You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગણેશ જાડેજા કેસ: દલિતોએ વિરોધમાં રેલી યોજી તો ગોંડલનાં ગામોએ બંધ કેમ પાળ્યો?
- લેેખક, બિપિન ટંકારિયા અને હનિફ ખોખર
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગોંડલનાં ભાજપનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે એક દલિત યુવાનનું અપહરણ કરી અને તેમને નગ્ન કરીને ઢોર માર મારવાની અને તેનો વીડિયો ઉતારવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
પોલીસે આ મામલાના આરોપી ગણેશ જાડેજાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે છતાં દલિતોનો રોષ શમ્યો નથી.
ઘટનાના વિરોધમાં દલિત સમાજ દ્વારા બુધવારે જુનાગઢથી ગોંડલ સુધીની એક રેલી કાઢવામાં આવી હતી. રેલી બાદ તેમણે ગોંડલમાં મહાસંમેલન પણ કર્યું હતું. આ દલિતોની માગ હતી કે દલિત યુવાન પર કથિત અત્યાચાર કરનારા ગણેશ જાડેજાને કડકમાં કડક સજા થવી જોઈએ.
તેમણે આરોપ પણ લગાવ્યો કે આરોપી વગદાર પરિવારમાંથી આવે છે તેથી કેસમાં ભીનું સંકેલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો સામે પક્ષે ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલમાં ઘણાં ગામો અને માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યાં હતાં.
પોલીસે આ મામલાની તપાસ માટે ખાસ એસઆઈટીની રચના કરી છે અને મુખ્ય આરોપી ગણેશ સહિત કુલ 11 આરોપીની ધરપકડ કરી છે.
બીજી તરફ ગણેશના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કહ્યું છે કે આ આકસ્મિક ઘટના છે અને તેમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે.
સંબંધિત રેલી અને બંધને લીધે પંથકમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
શું છે દલિતોનો આરોપ?
ઘટનાની વિગત એવી છે કે જુનાગઢના કાળવાચોક વિસ્તારમાં 30મી મેની રાત્રિએ દલિત યુવાન અને એનએસયુઆઈના નેતા સંજય સોલંકીની ગાડી ધીમી ચલાવવા મામલે ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સાથે માથાકૂટ થઈ હતી. ગણેશ પંથકમાં 'ગણેશ ગોંડલ' તરીકે ઓળખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મામલો જુનાગઢ પોલીસ સ્ટેશને પહોંચ્યો. સંજય સોલંકીએ ગણેશ જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં આરોપ લગાવ્યો કે “ગણેશ જાડેજાએ તેમને પાઇપ જેવાં હથિયારોથી ઢોર માર મારીને અપહરણ કર્યું. ત્યારબાદ ગોંડલની નજીક આવેલા એક ખેતરમાં નગ્ન કરીને વીડિયો ઉતારીને માફી મગાવી હતી. દરમિયાન ગણેશે જાનથી મારી નાખવાની ધમકી આપીને જ્ઞાતિસૂચક અપશબ્દો કહી અપમાન કર્યું હતું.”
જુનાગઢ પોલીસે ગણેશ અને તેના અન્ય દસ સાથીઓ સામે ફરિયાદ નોંધી. પોલીસે છ દિવસ બાદ ગણેશ સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી હતી. મામલાની તપાસ માટે પોલીસે ખાસ એસઆઈટીની રચના પણ કરી છે.
જોકે, દલિતોનો આરોપ છે કે મામલો વગદાર પરિવાર સાથે સંકળાયેલો હોય તેનું ભીનું સંકેલાઈ શકે છે.
જેને પગલે દલિતોએ બુધવારે જુનાગઢથી ગોંડલ સુધી રેલી કાઢી અને સંમેલન કરીને કલેક્ટરને આવેદન આપ્યું. દલિતોએ આ આવેદન મારફતે માગ કરી કે ફરી કોઈ દલિત સાથે આ પ્રકારે અત્યાચાર ન કરે તે માટે ગણેશને કડકમાં કડક સજા થાય.
ફરિયાદી સંજય સોલંકીના પિતા અને દલિત આગેવાન રાજુ સોલંકીએ પોતાની માગ બીબીસી ગુજરાતીને જણાવતાં કહ્યું, “આ કેસના આરોપીઓ હાલની ગુજરાત સરકારના સત્તાપક્ષ સાથે જોડાયેલા છે. જેથી તેઓ આ કેસની તપાસમાં બિનજરૂરી હસ્તક્ષેપ કરે તેવી પૂરી સંભાવના છે. તેથી આ કેસની તપાસ પ્રિવેન્શન ઑફ એટ્રોસિટી ઍક્ટ હેઠળની જોગવાઈ મુજબ 60 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરીને, 'ડે ટુ ડે' ટ્રાયલ ચલાવવામાં આવે અને કેસ છ મહિનામાં પૂર્ણ કરવામાં આવે. આ કેસની તપાસમાં બે સરકારી કર્મચારીઓને સાહેદ તરીકે લઈને તેમનાં નિવેદનો નોંધવામાં આવે સાથે ચાર્જશીટ પહેલાં કોઈ આરોપીને જામીન ન મળે તે માટે તમામ કાયદાકિય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે.”
જુનાગઢથી ગોંડલ સુધીની દલિતો દ્વારા કાઢવામાં આવેલી રેલીના આયોજક અને યુવા ભીમસેનાના સંસ્થાપક ડી. ડી. સોલંકીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “ગુજરાતમાં જે દલિતો પર અત્યાચાર થઈ રહ્યો છે તે ભવિષ્યમાં ન થાય તે માટે અમે વિરોધપ્રદર્શનના ભાગરૂપે આ પ્રકારે રેલીનું આયોજન કર્યું હતું.”
તેમણે આ કેસ મામલે પોલીસની તપાસ પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યો, "પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી ગણેશ જાડેજાને પર્સનલ ગાડીમાં કેમ લઈ જવામાં આવ્યો? જ્યારે તે સિવિલ હૉસ્પટલમાં વિવિધ ટેસ્ટ માટે આવ્યો ત્યારે તેનું શર્ટ નારંગી રંગનું હતું તે પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ બ્લૂ રંગનું કઈ રીતે થઈ ગયું? આઈપીસી કલમ 120 પાછળથી કેમ ઉમેરવામાં આવી?"
દલિતોની વિરોધ રેલી સામે ગોંડલ બંધનું એલાન
એક તરફ દલિતોની વિરોધ રેલીનું આયોજન થયું તો સામે પક્ષે ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમણે આરોપી ગણેશ જાડેજાના સમર્થનમાં બંધ પાળ્યો હતો તેમણે અધિકારીક રીતે બંધનું એલાન આપ્યું નહોતું. તેમનો દાવો હતો કે આ સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો.
આરોપી ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ તથા ઘણાં ગામોએ બંધ પાળ્યો હતો.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ ઍસોસિયેશનના પ્રમુખ યોગેશભાઈ ક્યાડા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “પારિવારીક ભાવનાને કારણે અમે, વેપારીઓએ, મજૂર યુનિયન અને ખેડૂતોએ બંધ પાળ્યો છે.”
અમે તેમને જ્યારે પૂછ્યું કે શું તમે આ બંધ દ્વારા પોલીસ તપાસ મામલે દબાણ ઊભું કરવા માગો છો? જવાબમાં યોગેશભાઈ ક્યાડાએ કહ્યું, “ના, અમારો વિરોધ દલિતોની રેલી સામે હતો. તેઓ ગોંડલમાં અશાંતિનું વાતાવરણ ઊભું કરવા માગતા હતા.”
તેમના દાવા પ્રમાણે ગોંડલ તાલુકાનાં જામવાડી, અનિડા, ગોમટા, નવાગામ, લિલાખા, સરખડી, દેરડી, સુલેમાનપુર, દેવડા, ધુરસિયા અને મોવિયા વગેરે ગામોએ બંધ પાળ્યો હતો.
અનિડાના સરપંચ સામંતભાઈ બાંભવાએ બીબીસીને જણાવ્યું, “ગણેશભાઈ હંમેશાં અમને જ્યારે કામ હોય ત્યારે પડખે ઊભા રહે છે તેથી તેમના સમર્થનમાં અમારા ગામે બંધ પાળ્યો છે.”
જામવાડી ગામનાં સરપંચ લિનાબહેન ટોળિયાના પતિ પ્રફુલ્લભાઈ ટોળિયાએ બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે આ બંધનું એલાન કોઈએ નથી આપ્યું પરંતુ સ્વયંભૂ છે અને ગણેશ જાડેજાના સમર્થનમાં છે.
પોલીસનું શું કહેવું છે?
આ બનાવમાં પીડિત પરિવાર દ્વારા આરોપીની ધરપકડ નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, જયપાલસિંહ ઉર્ફે જે.કે., ક્રૃપાલસિંહ રાણા, ઇન્દ્રજિતસિંહ ઉર્ફે ઇન્દુભા દાદુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથુભા રેવતુભા જાડેજા, દિગ્પાલસિંહ ઉર્ફે દિગુભા કેસરીસિંહ જાડેજા, સમીર ઉર્ફે પોલાડ બગસ મજગુલ, અકરમ હબીબ તરકવાડિયા, રમિઝ અનવર પઠાણ વગેરે કુલ 11 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે કથિત ગુનામાં વપરાયેલ ફોર્ચ્યુનર અને થાર ગાડી તેમજ મોબાઇલ ફોન મળી 25 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.
પોલીસે આરોપીની રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા પરંતુ અદાલતે સાત દિવસની પોલીસ રિમાન્ડની માગણી ફગાવી દીધી હતી. હાલ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
મામલાની ગંભીરતા જોતાં જુનાગઢ પોલીસે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે.
આ એસઆઈટીના સભ્ય અને જુનાગઢના ડીવાયએસપી સંજય ધાંધલિયાએ પત્રકારોને જણાવ્યું હતું, “કોર્ટે સુર્યોદયથી સુર્યાસ્ત દરમિયાન પાંચ દિવસ સુધી આ કેસના આરોપીઓની પૂછપરછની પરવાનગી આપી છે. અમે બનાવ સમયે ઉપયોગમાં લેવાયેલાં હથિયારો, મોબાઇલ ફોન વગેરે અંગેની પૂછપરછ શરૂ કરી છે.”
“નગ્ન કરીને વીડિયો ઉતાર્યો હોવાનો આરોપીઓ ઇન્કાર કરે છે પરંતુ તપાસના ભાગરૂપે અમે મોબાઇલ કબજે લઈને તેને એફએસએલમાં મોકલવાની તજવીજ શરૂ કરી છે જેથી જો આમ કર્યું હોય તો તેનો ડેટા મેળવી શકાય.”
પોલીસે ત્રણ આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કર્યા છે, પરંતુ અન્ય બે આરોપીના મોબાઇલ જપ્ત કરવાના બાકી છે. પોલીસે આ સમગ્ર ઘટનાનું રિહર્સલ પણ કર્યું છે.
તેમણે આ મામલે આરોપીને કકડ સજા થાય એ માટે પોલીસ કામ કરી રહી હોવાનો દાવો કર્યો હતો.
શું કહેવું છે આરોપી ગણેશ જાડેજાના પરિવારનું?
આ બનાવ બન્યાના 12 દિવસ બાદ આરોપી ગણેશ જાડેજાના પરિવારે પોતાનું મૌન તોડ્યું છે. બુધવારે ગોંડલનાં વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ અને ગણેશના પિતા જયરાજસિંહ જાડેજા પત્રકાર સમક્ષ આવ્યા. જયરાજસિંહ પોતે ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.
તેમણે આ ઘટના મામલે પત્રકારોને કહ્યું કે તેમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે.
તેમણે કહ્યું, “હું આ ઘટનાને આકસ્મિક માનું છું. તમે ડ્રાઇવ કરતા હોવ અને રસ્તા પર આગળ ચાલતા વાહન સાથે તમારો અકસ્માત થાય ત્યારે તમે આ અકસ્માત જાણી જોઈને નથી કરતા. આ અકસ્માત આકસ્મિક હોય છે. આ ઘટના પણ આવી જ છે. આ કોઈ પૂર્વનિયોજીત કાવતરું નહોતું.”
તેમણે તેમના પુત્રના સમર્થનમાં જે લોકોએ આજે બંધ પાળ્યો હતો તેમનો આભાર પણ માન્યો.
અગાઉ ફરિયાદી સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ આરોપ લગાવ્યો હતો કે આ ફરિયાદ મામલે સમાધાન કરવા માટે જાડેજા પરિવારે તેમને મોટી રકમ ઑફર કરી હતી.
આ આરોપોનો જવાબ આપતા જયરાજસિંહ જાડેજાએ કહ્યું, “મેં કોઈ પૈસાની ઑફર કરી નથી.”
તેઓ ભાજપ સાથે જોડાયેલા હોવાથી કેસમાં દરમિયાનગીરી કરીને ભીનું સંકેલી શકે છે તેવા થયેલા આરોપોનો જવાબ આપતા તમણે કહ્યું, “આ પ્રકારના આરોપોનો જવાબ મારે આપવાનો હોતો નથી. તેનો જવાબ ગોંડલની જનતા આપશે.”
જયરાજસિંહે એમ પણ કહ્યું કે તેઓ પીડિત અને ફરિયાદી પરિવારને જાણતા સુદ્ધા નથી.