You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમની વાત કરી એ પસમાંદા મુસ્લિમો કોણ છે?
- લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
- મુસ્લિમોમાં પછાત મનાતા પસમાંદા કોણ છે?
- વડા પ્રધાન મોદીએ એક સંમેલનમાં પસમાંદા મુસ્લિમોનો ઉલ્લેખ કરતાં આ શબ્દ ચર્ચામાં આવ્યો હતો
- પસમાંદા મુસ્લિમો અને મુસ્લિમ ધર્મમાં પછાતપણાની વાતથી હવે એ વાત પણ ચર્ચાવા લાગી છે કે શું મુસ્લિમોમાં પણ હિંદુઓની જેમ જ્ઞાતિ વ્યવસ્થા છે?
‘પસમાંદા’ મુસલમાન એ કોઈ નવો શબ્દ નથી પરંતુ વડા પ્રધાન મોદી એક સંમેલનમાં તેનો ઉપયોગ કરાયા બાદ પસમાંદાના શાબ્દિક, સામાજિક અને ઇતિહાસના સંદર્ભમાં અર્થને લઈને રસ ફરીથી જાગૃત થઈ ગયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સમાપ્ત થયેલ ભારતીય જનતા પાર્ટી કાર્યકારિણીની બેઠકમાં કાર્યકર્તાઓએ આહ્વાન કર્યું કે તેઓ ‘મતોની ચિંતા વગર’ સંવેદનશીલતા સાથે સમાજના તમામ વર્ગો સાથે સંબંધ જોડે – આ સંદર્ભમાં બોહરા, પસમાંદા મુસ્લિમ અને બીજા વર્ગોના આ ખાસ ઉલ્લેખની વાતો ઘણી જગ્યાએ કરાઈ રહી છે.
પસમાંદા ફારસીનો શબ્દ છે, જેનો અર્થ છે કે તેઓ પાછળ છૂટી ચૂક્યા છે.
સાધારણ શબ્દોમાં એવા મુસ્લિમો જેઓ આ કોમના અન્ય વર્ગોની સરખામણીએ વિકાસની દોડમાં પાછળ છૂટી ગયા, તેમને પસમાંદા કહે છે. તેમના પાછળ છૂટી જવાનાં મોટાં કારણોમાં એક મોટું કારણ જાતિ વ્યવસ્થા ગણાવાય છે.
પસમાંદા શબ્દનો પ્રયોગ પહેલીવખત ‘વર્ગને લઈને’ કરાયો હતો, પરંતુ વર્ષો બાદ તેનો ઉપયોગ મુસ્લિમોની અંદર પછાત (બૅકવર્ડ કાસ્ટ), અનુસૂચિત જાતિ અને જનજાતિઓને લઈને થવા લાગ્યો હતો.
ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ અને પત્રકાર અલી અનવર અંસારીએ એક વાતચીતમાં બીબીસીને કહ્યું હતું કે તેઓ બાબરી મસ્જિદ તોડી પડાયા બાદ ધર્મની આસપાસ ફરતા રાજકારણને લઈને ઘણા હતાશ હતા અને ઇચ્છતા હતા કે મુસ્લિમોની અંદર વર્ગની ઓળખ કરીને ધર્મ આધારિત રાજકારણને પડકારી શકાય.
અલી અનવર અંસારીએ આના માટે સંશોધન અને ફીલ્ડ સ્ટડી કરીને એક પુસ્તક, ‘મુસાવાત કી જંગ’ (શાબ્દિક અર્થ બરોબરીનો જંગ)નામે વર્ષ 1990ના દાયકામાં લખ્યું.
શું ભારતીય મુસ્લિમોમાં જાતિ વ્યવસ્થા જોવા મળે છે?
મુસલમાનોનો એક વર્ગ જોકે સમુદાયમાં કોઈ પણ પ્રકારની નાત-જાત, ઊંચ-નીચની વાતથી ઇનકાર કરે છે, આ વર્ગ કહે છે કે ‘ઇસ્લામ બરોબરીમાં વિશ્વાસ રાખનારો ધર્મ છે પરંતુ સત્ય તો એ છે કે મુસ્લિમોની અંદર પણ જાતિ વ્યવસ્થા પકડ ખૂબ મજબૂત છે.’
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મુદ્દે બે વાતો મહત્ત્વપૂર્ણ છે – તેમાં પહેલી વાત સિલ્વિયા વટુક જેવા સમાજશાસ્ત્રીઓનું કહેવું છે કે મુસ્લિમ સમાજમાં જાતિ વ્યવસ્થાને હિંદુ સમાજની સરખામણીએ ન જોવું જોઈએ એટલે કે આ બધું એ પ્રકારનું કે એ સ્તરનું નથી જેવું હિંદુઓમાં જોવા મળે છે. બીજું, નાત-જાતની આ વ્યવસ્થા દક્ષિણ એશિયાના મુસ્લિમોની અંદર સીમિત છે.
આનું કારણ એ ગણાવાય છે કે બીજા ધર્મના લોકોએ, જેમાં ભારે સંખ્યા હિંદુઓની હતી, એ ઇસ્લામ કબૂલ કર્યો તો પુરાણી પરંપરાઓ, અને અમુક રૂઢિઓને પણ સાથે લેતા આવ્યા, તેમાં એક જાતિવાદ પણ છે.
પસમાંદા પહેલાંના શબ્દ
અમુક સ્થળે એવા તર્ક અપાય છે કે મુસલમાનોમાં જાતિનો મુદ્દો અંગ્રેજોની હકૂમતે ઊભો કર્યો હતો. તર્ક એ છે કે અંગ્રેજ સરકારે ‘સરકારી’ મુસ્લિમો સાથે મળીને આ કામ પાર પાડ્યું, જેથી કોમને વિભાજિત કરી શકાય.
આ કંઈક એવો જ તર્ક છે જે હિંદુ સમુદાયમાં જાતિવાદ માટે એક વર્ગ આપતો રહ્યો છે.
અગાઉના સમયમાં ભારતીય મુસ્લિમોની જાતિ વ્યવસ્થાના વર્ણન માટે અશરફ, અજલાફ અને અરઝાલ જેવા શબ્દોનો ઉપયોગ થતો.
જાણીતા સમાજશાસ્ત્રી ઇમ્તિયાઝ અહમદે આની વ્યાખ્યા કરતાં કહ્યું, “અશરફ એટલે કે ઉચ્ચ વર્ગ, જેમાં એવા લોકો સામેલ છે, જેમના બાપ-દાદા અરબ, ઈરાન અને અફઘાનિસ્તાન સાથે સંબંધ ધરાવતા હતા. તેમાં એવા હિંદુઓ પણ સામેલ છે જે ઉચ્ચ જાતિના હતા અને તેમણે ઇસ્લામ ધર્મ કબૂલ્યો.”
એટલે કે અશરફ સમુદાય સવર્ણ હિંદુઓની જેમ મુસ્લિમોમાં સમૃદ્ધ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં સૈયદ, શેખ, મોગલ, પઠાણ, મુસ્લિમ રાજપૂત, તાગા કે ત્યાગી મુસ્લિમ, ચૌધરી મુસ્લિમ, ગ્રહે કે ગૌર મુસ્લિમ સામેલ છે.
અજલાફ એટલે એ મુસ્લિમો જેમણે નીચી હિંદુ જાતિઓમાંથી મુસ્લિમ ધર્મ કબૂલ કર્યો. તેમાં ધોબી, દરજી, વણકર, તેલી, ભિસ્તી, રંગરેઝ સામેલ હતા.
અજલાફ મુસ્લિમોમાં અંસારી, મંસૂરી, કાસગર, રાઇન, ગુજર, વણકર, ગુર્જર, ઘોસી, કુરેશી, ઇદરિસી, નાઇક, ફકીર, સૈફી, અલવી, સલમાની જેવી જાતિઓ છે.
અરઝાલ એટલે દલિતો કે જેમણે ઇસ્લામ કબૂલ કર્યો.
કુલ સંખ્યા
જાતિગત જનગણના ન થવાના કારણે એ અંગે કોઈ ચોક્ક્સ આંકડો તો ઉપલબ્ધ નથી કે પસમાંદા સમુદાયની સંખ્યા કુલ મુસ્લિમ વસતિમાં કેટલી છે, પરંતુ 1931ની વસતિગણતરી આધારે, જેમાં અંતિમ વખત જાતિને પણ ધ્યાને લેવાઈ હતી, પસમાંદા સમાજ સાથે જોડાયેલા લોકોનો દાવો છે કે આ સંખ્યા 80-85 ટકા સુધી હોવી જોઈએ.
અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર ખાલિદ અનીસ અંસારી કહે છે કે વિભાજન સમયે પલાયન કરનારામાં મોટો વર્ગ અશરફ મુસ્લિમોનો હતો, એ હિસાબે તો પછાતોની વસતિ હજુ વધી હશે.
અંગ્રેજી રાજ કાયમ થયું એ પહેલાં મુસ્લિમ હકૂમતો સમયે પણ નોકરીઓથી માંડીને જમીન આપવા સુધી કહેવાતા અશરફોને પ્રાથમિકતા અપાતી હતી.
મંડલ કમિશને ઓછામાં ઓછા 82 સામાજિક સમૂહોની ઓળખ કરી હતી જેને તેણે પછાત મુસ્લિમોના વર્ગમાં સમાવિષ્ટ કર્યા હતા.
નેશનલ સૅમ્પલ સરવે ઑર્ગેનાઇઝેશન (એનએસએસઓ) અનુસાર મુસ્લિમોમાં ઓબીસી વસતિ 40.7 ટકા છે જે દેશના પછાત વર્ગની કુલ વસતિની સરખામણીએ 15.7 ટકા છે.
સચ્ચર કમિશને કહ્યું છે કે સરકાર તરફથી જે લાભ તેમને મળવા જોઈતા હતા એ તેમના સુધી ન પહોંચી નથી રહ્યા, કારણ કે જ્યાં એક તરફ હિંદુ પછાત વર્ગ- દલિતોને આરક્ષણનો લાભ મળે છે એ જ લાભ મુસ્લિમ સમાજને નથી મળી રહ્યા.
અલી અનવર પસમાંદા મુસ્લિમ મહાઝ નામની એક સંસ્થા ચલાવે છે, જેને એક પ્રકારનું પ્રેશર ગ્રૂપ માની શકાય છે.
આ સમૂહ દલિત મુસ્લિમો માટે એસસી-એસટી જેવા આરક્ષણની માગ કરી રહ્યો છે.
પસમાંદા સમાજનું પ્રતિનિધિત્વ કરવાને લઈને બીજાં ઘણાં સંગઠનો પણ ભારતના અન્ય ભાગોમાં કામ કરી રહ્યાં છે, જેમ કે ઑલ ઇન્ડિયા બૅકવર્ડ મુસ્લિમ મોરચા, પસમાંદા ફ્રન્ટ, પસમાંદા સમાજ વગેરે.
પસમાંદા મૂવમૅન્ટ જોકે નવી નથી અને તેના સંદર્ભમાં અવાજો આઝાદી પહેલાંથી સંભળાતા આવે છે પરંતુ હવે તે દક્ષિણથી માંડીને પૂર્વ તરફનાં રાજ્યો સુધી કોઈને કોઈ સ્વરૂપે સામે જોવા મળી રહ્યા છે અને અમુક જગ્યાઓ પર તેને લઈને તૈયારી ચાલી રહી છે.