‘ગજબનો આઇડિયા’: ગુજરાતના કાંઠા વિસ્તારના ગામે પીવાના પાણીની સમસ્યાનું જાતે જ સમાધાન કેવી રીતે કર્યું

"પાણી માટે અમે બહુ તકલીફો વેઠી છે. શિયાળાની સવાર હોય, ઉનાળાનો ધગધગતો તાપ હોય કે પછી મૂશળધાર વરસાદ અમારે બારેય માસ પાણી માટે સંઘર્ષ કરવો પડતો હતો. પણ હવે અમે અમારી સમસ્યાની સગવડ કરી લીધી છે. ગામની બહેનોના માથેથી પાણીનાં બેડાં ઊતરી ગયાં છે અને તેઓ હવે મુક્ત રીતે જીવન જીવી શકે છે."

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભાટ ગામમાં પાણીની તકલીફનો ચિતાર આપતાં દમયંતીબહેન ટંડેલના આ શબ્દો છે.

મોટાં મકાનો અને પાક્કા રસ્તાઓ તો છે પરંતુ ગામ લોકોની વર્ષો જૂની પાણીની સમસ્યા ઠેરની ઠેર છે. પાણી માટે લાંબો સંઘર્ષના સાક્ષી રહી ચૂકેલા ભાટમાં દરેક ઘરમાં નળ કનેક્શન તો આવી ગયાં, પરંતુ તેમાં પીવાલાયક પાણી હજી નથી પહોંચી શક્યું. પરંતુ હવે ગામ લોકોએ સમસ્યાનું સમાધાન જાતે જ કરી લીધું છે.

દમયંતીબહેન ટંડેલ કહે છે કે, "ઘરમાં પાણીની ટાંકી બનાવીને અમે આ સમસ્યાનો સમાધાન લાવ્યાં છીએ. વરસાદી પાણીનો અમે યોગ્ય રીતે ઉપયોગ કરીએ છીએ અને આ પાણી અમારું આખું વર્ષ ચાલે છે."

20થી 25 વર્ષ પહેલાં ગામના લોકોએ ઘરમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવાનું શરૂ કર્યું હતું. આજે ગામમાં મોટા ભાગનાં ઘરોમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી જોવાં મળે છે. જે ઘરોમાં અંડરગ્રાઉન્ડ ટાંકી નથી ત્યાં પ્લાસ્ટિકની ટાંકીમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.

વરસાદી પાણીથી થાય છે મહેમાનોનું સ્વાગત

ભાટ ગામમાં પ્રવેશ કરીએ ત્યારે સૌથી પહેલાં શાંતિલાલ ટંડેલનું ઘર આવે છે જેઓ હાલ માછી સમાજના પ્રમુખ છે. અહી પહોંચતા તેઓ સૌપ્રથમ અમારા માટે પીવાનું પાણી લઈ આવ્યા અને કહ્યું, "લો આ પાણી પીવો. આવું પાણી તમને ક્યાંય પીવા નહીં મળે."

પાણીનો સ્વાદ એકદમ મીઠો હતો. શાંતિલાલ ટંડેલ કહે છે કે, "આ વરસાદનું સંગ્રહ કરેલું પાણી હતું. અમે આખું વરસ આ પાણી જ પીએ છીએ અને રસોઈ માટે તેનો જ ઉપયોગ કરીએ છીએ."

ગામમાં અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવાની શરૂઆત કરનાર બે પરિવારો પૈકી એક શાંતિલાલ ટંડેલનો પરિવાર છે. તેમણે પાણીની સમસ્યાના નિકાલ માટે પોતાના જ ઘરમાં 80 હજાર લિટરની પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવી હતી. બંને ટાંકીઓમાં આખું વર્ષ ચાલે તેટલા વરસાદી પાણીનો તેઓ સંગ્રહ કરે છે. આ પાણીની ટાંકીએ શાંતિલાલના ઘરની મહિલાઓની સમસ્યા કાયમ માટે દૂર કરી છે.

તેઓ કહે છે કે, "મેં આશરે 20 વર્ષ પહેલાં 40 હજાર લીટરની ક્ષમતા ધરાવતી અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવી હતી. પરિવાર મોટો હોવાથી મેં બાજુમાં બીજી ટાંકી બનાવી છે. બંને ટાંકીમાં આખું વર્ષ ચાલે એટલાં પાણીનો સંગ્રહ થાય છે."

"પ્રથમ ટાંકી બનાવવા પાછળ મને 40થી 45 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. બીજી ટાંકી બનાવવા પાછળ બમણો ખર્ચ થયો છે. ખર્ચ તો થયો છે પરંતુ પાણી માટે જે તકલીફ વેઠવી પડતી હતી તે હવે વેઠવી પડતી નથી. હવે અમને પીવાના પાણીની કોઈ સમસ્યા નથી."

વરસાદી પાણી પાઇપ મારફતે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે. પાઇપના મુખમાં કપડું હોય છે જેથી કોઈ પણ પ્રકારનો કચરો અંદર નહીં જાય. જ્યારે પણ પાણીની જરૂર હોય છે ઇલેક્ટ્રિક મોટર વડે ઘરના ધાબા પર બનાવવામાં આવેલી ટાંકીમાં પાણી ભરવામાં આવે છે જે નળ દ્વારા કિચનમાં પહોંચે છે.

અમે ભાગ્યેજ અંડરગ્રાઉન્ડ ટાંકી ખોલીએ છીએ કારણકે સૂર્યપ્રકાશ અંદર જાય તો પાણીમાં જીવાત આવી શકે છે. વરસાદી પાણી એકદમ ચોખ્ખું હોય છે એટલે એમાં કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરવાની જરૂર હોતી નથી.

દમયંતી ટંડેલ કહે છે કે, "ગામમાં પાણીની આવી સમસ્યાને કારણે કેટલાક લોકો ગામ છોડીને પણ જતા રહ્યા છે. કાંઠા વિસ્તારનું ગામ હોવાથી અહીં પાણી એક મૂલ્યવાન વસ્તુ હતી. અમારા ઘરે મહેમાન આવતા ત્યારે અમે બહુ મુશ્કેલી થતી હતી. એવા પણ દિવસો હતા જ્યારે અમે મહેમાનોને ઠંડું પીણું આપતા કારણ કે ઘરમાં પાણી ન હોય."

ભાટ ગામમાં 700 જેટલાં મકાનો છે. જેમાં 3000 જેટલા લોકો વસવાટ કરે છે. આ ગામના મોટા ભાગના લોકો મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

કેતન ટંડેલ કહે છે કે, "ગામમાં 700 મકાનો છે જેમાંથી 300 મકાનોમાં ભૂગર્ભ પાણીની ટાંકીઓ છે. પ્લાસ્ટિકની ટાંકીઓ હવે ગામના લગભગ દરેક ઘરમાં છે. હવે અમે ગામમાં નવો નિયમ બનાવ્યો છે. નવું ઘર બાંધતી વખતે તેમાં ફરજિયાત ભૂર્ગભ ટાંકી બનાવવાની રહેશે."

વર્ષોથી પાણીની સમસ્યા

કાંઠા વિસ્તારનો ગામ હોવાથી ભાટ ગામમાં પાણીની વર્ષોથી સમસ્યા છે. દેવધા ડેમમાંથી પાઇપલાઇન મારફત ભાટ ગામમાં પાણી સપ્લાય કરવામાં આવે છે પરંતુ ગામ લોકોના જણાવ્યા મુજબ નળમાં આવતું પાણી એટલું ખરાબ હોય છે કે તેને પીવા કે રસોઈ માટે ઉપયોગમાં નથી લેવાતું.

ભાટ ગામના ડેપ્યુટી સરપંચ કેતન ટંડેલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "મારા ગામમાં વર્ષોથી પાણીનો ખૂબ મોટી સમસ્યા છે. હાલમાં ગામમાં દર બીજા દિવસે પાણી આપવામાં આવે છે. ગામમાં 27 ઝોન છે જો એક ઝોનને આજે પાણી આપું તો એ ઝોનમાં 15 દિવસ બાદ જ ફરીથી પાણી આપી શકું એવી સ્થિતિ છે."

ગામના લોકોએ પોતાની આર્થિક સ્થિતિ મુજબ અંડરગ્રાઉન્ટ ટાંકીઓ બનાવી છે. કેટલાક ગ્રામવાસીઓ પ્લાસ્ટિકની ટાંકીઓમાં પાણીનો સંગ્રહ કરે છે અને તેને પીવા માટે અને રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લે છે.

ભાટ ગામની મુલાકાત દરમ્યાન બીબીસીની ટીમે ઘણા ગ્રામજનોના ઘરની મુલાકાત કરી જેમાં કેટલાકનાં ઘરે અંડરગ્રાઉન્ડ ટાંકી જોવા મળી તો કેટલાકના ઘરે પ્લાસ્ટિકની પાણીની ટાંકી જોવા મળે જેમાં તેઓ આખા વર્ષ માટે વરસાદી પાણીનો સંગ્રહ કરે છે.

ગામમાં જ કરિયાણાની દુકાન ચલાવતાં રાધાબેન ટંડેલ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે ભાટ ગામમાં પાણીની સમસ્યા એ હદ સુધીની હતી કે તેના કારણે અમારા ગામમાં કોઈ છોકરી આપવા પણ તૈયાર નહોતું. એટલે મોટાભાગે ગામના લોકો ગામમાં જ લગ્ન કર્યા છે.

પાણી માટે તેમના સંઘર્ષના દિવસો યાદ કરતાં રાધાબેન કહે છે કે, "પાણી માટે અમે લોકોના ઘરમાં ઝઘડા થતાં પણ જોયા છે. પાણી ભરવા જવાને કારણે કેટલીક વાર મહિલાઓ ઘરે રસોઈ પણ બનાવી શકતી નહોતી. ક્યારેક બાળકોને સાચવમાં પણ તકલીફ પડતી હતી."

તેઓ જણાવે છે કે, "કેટલીક વાર અમે વહેલી સવારે પાણી ભરવા જતાં તો કેટલીક વાર રાતે બધા સૂઈ જાય ત્યારે પાણી ભરવા જતાં હતાં. દિવસમાં પાણી ભરવા જઈએ તો ભાગ્યે જ પાણી મળતું હતું."

તેઓ કહે છે કે ગામમાં નળના કનેક્શન આવી ગયાં છે જેમાંથી વાપરવાનું પાણી મળી રહે છે. પીવા માટે અને રસોઈ કરવા માટે વરસાદના સંગ્રહ કરેલું પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઘર પણ સચવાય જાય છે અને કરિયાણાની દુકાન પર બેસીને ધંધો પણ કરી શકાય છે.

પહેલાં પાણી ભરવા જઈએ તો દુકાનમાં બંધ રાખવી પડતી હતી અથવા ઘરનાં કોઈ અન્ય વ્યક્તિને દુકાનની જવાબદારી આપવી પડતી હતી. પરંતુ હવે આવી કોઈ સમસ્યા રહી નથી કારણકે પાણી ભરવા માટે જવું પડતું નથી.

એક-બીજાને ઊછીનું આપે છે પાણી

અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીઓ અહીંના લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લઈ આવી છે. જો ઘરમાં પ્રસંગ હોય અથવા પાણી ખૂટી જાય તો પાડોશીઓ એ પરિવારને પાણી ઊછીને આપે છે અને તે પણ શક્ય હોય ત્યાં સુધી.

ગામનાં સરપંચ મિનાક્ષી ટંડેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "જો ઘરમાં પીવાલાયક પાણી ખૂટી જાય તો અમે એકબીજાની મદદ કરીએ છીએ. અમે પાણીની આપ-લે કરીએ છીએ જેના કારણે કોઈને તકલીફ પડતી નથી."

ઘરમાં પ્રસંગ હોય ત્યારે કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવે છે? તેના જવાબમાં તેઓ કહે છે કે, "અમે બહારથી પાણી મંગાવીએ છીએ કારણકે એ સિવાય અમારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી. પણ આવું માત્ર પ્રસંગોમાં થાય છે. અમારી દૈનિક જરૂરીયાત અમે વરસાદી પાણીથી પૂર્ણ કરીએ છીએ."

મિનાક્ષી ટંડેલના ઘરમાં ચાર સભ્યો છે. આખું વર્ષ પાણી ચાલી જાય તે માટે તેઓ પ્લાસ્તિકની ટાંકીઓમાં પાણીનો સંગ્રહ કરે છે.