You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ: પિંક બૉલથી રમવામાં ઓછો અનુભવ ભારતની હારનું કારણ બન્યો?
- લેેખક, જસવિંદર સિદ્ધુ
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી માટે
પહેલા જ દિવસે ઑલઆઉટ થઈ જનારી ટીમ માટે ટેસ્ટમૅચમાં જીતના ચાન્સ આમ તો ઓછા જ થઈ જાય છે અને જ્યારે તેઓ પિંક બૉલ સાથે ફ્લડલાઇટમાં રમી રહ્યા હોય, ત્યારે તો એ ચાન્સ વધી જાય છે.
ફ્લડલાઇટના પ્રકાશમાં પિંક બૉલ સાથે રમવાનો ઓછો અનુભવ એ એડિલેડ ટેસ્ટમૅચમાં ઊડીને આંખે વળગ્યો અને ભારતની ટીમ આ મૅચ 10 વિકેટથી હારી ગઈ.
હાર બાદ ભારતીય ટેસ્ટ ટીમના કૅપ્ટન રોહિત શર્માએ કમેન્ટેટર ઇશા ગુહાને કહ્યું કે, "આ આખું અઠવાડિયું અમારા માટે સારું ન રહ્યું. અમે સારું ન રમ્યા."
"ઑસ્ટ્રેલિયાની ટીમ અમારાથી ઘણું સારું રમી. અમારી પાસે મૅચમાં કમબૅક કરવાના અનેક ચાન્સ હતા પરંતુ અમે તેનો ફાયદો ઉઠાવવામાં નાકામ રહ્યા. જેના કારણે અમારે હારનો સામનો કરવો પડ્યો. પર્થમાં અમે મોટી જીત હાંસલ કરી હતી પરંતુ દરેક મૅચના પોતાના અલગ પડકારો હોય છે. હવે અમારું સંપૂર્ણ ધ્યાન આવનારી મૅચ પર રહેશે."
આ હાર પછી ન્યૂઝ એજન્સી એએફપી માટે ક્રિકેટ રિપોર્ટિંગ કરી ચૂકેલા કુલદીપ લાલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "ન્યૂઝીલૅન્ડ પછી હવે ઑસ્ટ્રેલિયા સામે આ રીતે લડ્યા વિના જ હાર મેળવ્યા બાદ ભારતીય પસંદગીકર્તાઓને ચિંતા થાય તે વાજબી છે. રોહિત શર્માની આ ટીમ પાસેથી આ પ્રકારની હારની આશા ન હતી."
પિંક બૉલ સામે રમવા માટે આ બૉલને સમજવો ખૂબ જ જરૂરી છે. તેની કાળી સિલાઈ કઈ દિશામાં પડી રહી છે તે છેલ્લી ઘડી સુધી ધ્યાનથી જોવું ખૂબ જ જરૂરી છે. ભારતીય બૅટ્સમૅનો આમાં નિષ્ફળ રહ્યા હતા.
ઑસ્ટ્રેલિયાને આ બૉલથી રમવાનો સારો અનુભવ છે. તેના બૉલરોએ બૉલનો યોગ્ય ઉપયોગ કર્યો હતો. તેમણે બૉલને ઑફ સ્ટમ્પ પર થોડો ઉપર ફેંકીને ભારતીય બૅટ્સમૅનોને રમવા માટે મજબૂર કર્યા હતા. આ જ કારણ છે કે મોટાભાગના બૅટ્સમૅનો વિકેટ પાછળ આઉટ થયા હતા.
જોકે, ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કે મૅચ બાદ કહ્યું હતું કે, "ગુલાબી બૉલ એ સફેદ અને લાલ બૉલ જેવો જ હોય છે. અમે ખૂબ જ સકારાત્મક માનસિકતા સાથે બૉલિંગ અને બેટિંગ કરી. અમે સકારાત્મક હતા. આ પીચ પર બૉલિંગ કરવી સારી રહી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય બૉલરો નિષ્ફળ રહ્યા
જો આપણે ભારતીય બૉલરોનું મૂલ્યાંકન કરીએ તો તેઓ પિંક બૉલ માટે જરૂરી ટ્રિકને પકડવામાં નિષ્ફળ રહ્યા હતા.
મોહમ્મદ સિરાજે પહેલા દિવસે માત્ર 15 ફુલ લૅન્થ બૉલ અને બીજા દિવસે 24.7 ટકા બૉલ ફેંક્યા. જ્યારે જસપ્રીત બુમરાહની ફુલ લૅન્થ બૉલ ફેંકવાની ટકાવારી 7.5 અને 21.3 હતી. જ્યારે હર્ષિત રાણાએ માત્ર 20 ટકા અને 31 ટકા ફુલ લૅન્થ બૉલ ફેંક્યા હતા.
પર્થ ટેસ્ટ મેચમાં ટીમની જીતનું સૌથી મોટું કારણ બૉલરોની સાચી લાઇન અને લૅન્થ હતી. આ મૅચમાં તે ગાયબ હતી. જેના કારણે મૅચના પરિણામ પર અસર પડી હતી.
ટીમ ઇન્ડિયાના બૉલિંગ કોચ મોર્ની મોર્કેલે સ્વીકાર્યું કે, "મારું માનવું છે કે આ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના બૉલરોએ પહેલા દિવસથી જ સારી બૉલિંગ કરી અને અમને રન બનાવતા રોક્યા. આ બૉલ સોફ્ટ થઈ ગયા પછી રન આપે છે."
"હું માનું છું કે ટીમ હજુ પણ આ બૉલને રમવાની યોગ્ય રીત શીખી રહી છે કારણ કે તેની પાસે તેની સાથે રમવાનો અનુભવ નથી. ટીમ હજુ પિંક બૉલથી રમવાનું શીખી રહી છે."
ટ્રેવિસ હૅડ વર્લ્ડકપ ફાઈનલથી ભારતીય ટીમ માટે માથાનો દુ:ખાવો બની રહ્યા છે. એડિલેડમાં પરેશાન કરનારી સ્થિતિમાં પણ તેમણે 141 બોલમાં 140 રનની આક્રમક ઇનિંગ રમી હતી.
જેમાં તેમના 14 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. તેમની પ્રભાવશાળી ઇનિંગ દર્શાવે છે કે ભારતીય બૉલરો પાસે તેમના માટે કોઈ પ્લાન નથી. આ ઇનિંગની મદદથી તેઓ ભારતીય ટીમને જીતની સંભાવનાથી દૂર લઈ જવામાં સફળ થયા.
અત્યાર સુધીનો ડેટા દર્શાવે છે કે સાંજના સેશનમાં ગુલાબી બૉલથી વિકેટો પડે છે. ઑસ્ટ્રેલિયનો ફ્લડલાઇટ નીચે પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
આ મૅચમાં રોહિત શર્માના ફૉર્મની પણ મોટી અસર પડી છે. એવું લાગી રહ્યું હતું કે તેઓ દિવસની રમતના અંત સુધી ટકીને નોટઆઉટ પરત ફરશે. પરંતુ પેટ કમિન્સના ઑફ સ્ટમ્પ પર પડેલા દિવસના સર્વશ્રેષ્ઠ બૉલે રોહિત શર્માના સ્ટમ્પ્સ વિખેરી નાખ્યા હતા.
રોહિત-કોહલીનું નિરાશાજનક પ્રદર્શન યથાવત્
2024-25માં રોહિત શર્માની બેટિંગ સરેરાશ માત્ર 11.83 છે. કૅપ્ટન તરીકે પ્રથમ છ બૅટ્સમૅનમાં રમતી વખતે આ તેમની સૌથી નબળી સરેરાશ છે.
તેઓ જે રીતે આઉટ થયા તેના પરથી લાગે છે કે ઑસ્ટ્રેલિયન બૉલરો જાણે છે કે તેમને કઈ લૅન્થથી બોલિંગ કરવી. તેમને ઑફ સ્ટમ્પની આસપાસ બૉલ ફેંકવામાં આવે તો તેઓ કૅચ થઈ રહ્યા છે.
આ સિઝનમાં તેમની છેલ્લી 12 ઇનિંગ્સમાંથી તેઓ આઠમાં 10 રનથી વધુ નોંધાવી શક્યા નથી.
વિરાટ કોહલી સતત ઇનસાઇડ ઍજ સ્લિપ અથવા વિકેટ પાછળ કૅચ પકડે છે. આટલી મોટી ટેસ્ટ મૅચમાં જો વિરાટ કોહલી જેવો બૅટ્સમૅન રન ન બનાવે તો ટીમ જીતની આશા રાખી શકે નહીં.
એ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, સ્કૉટ બૉલેન્ડે તેમની સામે જબરદસ્ત હોમવર્ક કર્યું છે. વિરાટનું આ રીતે આઉટ થવું આગામી મૅચોમાં ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે.
ચોક્કસપણે આ હાર પછી, રોહિત અને વિરાટને લઈને ચોક્કસ પ્રશ્નો ઊભા થશે કે તેઓ આ ટીમમાં કેટલો સમય રહેશે.
સીરિઝ 1-1થી બરાબર હોવાથી રસપ્રદ બની છે. આવી સ્થિતિમાં આગામી ટેસ્ટ મૅચમાં રસપ્રદ મુકાબલાની અપેક્ષા રાખી શકાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન