You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અકબર' અને 'સીતા'નું નામ બદલવા પર કોર્ટે શું કહ્યું?
- લેેખક, પ્રભાકર મણિ તિવારી
- પદ, બીબીસી હિન્દી માટે કોલકાતાથી
કલકતા હાઈકોર્ટની જલપાઈગુડી સર્કિટ બેન્ચે એક રસપ્રદ જાહેરહિતના કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ત્યાંના પ્રાણીસંગ્રહાલયના સિંહ અને સિંહણનાં નામ બદલવાનો નિર્દેશ આપ્યો છે.
બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દારે આ પીઆઈએલ વિશે કોર્ટના એક નિર્ણય પછી પીઆઈએલ પર એક પુસ્તકના લેખક અને બંધારણીય બાબતોના નિષ્ણાત અનુજ ભુવાનિયા સાથે વાત કરી હતી.
ભુવાનિયાએ કહ્યું, “આ કિસ્સામાં ન તો કોઈ અધિકારનું ઉલ્લંઘન થયું છે કે ન તો તેને લગતો કોઈ કાયદો છે, છતાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અદાલતોને એવું નથી લાગતું કે આવા કેસોમાં કાયદાકીય હસ્તક્ષેપની જરૂર છે કે નહીં?”
તેમનું કહેવું છે કે કોર્ટે આ અરજીકર્તાને દંડ ફટકારીને આ અરજીને ફગાવી દેવી જોઈતી હતી અથવા તો દયા દાખવીને અરજદારને કહેવું જોઈતું હતું કે અરજી પાછી ખેંચી લે.
અરજી કોણે દાખલ કરી હતી?
મામલો એ છે કે સિંહનું નામ ‘અકબર’ અને સિંહણનું નામ ‘સીતા’ છે. તેમને 12 ફેબ્રુઆરીના રોજ ત્રિપુરાથી લાવીને સિલીગુડીસ્થિત સફારીપાર્કમાં એક સાથે રાખવામાં આવ્યાં હતાં.
વિશ્વ હિન્દુ પરિષદે (વીએચપી) આ અરજી દાખલ કરતા કહ્યું કે તેનાથી હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચશે.
વીએચપીની અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજ સૌગત ભટ્ટાચાર્યે કેટલીક રસપ્રદ ટિપ્પણીઓ કરી હતી. તેમણે સરકારી વકીલને સલાહ આપી કે પોતાના અંતરાત્માને પૂછે અને વિવાદથી બચે.
તેમણે કહ્યું, “પશ્ચિમ બંગાળ પહેલાંથી જ અનેક વિવાદોમાં છે. એવામાં સિંહ અને સિંહણનાં નામ પર થઈ રહેલા વિવાદથી બચી શકાતું હતું. કોઈ પણ પશુનું નામ કોઈ એવી વ્યક્તિના નામ પર રાખવાની જરૂર ન હતી જે સામાન્ય લોકો માટે આદરણીય હોય.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટે રાજ્ય સરકારના વકીલ દેવજ્યોતિ ચૌધરીને સવાલ કર્યો કે શું તમે તમારા પાલતુ પ્રાણીનું નામ કોઈ હિન્દુ દેવી-દેવતા કે મુસ્લિમ પયગંબરના નામ પરથી રાખશો?
જજે કહ્યું કે દેશનો એક મોટો હિસ્સો સીતાની પૂજા કરે છે અને અકબર એક ધર્મનિરપેક્ષ મુઘલ સમ્રાટ હતા. શું કોઈ પણ કોઈ પશુનું નામ રવીન્દ્રનાથ ટાગોરના નામ પર રાખી શકે?
સરકારે આપ્યો નામ બદલવાનો ભરોસો
સુનાવણી દરમિયાન રાજ્ય સરકારના વકીલે દલીલ આપી હતી કે આ બંને પશુઓનાં નામ અનુક્રમે 2016 અને 2018માં ત્રિપુરામાં રાખવામાં આવ્યાં હતાં. જોકે, તેઓ બંગાળ પહોંચ્યા પછી જ તેમના નામ પર વિવાદ શરૂ થયો.
તેમણે હાઈકોર્ટને ભરોસો આપ્યો કે આ સિંહ અને સિંહણનાં નામ બદલી નાખવામાં આવશે. તેમણે હાઈકોર્ટને વીએચપીની અરજી રદ કરવાની અપીલ કરી હતી.
જોકે, હાઈકોર્ટે અરજદારને આ અરજીને જાહેરહિતની અરજી ગણીને દાખલ કરવાની મંજૂરી આપી છે. હવે, આ અરજી જાહેરહીતની અરજીઓની સુનાવણી કરતી પીઠ સમક્ષ સુનાવણી માટે જશે.
જોકે, આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો કેવી રીતે? અરજીકર્તાની દલીલ હતી કે તેમણે આ વિશે સમાચારપત્રો દ્વારા ખબર મળી.
સિલીગુડીથી પ્રકાશિત બંગાળી અખબારે “સંગીર ખોજે સીતા” (સાથીની શોધમાં સીતા) શીર્ષકથી સમાચાર પ્રકાશિત કર્યા હતા.
વીએચપીની દલીલ હતી કે આ મામલાને અપમાનજનક રીતે પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ કારણે દેશમાં રહેતા હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચશે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે વીએચપીને આ બાબતે આખા દેશમાંથી ફરિયાદો મળી છે. આ મામલે તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોટા પાયે આંદોલન અને સામાજિક અશાંતિનો ભય છે.
બે દિવસ ચાલેલી આ સુનાવણી દરમિયાન ઍડવૉકેટ જનરલની દલીલ હતી કે કદાચ પ્રેમથી સિંહણનું નામ સીતા રાખવામાં આવ્યું છે. તેમણે અરજી પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ અરજી જાહેરહીતની નથી. અદાલતે અરજીકર્તાને સવાલ કર્યો કે તેમણે આ મામલે જાહેરહીતની અરજી કેમ ન કરી?
શું નામથી ધાર્મિક લાગણી દુભાશે?
વીએચપીના વકીલ શુભંકર દત્તે જણાવ્યું, “અમે સિંહણનું નામ હિન્દુ દેવીના નામ પર રાખવાના વિરોધમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે આ વિશે રાજ્ય સરકાર પાસે જવાબ માગવાની સાથે જ તેનું નામ બદલવાનો નિર્દેશ આપ્યો છે. પરિષદે અગાઉ પણ આ વિશે પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓને પત્ર લખ્યો હતો. ત્યાર પછી અમારે અરજી દાખલ કરવી પડી. કોર્ટનો નિર્ણય એ વીએચપીની જીત છે. કોર્ટે વીએચપીની દલીલોને સ્વીકારી છે.”
કેટલાક કાયદાના નિષ્ણાતોનું માનવું છે કે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચવાના સવાલ પર કોર્ટ હસ્તક્ષેપ કરી શકે છે.
કલકત્તા હાઈકોર્ટના વકીલ સુનીલ રાયે જણાવ્યું, “જ્યાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવાનો મુદ્દો જોડાયેલો હોય ત્યાં સામાજિક સમરસતા અને શાંતિ જાળવવા કોર્ટ હસ્તક્ષેપ કરી શકે છે. આમ કોર્ટનો નિર્ણય પોતાની રીતે સાચો છે. આ મામલો માત્ર પશુઓના નામકરણનો નથી પણ એક ખાસ સમુદાયની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાને લગતો છે. ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચવી જોઈએ.”
જોકે, કેટલાક લોકોનો આ મામલે અલગ મત છે. તેમના મત પ્રમાણે કોર્ટે આવા મામલામાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ.