You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે સરકારની પોતાની ફૅક્ટ ચેક ટીમે જ ફેલાવ્યા ફેક ન્યૂઝ
કોઈ સમાચાર ફેક છે કે નહીં? શક્ય છે કે આ નક્કી કરવાનું કામ ભારત સરકારની માહિતી આપનારી એજન્સી પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરો એટલે કે પીઆઇબીની ફૅક્ટ ચેક ટીમ કરે.
એટલે કે પીઆઇબીએ જો કોઈ સમાચાર કે કન્ટેન્ટને ફેક ગણાવ્યાં હોય તો તે સમાચારને સોશિયલ મીડિયા સહિત તમામ ઑનલાઇન પ્લૅટફૉર્મ પરથી હઠાવી લેવાશે.
ઇન્ફૉર્મેશન ઍન્ડ ટેકનૉલૉજી મંત્રાલયે પોતાની વેબસાઇટ પર આઈટી નિયમો સાથે જોડાયેલા નવાં સશોધનોના ડ્રાફ્ટનો પ્રસ્તાવ શૅર કર્યો છે.
આ નવા નિયમ હાલ માત્ર પ્રસ્તાવ જ છે પરંતુ ઍડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા સહિત બૌદ્ધિકોએ આને અભિવ્યક્તિની સ્વતંત્રતાની લગામ ખેંચવાનો પ્રયાસ ગણાવીને વાંધો નોંધાવ્યો છે. તેમજ, કૉંગ્રેસે સરકારની મનશા પર સવાલ ઉઠાવ્યા છે.
કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું, “જો મોદી સરકાર ઑનલાઇન ન્યૂઝનું ફૅક્ટ ચેક કરશે તો કેન્દ્ર સરકારનું ફૅક્ટ ચેક કોણ કરશે?”
આ ડ્રાફ્ટમાં મુખ્યત્વે મીડિયા, સોશિયલ મીડિયા અને વીડિયો ગેમ સાથે સંબંધિત નિયમોના પ્રસ્તાવ રજૂ કરાયા છે. અહીં આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ પ્રસ્તાવની ખાસ વાતો અને તેના ખતરા શું છે?
સાથે જ ભૂતકાળમાં ક્યારે ક્યારે પીઆઇબી ફૅક્ટ ચેક ટીમે કોઈ ટીકાને ફેક ન્યૂઝ ગણાવ્યા અને ઘણી વાર જાતે ફેક કે ભ્રામક સમાચારો ફેલાવવામાં સામેલ રહી.
પ્રસ્તાવમાં શું શું છે?
- પીઆઇબીએ જો કોઈ ખબરને ફેક ગણાવી તો તે ખબર હઠાવવી પડશે
- સરકાર સાથે સંબંધિત સંસ્થાએ જો કોઈ કન્ટેન્ટને ભ્રામક ગણાવ્યું તો તે કન્ટેન્ટ ઑનલાઇન પ્લૅટફૉર્મ પરથી હઠશે
- પીઆઇબીએ અમુક ન્યૂઝને ફેક ગણાવ્યા તો ઇન્ટરનેટ પ્રોવાઇડરોએ પણ તે લિંક હઠાવવી પડશે
- આવા ન્યૂઝ ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ જેવાં પ્લૅટફૉર્મો પર પણ નહીં દેખાય
- જાણકારો પ્રમાણે, જે તાકત પીઆઇબીને અપાઈ રહી છે. એ અત્યાર સુધી આઈટી ઍક્ટની કલમ 69એ અંતર્ગત આવતી હતી
- પ્રસ્તાવમાં એ વાતની સ્પષ્ટતા નથી કરાઈ કે ફેક કઈ સામગ્રીને મનાશે અને કઈ સામગ્રીને નહીં મનાય
ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને આ ડ્રાફ્ટ પર આપત્તિ વ્યક્ત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીઆઇબીએ જાતે જ્યારે ફેલાવ્યા ફેક ન્યૂઝ
પાઆઇબી ફૅક્ટ ચેક ટીમની રચના 2019માં થઈ હતી. હેતુ હતો – સરકાર, મંત્રાલયો, વિભાગો અને યોજનાઓ સાથે જોડાયેલા સમાચારોની ચકાસણી કે સાચી જાણકારી પૂરી પાડવાનો.
જો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર નજર કરવામાં આવે તો તમને જોવા મળશે કે સરકાર સાથે જોડાયેલી અમુક ‘ખોટી’ કે ‘ભ્રામક’ માહિતીને ફેક ગણાવવાનું કામ પીઆઇબીની ફૅક્ટ ચેક ટીમ કરી રહી છે. જોકે અમુક તથ્ય કેમ અને કેવી રીતે ખોટાં છે, એ વિશે પીઆઇબી ફૅક્ટ ચેક ટીમ વિસ્તારપૂર્વક કશું જણાવતી નથી. અમુક વાર તો વૉટ્સઍપ ફૉરવર્ડ મૅસેજને પણ ફેક કે ભ્રામક ટીમ તરફથી સોશિયલ મીડિયા પર બતાવાયું છે.
ઘણી વાર એવું પણ થયું છે જ્યારે ફૅક્ટ ચેક ટીમ જાતે ફેક ન્યૂઝ કે ખોટી, ભ્રામક સૂચનાઓ શૅર કરતી દેખાઈ.
ઉદાહરણ તરીકે :-
1. વર્ષ 2020માં પીઆઇબીએ ઇન્ટેલિજન્સ બ્યૂરોની એક રિક્રૂટમેન્ટ નોટિસને ફેક ગણાવી દીધી હતી. બાદમાં આ સાચા ન્યૂઝને ફેક ગણાવવાની વાતનો ‘ફૅક્ટ ચેક’ કરવા માહિતી અને પ્રસારણ મંત્રાલયનું પબ્લિકેશન ડિવિઝન આગળ આવ્યું અને જણાવાયું કે આ નોટિસ યોગ્ય છે.
2. જૂન 2020માં પીઆઇબી ફૅક્ટ ચેક ટીમે એક ટ્વીટ કર્યું. જેમાં કહેવાયું, “સોશિયલ મીડિયા પર વાઇરલ એક સંદેશમાં એસટીએફ તરફથી અમુક ઍપનો ઉપયોગ ન કરવાની જાણકારી અપાયાનો દાવો કરાઈ રહ્યો હતો. સમાચાર ખોટા છે, એસટીએફે આવી કોઈ માર્ગદર્શિકા નથી બહાર પાડી.”
પીઆઇબી ફૅક્ટ ચેક ટીમે માર્ગદર્શિકા ઉપર ફેક ન્યૂઝ લખીને તેને ખોટી ગણાવી. જ્યારે આ માર્ગદર્શિકા યોગ્ય હતી. યુપીના એડીજી પ્રશાંતકુમારે આ વિશે નિવેદન પણ આપ્યું હતું. પ્રશાંતકુમારે કહ્યું હતું, “એવાં સોફ્ટવૅર જેમનો દુરુપયોગ થવાની સંભાવના છે. સુરક્ષા માટે અમે એ વાતે સાવધાન રહીએ છીએ કે માત્રે એવી જ ઍપ ફોનમાં રાખવામાં આવે જે સુરક્ષિત છે.”
આ ટ્વીટ પર સેંકડો લોકોએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે પીઆઇબી ફૅક્ટ ચેક ટીમથી ભૂલ થઈ છે. આ ટ્વીટ પોસ્ટ કરાયાનાં લગભગ અઢી વર્ષ બાદ આજે પણ આ ટ્વીટ એમનું એમ જ છે, તેને ન ડિલીટ કરાયું છે કે ન તે અંગે સ્પષ્ટીકરણ આવ્યું છે.
1. 2020માં કોરોનાના તબક્કામાં શ્રમિક ટ્રેનોમાં થયેલાં મૃત્યુને લઈને પણ જ્યારે અહેવાલો આવ્યા તો પીઆઇબી ફૅક્ટ ચેકે તથ્ય ટાંક્યા વગર આ રિપોર્ટોને ફેક ગણાવી દીધા કે રેલવેનું સ્પષ્ટીકરણ શૅર કર્યું.
જોકે જ્યારે ઓલ્ટ ન્યૂઝ જેવી ફૅક્ટ ચેક વેબસાઇટોએ મૃતકોના પરિવારો સાથે વાત કરી તો આખી અલગ કહાણી ખબર પડી.
આવો જ એક મામલો ઇરશાદ સાથે જોડાયેલો હતો. ચાર વર્ષના બાળક ઇરશાદનું દૂધ ન મળવાના કારણે મૃત્યુ થવા મામલે બાળકના પિતાએ જણાવ્યું કે બાળક સ્વસ્થય હતું અને ટ્રેન એવી જગ્યાઓએ રોકાઈ રહી હતી જ્યાં ખાવાપીવા માટે કાંઈ જ નહોતું મળી રહ્યું. જ્યારે ટ્રેન મુઝફ્ફરપુર પહોંચી તો ત્યાંથી બહાર નીકળવાના ઇંતેજારમાં જ ઇરશાદનું મૃત્યુ થઈ ગયું.
આ મામલે રેલવેએ કહ્યું હતું કે બાળક પહેલાંથી બીમાર હતું. આવી પરિસ્થિતિમાં પ્રશ્ન એ છે કે જ્યારે રેલવેવિભાગ સ્ક્રીનિંગ અને ટેસ્ટ વગર લોકોને ટ્રેનમાં યાત્રા નહોતો કરવા દઈ રહ્યો, ત્યારે પહેલાંથી બીમાર બાળકને ટ્રેનમાં કઈ રીતે જવા દેવાયો?
વર્ષ 2020માં આવો આ એક જ મામલો નહોતો, જ્યારે પીઆઇબી તરફથી સરકારના નૅરટિવથી વિપરીત સમાચારોને ખોટા કે ફેક ગણાવાયા.
2. ‘પોષણ સ્કીમ માટે આધાર કાર્ડ જરૂરી હશે.’ રિપોર્ટર્સ કલેક્ટિવ માટે પત્રકાર તપસ્યાએ આ સમાચાર કર્યા હતા. સમાચાર પ્રમાણે દસ્તાવેજોના આધારે એ વાતની ખબર પડે છે કે બાળકોને પોષણ સ્કીમનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી હશે અને સરકાર એ દિશામાં કામ કરી રહી છે.
સ્વાભાવિક છે કે આ કહાણીમાં સરકારની ટીકા હતી. પીઆઇબી ફૅક્ટ ચેક ટીમે તેને ફેક ગણાવ્યા અ કહ્યું કે બાળકો માટે આધાર કાર્ડ જરૂરી નહીં હોય. જોકે કોઈ દસ્તાવેજ પૂરા ન પાડવામાં આવ્યા.
પત્રકાર તપસ્યાએ આ વિશે આરટીઆઇ દાખલ કરી અને ખબર પડી કે ઑગસ્ટ 2022માં માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી કે બાળકો માટે આધાર કાર્ડ જરૂરી નથી. પરંતુ અહીં રસપ્રદ વાત તો એ છે કે તપસ્યાની સ્ટોરી જૂન 2022માં છપાઈ હતી અને આ સ્ટોરી માર્ચ 2022ની માર્ગદર્શિકા પર આધારિત હતી.
એટલે કે જ્યારે પીઆઇબીએ સમાચારને ફેક ગણાવ્યા, ત્યારે માર્ગદર્શિકા એ જ હતી જે સમાચારમાં લખાઈ છે.
પીઆઇબીની વધતી જતી ભૂમિકા મીડિયા માટે ખતરો કેમ?
મીડિયા માટે પીઆઇબીની વધતી તાકત ખતરારૂપ કેમ છે, આ વાતને મીડિયામાં છપાયેલ સમાચારો પર પીઆઇબીની પ્રતિક્રિયાઓ મારફતે સમજીએ.
એપ્રિલ 2020માં કેરેવન મૅગેઝિને રિપોર્ટ કર્યું કે મોટા નિર્ણય લેતા પહેલાં ICMR દ્વારા બનાવાયેલ કોવિડ ટાસ્ક ફોર્સ પાસેથી મોદી પ્રશાસને કોઈ સલાહ ન લીધી અને ના કોઈ મુલાકાત થઈ.
આ રિપોર્ટને ICMRએ ખોટી ગણાવતા કહ્યું કે 14 વખત મુલાકાત થઈ અને નિર્ણય લેતી વખતે ટાસ્ક ફોર્સ પાસેથી સલાહ લેવાઈ.
આ ટ્વીટ પર પીઆઇબી ફૅક્ટ ચેક ટીમની પ્રતિક્રિયા આવી અને કેરેવાનના આ સમાચારને ફૅક અને આધારહીન ગણાવાયા. જોકે સમાચારને લખનારા રિપોર્ટરે જ્યારે મિટિંગમાં શું વાતચીત થઈ એ વાતની જાણકારી માગી તો કોઈ પણ સંસ્થા તરફથી કોઈ જાણકારી પૂરી ન પાડવામાં આવી.
આવી જ રીતે ઘણી વખત ઘણી ન્યૂઝ વેબસાઇટોના સમાચારોને પીઆઇબી તરફથી ફેક કે ભ્રામક ગણાવાયા. જોકે સમાચાર સરકારની ટીકા કરનારા હતા કે સૂત્રોના હવાલાથી વાતો સામે લાવવાની કોશિશ કરી રહ્યા હતા.
ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનના પૉલિસી ડાયરેક્ટર પ્રતીક વાઘરેએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “આ ડ્રાફ્ટ એવું જણાવે છે કે પીઆઇબી સરકાર પાસેથી માન્યતાપ્રાપ્ત એજન્સીએ અમુક કન્ટેન્ટને ફેક ગણાવ્યું છે તો તેને ઇન્ટરનેટ પર હઠાવવું પડશે. આ જવાબદારી સર્વિસ અને ઇન્ટરનેટ પ્રોવાઇડર પર રહેશે. આ એટલા માટે ખતરનાક છે કારણ કે જો સરકારને કોઈ પણ સમાચાર ન ગમે તો તે પીઆઇબી તરફથી ફેક ગણાવીને હઠાવી શકાશે.”