You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2025: હરાજીમાં ન વેચાયેલા ઉર્વીલ પટેલે સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકૉર્ડ કેવી રીતે તોડ્યો?
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ભારતીય ખેલાડી બનીને ગુજરાતના ઉર્વીલ પટેલે ટીમ ઇન્ડિયામાં પ્રવેશ માટેનો દાવો કરી દીધો છે. લિસ્ટ-એ અને ટી20 એમ બંનેમાં આક્રમક બેટિંગમાં ઉર્વીલ પટેલે ઝંઝાવાત સર્જ્યો છે.
ગુજરાતની ટીમ હાલમાં ઇન્દોરમાં સૈયદ મુસ્તાક અલી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમી રહી છે જેમાં બે દિવસ અગાઉ ત્રિપુરા સામેની મૅચમાં ટીમના 26 વર્ષીય બૅટ્સમૅન ઉર્વીલ પટેલે ધમાલ મચાવી દીધી હતી.
ઉર્વીલ પટેલ તેમની ઝંઝાવાતી બેટિંગ માટે જાણીતા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની જુનિયર ટીમમાં રમતા ઉર્વીલને સ્ટેટ ટીમમાં તક મળી અને આ તકને તેમણે સહર્ષ સ્વીકારી લીધી, કેમ કે તેઓ તેમની ક્ષમતા સારી રીતે જાણતા હતા. હકીકતમાં તો તેઓ આ પ્રકારના મોકાની રાહ જ જોઈ રહ્યા હતા.
હજી બે વર્ષ અગાઉ ગુજરાતની ટીમ સી. કે. નાયડુ ટ્રૉફી અંડર-23 ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન બની હતી તેમાં ઉર્વીલનો સિંહફાળો હતો અને હવે તેઓ ગુજરાતની સ્ટેટ ટીમ વતી સૈયદ મુસ્તાક અલી ટી20 અને વિજય હઝારે વનડે (લિસ્ટ-એ) ટુર્નામેન્ટમાં રમી રહ્યા છે.
બેટિંગ ઉપરાંત વિકેટકીપિંગ પણ કરે છે ઉર્વીલ
1998ની 17મી ઑક્ટોબરે મહેસાણામાં જન્મેલા પરંતુ મૂળ વડનગરના ઉર્વીલ એક સમયે ગુજરાતમાંથી રમવું કે બરોડાની ટીમમાંથી તે વિશે દ્વીધામાં હતા.
ભારતીય ક્રિકેટ બોર્ડનાં વિવિધ ઍસોસિયેશનમાં ગુજરાત અને બરોડા (ઉપરાંત સૌરાષ્ટ્ર) છે પરંતુ ગુજરાતના નકશામાં આ ત્રણેય ટીમ આવરી લેવાય છે.
ઉર્વીલનો જન્મ મહેસાણામાં હોવાને કારણે તેઓ મૂળ બરોડા ક્રિકેટ ઍસોસિયેશન માટે રમવા લાયકાત ધરાવતા હતા. જ્યારે તેમનું મૂળ વતન વડનગર એટલે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન માટે પણ તેઓ રમી શકે તેમ હતા.
જોકે, ઉર્વીલે આ બંને ઍસોસિયેશન માટે પદાર્પણ કર્યું. તેઓ શરૂઆતમાં ભારતીય ક્રિકેટ બોર્ડની ટી20 અને લિસ્ટ-એ મૅચો બરોડામાંથી રમ્યા પરંતુ 2018-19માં તેઓ ગુજરાતની ટીમમાં આવી ગયા અને અત્યારે તેઓ ગુજરાત માટે રમી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૂળે આક્રમક બૅટ્સમૅન એવા ઉર્વીલ વિકેટકીપિંગ પણ કરે છે.
IPL 2025 માટે અનસોલ્ડ રહ્યા ઉર્વીલ
હાલમાં તેઓ ગુજરાત માટે ટી20 રમી રહ્યા છે જેમાં આઈપીએલ અને કેટલાક ઇન્ટરનેશનલ સ્ટાર બૅટ્સમૅનને પણ શરમાવે તેવો 164.11નો સ્ટ્રાઇક રેટ ધરાવે છે.
હજી બે દિવસ અગાઉ તેમણે મુસ્તાક અલી ટી20 ટુર્નામેન્ટમાં ત્રિપુરા સામેની મૅચમાં માત્ર 28 બૉલમાં સદી ફટકારી દીધી હતી જેમાં એક બે નહીં પણ 12 સિક્સર સામેલ હતી.
ગઈ સિઝનમાં તેમને આઈપીએલની હરાજીમાં ગુજરાત ટાઇટન્સની ટીમમાં ખરીદવામાં આવ્યા હતા, પરંતુ તેમને એક પણ મૅચ રમવા મળી ન હતી.
જોકે ઉર્વીલને દુઃખ એ વાતનું હશે કે આ વખતની આઈપીએલની હરાજીમાં તેમને કોઈ ટીમે ખરીદ્યો નથી.
માત્ર ઉર્વીલ જ નહીં પરંતુ ભારત માટે રમતા હોય તેવા (બુમરાહ કે અક્ષર પટેલ જેવા) ગુજરાતી ખેલાડીઓને બાદ કરતાં અન્ય કોઈ ગુજરાતી ખેલાડીને આ વખતે આઈપીએલમાં ખરીદવામાં આવ્યા નથી.
જોકે ઉર્વીલે ત્રિપુરા સામે જે રીતે આક્રમક વલણ અપનાવ્યું તે જોવાલાયક હતું. તેમણે 35 બૉલમાં 12 સિક્સર સાથે અણનમ 113 રન તો ફટકાર્યા પરંતુ ટીમને જરૂરી એવા 156 રનનો સ્કોર 11મી ઓવરમાં જ વટાવી આપ્યો.
ઉર્વીલે ગેઇલ અને પંતનો રેકૉર્ડ તોડ્યો
ભારતના ટી20 ઇતિહાસમાં (આઈપીએલની મૅચો સહિત) કોઈ બૅટ્સમૅને 28 બૉલમાં સદી ફટકારી નથી. અગાઉ ક્રિસ ગેઇલે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લોર વતી રમતી વખતે એપ્રિલ 2013માં પુણે વૉરિયર્સ સામે 30 બૉલમાં સદી ફટકારી હતી.
175 રનની એ યાદગાર ઇનિંગ્સમાં ગેઇલે 11 સિકસર ફટકારી હતી અને તેમના કરતાં એક વધારે સિક્સર ઉર્વીલે ત્રિપુરા સામે ફટકારી હતી. ટી20માં ભારતીય બૅટ્સમૅનની ઝડપી સદીની વાત કરીએ તો આ વખતે વણવેચાયેલા રહેલા ઉર્વીલને આઈપીએલની હરાજીના સૌથી મોંઘા બૅટ્સમૅન ઋષભ પંત (27 કરોડ રૂપિયા)ના 32 બૉલમાં સદીના રેકૉર્ડને પાછળ રાખી દીધો હતો.
આમ તેમણે ભારતીય ટી20 અને ભારતીય બૅટ્સમૅનોમાં સૌથી ઝડપી ટી20 સદીનો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો.
ઉર્વીલ પટેલ માટે જોકે ઝડપી બેટિંગ કરવી નવી વાત નથી. હજી એક વર્ષ અગાઉ તેમણે ચંદીગઢ ખાતે રમાયેલી વિજય હઝારે ટ્રૉફીની વનડે ક્રિકેટ મૅચમાં અરુણાચલ પ્રદેશ સામે માત્ર 41 બૉલમાં સદી ફટકારી હતી.
એ વખતે તેમણે એક સમયની પોતાની ટીમ બરોડા માટે ભૂતકાળમાં રમી ચૂકેલા યુસૂફ પઠાણનો રેકૉર્ડ તોડ્યો હતો.
યોગાનુયોગ ત્રિપુરા સામેની ટી20 મૅચ અને અરુણાચલ પ્રદેશ સામેની હઝારે ટ્રૉફીની વનડે મૅચ બરાબર એક વર્ષના અંતરે એક જ તારીખે રમાઈ હતી.
વનડે મૅચ 2023ની 27મી નવેમ્બરે અને ટી20 મૅચ 2024ની 27મી નવેમ્બરે રમાઈ હતી.
ટીમ ઇન્ડિયામાં પ્રવેશવા થનગનતા ઉર્વીલ
વડનગરના કહીપુર ગામના વતની ઉર્વીલનાં માતાપિતા વ્યવસાયે શિક્ષણક્ષેત્રે સંકળાયેલાં છે. ઉર્વીલે માત્ર છ વર્ષની વયે ક્રિકેટક્ષેત્રે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
2023માં તેને ઘડવાની શરૂઆત કરી હતી. 2023માં ઉર્વીલને ગુજરાત ટાઇટન્સની ટીમે ખરીદ્યા ત્યારે ઉત્તર ગુજરાતમાંથી કોઈ ક્રિકેટર આવી રીતે ચમક્યા હોય તેવો પ્રથમ પ્રસંગ હતો.
ઉર્વીલે અગાઉ જુનિયર ક્રિકેટમાં પણ કમાલ કરેલી છે. 2018માં આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં પણ તેમની પસંદગી થઈ હતી.
આ ઉપરાંત બરોડામાં યોજાતી કિરણ મોરે ટી20 લીગમાં ઉર્વીલે એક વાર માત્ર 66 બૉલમાં 188 રન ફટકારી દીધા હતા, પરંતુ આ ટુર્નામેન્ટ બીસીસીઆઈની નહીં હોવાથી તેમનો આ રેકૉર્ડ સત્તાવાર યાદીમાં સામેલ થઈ શક્યો નથી.
પોતાની બેટિંગ વિશે ઉર્વીલ કહે છે, “હું મૅચની પરિસ્થિતિ મુજબ બેટિંગ કરું છું. ભારત માટે રમવાનું મારું સ્વપ્ન છે, પરંતુ તેના માટે મહેનત અત્યંત જરૂરી હોય છે અને હાલમાં હું તે માટે આકરો પરિશ્રમ કરી રહ્યો છું.”
આઈપીએલમાં તક નહીં મળવા અંગે ઉર્વીલ કહે છે, “હરાજીના બે દિવસ બાદ મેં આક્રમક સદી ફટકારી હતી, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. હવે નિયમ મુજબ તો મને કોઈ ટીમ ખરીદી શકે નહીં પણ કેટલીક ટીમમાં હજી પણ સ્થાન ભરાયાં નથી ત્યારે એવી આશા રાખી શકું કે મને ક્યાંક રમવાની તક મળે, નહીંતર મારી પાસે હજી ઘણાં વર્ષો પડ્યાં છે, ભવિષ્યમાં હું મારી બેટિંગથી આપોઆપ પસંદગીનો દાવેદાર બની શકું તેવી ક્ષમતા વિકસાવવા માગું છું.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન