You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચોમાસું આવતાં સિંહો ગીરનું જંગલ છોડીને ગામડા તરફ કેમ આવે છે?
એશિયન સિંહોનું એકમાત્ર સરનામું એટલે ગીર જંગલ.
ગીરના જંગલમાં વસતા સિંહો ઘણી વાર જંગલની બહાર નીકળી જતા હોય તેવા વીડિયો વાઇરલ થતા હોય છે.
નિષ્ણાતોનું માનીએ તો ચોમાસામાં સિંહોનું જંગલમાંથી બહાર નીકળી જવાનું પ્રમાણ વધી જતું હોય છે અને તેનાં કેટલાંક ચોક્કસ કારણો પણ હોય છે.
ચોમાસામાં ગીરની હરિયાળી, ગીચ જંગલ સહિત અનેક કારણો આમાં મહત્ત્વની ભૂમિકા ભજવતાં હોય છે.
સિંહને ખુલ્લી હવા માફક આવે છે અને આથી તે ચોમાસામાં ગીચ અને ઘનઘોરથી જંગલથી દૂરના વિસ્તારોમાં રહેવા ચાલ્યો જાય છે.
સિંહો ગીરનું જંગલ છોડીને બીજે કેમ જતા રહે છે એ જાણવા માટે બીબીસીએ ગીર વનવિભાગ અને નિષ્ણાતો સાથે વાત કરી હતી.
ગીર અભયારણ્યનું શું કહેવું છે?
જૂનાગઢ મુખ્ય વનસંરક્ષક (વન્ય પ્રાણી) આરાધના સાહુ બીબીસી સાથેની વાતચીતમાં ચોમાસામાં સિંહોની ગતિવિધિ અંગેની સમજણ આપે છે.
તેઓ કહે છે, "ચોમાસામાં વરસાદને કારણે જંગલમાં ભેજનું પ્રમાણ હોય છે, ક્યાંક પાણી ભરાઈ ગયાં હોય છે. આથી સિંહો સૂકા પ્રદેશ કે ટેકરીવાળા વિસ્તારોને વધુ પસંદ કરતા હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"વરસાદમાં જંગલમાં કેટલાંક જીવડાં કે મચ્છરોનું પ્રમાણ પણ વધી જતું હોય છે. તે પ્રાણીઓને પરેશાન કરતાં હોય છે. આથી પ્રાણીઓ જ્યાં મચ્છરો વગેરેનું પ્રમાણ ઓછું હોય ત્યાં જવાનું વધારે પસંદ કરતા હોય છે."
તેમનું કહેવું છે કે સિંહો સામાન્ય રીતે જંગલ કે જંગલ જેવા અને તેની આસપાસના વિસ્તારોમાં વધુ રહેવાનું પસંદ કરતા હોય છે. ક્યારેક વાડી વિસ્તારોમાં પણ રહેવાનું વધુ પસંદ કરતા હોય છે."
સિંહો ઘણી વાર જંગલ છોડીને આસપાસનાં ગામો કે રસ્તા પર જોવા મળતા હોય છે.
સાહુ કહે છે કે "એવું નથી કે માત્ર ચોમાસામાં સિંહો આ રીતે જંગલ છોડીને જતા હોય છે. સિંહોના કેટલાક ચોક્કસ કૉરિડૉર હોય છે, ગીર-ગિરનાર સક્રિય કૉરિડોર છે. ગીર-મિતિયાળા, સાવરકુંડલા વગેરે સક્રિય કૉરિડૉર છે. તો સિંહો આવી જગ્યાએ જવાનું વધુ પસંદ કરતા હોય છે."
સિંહ ગીરમાંથી કેમ બહાર નીકળે છે?
સોશિયલ મીડિયામાં ક્યારેક એવા વીડિયો વાઇરલ થતાં હોય છે કે સિંહ શહેરના મુખ્ય માર્ગ પર કે હાઈવે પર આવી ગયા હોય. સિંહે જંગલની બહારના ગામમાં આવી ગાય કે ભેંસનું મારણ કર્યું હોય એવું પણ બનતું હોય છે.
નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે હવે સિંહોને ગીરનું જંગલ નાનું પડી રહ્યું છે. સમય જતાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે, એવામાં સિંહો માટે હરવાફરવાના વિસ્તારો સીમિત થતા જાય છે.
વાઇલ્ડ લાઇફ ઍક્ટિવિસ્ટ રાજન જોશી કહે છે કે, "સંખ્યા વધી જવાને લીધે સિંહોને ગીરનું જંગલ નાનું પડી રહ્યું છે. તેથી ગીરની બહારના વનવિસ્તાર એટલે કે બૃહદ ગીરમાં સિંહો ટહેલતા હોય છે. બૃહદ ગીરમાં શિકાર માટે પશુની સંખ્યા પણ વધારે છે. તેથી સિંહ મારણ માટે પણ થોડી અનુકૂળતા રહે છે. ચોમાસામાં તો તેઓ બૃહદ ગીરમાં ખાસ જોવા મળે છે."
વન્ય જીવ સંશોધક અને સિંહો મામલે કામ કરતા જલપન રૂપાપરા બીબીસી સાથે વાત કરતા કહે છે, "ચોમાસામાં વનવિસ્તાર ઘનઘોર થઈ જાય છે. વરસાદને લીધે ત્યાં માખી, મચ્છરનો ઉપદ્રવ ખૂબ વધી જાય છે, જે સિંહોને કનડે છે. જંગલની બહાર બૉર્ડર પરનો જે ખુલ્લો વિસ્તાર હોય ત્યાં માખી, મચ્છરનો એટલો ઉપદ્રવ હોતો નથી. આથી સિંહ જંગલમાંથી એવા ખુલ્લા વિસ્તારોમાં જતા રહે છે."
વાઇલ્ડ લાઇફ ઍક્ટિવિસ્ટ રાજન જોશી કહે છે કે, માખી-મચ્છરના ત્રાસથી કંટાળીને ચોમાસામાં સિંહ ક્યારેક રોડ ઉપર પણ આવી જાય છે. ત્યાં માખી મચ્છર ઓછા નડે છે."
ખુલ્લા વિસ્તારોમાં સિંહોના જવાનું બીજું એક કારણ એ પણ છે કે ગીરની બહારના વિસ્તારોમાં ચોમાસા પછીના દિવસોમાં શિકાર પ્રમાણમાં સરળતાથી મળી રહે છે.
જલપન રૂપાપરા જણાવે છે કે, "ચોમાસાને લીધે જંગલને અડીને આવેલા ખુલ્લા વિસ્તારોમાં ઘાસ ઊગી નીકળે છે તેથી ઢોર પણ ત્યાં ચરવા આવતાં હોવાથી સિંહને ત્યાં શિકાર પણ મળી રહે છે.”
આફ્રિકા અને ગીરના જંગલમાં શું તફાવત છે?
વિશ્વમાં સિંહોનાં બે ઠેકાણાં માનવામાં આવે છે. એક તો ગુજરાતમાં ગીરનાં જંગલોમાં અને આફ્રિકાનાં જંગલોમાં. જોકે, બંને જંગલો કેટલીક બાબતમાં અલગ પડે છે.
ગીરનું જંગલ ઝાડીઝાંખરા અને વૃક્ષોથી ભરેલું છે. જ્યારે આફ્રિકાના જંગલમાં ઘાસનાં મેદાનો પ્રમાણમાં વધારે છે. ઉનાળામાં ગીરનું જંગલ સૂકું હોય છે જે સિંહને વધુ માફક આવે છે.
જલપન રૂપાપરા કહે છે કે, “ઉનાળામાં ગીરનું જંગલ થોડું ખુલ્લું હોય છે તેથી શિકાર દેખાય અને એને પકડવામાં પ્રમાણમાં સરળતા રહે છે. ચોમાસામાં જંગલ ઘનઘોર થઈ જતાં સિંહને શિકાર કરવામાં પણ તકલીફ પડે છે. તેથી પણ તેઓ જંગલ બહાર જાય છે."
ગીરમાં સિંહોનો અભ્યાસ કરતા વન્ય જીવ શોધકર્તા ડૉ. રવિ ચેલમે કહ્યું હતું કે, "આફ્રિકાનાં જંગલોમાં ઘાસનાં મેદાનો વધારે પ્રમાણમાં છે. આ કારણે ત્યાં મોટા સિંહોને છુપાઈને શિકાર કરવામાં મુશ્કેલી પડે છે. જોકે, ભારતીય જંગલોની પ્રકૃતિ અલગ છે. અહીં વૃક્ષો અને ઝાડ છે અને સિંહ પાસે છુપાઈને શિકાર કરવાનો માહોલ છે. આ ઉપરાંત ગુજરાતમાં સિંહોને જંગલની આસપાસના વિસ્તારોમાં પાળેલાં પશુઓ આરામથી મળી આવે છે."
રાજન જોશીએ જણાવ્યું હતું કે, "સિંહ મૂળે ઘાસિયા કે ખુલ્લા જંગલનું પ્રાણી છે. તેને ઝાડીઝાંખરાની ગીચતા માફક નથી આવતી. તેથી જ ચોમાસામાં જંગલની બહાર ખુલ્લામાં જોવા મળે છે."
ગુજરાતમાં સિંહોની સંખ્યા
કાઠિયાવાડ ગૅઝેટિયર અનુસાર વર્ષ 1884માં 10થી 12 સિંહ જ બચ્યા હતા. ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા 'એશિયાટિક લાયન : અ સક્સૅસ સ્ટૉરી' નામથી માહિતી પુસ્તિકા બહાર પાડી છે. જેમાં આપવામાં આવેલી વિગતો પ્રમાણે, અલગ રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એ પછી પહેલી ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે આ સંખ્યા 285 પર પહોંચી ગઈ હતી.
ભારતમાં દર પાંચ વર્ષે સિંહોની સંખ્યાની ગણતરી કરવામાં આવે છે. 2020માં થયેલી છેલ્લી ગણના મુજબ દેશમાં સિંહોની સંખ્યા 674 છે. આ સંખ્યા 2015ની સંખ્યા કરતાં 27 ટકા વધારે છે. જોકે, 674 પૈકી 300 સિંહો જંગલની બહાર રહે છે.
2015માં ગુજરાતમાં સિંહો લગભગ 22 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા હતા. 2020માં આ વિસ્તાર વધીને 30 હજાર વર્ગ કિલોમીટર થઈ ગયો છે.
સિંહોની ગણતરી પર ગુજરાત રાજ્ય સરકારના રિપોર્ટ પ્રમાણે, 51.04 ટકા સિંહો જંગલની અંદર રહે છે, જ્યારે 47.96 ટકા સિંહો વનવિસ્તારની બહાર રહે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વનવિસ્તારની બહાર 13.27 ટકા સિંહો ખેતીની જમીનવાળા વિસ્તારોમાં, 2 ટકા રહેણાક વિસ્તારોમાં અને 0.68 ટકા ખાણ અને ઔદ્યોગિક વિસ્તારોની આસપાસ જોવા મળે છે.
કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં 555 સિંહોનાં મોત થયાં છે. તત્કાલીન પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચોબેએ કહ્યું કે 2019માં 113 સિંહોનાં મોત થયાં હતાં. જ્યારે 2020, 2021, 2022 અને 2023માં અનુક્રમે 124, 105, 110 અને 103 સિંહોનાં મોત થયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન