી રીતે અન્યાય થાય છે."

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શૈલેષ પરમારે વિધાનસભાનું ધ્યાન દોર્યું હતું કે 2021-22 અને 2022-23માં દસમાંથી નવ બોર્ડ અને નિગમને સરકાર દ્વારા કોઈ "નાણાકીય સહાય" આપવામાં આવી નથી.

કૉંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે આ બોર્ડ અને નિગમો દ્વારા આપવામાં આવતી લોન અને સહાય ઉપરાંત પણ, વિભાગ અનુસૂચિત જાતિ, ઓબીસી અને લઘુમતીઓના કલ્યાણ માટે શિષ્યવૃત્તિ અને આવાસ યોજનાઓ દ્વારા ઘણી યોજનાઓ ચલાવે છે.

આ મહિનાની શરૂઆતમાં રાજ્યની વિધાનસભામાં રજૂ કરાયેલા 2024-25ના બજેટમાં, સામાજિક ન્યાય અને સશક્તિકરણે અનુસૂચિત જાતિ અને ઓબીસીના કલ્યાણ માટે લગભગ રૂ. 3,300 કરોડ ફાળવ્યા હતા.

બાબરિયાએ સભામાં કહ્યું, “અનુસૂચિત જાતિ અને ઓબીસી માટે કામ કરતાં 10 માંથી 8 બોર્ડ અને કોર્પોરેશન માટે, અમે બજેટમાં રૂ. 293 કરોડ ફાળવ્યા છે, જે પાછલા વર્ષ કરતાં 50 ટકા વધારે છે."

તેમણે વધુમાં કહ્યું હતું, "અમારી સરકાર સમાજના તમામ નબળા વર્ગોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે, જ્યારે કૉંગ્રેસ શરૂઆતથી જ ભાગલા પાડો અને રાજ કરોની નીતિને અનુસરે છે.”

કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા ઉઠાવવામાં આવેલા એક બીજા પ્રશ્નના જવાબમાં, મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહને જણાવ્યું હતું કે, સરકારે 2023-24માં ગુજરાત લઘુમતી નાણાં અને વિકાસ નિગમને 11.25 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જ્યારે અરજદારોને 8 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

આ બાબતે પછાત સમાજનું શું કહેવું છે?

અનુસૂચિત જાતિના સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર બીબીસી સાથે વાત કરતા જણાવે છે, "ભારતના બંધારણના આમુખમાં સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાયની વાત કરી છે. આમાં આર્થિક ન્યાય એવી વસ્તુ છે જેના માટે ન તો સમાજ સજાગ છે ન તો સરકાર. સમાજે તેના વિશે માંગણી કરી જ નહીં તેથી સરકારે તેને સમાજ સુધી પહોંચાડ્યો જ નહિ. પરંતુ આર્થિક અધિકારો બીજા અધિકારો જેટલા જ મહત્ત્વના છે."

"સરકાર લોકોને આર્થિક અધિકારો આપવામાં ઊણી ઊતરે છે, જેનાથી લોકોના આર્થિક અધિકારોનું હનન થાય છે.

કાંતિલાલ કહે છે કે, "1979ના પ્લાનિંગ કમિશનની માર્ગદર્શિકા પ્રમાણે, બજેટની રકમની ફાળવણી વસ્તીના પ્રમાણમાં થવી જોઈએ, પરંતુ તેવું થતું નથી. તેથી, એવું કહી શકાય કે તે પછાત વર્ગના આર્થિક અધિકારોનું ઉલ્લંઘન છે. સરકારને આ પછાત વર્ગો પાસેથી મત તો જોઈએ છે પણ તેને તેમનો વિકાસ કરવામાં પાછી પડે છે."

આ વિશે આદિવાસીઓનાં હિતો માટે કામ કરતા કર્મશીલ આનંદ મઝગાંવકર કહે છે કે, "આ બધા વર્ગો સમાજના પછાત વર્ગો છે, તે ઓછું બોલે છે અને તેમની ફરિયાદો કરતા નથી, એટલે તેમને લુભાવવા માટે સરકાર પ્રયત્નો પણ કરતી નથી."

આનંદ મઝગાંવકર વધુમાં કહે છે કે, ગુજરાતની જનજાતિ વર્ગની વસ્તી 14 ટકા છે. આ હિસાબે આ સહાયના 15 ટકા ફંડ જનજાતિ સમાજને મળવા જોઈએ, પણ તેવું નથી થતું.

તે વધુમાં ઉમેરે છે કે, "સરકાર એવા પ્રોજેક્ટસમાં પૈસા નાખવામાં ઇચ્છુક છે જેમાં ચમક-ધમક હોય, જેનું પેકેજિંગ સારું હોય, જેવું કે રિવરફ્રન્ટ સજાવવું અને બુલેટ ટ્રેન લાવવી, પણ જેમાં વંચિત વર્ગોના શિક્ષણ, દવાઓ, રોજગારીની વાતો આવે ત્યાં કશુંજ કરતી નથી. કેમકે તેમાં ચમક-ધમક નથી. આ ઉપરાંત સામાજિક લાભ પહોંચાડનારી યોજનાઓમાં સરકારને રસ નથી."

ગુજરાતની લઘુમતી જાતિના સામાજિક કાર્યકર અસ્લમ કુરેશી આ વિશે વાત કરતા કહે છે કે, "લઘુમતી કોમમાં 80 ટકા લોકો પછાત વર્ગમાંથી આવે છે. તેમ છતાં વર્ષોથી આ ફંડ સરકાર ઘટાડતી જાય છે."

"લઘુમતીઓના ફંડમાં કપાત કરવાથી તેની સીધી અસર મુસ્લિમ સમુદાય પર પડે છે. મુસ્લિમ સમુદાયનો એક મોટો ભાગ હજી સુધી ખૂબ પછાત છે, અને સરકારે તેમના પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે."

"ખાસ એવા મુસલમાન છોકરાઓ 10 ધોરણ બાદ કામકાજ ચાલુ કરી દે છે. આનાથી શિક્ષણના ઘણી અસર થઈ છે."

"જે રીતે લઘુમતી સમાજનું ફંડ વર્ષે દર વર્ષે કાપવામાં આવે છે તે જોઈએને મુસ્લિમ લોકોએ અપેક્ષા રાખવાની જ બંધ કરી દીધી છે."

વણવપરાયેલ ભંડોળ માટે ગુજરાત સરકારે શું કારણ આપ્યું?

લેખિત ઉત્તર અનુસાર, કૉંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ સભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે, સામાજિક ન્યાય અને કલ્યાણ વિભાગના બજેટની જોગવાઈમાં એસટી અને ઓબીસીના વિકાસ માટે ફાળવેલ અને વણવપરાયેલ રકમ કેટલી હતી. તેના જવાબમાં રાજ્યએ જણાવ્યું કે, ફાળવવામાં આવેલા રૂ. 2,470 કરોડમાંથી 2021-2022ના બજેટમાં કુલ રૂ. 30.97 કરોડના ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

વર્ષ 2022-23માં ફંડનો વધુ સારો ઉપયોગ જોવા મળ્યો હતો, જેમાં બજેટમાં જોગવાઈ કરાયેલ રૂ. 3,085 કરોડમાંથી, રૂ. 22 કરોડ વણવપરાયેલ હતા.

રાજ્ય સરકારે બજેટનો ઉપયોગ ન થવા માટેનાં કારણો આપતાં રજૂઆત કરી હતી કે વર્ષ 2021-22માં કોવિડ-19ને કારણે વિદ્યાર્થીઓ છાત્રાલયો, આશ્રમશાળાઓ, સરકારી છાત્રાલયો અથવા રહેણાંક શાળાઓમાં નહોતા અને કોચિંગ ક્લાસ પણ અટકાવવામાં આવ્યા હતા.

તેમણે એવી રજૂઆત પણ કરી હતી કે "છાત્રાલયોની માન્યતા રદ કરવા"ને કારણે કેટલીક છાત્રાલયોની કામગીરી સ્થગિત કરવામાં આવી છે અને ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયો અને આશ્રમશાળાઓએ તેમની કામગીરી પૂર્ણ ક્ષમતામાં ચાલતી જોઈ નથી. વધુમાં, બજેટ પણ વણવપરાયેલ રહ્યું છે કારણ કે રાજ્ય "તાલીમ યોજનાઓમાં લક્ષ્યાંક કરતાં ઓછી અરજીઓ પ્રાપ્ત થઈ છે".

સરકારે આ સિવાય એ કારણ આપ્યું છે કે, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા વર્તમાન પાત્રમાં જાન્યુઆરી- 2022 તથા જુલાઈ-2023માં જાહેરાત આપી અનુક્રમે વર્ષ 2021-22 તથા વર્ષ 2022-23ની અરજીઓ મેળવેલી છે. જે પૈકી વર્ષ 2021-22 અને 2022-23માં મળેલ અરજીઓનો કૉમ્પ્યુટરાઇઝડ ડ્રો કરી અનુક્રમે રૂપિયા 584 લાખ અને રૂપિયા 323.25 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. તેમજ બાકી રહેતી રકમનો ખર્ચ ટૂંક સમયમાં કરવામાં આવશે.

બોર્ડ નિગમ શું છે?

એ સમાજ જે ખાસ કરીને ગરીબ છે, તેમને શિક્ષણ, દવા અથવા રોજગારી માટે તેમને સરકારી ફાળવણીની જરૂર વધારે હોય છે. તેમના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને સશક્તિકરણ અંતર્ગત સરકારે બોર્ડ અને નિગમો બનાવ્યાં છે. ગુજરાતમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ હેઠળ સરકારના કુલ 10 નિગમ બોર્ડ છે. તે આ પ્રમાણે છે:

  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
  • ગુજરાત અલ્સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ

આ 10 બોર્ડ નિગમમાંથી 7 બોર્ડ પછાત વર્ગો માટે છે અને 1 બોર્ડ બિનઅનામત જાતિના વિકાસ માટે છે.