You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : વિધાનસભામાંથી કૉંગ્રેસના 10 ધારાસભ્યો સસ્પેન્ડ, શું છે સમગ્ર મામલો?
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર ચાલુ વિધાનસભા સત્રમાં કૉંગ્રેસના દસ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે.
વિગતો અનુસાર ગુજરાત વિધાનસભાના સત્રમાં મંગળવારે પ્રશ્નકાળ દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યના છોટા ઉદેપુર ખાતે કથિતપણે મળી આવેલ ‘નકલી સરકારી કચેરી’ અને આ સંપૂર્ણ મામલામાં થયેલ ફંડના કથિત ગોટાળા સંબંધિત પ્રશ્ન મુદ્દે ચર્ચા બાદ આ કાર્યવાહી કરાઈ હતી.
નોંધનીય છે કે ગુજરાત વિધાનસભામાં હાલ કૉંગ્રેસના કુલ 15 ધારાસભ્યો છે. જે પૈકી પાંચ આ કાર્યવાહી દરમિયાન ગેરહાજર રહ્યા હતા.
ઉપરોક્ત પ્રશ્ન મામલે રાજ્યના આદિવાસી વિકાસમંત્રી કુબેર ડિંડોરના જવાબ બાદ વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો.
અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, ગેનીબહેન ઠાકોર, ઇમરાન ખેડાવાલા, વિમલ ચુડાસમા, તુષાર ચૌધરી, અનંત પટેલ, કાંતિ ખરાડી, દિનેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી સહિત ગુજરાત કૉંગ્રેસનાં દસ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયાં હતાં.
કૉંગ્રેસે આ સમગ્ર કાર્યવાહીને ‘લોકશાહીની હત્યા’ ગણાવી હતી. જ્યારે ભાજપે ‘કૉંગ્રેસની સરકાર સમયે કૌભાંડોની હારમાળા’ સર્જાઈ હોવાનો ટોણો માર્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
કૉંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ પ્રશ્નકાળ દરમિયાન છોટા ઉદેપુરમાં કથિતપણે મળી આવેલ ‘નકલી સરકારી કચેરી’ અંગે સરકારે લીધેલાં પગલાં અંગે અને આ સમગ્ર મામલામાં આદિવાસી વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટો માટેનાં નાણાંની કથિત ગરબડ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.
આ પ્રશ્નના લેખિત જવાબમાં કુબેર ડિંડોરે કહ્યું હતું કે પાછલા એક વર્ષમાં છોટા ઉદેપુર જિલ્લામાં આવી કોઈ કચેરી મળી આવી નથી, તેથી આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જવાબ મળતાંની સાથે જ ચૌધરીએ દાવો કર્યો હતો કે પાછલા એક વર્ષમાં માત્ર છોટા ઉદેપુરમાં જ આવી પાંચ કચેરીઓ મળી આવી છે, જેમાં કેટલાકની ધરપકડ પણ થઈ છે.
આ જવાબ સામે કૉંગ્રેસના ધારાસભ્યોએ અસંતોષ વ્યક્ત કરી નારાબાજી કરી હતી.
આદિવાસી વિકાસમંત્રી કુબેર ડિંડોરે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું, “ભૂતકાળમાં કૉંગ્રેસની સરકાર સમયે આ પ્રકારનાં કૌભાંડોની હારમાળા સર્જાતી હતી.”
મંત્રીએ કહ્યું કે, “સરકારે જાતે આ કૌભાંડો પકડી પાડ્યાં અને મીડિયા સામે હકીકત મૂકી. અમે સામે ચાલીને પગલાં લીધાં. અમે આરોપીઓ સામે એફઆઈઆર કરી છે અને અત્યાર સુધી આ મામલામાં પાંચ વ્યક્તિની ધરપકડ થઈ છે.”
મંત્રીએ આપેલા મૌખિક જવાબ કરતાં લેખિત જવાબ જુદો હોવાને કારણે કૉંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ સરકાર સામે નારાબાજી કરીને હકીકત છુપાવવાનો આરોપ મૂક્યો હતો.
ચાવડાએ ડિંડોરને આ મુદ્દે સ્પષ્ટતા કરી જવાબદારી સ્વીકારવા કહ્યું હતું.
અહેવાલ અનુસાર કૉંગ્રેસના ધારાસભ્યોએ અધ્યક્ષની સૂચના છતાં વિરોધ કરવાનું ચાલુ રાખતાં વિધાનસભાના સંસદીય કાર્યમંત્રી ઋષિકેશ પટેલે કૉંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો જેના પર અધ્યક્ષ શંકર ચૌધરીએ મહોર મારી હતી.
કૉંગ્રેસના ધારાસભ્યદળના નેતા અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ કૉંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી સામે અવાજ ઉઠાવતા કહ્યું હતું કે, “ગુજરાતની જનતાના ટૅક્સની 21 કરોડ રૂપિયા જેવી માતબર રકમ નકલી કચેરી ખોલીને સેરવી લેવાતી હોય તો શું એના માટે વિપક્ષે ચૂપ રહેવાનું?”
સરકારના જવાબ અંગે પ્રશ્ન ઉઠાવતાં તેમણે કહ્યું હતું કે, “આ મામલે પ્રશ્ન કરાય અને એનો ખોટો જવાબ મળે તો શું અમારે ચૂપ રહેવાનું? અમે વિધાનસભાના નિયમાનુસાર અમારી જગ્યાએ ઊભા રહીને અમે વિરોધ કર્યો.”
“અમે વેલમાં ગયા વગર, કોઈ પણ અસભ્ય વર્તન કર્યા વગર વિરોધ કર્યો. નકલી કાંડ અંગે અપાયેલા ઉડાઉ જવાબનો અમે વિરોધ કર્યો. આ બહુમતીનો દુરુપયોગ છે. જ્યારે ગૃહમાં પ્રજાનો અવાજ ઉઠાવવાનું નિમિત્ત વિપક્ષ બને ત્યારે બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા બરાબર છે.”
અમિત ચાવડાએ પત્રકારો સાથેની વાતચીતમાં સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, “પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં અને જ્યાં લોકોના પૈસાનો વેડફાટ થતો હોય ત્યાં અમને બોલવાનો અધિકાર છે. અમે આ અને બીજા મુદ્દે પ્રશ્નો ન ઉઠાવી શકીએ અને ચર્ચામાં સરકારના ગેરવહીવટ અને નાણાના વેડફાટ ઉજાગર ન કરી શકીએ એ માટે નિયમોનું ઉલ્લંઘન કરીને અમને સસ્પેન્ડ કરાયા છે.”
નોંધનીય છે કે છોટા ઉદેપુરમાં ગત વર્ષે ઑક્ટોબર માસમાં કથિતપણે ‘સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની નકલી સરકારી કચેરી’ મળી આવી હતી, આ કચેરી દ્વારા કથિતપણે 4.16 કરોડની ગ્રાન્ટ મેળવી ગોટાળો પણ આચરાયો હતો. જેમાં બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી.
આદિવાસી વિસ્તારોમાં મળી આવી ‘નકલી સરકારી કચેરીઓ’
વડોદરા શહેરથી 70 કિલોમીટર દૂર આવેલું છોટાઉદેપુરનું બોડેલી ગત વર્ષે ઑક્ટોબર માસમાં ચર્ચામાં આવ્યું હતું.
બોડેલીની મોડાસર ચોકડી પાસે ત્રણ માળનું વ્રજ કૉમ્પલેક્સ આવેલું છે. આ કૉમ્પલેક્સમાં ગણતરીની દુકાનો આવેલી છે, જ્યારે મોટા ભાગના ફ્લૅટ ખાલી પડ્યા છે.
બીજા માળે આવેલા ફ્લૅટ નંબર 211 પાસે એક નોટિસ બોર્ડ હતું, જેના પર અલગ-અલગ કાગળ ચોંટાડેલા હતા. એક કાગળ પર ‘કાર્યપાલક ઇજનેરની કચેરી, બોડેલી’ અને તેની નીચે ‘ઉદ્વહન સિંચાઈ યોજના’ લખેલું હતું.
આ નોટિસ બોર્ડ જોઈ પહેલાં કોઈ સરકારી કચેરી હોય તેવો ભાસ થાય તે સ્વાભાવિક છે, પરંતુ આ બોડેલીમાંથી પકડાયેલી ‘નકલી સરકારી કચેરી’ની ઑફિસ હતી.
આ નકલી સરકારી કચેરી વર્ષ 2021થી ચાલતી હતી.
ગત 25મી ઑક્ટોબરે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો તે સંદર્ભે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલામાં ‘નકલી સરકારી કચેરી ઊભી કરીને 93 કામોની દરખાસ્ત મોકલીને સરકારી વિભાગ પાસેથી 4.15 કરોડ રૂપિયા’ સેરવી લેવાયા હોવાનો આરોપ મૂકાયો હતો.
જોકે, આ મામલો શાંત પડે એ પહેલાં માત્ર 10 દિવસોમાં વધુ છ ‘નકલી સરકારી કચેરી’ પકડાઈ હતી.
દાહોદમાં નકલી સરકારી કચેરી ઊભી કરીને રૂ. 18.59 કરોડની ઉચાપત કરવાના પ્રકરણમાં મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની ધરપકડ બાદ પોલીસની તપાસમાં દાહોદના પ્રયોજના વહીવટદાર તરીકે નોકરી કરી ચૂકેલા રિટાયર્ડ આઈએએસ અધિકારી બી. ડી. નિનામા પર પણ સંડોવણીનો આરોપ લાગ્યો હતો અને 28 નવેમ્બરે નિનામાની ધરપકડ કરી લેવાઈ હતી.
કૉંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા બદલ સરકારે શું કહ્યું?
ગુજરાત વિધાન સભામાં પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન કૉંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવાના નિર્ણય અંગે બીબીસી સાથે વાતચીત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, "ગુજરાતમાં ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા માટે વિપક્ષ કોઈ રજૂઆત કરે એ પહેલાં સરકારે સૂઓ મોટો લઈને તમામ દિશામાં પગલાં ભર્યા છે. આવા સમયે પ્રજાના પ્રશ્નોની મહત્ત્વની ચર્ચામાં વિપક્ષ દ્વારા વિક્ષેપ પાડવામાં આવી રહ્યો હતો."
તેમણે વધુમાં કહ્યું, "સરકારને માહિતી મળી એ સાથે જ નકલી કચેરીના સંદર્ભમાં જાતે તપાસના આદેશો આપી ગંભીર કલમો લગાડી ગુનો દાખલ કરાયો છે. રાજ્યસરકાર આ અંગે ચિંતિત છે. ભવિષ્યમાં કોઈ આ પ્રકારે ખોટું કામ કરવાની હિંમત ના કરે એવો દાખલારૂપ કેસ કર્યો છે."
તેમણે વધુમાં જણાવ્યું, "રાજ્યસરકાર તમામ ગુનાઓમાં કરેલી કાર્યવાહી પર લીધેલાં કડક પગલાંની માહિતી આપી રહી હતી ત્યારે એને ખોરવવાનો પ્રયાસ કર્યો હતો. વારંવાર આ પ્રકારે વિધાનસભામાં હોબાળો કરી પ્રજાના પ્રશ્નોની વાત કરવાને બદલે વિધાનસભાની કાર્યવાહી ખોરવવાનો પ્રયાસ કર્યો માટે અધ્યક્ષે એમને સસ્પેન્ડ કર્યા છે."