You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માઉન્ટ એવરેસ્ટ: એક નદી, જેના લીધે દુનિયાના સૌથી ઊંચા પર્વતની ઊંચાઈ સતત વધી રહી છે
- લેેખક, નવીનસિંહ ખડકા
- પદ, પર્યાવરણીય સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ
એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એક નદીના કારણે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સતત વધતી જાય છે. તેના લીધે હિમાલયનું આ શિખર 15થી 50 મીટર વધુ ઊંચું થઈ ગયું છે.
તાજેતરના અભ્યાસ મુજબ આ નદી વિશ્વના સૌથી ઊંચા પર્વતના પાયામાંથી ખડકો અને માટીનું ધોવાણ કરી રહી છે.
જેના કારણે એવરેસ્ટની ઊંચાઈ વધી રહી છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ લગભગ 8849 મીટર આંકવામાં આવે છે.
યુનિવર્સિટી કૉલેજ લંડન (યુસીએલ)ના સંશોધકોએ જણાવ્યું છે કે વિશ્વના સૌથી ઊંચા શિખરથી 75 કિલોમીટર દૂર આવેલી અરુણ નદીના ભૂમિસ્તરમાં થતા ફેરફારોને કારણે એવરેસ્ટ શિખરની ઊંચાઈ દર વર્ષે બે મિલીમીટરના દરે વધી રહી છે.
પરંતુ આ કેવી રીતે શક્ય છે?
આ અભ્યાસના સહ-લેખક ઍડમ સ્મિથે બીબીસીને જણાવ્યુંકે, "આ એવું જ છે જ્યારે તમે જહાજમાંથી સામાન નીચે ફેંકવાનું શરૂ કરો છો, ત્યારે જહાજ હલકું થઈ જાય છે અને તેથી તે પાણી પર થોડું ઊંચે તરવા લાગે છે."
લગભગ ચારથી પાંચ કરોડ વર્ષ અગાઉ ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો અથડાવાથી હિમાલયની રચના થઈ હતી. ટેકટોનિક પ્લેટોની ટક્કર જ તેની ઊંચાઈ સતત વધવાનું મુખ્ય કારણ છે.
પરંતુ યુસીએલની ટીમે કહ્યું કે એવરેસ્ટની ઊંચાઈ વધારવામાં અરુણ નદીનો પોતાનો ફાળો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરુણ નદી જેમ જેમ હિમાલયમાંથી નીચેની તરફ જાય છે, તેમ તે પોતાની સાથે ઘણો બધો કાટમાળ લઈને વહે છે. આ કાટમાળ પૃથ્વીની ઉપરની સપાટી (ક્રસ્ટ) પર જમા થયેલો પોપડો હોય છે. તેના કારણે મેન્ટલ એટલે કે પૃથ્વીના નીચેના સ્તર પર દબાણ ઘટી જાય છે.
આ દબાણ ઘટવાને કારણે પાતળું પડ ખસીને ઉપરની તરફ ઊંચકાય છે અને નદીના પ્રવાહની સાથે વહેવા લાગે છે.
તેને આપણે 'આઇસોસ્ટેટિક રિબાઉન્ડ' એટલે કે એક પ્રકારની સંતુલન પ્રતિક્રિયા કહીએ છીએ.
નેચર જિયોસાયન્સ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ પ્રમાણે આના કારણે માત્ર એવરેસ્ટ જ નહીં, પરંતુ આસપાસના શિખરો પણ ઊંચા થઈ રહ્યાં છે.
તેમાં વિશ્વના ચોથા અને પાંચમા સૌથી ઊંચા શિખરો લ્હોત્સે અને મકાલુનો પણ સમાવેશ થાય છે.
તાજેતરના અભ્યાસના સહ-લેખક ડૉ. મેથ્યુ ફોક્સે બીબીસીને જણાવ્યું, "માઉન્ટ એવરેસ્ટ અને તેની આસપાસના શિખરો ઊંચા થઈ રહ્યા છે, કારણ કે બેસિનમાં ધોવાણને કારણે આઇસોસ્ટેટિક રિબાઉન્ડ તેને ઝડપથી ઉપર ઉઠાવી રહ્યું છે."
તેમણે કહ્યું કે, "જીપીએસનાં ઉપકરણોની મદદથી અમે તેને દર વર્ષે લગભગ બે મિલીમીટર જેટલો વધતો જોઈ શકીએ છીએ. પહેલાં આનું કારણ જાણી શકાયું ન હતું. પરંતુ હવે આપણે જાણીએ છીએ કે આવું શા માટે થઈ રહ્યું છે."
નદીના ધોવાણની અસર
જે ભૂસ્તરશાસ્ત્રીઓ આ અભ્યાસમાં સામેલ નથી થયા, તેઓ કહે છે કે સૈદ્ધાંતિક રીતે આ એક રસપ્રદ બાબત છે. પરંતુ સંશોધનમાં ઘણું બધું એવું છે જેના વિશે નિશ્ચિતપણે કહી શકાય નહીં.
એવરેસ્ટ એ ચીન અને નેપાળની સરહદ પર વિશ્વનું સૌથી ઊંચું શિખર છે અને તેની ઉત્તરની બાજુ ચીન તરફ છે.
અરુણ નદી તિબેટમાંથી નીકળે છે અને નેપાળમાં વહે છે.
ત્યારપછી બીજી બે નદીઓ સાથે ભળીને તેનું નામ કોસી થઈ જાય છે. કોસી નદી ઉત્તર ભારતમાં પ્રવેશે છે અને અંતે ગંગામાં મળી જાય છે.
પહાડોમાંથી પસાર થતી આ નદીનો પ્રવાહ અત્યંત ઝડપી હોય છે.
પોતાના ઝડપી પ્રવાહને કારણે આ નદી તેના માર્ગમાં આવતા ઘણા ખડકો, પથ્થરો અને કાદવનું ધોવાણ કરીને આગળ વધે છે.
ઊંચાઈમાં ફેરફારનાં કારણો
યુસીએલના સંશોધકોનું કહેવું છે કે 89 હજાર વર્ષ પહેલાં અરુણ નદી તિબેટમાં અન્ય નદી અથવા પાણીના જળાશયમાં જોડાઈ ત્યારે તેની શક્તિ ઘણી વધી ગઈ.
ભૂસ્તરશાસ્ત્રીય સમય અનુસાર આ બહુ જૂની ઘટના ન કહેવાય.
ચાઇના યુનિવર્સિટી ઑફ જિયોસાયન્સિસના ચાઇનીઝ નિષ્ણાત ડૉ. ઝુ હાને યુસીએલ ખાતે સ્કોલરશિપ દરમિયાન સંશોધન કર્યું છે. તેઓ આ અભ્યાસના મુખ્ય લેખક છે.
તેમણે કહ્યું કે, "માઉન્ટ એવરેસ્ટની બદલાતી ઊંચાઈ ખરેખર પૃથ્વીની સપાટીની ગતિશીલ પ્રકૃતિને દર્શાવે છે. અરુણ નદીના ધોવાણ અને પૃથ્વીના આવરણના ઉપરના સ્તર વચ્ચેની પરસ્પર ક્રિયાના લીધે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ વધી રહી છે."
સંશોધન વિશે સવાલો
યુસીએલના અભ્યાસમાં જણાવાયું છે કે અરુણ નદીએ ભૂતકાળમાં તિબેટમાં અન્ય નદી અથવા જળાશયને પોતાનામાં સમાવી લીધા પછી ખડકો અને અન્ય સામગ્રીને કાપવાની પોતાની અસામાન્ય ક્ષમતા પ્રાપ્ત કરી હતી.
યુનિવર્સિટી ઑફ એડિનબર્ગમાં સ્કૂલ ઑફ જિયોસાયન્સિસના પ્રોફેસર હ્યુ સિંકલેર (જેઓ આ અભ્યાસનો ભાગ ન હતા) કહે છે કે યુસીએલની ટીમ દ્વારા જાણવામાં આવેલા ઊંચાઈનાં કારણો તેમને 'વાજબી' લાગે છે.
પરંતુ તેમણે કેટલાક પ્રશ્નો પણ ઉઠાવ્યા છે.
તેઓ કહે છે, "નદીના કારણે થતા ધોવાણનું ચોક્કસ પ્રમાણ અને સમય અથવા તો નદી કેવી રીતે તેના તળની નીચે ધોવાણ કરે છે અને પોતાના માર્ગને વધુ ઊંડો બનાવે છે, માત્ર આ પ્રક્રિયાના કારણે આસપાસનાં શિખરોની ઊંચાઈ વધી જાય તે મને અચોક્કસ લાગે છે."
તેઓ કહે છે, "સૌપ્રથમ પાણીના નિકાલ પર કબજો હોવાના કારણે આટલા મોટા જળગ્રહણ ક્ષેત્રમાં નદીથી ધોવાણની આગાહી કરવી મુશ્કેલ છે."
પરંતુ આ સંશોધનના લેખકો પણ કેટલીક સમાન અનિશ્ચિતતાને સ્વીકારે છે.
આ ઉપરાંત પ્રોફેસર સિંકલેરે કહ્યું કે, "બીજી વાત, માત્ર તીવ્ર સ્થાનિક ધોવાણને કારણે પર્વતો વધી રહ્યા છે એવો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે."
પરંતુ તેઓ કહે છે કે આટલા વાંધા હોવા છતાં એવરેસ્ટની અસાધારણ ઊંચાઈમાં નદીની ભૂમિકા એક રસપ્રદ બાબત રજૂ કરે છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)