વાવાઝોડાં અને પૂર જેવી આપત્તિથી જ્યાં વિનાશ વેરાયો હોય એ જગ્યાએ તરત જ પર્યટકો કેમ પહોંચી જાય છે?

    • લેેખક, લિન બ્રાઉન
    • પદ, બીબીસી ટ્રાવેલ

દુનિયામાં જેમ જેમ ભયંકર પૂર, ચક્રવાતી વાવાઝોડું, જંગલની આગ જેવી આફતો વધતી જાય છે, તેમ તેમ લોકોમાં આવી કુદરતી આફતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાનો શોખ પણ વધતો જાય છે. તેના કારણે એવો સવાલ પેદા થયો છે કે કોઈ વિસ્તાર કુદરતી આફતમાંથી હજુ રિકવર થતો હોય ત્યારે ત્યાં પર્યટન માટે જવાય કે નહીં.

જંગલની ભયાનક આગથી લઈને વિનાશક ચક્રવાતી તોફાનો સુધીની ઘટનાઓએ આ વખતે ઉનાળામાં દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો ત્યારે નિષ્ણાતો માને છે કે જેમ જેમ જળવાયુ પરિવર્તનનું સંકટ ગંભીર બનતું જશે, તેમ તેમ અતિવૃષ્ટિ, દાવાનળ, તોફાન અને ચક્રવાતની તીવ્રતા પણ વધતી જશે તથા આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે.

ઘણાં શહેરો પહેલેથી જ આબોહવા પરિવર્તનથી પેદા થતા ખતરાની અસર ઘટાડવાના ઉપાયો શોધી રહ્યાં છે.

તેમાં શહેરોમાં ગરમીનો સામનો કરવા માટે વધારે હરિયાળી ઉમેરવાથી લઈને પૂરને રોકવાની ટેકનૉલૉજીમાં વધુ રોકાણ કરવાનો સમાવેશ થાય છે.

આ જોખમો હવે સામાન્ય બનતા જાય છે તેથી પર્યટકોએ માત્ર સુરક્ષાનો વિચાર નથી કરવાનો, પરંતુ તેમણે એ પણ વિચારવું પડશે કે કોઈ પણ આફત આવ્યા પછી ત્યાં પર્યટન માટે જવું સમજદારી ગણાય કે નહીં.

અહીં કેટલાક પ્રશ્નો છે જે પર્યટકોએ કુદરતી આફતનો ભોગ બનેલી જગ્યાની મુલાકાતે જતા પહેલાં પોતાની જાતને પૂછવા જોઈએ.

તમારી મુલાકાતથી સ્થાનિક સમુદાયને કોઈ ફાયદો થવાનો છે ?

ચક્રવાતી તોફાન મારિયાએ 2017માં પ્યૂર્ટો રિકોમાં વિનાશ વેર્યો હતો. આ તોફાનના ત્રણ જ મહિના પછી અધિકારીઓએ આ ટાપુ પર પર્યટકોને આવકારવાનું શરૂ કરી દીધું હતું. પર્યટકો અહીં આવીને ખુશ હતા, પરંતુ સ્થાનિક સમુદાયના લોકોને હજુ વીજળી અને પાણીનો પૂરવઠો પણ શરૂ નહોતો થયો. તેથી તેમનામાં પર્યટકો પ્રત્યે નારાજગી હતી. સ્થાનિક લોકો માટે હજુ પાયાની સુવિધાઓ પણ બહાલ નહોતી થઈ ત્યારે પર્યટકોના આગમનથી નારાજગી ફેલાઈ.

ડિફેન્ડ પ્યૂર્ટો રિકો મીડિયા કલેક્ટિવના કાર્યકર અને સહ-સંસ્થાપક મિકી કોર્ડેરોએ જણાવ્યું કે "મને લાગે છે કે સ્થાનિક લોકોને આ જરાય નહોતું ગમ્યું. તમે મારા ટાપુ પર આનંદ માણો છો, તમે મારા સમુદાયનો આનંદ માણો છો, તમે સ્થાનિક લોકોએ જે બનાવ્યું છે તેની મજા માણો છો... પરંતુ આખરે અમને તેમાંથી કંઈ નથી મળવાનું."

કોર્ડેરો સ્વીકારે છે કે આમાં મુલાકાતીઓની એટલી ભૂલ ન કહેવાય. પરંતુ તેઓ માને છે કે સરકાર અને પર્યટકો બંનેએ જોવું જોઈએ કે તેમના નાણાં વાસ્તવમાં સ્થાનિક સમુદાયની મદદ માટે ખર્ચ કરવામાં આવે. ખાસ કરીને કુદરતી આફત પછી આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. કેરેબિયનમાં આ એક વિવાદાસ્પદ મુદ્દો છે જ્યાં ટુરિઝમના ભાગરૂપે મોટા ભાગે ઓલ-ઈનક્લુઝિવ રિસોર્ટ્સ અને ક્રુઝ શિપ્સ આવેલી છે.

સ્થાનિક રીતે સંચાલિત હોટેલોમાં રોકાવાથી, સ્થાનિક વિક્રેતાઓ પાસેથી ખરીદી કરવાથી અને સ્થાનિક માલિકીની રેસ્ટોરન્ટમાં ભોજન લેવાથી ત્યાંના સમુદાયને મદદ મળશે. તેનાથી તમે જે નાણાં ખર્ચો તે નાણાં બીજે ક્યાંકથી સંચાલિત મોટી કંપનીઓ પાસે નહીં પણ અસરગ્રસ્ત સ્થાનિક સમુદાય સુધી પહોંચશે.

તમે ખરેખર મદદ કરો છો કે માત્ર જુઓ છો?

2005માં કેટરિના વાવાઝોડાના કારણે ન્યૂ ઓર્લિયન્સમાં વિનાશ ફેલાયો હતો. આ વાવાઝોડામાં લગભગ 1400 લોકોનાં મોત થયાં હતાં અને અસંખ્ય મકાનો પણ ધ્વસ્ત થઈ ગયાં હતાં. તેવામાં કેટરીનાના પર્યટનનો એક કુટિર ઉદ્યોગ ખૂલી ગયો જેમાં લોકો વિનાશને નજરે જોવા માટે ચારે બાજુથી આ શહેરમાં આવી પહોંચતા હતા. આ એવું પગલું હતું જેના કારણે સ્થાનિક લોકોને તેમાં સમસ્યા દેખાઈ.

કેટરિના અગાઉ અને ત્યાર પછી શહેરમાં વસતા જેસન બ્રેડબેરી યાદ કરે છે કે "હજુ તો ઘરો અને ઝાડ પર હોડીઓ હતી. આ એક પાગલપન હતું."

લોકોમાં એટલો આક્રોશ હતો કે આ શહેરે લોઅર નાઇન્થ વૉર્ડમાં પર્યટકોની ટૂર બંધ કરવી પડી. આ એક એવો એરિયા હતો જેને ચક્રવાતી તોફાનમાં સૌથી વધારે નુકસાન થયું હતું. શહેરના ટુરિઝમ બ્યૂરોના કૉમ્યુનિકેશન વિભાગના વાઇસ પ્રેસિડન્ટ કેલી શુલ્ટ્ઝે જણાવ્યું કે, "કોઈ નથી ઇચ્છતું કે જે મકાન દાયકાઓથી પોતાની પાસે હોય તેનો કાટમાળ કાઢી નાખવામાં આવે, અથવા પેઢીઓથી જે ચીજ પરિવારમાં હોય તેનો નિકાલ કરવામાં આવે અને બાજુમાંથી પર્યટકોની બસ પસાર થતી હોય." કેલી શુલ્ટ્ઝના પરિવારે પણ ચક્રવાતમાં બધું ગુમાવી દીધું હતું.

જોકે, તોફાન પછી આ શહેર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. તેનાથી અલગ પ્રકારના પર્યટકો આવ્યા અને તેમનો સકારાત્મક પ્રભાવ વિશેષ અનુભવાયો હતો.

શુલ્ટ્ઝે જણાવ્યું કે, "શરૂઆતમાં અમારે ત્યાં આવેલા ઘણા મુલાકાતીઓ જેને આપણે 'સ્વયંસેવક' કહીએ છીએ તેવા હતા. તેઓ અહીં ચર્ચ અથવા સ્કૂલના પુનઃનિર્માણમાં મદદ કરવા માગતા હતા. અમારી પાસે કૉલેજનાં બાળકો આવ્યાં હતાં જેઓ પોતાની વસંતની રજાઓમાં મારા પરિવારને ઘરની સફાઈમાં મદદ કરવા માટે આવ્યા હતા. જેમ કે તમે બીચ પર હોવ, પરંતુ તમે કોઈના ઘરે જવાનો નિર્ણય લો છો, જે શારિરીક અને ભાવનાત્મક રીતે એક કઠિન પ્રક્રિયા હોય છે."

શુલ્ટ્ઝ માટે પર્યટન પણ શહેરની સંસ્કૃતિને જીવિત રાખવામાં મદદ કરવાનો એક મહત્ત્વનો રસ્તો હતો. તે વિનાશક તોફાન પછી પાછા આવેલા પર્યટકોનું સ્વાગત કરતી વખતે શહેર દ્વારા ચલાવવામાં આવેલા એક અભિયાન "સોલ ઇઝ વૉટરપ્રૂફ" તરફ ધ્યાન દોરે છે. તે અદ્વિતીય સંગીત, ભોજન અને પ્રથાઓને સંરક્ષિત કરવાના મહત્ત્વ તરફ ઇશારો કરે છે જે આ શહેરને ખાસ બનાવે છે. તેણે વિનાશ પછી રહેવાસીઓનું ગૌરવ વધારવામાં પણ મદદ કરી.

આવી ઘટનાઓથી સ્થાનિક લોકો પર પડતા વિનાશક પ્રભાવને ધ્યાનમાં રાખવો અને હજુ પણ તેમાંથી ઊભરવા માટે સંઘર્ષ કરતા લોકોનું સન્માન કરવું મહત્ત્વપૂર્ણ છે. રેડ ક્રૉસ, હેબિટેટ ફૉર હ્યુમેનિટી અને સ્થાનિક ચર્ચ તથા કૉમ્યુનિટી સંગઠન જેવાં સંગઠનો કુદરતી આફત વખતે સ્થાનિક લોકો અને મુલાકાતીઓ બંનેને સ્વયંસેવક તરીકે કામ કરવાની તક આપે છે. આવું તેમણે 2022માં કેન્ટુકીના પૂર વખતે અને 2021માં હરિકેન ઈડા વખતે કર્યું હતું. 2023માં મિડવેસ્ટર્ન અમેરિકાને ટોર્નેડો વાવાઝોડાએ ઘમરોળ્યું ત્યારે પણ આવું કામ કરવામાં આવ્યું હતું.

તમે સ્થાનિક લોકોની વાત સાંભળો છો?

2023માં હવાઈના માઉઈ ટાપુ પર દાવાનળ ફાટી નીકળ્યો, જેનાથી લાહિનાનો ઐતિહાસિક સમુદાય ખાસ કરીને તબાહ થઈ ગયો હતો. જવાબમાં રાજ્યના ગવર્નરોએ પર્યટકોને કાઢવાની સાથે સાથે મુલાકાતીઓ પર કામચલાઉ ધોરણે રોક લગાવવાની માગણી કરી હતી. "જેથી કરીને સંસાધનો પર અને એવા રહેવાસીઓ પર ધ્યાન આપી શકાય જેને તે સમયે સૌથી વધુ મદદની જરૂર હતી," તેમ હવાઈ ટુરિઝમ ઑથોરિટીના જાહેર બાબતોના અધિકારી ઇલિહિયા જિયોન્સને જણાવ્યું હતું.

પર્યટકોએ ધીમે ધીમે વાપસી શરૂ કરી તે અગાઉ ટાપુ પર ટ્રાવેલનો પ્રતિબંધ લગભગ એક અઠવાડિયું ચાલ્યો. સ્થાનિક લોકોએ તેને ફરીથી ખોલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી તે સફળતાની ચાવી છે. જિયોન્સને જણાવ્યું કે "અમારા આરોગ્ય વિભાગે ઝડપથી જરૂરિયાતોનો અંદાજ કાઢ્યો."

"આફતમાંથી બચી ગયેલા લોકોને માત્ર પૂછું છું કે આ સમયે તમારી સૌથી મહત્ત્વની આવશ્યકતા કઈ છે?' એક તૃતિયાંશ કરતા વધુ ઉત્તરદાતાઓએ નાણાકીય સ્થિરતા અથવા હાઉસિંગની સ્થિરતા અથવા બંનેના નામ આપ્યાં હતાંં. પર્યટકોના આગમનના કારણે અહીં લગભગ 60 હજાર લોકોને રોજગારી મળતી હતી તેથી એક વાત સ્પષ્ટ હતી કે આપણે માઉ ટાપુ પર પર્યટનની માંગ વધારવી જરૂરી હતી."

પર્યટકોને જ્યારે ટાપુ પર આવવાની મંજૂરી અપાય ત્યારે અધિકારીઓએ એ વાતનું ધ્યાન રાખ્યું કે તેઓ સ્થાનિક લોકોને પણ સન્માન આપે જેઓ પોતાનું જીવન ફરીથી શરૂ કરવા માટે સંઘર્ષ કરતા હતા. તેના બદલે મુલાકાતીઓને અન્ય રીતે સમુદાયને ટેકો આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. મુલાકાતીઓની સંખ્યા હજુ ધીમે ધીમે વધી રહી છે છતાં ઘણા લોકો પડકાર ઉઠાવવા તૈયાર થયા હતા.

આ ટાપુના આગેવાનોએ સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવાનું વલણ અપનાવ્યું જેને પર્યટકોએ પણ ટેકો આપ્યો હતો. જિયોન્સને કહ્યું કે, "માઉની જરૂરિયાતની પળોમાં આખી દુનિયામાંથી પ્રેમનું જાણે પૂર આવી ગયું, પછી તે નાણાકીય દાન હોય, વિશેષજ્ઞની મદદ હોય, કે પછી માત્ર પ્રાર્થના કરવાની હોય. આ ખરેખર હૃદયસ્પર્શી વાત હતી."

વધારે પડતું વહેલું કોને કહેવાય?

જિઓન્સન સ્વીકારે છે કે કુદરતી આફત પછી જે તે સ્થળે મુલાકાતીઓને ક્યારે આવવા દેવા જોઈએ તેનો કોઈ ચોક્કસ જવાબ નથી. તેમને લાગે છે કે અમુક સ્પષ્ટ માર્ગદર્શિકા છે જેનું પ્રવાસીઓ અને અસરગ્રસ્ત વિસ્તારે ધ્યાન રાખવું જોઈએ. અધિકારીઓએ કુદરતી આપત્તિની અસર વિશે પ્રામાણિક અને પારદર્શક માહિતી આપવી જોઈએ અને મુલાકાતીઓએ અસરગ્રસ્તો પ્રત્યે સન્માન દેખાડે તે જરૂરી છે. પરંતુ સૌથી મહત્ત્વનું એ છે કે ટુરિઝમ ફરીથી શરૂ થાય ત્યારે સ્થાનિક સમુદાયને લાભ મળે તેના માટે બધાએ પોતાની ભૂમિકા ભજવવી જોઈએ.

તેઓ કહે છે કે, "કુદરતી આપત્તિ પછી કોઈપણ સમુદાય માટે પર્યટન એ રિકવરીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. પરંતુ દરેક જગ્યાએ આર્થિક પ્રવૃત્તિને આગળ રાખવી જરૂરી નથી."

"તમારી પાસે એવા લોકો છે જેમણે વાસ્તવિક આઘાતનો અનુભવ કર્યો છે. રિકવરી માટે તેમની જુદી જુદી જરૂરિયાતો છે."

"એક એરિયા માટે આર્થિક પ્રવૃત્તિને પુનઃસ્થાપિત કરવી એ એક પરિબળ છે, પરંતુ તે એકમાત્ર પરિબળ ન હોઈ શકે. આર્થિક રિકવરી કરતા લોકોની રિકવરી વધારે મહત્ત્વની હોય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.