કૉલેજિયમ: સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે જજની નિમણૂકની સત્તાનો વિવાદ શું છે?

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા
  • તાજેતરમાં ખાસ કરીને કેન્દ્રીય કાનૂનમંત્રીએ કૉલેજિયમ સિસ્ટમને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા બાદ ખેંચતાણ વધુ ઘેરી બની છે
  • કૉલેજિયમ સિસ્ટમ એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક અને બદલી કરવામાં આવે છે
  • 25 નવેમ્બરે કેન્દ્રીય કાનૂનમંત્રી કિરેન રિજિજૂએ ન્યાયાધીશોની નિમણૂકની સમગ્ર પ્રક્રિયાને 'બંધારણથી પરે'ની ગણાવી એ સાથે આ ચર્ચાએ વેગ પકડ્યો
  • કેન્દ્રીય કાનૂનમંત્રીએ યાદ અપાવવાનો પ્રયાસ કર્યો કે "સુપ્રીમ કોર્ટે પોતાની સમજ અને કોર્ટના જ આદેશોને આધાર બનાવીને કૉલેજિયમની બનાવ્યું છે."
  • તેમણે સવાલ કર્યો, "તમે જ કહો કે કૉલેજિયમ સિસ્ટમનો બંધારણમાં ક્યાં ઉલ્લેખ છે?"
  • કેન્દ્રીય કાનૂનમંત્રીની વાત સાચી છે કે બંધારણમાં ક્યાંય કૉલેજિયમનો ઉલ્લેખ નથી
  • આવી સ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે કૉલેજિયમ સિસ્ટમ શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે, સરકારને તેની સામે શું વાંધો છે?

હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂકને લઈને સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેની ખેંચતાણ કોઈ નવી વાત નથી, પરંતુ તાજેતરમાં ખાસ કરીને કેન્દ્રીય કાનૂનમંત્રીએ કૉલેજિયમ સિસ્ટમને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા બાદ આ ખેંચતાણ વધુ ઘેરી બની છે.

કૉલેજિયમ સિસ્ટમ એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક અને બદલી કરવામાં આવે છે.

કૉલેજિયમ શબ્દ તમને ટેકનિકલ લાગશે, પરંતુ તે સમજવું અગત્યનું છે કારણ કે તેનાથી નક્કી થાય છે કે તમારા અર્થાત કે સામાન્ય નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરતી સંસ્થા ન્યાયતંત્રને કોણ અને કેવી રીતે ચલાવશે.

25 નવેમ્બરે કેન્દ્રીય કાનૂનમંત્રી કિરન રિજિજૂએ ન્યાયાધીશોની નિમણૂકની સમગ્ર પ્રક્રિયાને 'બંધારણથી પરે'ની ગણાવી એ સાથે આ ચર્ચાએ વેગ પકડ્યો.

કેન્દ્રીય કાનૂનમંત્રીએ યાદ અપાવવાનો પ્રયાસ કર્યો કે "સુપ્રીમ કોર્ટે પોતાની સમજ અને કોર્ટના જ આદેશોને આધાર બનાવીને કૉલેજિયમની બનાવ્યું છે."

તેમણે સવાલ કર્યો, "તમે જ કહો કે કૉલેજિયમ સિસ્ટમનો બંધારણમાં ક્યાં ઉલ્લેખ છે?" કેન્દ્રીય કાનૂનમંત્રીની વાત સાચી છે કે બંધારણમાં ક્યાંય કૉલેજિયમનો ઉલ્લેખ નથી.

આવી સ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે કૉલેજિયમ સિસ્ટમ શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે, સરકારને તેની સામે શું વાંધો છે, તેના બદલે સરકાર કેવા પ્રકારની સિસ્ટમ ઇચ્છે છે અને સરકારની પસંદની સિસ્ટમની ખામીઓ શું હોઈ શકે છે?

કૉલેજિયમમાં પરિવારવાદના આક્ષેપો

લાંબા સમયથી આ ચર્ચા સમયાંતરે થતી રહે છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની પસંદગીની પ્રક્રિયામાં ભયંકર પરિવારવાદ ચાલી રહ્યો છે જેને ન્યાયતંત્રમાં 'અંકલ કલ્ચર' કહેવામાં આવે છે. અર્થાત કે એવા લોકોની ન્યાયાધીશો તરીકે ચૂંટાવાની શક્યતા વધી જાય છે કે જેમના પરિચિતો પહેલાથી જ ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર છે.

કૉલેજિયમ એ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને સર્વોચ્ચ અદાલતના ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોનું જૂથ છે. આ પાંચ લોકો મળીને નક્કી કરે છે કે સુપ્રીમ કોર્ટમાં કોણ જજ બનશે. આ નિમણૂકો હાઈકોર્ટમાંથી કરવામાં આવે છે અને અનુભવી વકીલને પણ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સીધા જ નિયુક્ત કરી શકાય છે.

હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક પણ કૉલેજિયમની સલાહ પર કરવામાં આવે છે, જેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને રાજ્યના રાજ્યપાલનો સમાવેશ થાય છે.

કૉલેજિયમ બહુ જૂની સિસ્ટમ નથી અને તેના અસ્તિત્વ માટે સુપ્રીમ કોર્ટના ત્રણ નિર્ણયો જવાબદાર છે જેને 'જજીસ કેસ' નામે ઓળખવામાં આવે છે.

કૉલેજિયમનો પાયો કેવી રીતે નંખાયો?

પહેલો કેસ 1981નો છે જેને એસપી ગુપ્તા કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જજોની નિમણૂક પર ચીફ જસ્ટિસનો એકાધિકાર ન હોવો જોઈએ અને નિર્દેશ કર્યો કે આમાં સરકારની પણ ભૂમિકા હોવી જોઈએ.

1993માં બીજા કેસમાં નવ જજોની બેન્ચે કહ્યું હતું કે જજોની નિમણૂકમાં અન્ય લોકોના અભિપ્રાય કરતાં ચીફ જસ્ટિસના અભિપ્રાયને પ્રાધાન્ય આપવું જોઈએ.

અને પછી 1998માં ત્રીજા કેસમાં સુપ્રીમ કોર્ટે કૉલેજિયમનું કદ વધાર્યું અને તેને પાંચ જજોનું જૂથ બનાવ્યું.

સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સંઘર્ષ

સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે 2014થી ખેંચતાણ ચાલી રહી છે.

દેશમાં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બની ત્યારે કેન્દ્ર સરકારે બંધારણમાં 99મો સુધારો કરીને વર્ષ 2014માં નેશનલ જ્યુડિશિયલ ઍપોઈન્ટમૅન્ટ કમિશન (એનજેએસી) ઍક્ટ લાવ્યો હતો.

જેમાં સરકારે કહ્યું કે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટમાં જજોની નિમણૂક કૉલેજિયમના બદલે એનજેએસીની જોગવાઈઓ હેઠળ થવી જોઈએ.

આ કમિશનમાં છ લોકોને સભ્ય બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે-

  • ભારતના મુખ્ય ન્યાયાધીશ
  • કેન્દ્રીય કાનૂનમંત્રી
  • સુપ્રીમ કોર્ટના બે સૌથી વરિષ્ઠ જસ્ટિસ
  • બે નિષ્ણાતો

બે નિષ્ણાતોની પસંદગી વડાપ્રધાન, વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની બનેલી ત્રણ સભ્યોની પેનલ દ્વારા કરવાની હતી. દર ત્રણ વર્ષે બે વિશેષ સભ્યો બદલવામાં આવશે તેવી જોગવાઈ પણ કરવામાં આવી હતી.

2014માં બંધારણમાં સુધારો કરીને કેન્દ્ર સરકારે કેટલાક વધુ મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા હતા.

મુખ્ય ફેરફાર એ હતો કે સંસદને ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત નિયમો બનાવવા અથવા તેમાં ફેરફાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

ઑક્ટોબર 2015ના રોજ સુપ્રીમ કોર્ટે નેશનલ જ્યુડિશિયલ ઍપોઇન્ટમૅન્ટ કમિશન ઍક્ટને "બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન" ગણાવતા તેને રદ્દ કરી દીધો હતો.

સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટને શું વાંધો હતો?

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયામાં બંધારણમાં ન્યાયતંત્ર અને મુખ્ય ન્યાયાધીશના અભિપ્રાયને પ્રાધાન્ય આપવાનું કહેવામાં આવ્યું છે અને સરકારની આવી દખલગીરી બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે.

અહીં એ સમજવું જરૂરી છે કે બંધારણમાં ન્યાયાધીશોની નિમણૂક વિશે શું કહેવામાં આવ્યું છે?

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કેવી રીતે કરવી તે અંગે બંધારણમાં કેટલીક વિગતો આપવામાં આવી છે.

તે મુજબ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશોની સલાહ લીધા પછી જ જજોની નિમણૂક કરશે.

બંધારણની કલમ 217 કહે છે કે રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યના રાજ્યપાલ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂકનો નિર્ણય કરશે.

કોર્ટે બંધારણમાં લખેલા 'કન્સલ્ટેશન' શબ્દનું અર્થઘટન 'સંમતિ' તરીકે કર્યું, એટલે કે ચર્ચાને સીજેઆઈની 'સંમતિ' તરીકે ગણવામાં આવી.

દિલ્હી હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ આરએસ સોઢી કહે છે, "બંધારણમાં જે લખ્યું છે તે અનુસાર રાષ્ટ્રપતિ ચીફ જસ્ટિસ સાથે 'કન્સલ્ટેશન' કરશે, સંમતિ નહીં લે. પરંતુ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં પરામર્શને સંમતિમાં બદલી નાખ્યો. હું માનું છું કે સંસદ સર્વોપરી છે અને જો તમે કોઈ જોગવાઈ સાથે સહમત ન હો તો તમે તેને પુનર્વિચાર માટે સંસદમાં મોકલો અથવા તેને રદ કરી દો.”

જસ્ટિસ સોઢી કહે છે, "સુપ્રીમ કોર્ટ પોતાના માટે કાયદો બનાવી શકતી નથી, તેને 'સત્તાનું હાઇજેકિંગ' કહેવાય છે જે સુપ્રીમ કોર્ટે નહોતું કરવું જોઈતું, પરંતુ તેમણે કર્યું. તમે ચૂકાદા આપી દીધા અને એ અધિકાર પોતાની પાસે રાખી લીધા જે તમારી પાસે નહીં, સંસદ પાસે હોવા જોઈએ. મારું માનવું છે કે બંધારણમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ન્યાયાધીશોની નિમણૂક કરશે અને દરેક પાસાઓ પર સીજેઆઈ સાથે ચર્ચા કરવામાં આવશે. પરંતુ રાષ્ટ્રપતિ સંસદના વડા છે અને તેઓ કેબિનેટની સલાહ પર જ કામ કરે છે તો સીજેઆઈને કેવી રીતે સુપીરિયર બનાવી શકાય?"

સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાનું સંતુલન

સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાની વહેંચણી બંધારણમાં સ્પષ્ટ રીતે કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટનું કામ બંધારણ અને લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનું છે અને આ માટે તે સંસદના એવા નિર્ણયોની સમીક્ષા પણ કરી શકે છે જે તેના અનુસાર બંધારણની મૂળ ભાવનાને અનુરૂપ ન હોય.

ભૂતપૂર્વ એડિશનલ સૉલિસિટર જનરલ વિકાસસિંહનો જસ્ટિસ સોઢીથી તદ્દન વિપરીત અભિપ્રાય છે. તેઓ કહે છે, "મારો તો એવો મત છે કે ન્યાયાધીશોની નિમણૂકમાં સરકારની કોઈ દખલ ન હોવી જોઈએ, અને ન તો આ જવાબદારી સરકારની પાસે હોવી જોઈએ કારણ કે તેના પોતાના ફાયદા માટે સરકાર નહીં ઈચ્છે કે યોગ્ય લોકોની નિમણૂક કરવામાં આવે."

સવાલ એ પણ ઊભો થાય છે કે ન્યાયાધીશોની નિમણૂક સરકાર જ કરશે તો સરકારને પડકારતા જાહેર હિતના કેસોમાં કેટલી હદે ન્યાયની અપેક્ષા રાખી શકાશે, કારણ કે જો સરકારની ચૂંટેલી વ્યક્તિ સરકારના નિર્ણયને ખોટો ઠરાવે તેની કેટલી અપેક્ષા રાખી શકાય?

વિકાસ કહે છે, “સુપ્રીમ કોર્ટે જે કર્યું તે સાચું અર્થઘટન હતું. બંધારણ એક એવો દસ્તાવેજ છે જેમાં સતત સુધારો થવો જોઈએ, સુપ્રીમ કોર્ટે તેના ખભા પર મોટી જવાબદારી લીધી હતી પરંતુ તે ન્યાયાધીશોની પસંદગીની પ્રક્રિયામાં પારદર્શિતા નહીં લાવીને તે જવાબદારીઓને નિભાવવામાં ખરી નથી ઉતરી રહી."

તેઓ કહે છે, "મને લાગે છે કે કૉલેજિયમ સાચો રસ્તો હતો, પરંતુ સમય જતાં તે પોતાનું એ કામ ન કરી શક્યું જેની રચના વખતે તેમની પાસે અપેક્ષા હતી. કૉલેજિયમની રચના થઈ ત્યારથી નિમણૂંકો અને આ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે કંઈ થયું નથી."

આ ખેંચતાણનો અંત કેવી રીતે લાવવો?

હાલમાં જ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલે કિરેન રિજિજૂના નિવેદન પર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, "એવું બની શકે કે તમને કોઈ કાયદા સામે વાંધો હોય, પરંતુ જ્યાં સુધી તે કાયદો અમલમાં હોય ત્યાં સુધી તેનું સન્માન કરવું જોઈએ. જો આજે સરકાર કોઈપણ કાયદાને નહીં માનવાની વાત કરે તો આવતીકાલે લોકો અન્ય કોઈ કાયદા પર સવાલ ઉઠાવીને તેને માનવાનો ઇનકાર કરશે."

ન્યાયતંત્રના કામકાજમાં પારદર્શિતા લાવવાની માંગ ઉઠાવી રહેલા વિરાગ ગુપ્તા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે.

તેઓ કહે છે, "કટોકટી દરમિયાન સરકારે ન્યાયતંત્રમાં દખલગીરી કરી હતી, ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ન્યાયિક રીતે બંધારણનું અર્થઘટન કરીને કૉલેજિયમ સિસ્ટમની રચના કરી તો આજે આ સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. કોઈ પણ સંજોગોમાં ન્યાયાધીશોને રાજકારણથી દૂર રાખવા જરૂરી છે. પરંતુ ન્યાયાધીશો જ ન્યાયાધીશોની નિમણૂક કરે એ પણ ખોટું છે. ન્યાયાધીશોની વફાદારી કોઈ વ્યક્તિ પ્રત્યે નહીં પણ બંધારણ પ્રત્યે હોવી જોઈએ."

વર્ષ 2015માં જ્યારે એનજેએસીને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી ત્યારે તે સમયે ન્યાયાધીશોની બેન્ચે સ્વીકાર્યું હતું કે હાલની કૉલેજિયમ સિસ્ટમમાં સમસ્યાઓ છે અને તેને સુધારવાની જરૂર છે.

વિરાગ ગુપ્તા પૂછે છે, "સવાલ એ છે કે સંસ્થાઓને સુધારવાની કોશિશ કરતા ન્યાયતંત્રે છેલ્લા આટલા વર્ષોમાં પોતાને સુધારવા માટે કઈ પહેલ કરી છે."

તેમનું સૂચન છે, "કૉલેજિયમમાં જે વ્યક્તિના નામની ચર્ચા થઈ રહી હોય તેમના કોઈપણ સંબંધી, મિત્ર અથવા પરિચિત વ્યક્તિએ તેમાં ભાગ ન લેવો જોઈએ, કારણ કે તે સ્પષ્ટપણે હિતોનો ટકરાવ (કૉન્ફ્લિક્ટ ઑફ ઈન્ટરેસ્ટ) છે. કૉલેજિયમનું એક સચિવાલય હોવું જોઈએ જેમાં મીટિંગમાં શું ચર્ચા થઈ રહી છે, કયા આધારે નિમણૂંકો કરવામાં આવી છે તેનો રેકર્ડ રાખવો જોઈએ."

વર્ષ 2016માં સુપ્રીમ કોર્ટે કાનૂન મંત્રાલયને મૅમોરૅન્ડમ ઑફ પ્રૉસિજર (એમઓપી)માં સુધારો કરવા કહ્યું હતું. એમઓપી કૉલેજિયમ સિસ્ટમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે ન્યાયાધીશોની નિમણૂક પર ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે એક પ્રકારનું સહમતિ-પત્ર છે.

સુપ્રીમ કોર્ટે કાનૂન મંત્રાલયને એમઓપીમાં સુધારો કરવા અને તેને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવા કહ્યું હતું, પરંતુ આજ સુધી એમઓપીમાં કોઈ સુધારો થયો નથી.

વિરાગ ગુપ્તાનું કહેવું છે કે તે સ્પષ્ટ છે કે સરકાર અને સુપ્રીમ કોર્ટ બંને આ પ્રક્રિયાને પારદર્શક અને ન્યાયી બનાવવા માટે કંઈ ખાસ કરી રહ્યાં નથી. બંને માત્ર પોતપોતાનો પ્રભાવ વધારવા કે જાળવી રાખવા માગે છે.