You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્વીડનમાં કુરાન સળગાવવા મુદ્દે વિરોધ વકર્યો, કયા દેશે શું પ્રતિક્રિયા આપી?
- તુર્કીએ કહ્યું કે વિરોધપ્રદર્શનને મંજૂરી આપવાનો સ્વીડિશ સરકારનો નિર્ણય "સંપૂર્ણપણે અસ્વીકાર્ય" છે
- નિવેદનમાં જણાવાયું છે કે કુરાન સળગાવવાની ઘટના એ હકીકતનું વધુ એક ઉદાહરણ છે કે યુરોપમાં ઇસ્લામોફોબિયા, જાતિવાદ અને ભેદભાવ "ખતરાની ઘંટી"ના સ્તરે યુરોપમાં પહોંચી ગયા છે
- સ્વીડનના વિદેશમંત્રી ટોબયાસ બિલસ્ટ્રૉમે આ ઘટનાને ડર જન્માવનારી ગણાવી
- પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે
- પાકિસ્તાને અન્ય દેશોને ઇસ્લામોફોબિયા, અસહિષ્ણુતા અને હિંસા ભડકાવવાના પ્રયાસો સામે ઉકેલ શોધવા માટે અપીલ કરી છે
- સ્વીડનની રાજધાની સ્ટૉકહોમમાં કુરાન સળગાવવાની ઘટનાની તરફેણમાં અને વિરુદ્ધમાં રેલીઓ થઈ રહી છે
સ્વીડનમાં વિરોધપ્રદર્શન દરમિયાન ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનની નકલ સળગાવવાની ઘટનાની તુર્કીએ આકરી ટીકા કરી છે અને તેને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે.
તુર્કીએ કહ્યું કે વિરોધપ્રદર્શનને મંજૂરી આપવાનો સ્વીડિશ સરકારનો નિર્ણય "સંપૂર્ણપણે અસ્વીકાર્ય" છે.
તુર્કી અને સ્વીડન વચ્ચે રાજદ્વારી સ્તરે વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે.
તુર્કીએ સ્વીડનને વિરોધનો અંત લાવવા વિનંતી કરી છે અને સ્વીડનના રક્ષામંત્રી પોલ જૉન્સનની તુર્કીની મુલાકાત રદ કરી છે.
તુર્કીનું કહેવું છે કે આ પ્રવાસે હવે તેનું મહત્ત્વ અને અર્થ ગુમાવી દીધાં છે.
જ્યારે પોલ જૉન્સને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, "ગઈ કાલે હું તુર્કીના રક્ષામંત્રી હુલુસી અકરને જર્મનીના રૅમસ્ટીન ખાતેના યુએસ સૈન્યમથકે મળ્યો હતો. અમે અંકારામાં યોજાનારી બેઠકને હાલ પૂરતી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે."
અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, "તુર્કી સાથે સ્વીડનના સંબંધો અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને અમને આશા છે કે સુરક્ષા અને સંરક્ષણ સંબંધિત સામાન્ય મુદ્દાઓ પર ફરીથી વાત થશે."
મુસલમાનો માને છે કે કુરાન અલ્લાહે કહેલી વાતોનો ગ્રંથ છે. તેઓ તેને ખૂબ જ પવિત્ર માને છે. તેઓ કુરાનને જાણીજોઈને નુકસાન પહોંચાડવાનો અથવા તેમના પ્રત્યે અનાદર દર્શાવવાનો સખત વિરોધ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વીડનના વડા પ્રધાન શું બોલ્યા?
સ્ટૉકહોમમાં તુર્કીના દૂતાવાસની બહાર કુરાન સળગાવવાની ઘટના પર સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને પ્રતિક્રિયા આપી છે.
પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક નિવેદનમાં તેમણે આ ઘટનાને 'શરમજનક' ગણાવી અને કહ્યું કે તેઓ આ ઘટનાથી દુઃખી થયેલા મુસ્લિમોની સાથે છે.
તેમણે કહ્યું, "અભિવ્યક્તિની આઝાદી એ લોકશાહીનો મૂળભૂત ભાગ છે. પરંતુ કોઈ બાબત કાયદેસર હોય તો એને અર્થ એ પણ નથી કે તે ન્યાયી હોય. અનેક લોકો માટે પવિત્ર હોય એવા પુસ્તકનું સળગાવવું એ એક અપમાનજનક બાબત છે."
"સ્ટૉકહોમમાં જે થયું એનાથી દુખી થયેલા તમામ મુસ્લિમો પ્રત્યે મારી સંવેદના છે."
શા માટે તુર્કી સ્વીડન માટે મહત્ત્વપૂર્ણ છે?
સ્વીડન નાટો સૈન્ય ગઠબંધનમાં જોડાવા માગે છે અને નાટોનું સભ્ય તુર્કી તેનો વિરોધ કરી રહ્યું છે.
તુર્કી નાટોનું સભ્ય હોવાને કારણે તે આ ગઠબંધનમાં જોડાવા મુદ્દે અન્ય કોઈ દેશ સામે વાંધો ઉઠાવી શકે છે અને તેને રોકી શકે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ સ્વીડન અને ફિનલૅન્ડે નાટોના સભ્યપદ માટે અરજી કરી હતી.
આ કારણસર સ્વીડનની રાજધાની સ્ટૉકહોમમાં જમણેરી વિચારધારાવાળા પક્ષો તુર્કી સામે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
આ પ્રદર્શનો દરમિયાન જમણેરી સ્ટ્રામ કુર્સ પાર્ટીના નેતા રાસમુસ પૈલુદાને શનિવારે સ્ટૉકહોમમાં તુર્કી દૂતાવાસની બહાર કુરાનની એક નકલ સળગાવી હતી.
એવું માનવામાં આવતું હતું કે સ્વીડનના રક્ષામંત્રીની તુર્કીની મુલાકાતથી એ સંકેત જશે કે સ્વીડનના નાટોમાં સામેલ થવાનો તુર્કી વિરોધ કરતું નથી.
જોકે, ગયા વર્ષે તુર્કીએ નાટોમાં સામેલ થવાની સ્વીડન અને ફિનલૅન્ડની વિનંતીનો વિરોધ કર્યો હતો.
પછી ગયા વર્ષે જ તેમણે આ બંને દેશોને નાટોમાં સામેલ ન કરવા માટે પોતાનો વીટો હટાવી લીધો હતો.
તુર્કીનું કહેવું છે કે આ બે નોર્ડિક દેશો સ્વીડન અને ટર્કિશ પીકેકે (કુર્દીશ વર્કર્સ પાર્ટી) જેવા સશસ્ત્ર કુર્દીશ જૂથોને સમર્થન આપવાનું બંધ કરેે અને કેટલાંક હથિયારોના વેચાણ પર તુર્કી પરનો પ્રતિબંધ હટાવેે.
તુર્કીનું કહેવું છે કે સ્વીડને પીકેકેના કેટલાક સભ્યોને અહીં સ્થાન આપ્યું છે.
જોકે સ્વીડન આ આરોપોને નકારી રહ્યું છે.
તુર્કીની ટીકા
તુર્કી મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. તુર્કીના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ ઘટનાની ટીકા કરી અને કહ્યું કે "વારંવાર ચેતવણીઓ આપવા છતાં" આવું થયું.
મંત્રાલયે કહ્યું, "અભિવ્યક્તિની આઝાદીની આડમાં મુસલમાનોને નિશાન બનાવીને અને અમારા પવિત્ર મૂલ્યોનું અપમાન કરીને મુસલમાન વિરોધી કૃત્યને મંજૂરી આપતું આ પગલું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે."
નિવેદનમાં જણાવાયું છે કે કુરાન સળગાવવાની ઘટના એ હકીકતનું વધુ એક ઉદાહરણ છે કે યુરોપમાં ઇસ્લામોફોબિયા, જાતિવાદ અને ભેદભાવ "ખતરાની ઘંટી"ના સ્તરે યુરોપમાં પહોંચી ગયા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્વીડન સરકાર તેમની સામે "યોગ્ય પગલાં લે".
સ્વીડનના વિદેશમંત્રી ટોબયાસ બિલસ્ટ્રૉમે આ ઘટનાને ડર જન્માવનારી ગણાવી છે.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "સ્વીડનમાં અભિવ્યક્તિની આઝાદી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે અહીંની સરકારનું કે મારું પ્રદર્શનમાં વ્યક્ત થયેલી ભાવનાઓને સમર્થન છે."
ઓઆઈસીએ શું કહ્યું?
ઓઆઈસીના મહાસચિવ હિસિન બ્રાહીમ તાહાએ પણ કુરાન સળગાવવાની ઘટનાની નિંદા કરી છે.
તેઓ કહે છે કે આ બધું સ્વીડિશ અધિકારીઓની પરવાનગીથી થયું છે.
પાકિસ્તાને શું કહ્યું?
પાકિસ્તાને પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે અમે સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટનાનો સખત વિરોધ કરીએ છીએ.
પાકિસ્તાને કહ્યું, "આ મૂર્ખતાપૂર્ણ અને ભડકાઉ ઇસ્લામોફોબિક કૃત્યથી કરોડો મુસ્લિમોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. આવાં કૃત્યોને કોઈ પણ રીતે અભિવ્યક્તિની આઝાદી અથવા કાયદેસરનું કૃત્ય કહી શકાય નહીં. ઇસ્લામ શાંતિ અને મુસલમાનોનો ધર્મ છે, જે તમામ ધર્મોનું સન્માન કરે છે. આ સિદ્ધાંતને બધાએ માન આપવું જોઈએ."
પાકિસ્તાને અન્ય દેશોને ઇસ્લામોફોબિયા, અસહિષ્ણુતા અને હિંસા ભડકાવવાના પ્રયાસો સામે ઉકેલ શોધવા માટે અપીલ કરી છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું છે કે, "સ્વીડનમાં એક જમણેરી ઉગ્રવાદી દ્વારા પવિત્ર કુરાનની બેઅદબીના જઘન્ય કૃત્યની સખત નિંદા કરવા માટે કોઈ શબ્દ પૂરતો નથી. અભિવ્યક્તિની આઝાદીની આડમાં વિશ્વભરના દોઢ અબજ મુસ્લિમોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકાય નહીં."
વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે "આ અસ્વીકાર્ય છે."
સાઉદી અને કતારે શું કહ્યું?
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન જારી કરીને આ ઘટના સામે સખત વાંધો નોંધાવ્યો છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, "સાઉદી અરેબિયા સંવાદ, સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવામાં, સહઅસ્તિત્વના મહત્ત્વને સમજવામાં માને છે અને નફરત, ઉગ્રવાદને નકારે છે."
વિરોધપ્રદર્શનોને મંજૂરી આપવા બદલ કતારે સ્વીડિશ સત્તાવાળાઓની પણ ટીકા કરી છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, "વિશ્વના બે અબજ મુસ્લિમોની લાગણીઓને ભડકાવવાની અને ઉશ્કેરવાની આ એક ખૂબ જ ગંભીર ઘટના છે. કતાર ધર્મના આધારે તમામ પ્રકારનાં નફરતભર્યાં ભાષણોને સ્પષ્ટપણે નકારે છે."
વિદેશ મંત્રાલયે સંવાદ અને પરસ્પર સમજણની વાત કરી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને નફરત, ભેદભાવ, ઉશ્કેરણી, હિંસાની નિંદા કરવાની જવાબદારી લેવા અપીલ કરી.
સ્વીડનમાં વિરોધપ્રદર્શન ચાલુ છે
સ્વીડનની રાજધાની સ્ટૉકહોમમાં કુરાન સળગાવવાની ઘટનાની તરફેણમાં અને વિરુદ્ધમાં રેલીઓ થઈ રહી છે.
ગયા અઠવાડિયે સ્ટૉકહોમમાં વિરોધપ્રદર્શન દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ અર્દોઆનનું પૂતળું લેમ્પપોસ્ટ પર લટકાવવામાં આવ્યું હતું.
બાદમાં સ્વીડનના વડા પ્રધાને કહ્યું હતું કે સ્ટૉકહોમમાં તુર્કીના રાષ્ટ્રપતિના પૂતળાને ઊંધું લટકાવનારાઓ નાટોમાં જોડાવાના સ્વીડનના પ્રયાસોને નુકસાન પહોંચાડવા માગે છે.