You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બોધિચિત્ત વૃક્ષ : એ મૂલ્યવાન વૃક્ષ જેનાં બીજ માત્રથી વર્ષે 90 લાખ રૂપિયાની કમાણી થઈ જાય
- લેેખક, સંજય ઢકાલ
- પદ, સંવાદદાતા, બીબીસી ન્યૂઝ, નેપાલી
નેપાળમાં એક સમુદાયના લોકો આજકાલ બોધિચિત્ત વૃક્ષોને કાપી નાખવાની ઘટનાઓથી ભય અનુભવી રહ્યા છે.
વૃક્ષો કાપી નાખવાની ઘટનાઓથી આ સમુદાયના લોકોમાં ભય અને પીડા જેવી સ્થિતિ સર્જાઈ છે.
બોધિચિત્ત (કે બોધિ)નાં વૃક્ષો નેપાળમાં અનેક લોકો માટે કમાણીનું મોટું સાધન પણ છે. આ વૃક્ષોને લીધે થતી કમાણીના કારણે લોકોને આકરી મહેનતવાળું કામ કરવામાંથી પણ રાહત મળે છે.
નેપાળના કાવરેપાલનચોક જિલ્લામાં ઊગતાં બોધિચિત્ત વૃક્ષોનું બૌદ્ધ ધર્મમાં પણ મોટું પ્રતીકાત્મક મહત્ત્વ છે. બોદ્ધ લોકો તો આ વૃક્ષોને સોનાથી પણ વધુ મૂલ્યવાન માને છે.
જોકે, બે મહિના પહેલાં કાભ્રેની રોશી ગ્રામ્ય નગરપાલિકામાં એક બોધિચિત્ત વૃક્ષની ચોરીની ઘટના બહાર આવી એ પછી એ વિસ્તારના લોકોમાં એવો ભય છે કે તેઓ તેમની કમાણીનું સૌથી મોટું સાધન ગુમાવી દેશે.
લોકો માટે ‘સોનાની ખાણ’ છે બોધિચિત્ત વૃક્ષ
પોતે જે બોધિચિત્ત વૃક્ષ સાથે મોટા થયા હતા એની યાદ આવે ત્યારે નેપાળના રહેવાસી દિલબહાદુર તમાંગની આંખોમાં આંસુ આવી જાય છે.
દિલબહાદુર પીડા સાથે કહે છે, “તેમને કોઈ તકલીફ હતી તો મારી સાથે લડી લેવું જોઈતું હતું. તેમણે વૃક્ષ શા માટે કાપ્યું?”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
42 વર્ષના દિલબહાદુરનો જન્મ રોશી ગ્રામીણ નગરપાલિકા હેઠળના નાગબેલી નામના સ્થળે થયો હતો. દિલબહાદુરનું જીવન સંઘર્ષમય રહ્યું છે.
દિલબહાદુર પોતાનાં ત્રણ બાળકો, ભાઈ-બહેનો અને માતા-પિતા સાથે એક સંયુક્ત પરિવારમાં રહે છે.
પરિવારનું ભરણપોષણ કરવા માટે તેમણે આકરી મહેનત કરવી પડે છે. દિલબહાદુર આકરા ઉનાળામાં પણ કતારમાં મજૂર તરીકે કામ કરી ચૂક્યા છે.
અલબત્ત, બોધિચિત્ત વૃક્ષોની કિંમત વધવા લાગી ત્યારે દિલબહાદુરની કિસ્મત બદલાઈ ગઈ હતી.
આ વૃક્ષનું મહત્ત્વ કાયમ આટલું ન હતું. લગભગ 15 વર્ષ પહેલાં આ વૃક્ષની કિંમત વધવી શરૂ થઈ હતી. બોધિચિત્ત વૃક્ષોના બીજનો ઉપયોગ બૌદ્ધ પ્રાર્થનાની માળા બનાવવા માટે કરવામાં આવે છે.
સ્થાનિકોમાં ભયનો માહોલ
નેપાળના કાવરેપાલનચોક જિલ્લામાં ઊગતાં આ વૃક્ષોની કિંમત અને ગુણવત્તા સૌથી સારી માનવામાં આવે છે. ગત એપ્રિલમાં અજ્ઞાત હથિયારધારી લોકોએ દિલબહાદુરની ઘરની સામે ઊગેલા બોધિચિત્ત વૃક્ષને કાપી નાખ્યું હતું.
નિષ્ણાતોનું કહેવું છે કે ચીની વેપારીઓના વધતા રસને કારણે બોધિચિત્ત વૃક્ષોની કિંમતમાં મોટો વધારો થયો છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે ચીની વેપારીઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમનાં ગામોમાં આવીને તેમને સારી ઑફર આપી રહ્યા છે.
દિલબહાદુર બહુ ભણેલા નથી, પરંતુ પોતાના નાના ભાઈ શેરબહાદુર તમાંગ અને પરિવારના બાકી સભ્યોની મદદથી પોતાના બોધિચિત્ત વૃક્ષમાંથી લાખો રૂપિયા કમાવામાં સફળ થયા છે.
શેરબહાદુર તમાંગના કહેવા મુજબ, તેઓ છેલ્લાં પાંચ વર્ષથી એ બોધિચિત્ત વૃક્ષનાં બીજ વેચી રહ્યા છે. તેમાંથી તેમને દર વર્ષે રૂ. 90 લાખની કમાણી થાય છે.
શેરબહાદુર કહે છે, “અમારા પરિવારમાં લગભગ 20-22 લોકો છે. વૃક્ષમાંથી થતી કમાણીમાંથી આખું ઘર ચાલતું હતું. વૃક્ષ કાપી નાખવામાં ન આવ્યું હોત તો અમે તેમાંથી વર્ષો સુધી કમાણી કરી શક્યા હોત.”
તેઓ આ વૃક્ષના બીજ માટે દર વર્ષે રૂ. 90 લાખ ચૂકવતા હતા અને પછી તેને પ્રોસેસ કરીને ચીની વેપારીઓને લગભગ રૂ. ત્રણ કરોડમાં વેચી નાખતા હતા.
સમીપનું કહેવું છે કે તમાંગ પરિવારનું વૃક્ષ કાવરનાં સૌથી કિંમતી વૃક્ષો પૈકીનું એક હતું, પરંતુ 11 એપ્રિલની ઘટનાએ તમાંગ પરિવારની તમામ આશાને ધરાશાયી કરી દીધી હતી.
તમાંગ પરિવારને ફરી આર્થિક સંકટ સર્જાવાનો ડર લાગી રહ્યો છે.
વૃક્ષ કાપી નાખવામાં આવ્યું એ રાતને યાદ કરતાં દિલબહાદુર કહે છે, “10-15 હથિયારધારી લોકોના એક ટોળાએ અમારા પરિવાર પર હુમલો કર્યો હતો. તેમણે ગોળીબાર કર્યો હતો અને બૉમ્બ પણ ફેંક્યા હતા.”
બોધિચિત્ત વૃક્ષની સલામતી માટે તમાંગ પરિવારે સીસીટીવી કૅમેરા પહેલેથી જ લગાવી દીધા હતા અને ચારે તરફ કાંટાળી વાડ લગાવી દીધી હતી. લોખંડનો એક બંધ દરવાજો ખોલીને જ વૃક્ષ સુધી પહોંચી શકાતું હતું.
શેરબહાદુરે તે ઘટનાનું સીસીટીવી ફૂટેજ બીબીસીને આપ્યું છે. તે ફૂટેજમાં બંદૂકધારી લોકો જોવા મળે છે.
દિલબહાદુરના જણાવ્યા મુજબ, ગોળીબારથી બચવા માટે તેમનો પરિવાર ઘરમાં છુપાઈ ગયો હતો. એ વખતે હથિયારધારી લોકોએ લોખંડનો દરવાજો તોડી નાખ્યો હતો અને વૃક્ષ કાપી નાખ્યું હતું. શેરબહાદુરના કહેવા મુજબ, તેમણે એવું શા માટે કર્યું તે અમે હજુ સુધી જાણતા નથી.
જોકે, ઉપદ્રવીઓ જે રીતે વૃક્ષ કાપીને લઈ ગયા છે તે જોતાં તેઓ તેને ફરીથી વાવી શકશે નહીં અને સાથે તમાંગ પરિવારની કમાણીના સાધનને તેમણે સંપૂર્ણપણે બરબાદ પણ કરી નાખ્યું છે.
બીબીસીએ આ ઘટના બાબતે કેટલાક ગ્રામજનો સાથે વાત કરી હતી. તેઓ માને છે કે વ્યાપારી સ્પર્ધા ચોરીની આ ઘટનાનું કારણ હોઈ શકે છે.
કેટલાક ગ્રામજનોએ એમ પણ જણાવ્યું હતું કે ઉપદ્રવી લોકો કદાચ શેરબહાદુર પાસેથી તે વૃક્ષનાં બીજ ખરીદવાં ઇચ્છતા હતા, પરંતુ તેમણે વેચવાનો ઇનકાર કર્યો હતો. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
વૃક્ષો સંબંધી અપરાધ
નેપાળમાં ટેમલ નગરપાલિકા અને રોશી ગ્રામીણ નગરપાલિકા હેઠળના વિસ્તારોમાં બોધિચિત્તનાં વૃક્ષો જોવાં મળે છે. આ વિસ્તારના અધિકારીઓના જણાવ્યા મુજબ, અહીં વૃક્ષોના ઉત્પાદન સંબંધી વેપાર બાબતે અનેક પ્રકારના વિવાદ છે.
રોશી નગરપાલિકાના ઉપાધ્યક્ષ મીમબહાદુર વૈબાએ કહ્યું હતું, “અમારી નગરપાલિકાની ન્યાય સમિતિ સમક્ષના વિવાદોમાં લગભગ 33 ટકા વિવાદ આ બોધિચિત્ત વૃક્ષ સંબંધી છે.”
તમાંગના ઘરે બનેલી ઘટનાને લીધે આસપાસનાં ગામોમાં દહેશત ફેલાઈ ગઈ છે. તમાંગ પરિવારના ઘરથી થોડે દૂર રહેતો નારાયણ હુમગાઈનો પરિવાર પણ આ ઘટનાથી ભયભીત છે. નારાયણ હુમગાઈ કહે છે, “મારા ઘરમાં દિલબહાદુર તમાંગે આ વૃક્ષનો છોડ વાવ્યો હતો. જે કંઈ થયું છે તેનાથી અમે બહુ ડરી ગયા છીએ.”
આ ઘટના પછી નારાયણે પણ પોતાના વૃક્ષની સલામતી માટે પોતાના ઘરની ચારેય તરફ આઠ સીસીટીવી કૅમેરા લગાવ્યા છે અને લોખંડની વાડ પણ ઊભી કરી દીધી છે.
તેઓ કહે છે, “પાડોશમાં વૃક્ષોને કપાતાં જોઈને અમને ડર લાગે છે કે અમારી સાથે પણ એવું થશે. લોકો ઈર્ષાળુ છે.” જોકે, સ્થાનિક અધિકારીઓએ કિંમતી વૃક્ષોની સલામતી માટે પોલીસ પેટ્રોલિંગની વ્યવસ્થા પણ કરી છે.
ટેમલ નગરપાલિકાના ઉપાધ્યક્ષ દલમન થોકરે જણાવ્યું હતું કે તેમના વિશેષ ગામમાં સપ્તાહમાં બેથી ત્રણ વખત નિયમિત રીતે પોલીસ પેટ્રોલિંગ કરે છે.
કાવરે જિલ્લા પોલીસ કચેરીના પ્રવક્તા, નાયબ પોલીસ અધીક્ષક રાજકુમાર શ્રેષ્ઠાએ જણાવ્યું હતું કે જરૂર પડશે તો, ખાસ કરીને લણણીની મોસમમાં પોલીસ તહેનાત કરવામાં આવશે. જોકે, ખેડૂતોને એ વાતની ચિંતા છે કે જે હથિયારો સાથે લૂંટવા આવે છે તેમના માટે આવી વ્યવસ્થા પણ ઉપયોગી નહીં થાય.
(પૂરક માહિતીઃ સૃજના શ્રેષ્ઠા)