You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીએમ મોદી પર બીબીસીની ડૉક્યુમૅન્ટરી, ભારતીય વિદેશ મંત્રાલય અને યૂકેના વડા પ્રધાને આપી પ્રતિક્રિયા
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની ડૉક્યુમૅન્ટરી સંદર્ભે ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. સાથે જ બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે પણ આ વિશે બ્રિટનની સંસદમાં ઉઠાવવામાં આવેલા એક સવાલનો જવાબ આપ્યો છે.
બીબીસીએ બે એપિસોડની એક ડૉક્યુમૅન્ટરી બનાવી છે, જેનું નામ છે – ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન.
તેનો પ્રથમ એપિસોડ 17 જાન્યુઆરીએ બ્રિટનમાં પ્રસારિત થઈ ચૂક્યો છે. આગામી એપિસોડ 24 જાન્યુઆરીએ પ્રસારિત થવાનો છે.
પ્રથમ એપિસોડમાં નરેન્દ્ર મોદીની પ્રારંભિક રાજકીય કારકિર્દીને દર્શાવવામાં આવી છે જેમાં તેઓ ભારતીય જનતા પક્ષમાં આગળ વધીને, ગુજરાતના મુખ્યમંત્રીના પદ પર પહોંચે છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરૂવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું, “મને એ સ્પષ્ટ કરવા દો કે અમારા મતે આ એક પ્રૉપેગૅન્ડા પીસ છે. તેનો હેતુ એક પ્રકારના નૅરટિવ (કથા)ને રજૂ કરવાનો છે, જેને લોકો પહેલાંથી જ નામંજૂર કરી ચૂક્યા છે. આ ફિલ્મ કે ડૉક્યુમૅન્ટરી બનાવનારી એજન્સી અને વ્યક્તિ આ જ નૅરટિવને ફરીથી ચલાવવા ઇચ્છી રહ્યા છે.”
બાગચીએ ડૉક્યુમૅન્ટરી બનાવવાની બીબીસીની મનશા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે કહ્યું, “અમે તેના હેતુ અને તેની પાછળના એજન્ડા પર વિચારવા મજબૂર છીએ.”
રિપૉર્ટ પર આધારિત ડૉક્યૂમૅન્ટરી
આ ડૉક્યુમૅન્ટરી એક અપ્રકાશિત રિપોર્ટ પર આધારિત છે, જેને બીબીસીએ બ્રિટિશ ફૉરેન ઑફિસ પાસેથી મેળવવામાં આવ્યો છે. આ ડૉક્યુમૅન્ટરીમાં નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી હતા ત્યારે ગુજરાતમાં વર્ષ 2002માં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 2000 લોકોના મૃત્યુ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
બ્રિટિશ વિદેશ વિભાગના રિપૉર્ટનો દાવો છે કે મોદી વર્ષ 2002માં ગુજરાત હિંસાનું વાતાવરણ બનાવવામાં માટે ‘પ્રત્યક્ષરૂપે જવાબદાર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીએમ મોદી હંમેશાં તેમના પર હિંસા માટે જવાબદાર હોવાના આરોપોનું ખંડન કરતા રહ્યા છે. પરંતુ જે બ્રિટિશ અધિકારીએ બ્રિટિશ વિદેશ મંત્રાલય માટે રિપૉર્ટ લખ્યો છે તેની સાથે બીબીસીએ વાત કરી છે. અને તેઓ પોતાના રિપૉર્ટના નિષ્કર્ષ પર કાયમ છે.
ભારતની સુપ્રીમ કોર્ટ પહેલાંથી જ વડા પ્રધાન મોદીની ગુજરાત હિંસામાં કોઈ પણ પ્રકારની સંડોવણીમાંથી મુક્ત કરી ચૂકી છે.
આ રિપૉર્ટ લખનારા એક અધિકારી કહે છે, “અમારી તપાસના નિષ્કર્ષ હજી પણ વાજબી છે. વર્ષ 2002માં એક સુનિયોજિત હિંસામાં 2000 લોકો મૃત્યુ પામ્યા હતા. એ એક સત્ય છે. ”
આ રિપૉર્ટ હોવા વિશે બીબીસીએ સમાચાર આપ્યા હતા. અધિકારીઓનો આ રિપૉર્ટ એ સમયના બ્રિટિશ વિદેશ મંત્રી જૅક સ્ટ્રૉ દ્વારા હુકમ કરવામાં આવેલી તપાસનો ભાગ હતો. રિપૉર્ટ કહે છે કે હિંસાનો વિસ્તાર, મીડિયામાં આવેલા અહેવાલોથી ક્યાંય વધારે હતો અને તોફાનોનો ઉદ્દેશ્ય હિંદુ વિસ્તારોમાંથી મુસલમાનોને ખદેડવાનો હતો.
બ્રિટનની સંસદમાં થયો સવાલ
બ્રિટનના સંસદ સભ્ય ઇમરાન હુસૈને આ મુદ્દો ત્યાંની સંસદમાં ઉઠાવ્યો અને પૂછ્યો કે શું વડા પ્રધાન ઋષિ સુનક વિદેશ વિભાગના અધિકારીઓના રિપૉર્ટ સાથે સહમત છે જેમાં મોદીને ગુજરાત હિંસા માટે સીધા જ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે? સાથે જ વિદેશ મંત્રાલય મોદીની આ મામલામાં સંડોવણી વિશે વધુ શું જાણકારી છે?
આ પ્રશ્નના જવાબમાં વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું છે કે સંસદ સભ્ય દ્વારા કરવામાં આવેલા વર્ણન સાથે તેઓ સહમત નથી.
તેમણે કહ્યું, “આ બાબતે બ્રિટનની સરકારની સ્થિતિ લાંબા સમયથી સ્પષ્ટ છે અને હજી પણ બદલાઈ નથી. ચોક્કસપણે આપણે દુનિયામાં જ્યાં પણ દમન થાય છે તેને સહન નથી કરતા. પરંતુ હું માનનીય સંસદ સભ્ય દ્વારા કરવામાં આવેલા વર્ણન સાથે બિલકુલ સહમત નથી.”
આ બાબતે બીબીસીના પ્રવક્તાએ કહ્યું, “બીબીસી દુનિયાભરના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ ડૉક્યૂમૅન્ટરી ભારતના બહુમતી હિંદુઓ અને લઘુમતી મુસલમાનોની તણાવની તપાસ કરે છે અને આ તણાવને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન મોદીની રાજનીતિ પર નજર કરે છે.”
બીબીસીએ કહ્યું કે, “આ ડૉક્યૂમૅન્ટરી માટે સંપાદનના ઉચ્ચતમ માપદંડોનું પાલન કરીને ઊંડું સંશોધન કરવામાં આવ્યું છે. એના માટે ઘણા સાક્ષીઓ, વિશ્લેષકો અને સામાન્ય લોકો સાથે વાત કરવામાં આવી છે. તેમાં ભાજપના લોકો પણ સામેલ છે. અમે ભારત સરકારને આ ડૉક્યૂમૅન્ટરીમાં ઊભા થયેલા મુદ્દાઓ પર પોતાનો પક્ષ રજૂ કરવાનો મોકો આપ્યો હતો પરંતુ સરકારે જવાબ આપવાનો ઇનકાર કર્યો.”
બ્રિટનના પૂર્વ વિદેશ મંત્રી જૅક સ્ટ્રૉએ કહ્યું, “એ ખૂબ જ આશ્ચર્યચકિત કરી દે તેવો રિપૉર્ટ હતો. એ ખૂબ જ ગંભીર દાવા હતા કે મુખ્ય મંત્રી મોદીએ પોલીસને પાછળ રાખીને હિંદુ ચરમપંથીઓને ભડકાવીને, એક સક્રિય ભૂમિકા નિભાવી હતી. એ પોલીસને હિંદુઓ અને મુસલમાનોની સુરક્ષા કરવાનું કામ કરતા રોકવા માટે, રાજકીય ભાગીદારીનું એક વિશેષરૂપે આક્રમક ઉદાહરણ હતું.”
એ સમયની બ્રિટિશ સરકાર શું કાર્યવાહી કરી શકતી હતી, એ પ્રશ્નના જવાબમાં જૅક સ્ટ્રૉએ કહ્યું, “અમારી પાસે મર્યાદિત વિકલ્પો હતા. અમે ભારત સાથે રાજનૈતિક સંબંધ તો ક્યારેય નહોતા તોડી શકવાના પરંતુ એ મોદીની શાખ પર એક બટ્ટો તો હતો જ. એ વાતે કોઈ સંદેહ નથી.”